સાતમ-આઠમને પગલે સૌરાષ્ટ્રની તમામ એસટી, ખાનગી બસ ફૂલ, ભાડા દોઢથી બે ગણાં થઈ ગયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Janmashtami 2026: અમદાવાદમાં રોજીરોટી અને નોકરી-ધંધા અર્થે વસેલા સૌરાષ્ટ્રવાસીઓ માટે સાતમ-આઠમનો તહેવાર વતન જવાનો મોટો અવસર બની રહે છે. મિની વેકેશન શરૂ થતાં જ લોકો પરિવાર સાથે તહેવાર ઉજવવા માટે વતનની વાટ પકડી રહ્યા છે. વર્ષ દરમિયાન કામકાજના લીધે પરિવારથી દૂર રહેતા લોકો માટે દિવાળી અને સાતમ-આઠમ જેવા તહેવારો માતા-પિતા, ભાઈ-બહેન અને સગાં-સંબંધીઓ સાથે સમય વિતાવવાની ઉત્તમ તક પૂરી પાડે છે. હાલ ટ્રેનોમાં બુકિંગ ફૂલ હોવાથી અને વેટિંગ લિસ્ટ વધતાં મુસાફરોનો ભારે ધસારો બસ તરફ જોવા મળી રહ્યો છે. જેના કારણે અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતી આશરે 80 ટકા એસટી (ST) અને 70 ટકા ખાનગી ટ્રાવેલ્સની બસોની સીટો અત્યારથી જ ભરાઈ ગઈ છે.
મુસાફરો વધારાનું ભાડું ચૂકવવા મજબૂર
ખાસ કરીને રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી અને પોરબંદર જેવા પ્રમુખ રૂટ પરની મોટા ભાગની બસો હાઉસફૂલ થઈ ગઈ છે. સામાન્ય દિવસોમાં ખાનગી બસોમાં જે ટિકિટ રૂ. 500થી 700માં મળતી હતી, તહેવારોના કારણે તેના ભાડા દોઢથી બે ગણા વધીને રૂ. 800થી 1200 સુધી પહોંચી ગયા છે. આમ છતાં વતન પહોંચવાની આતુરતાને કારણે મુસાફરો આ બમણું ભાડું પણ હોંશે હોંશે ચૂકવી રહ્યા છે. અગાઉથી એડવાન્સ બુકિંગ કરાવનારા લોકોની સંખ્યા વધુ હોવાથી છેલ્લી ઘડીએ બસ ટિકિટ મેળવવા ઈચ્છતા મુસાફરોને મનપસંદ સમય, સીટ કે ટિકિટ મળવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે.
બસોમાં રૂટ મુજબ ભાડાનું સરખામણી
સૌરાષ્ટ્રના વિવિધ શહેરો માટે સામાન્ય દિવસોની સરખામણીએ હાલના ખાનગી ભાડાં અને એસટી બસના ભાડાંની વિગતો નીચે મુજબ છે:
રૂટનું નામ | હાલનું ભાડું | સામાન્ય ભાડું | એસટીનું ભાડું |
અમરેલી | 800-1100 | 500-600 | 214-452 |
રાજકોટ | 500-1000 | 500-600 | 181-547 |
જામનગર | 600-1300 | 600-850 | 236-799 |
દ્વારકા | 700-1300 | 600-850 | 312-1182 |
પોરબંદર | 850-1100 | 750-900 | 287-427 |
વેરાવળ | 800-1300 | 600-800 | 302-1242 |
ભાવનગર | 700-1100 | 500-600 | 160-430 |
બોટાદ | 500-1000 | 500-600 | 159-297 |
તહેવારોમાં એસટીનું વિશેષ આયોજન
રક્ષાબંધન અને સાતમ-આઠમના તહેવારોમાં મુસાફરોની વધારાની ભીડને પહોંચી વળવા માટે એસટી નિગમ દ્વારા અગાઉથી જ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વધારાની બસો મૂકીને આશરે 9,500 જેટલી વિશેષ ટ્રિપો દોડાવવામાં આવી રહી છે. છતાં પણ તહેવારના દિવસોમાં મુસાફરોનો ઉપાડ એટલો વધારે છે કે એસટી બસો પણ સંપૂર્ણ હાઉસફૂલ થઈ ગઈ છે અને સામાન્ય નાગરિકો માટે ટિકિટ મેળવવી લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે.




