Rajkot

એનાલોગ પનીર-બટર-ચીઝ પર પ્રતિબંધથી ફૂડ બજારમાં તોળાતો ત્રણ ગણો ભાવવધારો

By GS Team
8 Aug 20262 mins read
TukuTouch Logo
રાજ્ય સરકારે એનાલોગ પનીર, બટર અને ચીઝ પર પ્રતિબંધ લાદતા ફૂડ માર્કેટમાં સ્વૈચ્છિક લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજકોટ સહિત રાજ્યભરમાં ફૂડ વિભાગના દરોડાથી હોટલો, રેસ્ટોરન્ટ, પીઝા પાર્લર, કેફે, કેટરર્સ અને લારી-ગલ્લાના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. 65,000 થી વધુ ધંધા બંધ થવાના આરે છે, કારણ કે અસલી પ્રોડક્ટ્સ મળતી નથી અને ભાવ બમણાથી ત્રણ ગણા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એનાલોગ પનીર-બટર-ચીઝ પર પ્રતિબંધથી ફૂડ બજારમાં તોળાતો ત્રણ ગણો ભાવવધારો

રાજકોટ: ફૂડ માર્કેટમાં ૯૫ ટકા જેટલો દારોમદાર એનાલોગ પનીર, બટર અને ચીઝ પર છે, ત્યારે ગેસ સિલિન્ડરની અછત અને તેના કાળાબજારમાં ત્રણ ગણા ભાવ ચૂકવવાની થપાટની કળ હજુ વળી નથી, ત્યાં રાજ્ય સરકારે એનાલોગ પનીર, બટર અને ચીઝ પર પ્રતિબંધ લાદતા સ્વૈચ્છિક લોકડાઉન જેવી સ્થિતિ ઉભી થઈ છે. આ સાથે જ ફૂડ વિભાગ દ્વારા ધમધમાટ દરોડા પાડવાનું શરૂ કરાતા હોટલો, રેસ્ટોરન્ટ, પીઝા પાર્લર, કેફે, કેટરર્સથી માંડીને લારી-ગલ્લાના સ્ટ્રીટ ફૂડ માર્કેટમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
હાલ પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે ગેસ સિલિન્ડરની જેમ હવે પૂરા પૈસા આપવા છતાં અસલી પનીર, બટર અને ચીઝ મળતા નથી, જેના કારણે હોટલો અને રેસ્ટોરન્ટોના ધંધા બંધ થવા લાગ્યા છે. બીજી બાજુ, મહારાષ્ટ્ર બાદ ગુજરાત સરકારે પ્રતિબંધ જાહેર કરતાં રાજ્યમાં ૬૫,૦૦૦થી વધુ હોટલો, રેસ્ટોરન્ટ, પીઝા પાર્લર, કેફે, કેટરર્સથી માંડીને લારી-ગલ્લાની સ્ટ્રીટ ફૂડ માર્કેટમાં સોપો પડી ગયો છે. રાજ્યભરમાં ચાલી રહેલી કડક કાર્યવાહીના પગલે હોટલો, રેસ્ટોરન્ટ, કેટરર્સ અને સ્ટ્રીટ ફૂડ સંચાલકોએ મજબૂર થઈને પનીર, બટર અને ચીઝ વગરના ફૂડ મેનુ ગ્રાહકો સમક્ષ મુકવા પડયા છે. પરિસ્થિતિ એવી બની છે કે મેનુમાંથી પંજાબી પનીર સબ્જીનું સ્થાન હવે ગુજરાતી શાક સાથેની સાદી થાળીએ લઈ લીધું છે.
વળી, એનાલોગ અને અસલી પ્રોડક્ટ્સના ભાવમાં બમણાંથી ત્રણ ગણો મોટો તફાવત હોવાથી હોટલ, રેસ્ટોરન્ટ, પીઝા પાર્લર, કેફે, કેટરર્સ તેમજ સ્ટ્રીટ ફૂડ સંચાલકોને આ ધંધો ચલાવવો અશક્ય બન્યો છે. આ જંગી ભાવ તફાવતના કારણે સંચાલકોને આર્થિક ભારણ પોસાય તેમ નથી. જો આ જ સ્થિતિ આગામી સમયમાં ચાલુ રહેશે તો ફરજિયાતપણે પનીર, બટર અને ચીઝની ફૂડ આઈટમોના ભાવ બમણા કે ત્રણ ગણા કરવા સિવાય કોઈ વિકલ્પ નહીં બચે, એમ ફૂડ ધંધાર્થીઓનું કહેવું છે..

  • પનીર, બટર અને ચીઝથી બનતી ફેવરિટ ફૂડ આઈટમો
  • પનીર ટિક્કા મસાલા
  • પાલક પનીર, મટર પનીર
  • કઢાઈ પનીર, પનીર ભુર્જી
  • પનીર કોફ્તા, શાહી પનીર
  • ચીઝ ગાલક બ્રેડ અને ટોસ્ટ
  • ચીઝ બર્ગર અને સેન્ડવિચ
  • ચીઝ પાસ્તા અને ફ્રાઈસ
  • ચીઝ મસાલા ઢોસા
  • ચીઝ વડાપાઉં - મોમોસ
  • બટર રાયતા, બટર ખીચડી
  • બટર પાંઉભાજી
  • બટર રોટી, નાન, પરોઠા
  • બટર દાળ મખની
  • બટર કોર્ન અને સૂપ
  • એનાલોગ અને અસલી પ્રોડક્ટ્સના ભાવમાં તફાવત
    ખાદ્ય સામગ્રી એનાલોગ પ્રોડક્ટ્સ સારી બ્રાન્ડ / અસલી પ્રોડક્ટ્સ
    પનીર રૂ. ૨૦૦ થી ૨૫૦ પ્રતિ કિલો રૂ. ૪૦૦ થી ૪૫૦ પ્રતિ કિલો
    ચીઝ રૂ. ૩૦૦ થી ૩૫૦ પ્રતિ કિલો રૂ. ૫૨૦ થી ૫૫૦ પ્રતિ કિલો
    બટર રૂ. ૨૨૦ થી ૨૮૦ પ્રતિ કિલો રૂ. ૬૦૦ થી ૬૫૦ પ્રતિ કિલો