Rajkot

પ્લાસ્ટિકના ધંધાના નામે બેડી યાર્ડના વેપારી સાથે રૂા.1.63 કરોડની ઠગાઇ

By GS Team
11 Sep 20262 mins read
TukuTouch Logo
રાજકોટના રણછોડનગરના જીગરભાઈ સોરઠીયા સાથે સુરતના રાકેશ માંડોતે પ્લાસ્ટિકના ધંધામાં ભાગીદારી કરી 1.63 કરોડની છેતરપિંડી આચરી છે. આરોપીએ જીએસટીમાં સમસ્યાનું બહાનું આપી પોતાની પત્ની અને માતાના ખાતામાં પૈસા જમા કરાવ્યા હતા. કુલ 2.29 કરોડ આપ્યા બાદ માત્ર 65.92 લાખનો હિસાબ મળ્યો. કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પ્લાસ્ટિકના ધંધાના નામે બેડી યાર્ડના વેપારી સાથે રૂા.1.63 કરોડની ઠગાઇ

રાજકોટ : રણછોડનગર શેરી નં.૧૦માં રહેતા અને બેડી માર્કેટ યાર્ડમાં કામનાથ ટ્રેડિંગ નામની પોતાની જ પેઢીમાં મહેતાજી તરીકે કામ કરતા જીગરભાઇ સોરઠીયા (ઉ.વ.૩૨) સાથે પ્લાસ્ટિકના ધંધામાં ભાગીદારી કરી આરોપી રાકેશ પુખરાજ માંડોત (રહે. ગોવર્ધન સ્કાયલાઇન, પાલ વિસ્તાર, સુરત)એ રૂા.૧.૬૩ કરોડની છેતરપિંડી કર્યાની કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
ફરિયાદમાં જીગરભાઇએ જણાવ્યું છે કે, આરોપી વેદાંત ઇક્કોપ્લાસ્ટ નામની પેઢી ધરાવે છે. જેમાં પ્લાસ્ટિકના રો-મટિરિયલનો વેપાર કરે છે. આરોપી સાથે દોઢેક વર્ષ પહેલા પરિચય થતાં વેપાર શરૂ કર્યો હતો. ઓગસ્ટ ૨૦૨૫માં આરોપીએ કોલ કરી તેની પેઢીનાં જીએસટીમાં પ્રોબ્લમ હોવાનું કહીં તેનો નિવેડો ન આવે ત્યાં સુધી પેઢીના નામના બિલ નહીં બનાવવા કહ્યું હતું.
એટલું જ નહીં આ સમય દરમિયાન તમામ વહીવટ તેની પત્ની રિંકલબેન જૈન અને માતા વિમળાબેનના ખાતામાં કરવાનું કહ્યું હતું. જેથી આરોપીની માતાના ખાતામાં પ્લાસ્ટિકના રો-મટિરિયલની ખરીદી માટે રૂા.૧.૩૭ કરોડ જમા કરાવ્યા હતા. જેમાંથી આરોપીએ રૂા.૩૯.૪૨ લાખનો હિસાબ જ આપ્યો હતો. આરોપીની પત્નીના ખાતામાં રૂા.૪૪.૧૬ લાખ જમા કરાવ્યા હતા. જેમાંથી આરોપીએ રૂા.૨૪ લાખનો હિસાબ આપ્યો હતો.
આ ઉપરાંત આરોપીના બેંક ખાતામાં રૂા.૧૩.૨૦ લાખ જમા કરાવ્યા હતા. આંગડીયા મારફત રૂા.૩૪ લાખ મોકલ્યા હતા. જેની સામે આરોપીએ રૂા.૨.૫૦ લાખનો જ હિસાબ આપ્યો હતો. આ રીતે આરોપીને કુલ રૂા.૨.૨૯ કરોડ આપ્યા હતા. જેમાંથી માત્ર રૂા.૬૫.૯૨ લાખનો જ હિસાબ આપ્યો હતો. અવારનવાર હિસાબની માગણી કરાતા આરોપી શેરબજારમાં રૂપિયા હારી ગયાનું બહાનું બતાવી થોડા દિવસમાં રકમ આપી દેવાનું કહેતો હતો.
પરંતુ આજ સુધી રકમ પરત નહીં આપતા ક્રાઇમ બ્રાંચમાં અરજી કરી હતી. તે વખતે આરોપીએ થોડા દિવસોમાં રકમ આપી દેવાની વાત કર્યા બાદ રકમ નહીં આપતા આખરે ફરિયાદ નોંધાવી હતી.