ગોંડલના ગુંદાળામાં ભેળસેળયુક્ત મસાલાનું કારખાનું ઝડપાયું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

જેપી મસાલા નામના કારખાનામાંથી રૂા.42 લાખના ભેળસેળયુક્ત મસાલા કબજે, લોકોનાં આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતા હતા
ગોંડલ: એક સમયે મસાલા માટે પ્રખ્યાત ગોંડલ હવે નકલી મસાલાના હબ તરીકે આગળ વધી રહ્યું હોય તેમ રૂા.૪૨ લાખના ભેળસેળયુક્ત મસાલા ઝડપાયા છે. એસઓજીએ ગોંડલના ગુંદાળા ગામની સીમમાં આવેલ મહાદેવ ઇન્ડસ્ટ્રીઝમાં સ્થિત જેપી મસાલા નામના કારખાનામાં દરોડો પાડી ભેળસેળયુક્ત મરચું, જીરૂં, ધાણાજીરૂં અને હળદરનો જથ્થો ઝડપી લીધો હતો.
એસઓજીએ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, આ કારખાનામાં જીરૂંમાં ધાણાજીરૂંનું ભૂસુ, હળદરમાં મકાઇનો લોટ અને કૃત્રિમ કલર અને મરચામાં પામોલિન તેલ ઉપરાંત કૃત્રિમ કલરનું મિશ્રણ કરવામાં આવતું હતું. જે આરોગ્ય માટે ખુબ જ ગંભીર છે.
એસઓજીના પીએસઆઇ જી.જે. ઝાલાએ મળેલી બાતમીના આધારે ગઇકાલે જેપી મસાલા નામના કારખાનામાં ફૂડ એન્ડ ડ્રગ્સ સેફ્ટી ઓફિસરને સાથે રાખી દરોડો પાડયો હતો. તે વખતે કારખાનામાંથી મસાલાનો જે જથ્થો મળ્યો હતો તેમાં ભેળસેળ જણાઇ હતી, જેથી ફૂડ વિભાગે નમૂના લઇ તેને લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ પોલીસે જાણવાજોગની નોંધ કરી છે.
કારખાનાનો માલિક મિતુલ ઉર્ફે મનિષ ગીરધરભાઇ બાલધા (ઉ.વ.૩૯, રહે. મુરલીધર રેસિડેન્સી, ગોંડલ) છે. અગાઉ તેનો ભાઇ આ કારખાનું ચલાવતો હતો. છેલ્લા કેટલાક સમયથી તેણે કારખાનું સંભાળી લીધું હતું. એસઓજીના સૂત્રોએ જણાવ્યું કે, કારખાનામાં મસાલામાં ભેળસેળ તો કરવામાં આવતી જ હતી, સાથોસાથ ચોખ્ખાઇનું પણ કોઇ ધ્યાન રાખવામાં આવતું ન હતું. જે ભેળસેળ થતી હતી તેને કારણે મસાલા આકર્ષક તો બની જ જતાં હતા, સાથોસાથ તેનો જથ્થો પણ વધી જતો હતો.
હજુ એકાદ માસ પહેલાં જ ગોંડલના જામવાડી જીઆઇડીસીમાં ફૂડ વિભાગે બે સ્થળે દરોડા પાડી ભેળસેળયુક્ત મસાલાનો મોટો જથ્થો કબજે કર્યો હતો. હવે ગુંદાળામાંથી ભેળસેળયુક્ત મસાલાનો જથ્થો મળતાં ગોંડલ પંથકમાં વેંચાતા મસાલા પરથી લોકોનો વિશ્વાસ ડગમગી જાય તો નવાઇ નહીં રહે.




