રાજકોટમાં આંગડિયા પેઢીની રૂ.19 લાખની લૂંટનો પર્દાફાશ, ક્રાઈમ બ્રાન્ચે 2 શખસોને દબોચ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Rajkot Angadia Robbery Crime Branch Solved: રાજકોટ શહેરમાં પ્રાઈમ આંગડિયા પેઢીમાંથી રૂ.19 લાખની સનસનાટીભરી લૂંટ ચલાવીને ફરાર થઈ ગયેલી ગેંગ સામે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે. પોલીસે ગુનાહિત ષડયંત્રમાં સામેલ બે સાગરીતોને દબોચી લીધા છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આ લૂંટ માટે ખાસ ચોરીના બાઇકનો ઉપયોગ કરાયો હતો અને તેના પર બોગસ નંબર પ્લેટ લગાવવામાં આવી હતી.
મકાન અને બાઇકની સગવડ આપનાર 2 સાગરીતો ઝડપાયા
ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે કાર્યવાહી કરીને રમઝાન અલી અને પ્રવીણ ઉર્ફે ખાજિયો નામના બે આરોપીઓને દબોચી લીધા છે. પકડાયેલા આ બંને શખસોએ લૂંટ ચલાવનારા મુખ્ય આરોપીઓને રોકાવવા માટે રહેવાની સગવડ તેમજ ગુનામાં વપરાયેલા ચોરીનું બાઇક પૂરું પાડ્યું હતું. પોલીસે લૂંટની કુલ રૂ.19 લાખની રકમમાંથી રૂ.2 લાખની રોકડ રિકવર કરી છે.
મુખ્ય આરોપીઓ ફરાર
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આંગડિયા પેઢીમાં પ્રત્યક્ષ રીતે ધાડ પાડનારા મુખ્ય આરોપીઓ આસુ અને ઇલુ નામના શખસો છે, જેઓ હાલ પોલીસ પકડથી દૂર છે. પકડાયેલા આરોપીઓ પૈકી પ્રવીણ વિરુદ્ધ રાજસ્થાનમાં 2 ગુના નોંધાયેલા છે. જ્યારે ફરાર મુખ્ય આરોપી આસુ રીઢો ગુનેગાર હોવાનું અને તેની સામે અગાઉ લૂંટના 22 જેટલાં ગંભીર ગુના નોંધાયેલા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
ચોરીના બાઇક પર ફેક નંબર પ્લેટ લગાવી ખેલ પાડ્યો
શાતિર લૂંટારૂઓએ પોલીસને ગુમરાહ કરવા માટે પૂર્વ આયોજિત પ્લાન મુજબ ચોરી કરેલા બાઇકનો ઉપયોગ કર્યો હતો અને તેના પર ખોટી નંબર પ્લેટ લગાવી દીધી હતી. હાલ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે પકડાયેલા બંને આરોપીઓની કડક પૂછપરછ શરૂ કરી છે અને નાસતા ફરતા મુખ્ય આરોપીઓ આસુ અને ઇલુને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટુકડીઓ બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.









