તાલાલામાં પોલીસ કર્મચારીનું ગળં દબાવી હત્યાનો પ્રયાસ, લાફા ઝીંક્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

તાલાલા ગીર : તાલાલા તાલુકાના મોરૂકા ગામે પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલા આરોપીઓના મેડિકલ ચેકઅપ માટે આરોપીઓને પોલીસ તાલાલા હોસ્પિટલે લઇ ગઈ ત્યારે આરોપીઓના સાગરિતોએ હોસ્પિટલે ધસી આવી પોલીસકર્મીઓ સાથે ધમાલ કરવા ઉપરાંત અક પોલીસ મેનને પકડીને ચાર પાંચ ફડાકા મારી ગળું દબાવી દઈ હત્યાનો પ્રયાસ કરી મારી નાખવાની ધમકી આપી હતી.
ગત તા.૯નાં રોજ મોરૂકા ગીર ગામે રહેણાંક મકાનમાં વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમી મળતા પોલીસે દારૂનો દરોડો પાડીને પ્રવીણ પરમાર ઉર્ફે.બુઢો રેહે.મોરૂકા ગીર, સંજય ભીખા ચૌહાણ મુળ.જેતલસર(હાલ મોરૂકા)ની અટક કરી વિદેશી દારૂના ક્વાર્ટર નંગ.૨૦ તથા મોટી બોટલ નંગ.૪, મોબાઈલ- ર મળી કુલ રૂ.૧૪ હજારનો મુદ્દામાલ જપ્ત કરી બંનેની ધરપકડ કરી હતી. બંને આરોપીને તાલાલા સરકારી હોસ્પિટલે મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા ત્યાં આરોપી પ્રવિણ પરમારનો ભાઈ રાહુલ જીણા પરમાર રહે.આંકોલવાડી તથા જેન્તી જગા પરમાર રહે.મંડોરણા ગીર ધસી આવ્યા હતા. 'દારૂના ખોટાં કેસ કરી દારૂ વેચવા દેતા નથી, હવે અમે પોલીસને જોઈ લેશું,ખોટા કેસો કરી પોલીસના પટ્ટા ઉતરાવી દઈશું' તેવી ધમકી આપી,પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી.
આરોપીનાં સાગરિતો જેન્તી તથા રાહુલે પોલીસ કર્મચારી ભાવેશભાઈ દુદાભાઈ ગોહિલને 'તું બહાર નીકળે એટલે પતાવી દેવો છે. જેણે બાતમી આપેલ તે બાતમીદારને પણ પતાવી દેવો છે' તેમ કહી ચારથી પાંચ ઝાપટો મારી, જોરથી ગળું દબાવી દેતા પોલીસ કર્મચારીનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. અન્ય પોલીસ કર્મીઓએે તેને માંડ માંડ છોડાવ્યા હતાં. આ બનાવ અંગે ચારેય આરોપીઓ વિરુદ્ધ તાલાલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પી.આઈ. વિપુલભાઈ ગાગીયાએ વધુ તપાસ હાથ ધરી છે.




