VIDEO| U-19 એશિયા કપમાં રાજકોટના ઓલરાઉન્ડર આર્યન સવસાણીનું શાનદાર પ્રદર્શન, પિતાએ કહ્યું-'લોકો કહેતા ક્રિકેટમાં ના મોકલાય'
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Aryan Savsani Rajkot Cricketer U19 Asia Cup: અંડર-19 એશિયા કપ 2026 ની રોમાંચક ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવીને ઐતિહાસિક ટાઇટલ જીતી લીધું છે, ત્યારે આ ભવ્ય જીત રાજકોટના પ્રતિભાશાળી ઓલરાઉન્ડર આર્યન સવસાણી અને તેના પરિવાર માટે ગર્વની ક્ષણ તરીકે ઉભરી આવી છે.
એશિયન ક્રિકેટ કાઉન્સિલ(ACC) મેન્સ અંડર-19 એશિયા કપ 2026ની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને એક વિકેટે હરાવીને ચેમ્પિયનનો તાજ પોતાના નામે કર્યો છે. ઓમાનના અલ અમેરાત ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલા આ હાઈ-વોલ્ટેજ મુકાબલામાં પાકિસ્તાને આપેલા 338 રનના વિશાળ લક્ષ્યાંકને ભારતે અંતિમ ઓવરમાં પાર પાડ્યો હતો. આ ઐતિહાસિક સફરમાં ટીમ ઈન્ડિયાના યુવા ઓલરાઉન્ડર આર્યન સવસાણીએ સમગ્ર ટુર્નામેન્ટમાં અત્યંત શાનદાર યોગદાન આપ્યું છે. ખાસ કરીને અફઘાનિસ્તાન સામેની સેમિફાઇનલ મેચમાં આર્યને 7 ઓવરમાં માત્ર 29 રન આપીને 2 મહત્ત્વપૂર્ણ વિકેટો ઝડપી હતી.
પરિવારજનોમાં ભારે ખુશી અને ઉત્સાહનો માહોલ
મૂળ મોરબીના ટંકારાના કલ્યાણપુર ગામના વતની અને હાલ રાજકોટના સાધુ વાસવાણી રોડ પર રહેતા આર્યન સવસાણીના પિતા મોરબીના ખાનપર ગામની હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. પુત્રની આ ગૌરવવંતી સફળતા બાદ રાજકોટ સ્થિત તેના નિવાસસ્થાને પરિવારજનોમાં ભારે ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આર્યનના પરિવારે મીડિયા સાથે ખાસ વાતચીત કરીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, આર્યને ક્રિકેટના પાયાના પાઠ રાજકોટના બાલ ભવન ખાતે વર્ષોની સખત મહેનતથી શીખ્યા છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ તરફથી રમીને પોતાની પ્રતિભા સાબિત કરનાર આર્યન આજે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને ચેમ્પિયન બનાવવામાં સહભાગી બનતા સમગ્ર સૌરાષ્ટ્ર અને તેના પરિવાર માટે આ ક્ષણ અવિસ્મરણીય બની ગઈ છે.

U19 એશિયા કપમાં ભારત ચેમ્પિયન
ACC મેન્સ અંડર-19 એશિયા કપ 2026ની ફાઇનલમાં આજે (14 નવેમ્બર) ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થઈ. બંને ટીમો વચ્ચેનો આ મુકાબલો અલ અમેરાતના અલ અમેરાત ક્રિકેટ ગ્રાઉન્ડ (મિનિસ્ટ્રી ટર્ફ 2) ખાતે રમાયો. આ મુકાબલામાં પાકિસ્તાનની ટીમે ભારતીય ટીમને જીતવા માટે 338 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રોમાંચક મેચમાં ભારતની એક વિકેટે જીત થઈ છે. ગુજરાતી મોહિત ઉલ્વાએ પાકિસ્તાનના હાથમાં આવેલી બાજી છીનવી હતી, સુરેન્દ્રનગરના મોહિત ઉલ્વાએ 49* રન બનાવ્યા. છેલ્લી ઓવરમાં ચોગ્ગો ફટકારીને જીત અપાવી. આ સાથે ભારતે નવમી વખત આ ટુર્નામેન્ટ કબજે કરી છે.




