Rajkot

ફોટોફ્રેમના ધંધાનો ખાર રાખી છરીથી હૂમલો કરી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો

By GS Team
27 Jun 20262 mins read
TukuTouch Logo
રાજકોટના દૂધસાગર રોડ પર ફોટો ફ્રેમના ધંધાની અદાવતમાં પ્રકાશ ઉર્ફે ગોપાલ જાદવ પર અનિલ પરમાર, તેના ભાઈ સુનિલ, પિતા રમેશ, માતા હંસા અને કાકા ભરતે છરી-ધોકા વડે હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા ગોપાલનું સારવાર દરમિયાન મોત થતાં મામલો હત્યામાં પલટાયો છે. થોરાળા પોલીસે 5 આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી અનિલ અને સુનિલની ધરપકડ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફોટોફ્રેમના ધંધાનો ખાર રાખી છરીથી હૂમલો કરી યુવાનને મોતને ઘાટ ઉતાર્યો

રાજકોટ: રાજકોટના દૂધસાગર રોડ પર શિવાજીનગરમાં ફોટો ફ્રેમના ધંધાની અદાવતને લીધે છરી અને ધોકાથી થયેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પ્રકાશ ઉર્ફે ગોપાલ દેવજીભાઈ જાદવનું સારવાર દરમ્યાન મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.
શિવાજીનગર શેરી નં. ૭માં રહેતા રાહુલ દેવજીભાઈ જાદવે ફરિયાદમાં જણાવ્યું કે તે તથા તેનો ભાઈ પ્રકાશ ઉર્ફે ગોપાલ બંને ફોટો ફ્રેમનો ધંધો કરતા હતા. આરોપી અનિલ પરમાર અગાઉ તેની સાથે કામ કરતો હતો. બાદમાં તેણે અલગ ધંધો શરૂ કરી ઓછા ભાવે ફોટો ફ્રેમ વેંચી ગ્રાહકોને તોડતો હોવાથી ઘણા સમયથી તેના ભાઇ ગોપાલ સાથે આરોપી અનિલ અવારનવાર ઝઘડો કરી ગાળો ભાંડતો હતો. જે ઝઘડાનું સમાધાન કરવા માટે બે દિવસ પહેલા ગોપાલ અને કાકા વિજયભાઈ નાથાભાઈ જાદવ શિવાજીનગર શેરી નં. ૧૭નાં આરોપીના ઘર પાસે ભેગા થયા હતા.
દરમિયાન તેને ફોટો ફ્રેમના ધંધા બાબતે કેમ વારંવાર ઝઘડો કરો છે તેમ કહેતા આરોપી અનિલ પરમાર, તેનો ભાઈ સુનિલ, પિતા રમેશ, માતા હંસા અને કાકા ભરતે ઝઘડો કરી ગાળો ભાંડી છરી અને ધોકા વડે જીવલેણ હુમલો કરી ગોપાલ અને કાકા વિજયભાઈને ઇજા પહોંચાડી હતી. બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ મામલે થોરાળા પોલીસે પાંચેય આરોપી વિરૂધ્ધ હત્યાની કોશિષ સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપી અનિલ અને તેના ભાઈ સુનિલની ધરપકડ કરી બંનેને જેલહવાલે કર્યા હતા.
દરમિયાન, હુમલામાં ઘવાયેલા પ્રકાશ ઉર્ફે ગોપાલનું સારવાર દરમ્યાન મોત નિપજતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવમાં સામા પક્ષે અનિલ રમેશભાઈ પરમાર (રહે. શિવાજીનગર શેરી નં. ૧૬)ને આરોપી પ્રકાશ ઉર્ફે ગોપાલ અને તેના કાકા વિજય જાદવે ફોટો ફ્રેમના ધંધા બાબતનો ખાર રાખી લોખંડના પાઇપથી હુમલો કરી ઇજા કર્યાની ફરિયાદ નોંધાવી હતી.