Rajkot

આટકોટની પરવાડિયા હોસ્પિટલમાં ઘૂસી ટોળકી દ્વારા તોડફોડ, ગાર્ડ્સ પર હુમલો

By GS Team
6 Sep 20262 mins read
TukuTouch Logo
રાજકોટના આટકોટમાં આવેલી K.D.P. હોસ્પિટલમાં ડઝન જેટલા શખ્સોએ સિક્યોરિટી ગાર્ડ્સ પર હુમલો કરી તોડફોડ કરી હતી. અગાઉ હાઉસ કીપર તરીકે નોકરી કરતો અજય પરમાર અને તેના મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. હોસ્પિટલમાં માવો થૂંકવા બાબતે થયેલી બોલાચાલી બાદ આ ઘટના બની હતી, જેમાં 2 ગાર્ડને ઇજા થઈ હતી. પોલીસે રાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આટકોટની પરવાડિયા હોસ્પિટલમાં ઘૂસી ટોળકી દ્વારા તોડફોડ, ગાર્ડ્સ પર હુમલો

રાજકોટ : આટકોટમાં આવેલી કે.ડી.પી. હોસ્પિટલમાં ડઝનેક શખ્સોએ મળી સિક્યોરિટી ગાર્ડસ પર હુમલો કરી મોટાપાયે તોડફોડ કર્યાની ફરિયાદ આટકોટ પોલીસમાં નોંધાઇ છે. હોસ્પિટલમાં અગાઉ હાઉસ કીપર તરીકે નોકરી કરતાં આટકોટના અજય ગોવિંદ પરમાર, તેના મિત્રો અને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હોસ્પિટલમાં સિક્યોરિટી વિભાગમાં નોકરી કરતાં પંકજ ગુપ્તા (ઉ.વ.૩૮)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઇકાલે સાંજે નોકરી પર હતા ત્યારે મેઇન ગેઇટ પરથી આરોપી અજય તેના મિત્ર સાથે બાઇક પર આવ્યો હતો. આવીને માવાની પીચકારી મારી હતી, જેથી તેને ગેઇટ અંદર માવો ખાઇ થૂકવાની મનાઇ હોવાનું જણાવતા ઉશ્કેરાઇ જઇ તેને બેફામ ગાળો ભાંડી હતી. એટલું જ નહીં કોલ કરતાં દસેક મિનિટ બાદ આઠથી દસ શખ્સો હોસ્પિટલમાં ધસી આવ્યા હતા, જેમાંથી બે શખ્સોના હાથમાં લાકડી હતી.
આવીને આ શખ્સોએ તેની સાથે ઝઘડો કરી, ગાળો ભાંડી, મારકૂટ શરૂ કરી હતી. દેકારો કરતાં બીજા સિક્યોરિટી ગાર્ડ કુલદીપ મારાજ છોડાવવા આવતાં તેને પણ બેફામ માર માર્યો હતો. એક શખ્સે તેની જમણી આંખે ઢીકો મારતા મૂંઢ ઇજા થઇ હતી. આટલેથી નહીં અટકતા તમામ શખ્સોએ ગેઇટ પાસેનું ટેબલ લાકડી વડે તોડી નાખ્યુ હતું. વૃક્ષના કુંડાઓ ઉંચકી ઘા કર્યા હતા.
હોસ્પિટલની અંદર જઇ સિક્યોરિટી અને બીજા સ્ટાફ સાથે ગાળાગાળી અને ઝઘડો કર્યો હતો. તમામને હોસ્પિટલના સ્ટાફે ભેગા મળી બહાર કાઢ્યા હતા. જતા-જતા હવે તમે કેમ બહાર નીકળી છો, તમને બધાને જોઇ લઇશું તેવી ધમકી આપી હતી. આટકોટ પોલીસે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.