Rajkot

અલ્પેશ દોંગા આણી ટોળકી વિરૂધ્ધ જામનગરમાં પણ સીટની રચના કરાઈ

By GS Team
22 Oct 20262 mins read
TukuTouch Logo
રાજકોટ રેન્જના DIG દ્વારા કૌભાંડકાર અલ્પેશ દોંગા અને તેની ટોળકી સામે જામનગર જિલ્લામાં નોંધાયેલા ગુનાઓ અને અરજીઓની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે. આ ટોળકીએ ખેડૂતો અને સામાન્ય લોકોને વ્યાજના વિષચક્રમાં ફસાવી જમીનો પચાવી પાડી હતી. SITના અધ્યક્ષ તરીકે લાલપુર વિભાગના ASP પ્રતિભા રહેશે. આ અનોખો કિસ્સો છે જેમાં એક જ ટોળકી સામે બે-બે SIT રચાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અલ્પેશ દોંગા આણી ટોળકી વિરૂધ્ધ જામનગરમાં પણ સીટની રચના કરાઈ

રાજકોટ : રાજકોટનાં કૌભાંડકાર અલ્પેશ દોંગા અને તેની ટોળકી સામે જામનગર જિલ્લામાં નોંધાયેલા ગુનાઓ અને અરજીઓની તપાસ માટે રાજકોટ રેન્જના ડીઆઈજીએ સીટની રચના કરી છે.
આ અગાઉ અલ્પેશ અને તેની ટોળકી વિરૂધ્ધ રાજકોટ જિલ્લામાં નોંધાયેલા ગુનાઓની તપાસ માટે એસપી દ્વારા સીટની રચના કરવામાં આવી હતી. કોઈ એક જ ટોળકી સામે બે-બે સીટની રચના થઈ હોય તેવો આ કિસ્સો અનોખો મનાય છે.
ખેડૂતો અને સામાન્ય લોકોને વ્યાજના વિષચક્રમાં ફસાવી તેમની પાસે ખંડણીની માગણી કરી, બળજબરી અને છેતરપિંડીથી જમીનો પચાવી પાડવાના કૌભાંડમાં અલ્પેશ અને તેની ટોળકી સામે રાજકોટ શહેર, જિલ્લા અને જામનગર જિલ્લામાં ગુના નોંધાયા હતા.
થોડા સમય પહેલાં જ આ ટોળકીએ પચાવી પાડેલી ૧૦૦ કરોડથી વધૂ રકમની જમીનો મૂળ માલિકોને પોલીસે પરત અપાવી હતી. જામનગરમાં નોંધાયેલા ગુનાઓની તપાસ માટે રચાયેલી સીટના અધ્યક્ષ તરીકે લાલપુર વિભાગના એએસપી પ્રતિભા રહેશે. મદદમાં જામનગરના ડીવાયએસપી જે. એન. ઝાલાને મુકવામાં આવ્યા છે.
આ ઉપરાંત ત્રણ પીઆઈ અને એક પીએસઆઈની સીટમાં નિયુક્તિ કરવામાં આવી છે. અલ્પેશ આણી ટોળકી સામે જામનગર જિલ્લામાં થયેલી તમામ અરજીઓ ઉપરાંત રાજકોટ રૂરલ પોલીસને મળેલી જામનગર જિલ્લાની અરજીઓ પણ સીટને મોકલી દેવામાં આવી છે.
સીટ દ્વારા તમામ ગુના અને અરજીઓની તપાસની પ્રગતિનો અહેવાલ દર સોમવારે રાજકોટ રેન્જના ડીઆઈજીને મોકલી આપવા પણ સૂચના આપવામાં આવી છે. તે સાથે જ અલ્પેશ આણી ટોળકીનો ભોગ બનેલા લોકોને લાલપુર વિભાગના એએસપીનો સંપર્ક કરવા જણાવાયું છે.