Rajkot

ભાયાવદરમાં 20 લાખના ખર્ચે બનેલી કેનાલ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગઈ

By GS Team
2 Jul 20262 mins read
TukuTouch Logo
ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં 20 લાખના ખર્ચે બનેલી પાણી નિકાલની કેનાલ સામાન્ય વરસાદમાં ધોવાઈ ગઈ. હલકી ગુણવત્તાના કામથી માત્ર 2 મહિનામાં જ કેનાલ તૂટતા લોકોમાં રોષ છે. બીજી તરફ, રૂપાવટી નદીમાં પૂર આવતા ડાયવર્ઝન તૂટ્યું અને જાગનાથ વિસ્તારનો સંપર્ક કપાયો. બે યુવાનો પાણીમાં તણાયા, જોકે તેમનો આબાદ બચાવ થયો.

Summarized by AI; it may make mistakes. Check important info

ભાયાવદરમાં 20 લાખના ખર્ચે બનેલી કેનાલ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગઈ

ભાયાવદર: ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં ખાખીજાળીયા રોડ પર માત્ર બે મહિના અગાઉ ૨૦ લાખની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલી પાણી નિકાલની કેનાલ આજે સામાન્ય વરસાદમાં ધોવાઈને ધરાશાયી થઈ ગઈ હતી. બીજી તરફ આજે રૂપાવટી નદીમાં પૂર આવતા ડાયવર્ઝન ધોવાયું હતું અને જાગનાથ વિસ્તારનો સંપર્ક તૂટયો હતો. જ્યારે બે યુવાનો તણાયા બાદ માંડ બચાવ થયો હતો.
ધોધમાર પાંચ ઈંચ સુધીના વરસાદથી રૂપાવટી નદીમાં પૂર આવતા ડાયવર્ઝન ધોવાયું, જાગનાથ વિસ્તારનો સંપર્ક તૂટયો, બે યુવાનો તણાયા બાદ બચાવ
ભાયાવદરમાં ગંદા પાણી અને વરસાદી પાણીના નિકાલ માટે તૈયાર કરવામાં આવેલી વિવાદિત કેનાલમાં સફેદ બેલા અને હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ જણાતા લોકોમાં કચવાટ ફેલાયો હતો. આમ છતાં લોટ-પાણી-લાકડા જેવી કામગીરીને કારણે માત્ર બે મહિનામાં જ દિવાલો ધરાશાયી થતા પ્રજાના ટેક્સના ૨૦ લાખ રૂપિયા પાણીમાં ગયા છે. આ મામલે તંત્રની બોલતી બંધ થઈ ગઈ છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બીજી તરફ આજે બપોર બાદ મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવ્યું હતું. શહેરમાં ૩ ઇંચ અને આસપાસના સીમ વિસ્તારમાં ૫ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા રૂપાવટી નદી બે કાંઠે વહેવા લાગી હતી. શહેરના ખંઢેર પુલનું કામ ચાલુ હોવાથી નદી પર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. નદીમાં અચાનક પૂર આવતા આ ડાયવર્ઝન ધોવાઈ ગયું હતું. આ સમયે ડાયવર્ઝન પરથી બાઈક લઈને પસાર થઈ રહેલા બે યુવાનો પાણીના પ્રવાહમાં તણાયા હતા. સદનસીબે, સમયસૂચકતા વાપરીને તેમને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ તેમનું બાઈક પાણીના વહેણમાં ગરકાવ થઈ ગયું હતું. વળી, નદીના પૂર અને ડાયવર્ઝન ધોવાઈ જવાને કારણે ભાયાવદરનો જાગનાથ વિસ્તાર ગામથી સંપર્ક વિહોણો બન્યો હતો.