રાજકોટ જિલ્લામાં કારના ડ્રાઈવીંગ લાયસન્સની ટેસ્ટમાં 85 ટકા ફેઈલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ : રાજકોટમાં જુના માર્કેટ યાર્ડ પાસે નેશનલ હાઈવે-૮ ઉપર આવેલ અને જી.જે.૩ નંબરના વાહનોનું રજીસ્ટ્રેશન સહિત કાર્યવાહી કરતી રિજિયોનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (આર.ટી.ઓ.) ૧૯૫૭માં સ્થપાયા બાદ ૭૦ વર્ષમાં પ્રથમવાર વાહનચાલકો માટે નવી ઉપાધિ શરુ થઈ છે. પાક્કુ ડ્રાઈવીંગ લાયસન્સ આપવા માટે ફરજીયાત આપવી પડતી ટેસ્ટમાં ૮૫ ટકા કારચાલકો નાપાસ થતા અર્થાત્ લાયસન્સ માટે સક્ષમ નહીં થતા નિરાશા વ્યાપી છે.
નવો આર્ટીફિશિયલ ઈન્ટેલીજન્સ (એ.આઈ.) સંચાલિત ટેસ્ટ ટ્રેક શરુ થયા પહેલા પાસ થનારાનું પ્રમાણ વધારે રહેતું. પરંતુ, એ.આઈ. નથી ભલામણ સ્વીકારતું કે નથી 'વહીવટ' કરતું કે નથી માનવતા દર્શાવીને થોડી છૂટછાટ આપતું. ઉત્સાહભેર કાર લાયસન્સ લેવા આવેલાને સીધા ફેઈલ જાહેર કરી દે છે. આશરે એક માસમાં ૨૦૦૦ કારચાલકોએ ડ્રાઈવીંગ ટેસ્ટ આપી તેમાં માત્ર ૩૦૦ પાસ થયા હતા એટલે કે ૮૫ ટકા નાપાસ થયા છે. જો કે, આ સાથે ૪૫૦૦ જેટલા ટુ વ્હીલર ચાલકોએ આ ટ્રેકમાં જ ટેસ્ટ આપી જેમાં ૩૩૦૦ પાસ થયા હતા અને ૧૨૦૦ નાપાસ થયા હતા. અર્થાત્ તેમાં નાપાસનું પ્રમાણ ૨૭ ટકા છે.
કારના ટેસ્ટમાં નાપાસ થવાના મુખ્ય ત્રણ કારણો આર.ટી.ઓ.અધિકારી આઈ.એસ.ટાંકે આપ્યા છે. (૧) મોટાભાગના કારચાલકો ટેસ્ટટ્રેકમાં સિગ્નલનો ભંગ કરે છે, રેડલાઈટ હોય તો વાહનો ચાલુ રાખે છે જે ગ્રીન હોય ત્યારે જ ચલાવવાનું હોય છે. (૨) પાર્કિંગ નિયત જગ્યામાં કરવામાં ઘણા જજમેન્ટ લઈ શકતા નથી. (૩) ટેસ્ટ આપતા પૂર્વે જે વિડીયો ધ્યાનથી જોઈને તે મૂજબ નિયમો પાળવાના હોય છે તેમાં ભૂલો થાય છે.
- 20 લાખની વસ્તી ધરાવતા રાજકોટમાં માત્ર એક જ ટ્રેક
રાજકોટ : રાજકોટની વસ્તી આજે ૨૦ લાખને પાર થઈ ગઈ છે અને આર.ટી.ઓ.નું કાર્યક્ષેત્ર રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાના ગામો,શહેરો પણ આવે છે. પરંતુ, ટેસ્ટ ટ્રેક એક જ જગ્યા છે, શહેરના ચાર ચાર ધારાસભ્યો-સાંસદો અને ભૂતકાળમાં મત્રી પદે રહી ચૂકેલા કોઈ નેતા પશ્ચિમ ઝોનમાં ખૂબ જરૂરી ટેસ્ટટ્રેક લાવી શક્યા નથી.આથી ટેસ્ટ આપવા,નાપાસ થયેલાએ રિટેસ્ટ માટે એક જ સ્થળે ધસારો કરવો પડે છે જે કારણે લાંબુ વેઈટીંગ રહે છે. સરકારે વાહનચાલકોની વ્યથા સમજીને નવા ટ્રેક સાથે એક-બે પ્રેક્ટીસ ટ્રેક બનાવવાની પણ જરૂર હતી જે પણ પૂરી કરાઈ નથી.









