Rajkot

'ઊડતા' રાજકોટ બનાવવાનો કારસો 205 કિલોગ્રામ ગાંજાનો જથ્થો પકડાયો

By GS Team
19 Aug 20264 mins read
TukuTouch Logo
રાજકોટ SOGએ બામણબોર પાસેથી 205 કિલો ગાંજા સાથે 2 ટ્રકચાલક મહમદ અને અરબાઝને ઝડપી પાડ્યા. આ જથ્થો જંગલેશ્વરના રમીઝ ઉર્ફે માયાએ ઓરિસ્સાથી મંગાવ્યો હતો. રમીઝ અને ઓરિસ્સાથી મોકલનાર અમિત ફરાર છે. પોલીસે 1.02 કરોડનો ગાંજો અને 1.55 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો. રાજકોટમાં ડ્રગ્સનું દૂષણ વધતાં પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ઊડતા' રાજકોટ બનાવવાનો કારસો 205 કિલોગ્રામ ગાંજાનો જથ્થો પકડાયો

રાજકોટ: રાજકોટને 'ઊડતા' રાજકોટ બનાવવાનો કારસો ખુલ્યો છે. જંગલેશ્વરના રમીઝ ઉર્ફે માયો રજાકે મગાવેલા ૨૦૫ કિલો ગાંજાના જથ્થા સાથે એસઓજીએ બે ટ્રક ચાલક મહમદ ઉર્ફે કાળો હુસેન ઉર્ફે કડીબાપુ સર્વદી (ઉ.વ. ૨૬, રહે. બાપા સીતારામ ચોક, ઉપલેટા) અને અરબાઝ સલીમ સંધી (ઉ.વ.૨૭, રહે. સૈફી પાર્ક, ભગવતીપરા)ને ઝડપી લીધા હતા, જ્યારે રમીઝ અને ઓરિસ્સાથી ગાંજાનો આ જંગી જથ્થો મોકલનાર અમિત ઉર્ફે ગુરખો (રહે, હડાળા, મોરબી રોડ) હાથમાં નહીં આવતાં શોધખોળ જારી રાખી છે.
૨૦૧૯ની સાલમાં ૩૫૮ કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો હતો, ત્યાર બાદ ગઈકાલે ૨૦૫ કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો છે. શહેર પોલીસે 'સે નો ટુ ડ્રગ્સ'નું સૂત્ર અમલમાં મુક્યું છે, જેના ભાગરૂપે ડ્રગ્સ ડીલરો અને પેડલરો ઉપર ૩૬૫ દિવસ ધોંસ બોલાવતી હોવાનો દાવો કરે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે શહેરમાં ડ્રગ્સનું ચલણ અને દૂષણ ચોંકાવનારી હદે વધી ગયું છે.
જો રમીઝ ઉર્ફે માયા જેવો એક સપ્લાયર જ ૨૦૫ કિલો ગાંજો મગાવતો હોય તો ગાંજાની કેટલી બધી ડિમાન્ડ હશે તેનો ક્યાસ કાઢવો પણ મુશ્કેલ છે. આ સ્થિતિમાં પોલીસ પખવાડિયે, મહિને એકાદ ડ્રગ્સનો કેસ કરી શાંત બેસી રહેવાને બદલે મોટાપાયે ઝૂંબેશ આદરી ડ્રગ્સનાં દૂષણ સામે અસરકારક અને નિર્ણાયક કામગીરી કરે તે સમયનો તકાજો છે.
મળેલી ચોક્કસ બાતમીના આધારે ગઈકાલે રાતે એસઓજીએ વોચ ગોઠવી બામણબોર પાસેથી સ્ટીલના પાઈપ ભરેલા ટ્રકને અટકાવી તલાશી લેતાં અંદર બાચકામાં જુદાં- જુદાં પેકેટ્સમાં છૂપાયેલો ૨૦૪.૯૦૦ કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
તે સાથે જ બંને ટ્રચાલક મહંમદ ઉર્ફે કાળો અને અરબાઝની પૂછપરછ કરતાં એવી કબૂલાત આપી હતી કે ગાંજાનો આ જંગી જથ્થો જંગલેશ્વરના રમીઝે ઓરિસ્સાથી મગાવ્યો હતો. ઓરિસ્સામાં અમિત ઉર્ફે ગુરખો ભાડાંની ઓરડીમાં રહી ગાંજાનો વેપલો કરે છે. તેણે આ ગાંજાનો જથ્થો ટ્રકમાં ભરી આપ્યો હતો. રસ્તામાં પકડાઈ ન જવાય તે માટે સ્ટીલના પાઈપ વચ્ચે ગાંજાનો જથ્થો સંતાડી ટ્રકને તાલપત્રી બાંધી દીધી હતી. ત્યારબાદ બંને ઉપરાંત ગાંજો મગાવનાર રમીઝ ટ્રકમાં ઓરિસ્સાથી રાજકોટ આવવા રવાના થયા હતા.
રાજકોટ નજીક જ ગમે તે કારણસર રમીઝ ઉતરી ગયો હતો. આ પછી બંને ટ્રક લઈ રાજકોટ આવતી વખતે બામણબોર પાસેથી ઝડપાઈ ગયા હતા. બંનેને રમીઝ ઉર્ફે માયાએ આ ટ્રીપ માટે રૂા.૨૦ હજાર આપવાનું નક્કી કર્યું હતું. ટ્રક અન્ય શખ્સની માલિકીનો હતો. સ્ટીલના પાઈપ રાજકોટ જ ઉતારવાના હતા, જેથી તેનું બિલ અને બિલ્ટી પણ હતાં. એસઓજીએ ગાંજાની કિંમત રૂા.૧.૦૨ કરોડ ગણી હતી. આ ઉપરાંત ત્રણ મોબાઈલ ફોન, ટ્રક, રૂા.૨૩.૧૭ લાખના સ્ટીલના પાઈપ વગેરે મળી કુલ રૂા.૧.૫૫ કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
એસઓજીના સૂત્રોએ જણાવ્યું કે ગાંજો મગાવનાર રમીઝ સૌરાષ્ટ્રભરમાં ગાંજો સપ્લાય કરતો હોવાનું જણાય છે. તે પકડાયા પછી અનેક ચોંકાવનારા ખુલાસા થશે. ઉલ્લેખનીય છે કે એકલાં રાજકોટ જ નહીં, સમગ્ર ગુજરાતમાં ગાંજાના કેસમાં મુખ્યત્વે ઓરિસ્સા અગર તો સુરતની લિન્ક ખૂલે છે. રાજકોટમાં માદક પદાર્થોના કેસમાં મોટાભાગે જંગલેશ્વરના શખ્સોની સંડોવણી ખૂલે છે.

205 કિલો ગાંજો ભરેલો ટ્રક હડાળા પાસે રાખવાનો હતો
રાજકોટ : 205 કિલો ગાંજો ઓરિસ્સાથી ગાંજો મોકલનાર અમિત ઉર્ફે ગુરખાના હડાળા પાસે આવેલા ઘર નજીક ઉતારવાનો હતો. ઝડપાયેલા બંને ટ્રક ચાલકોને હડાળા પાસે આવેલી એક હોટલ પાસે ટ્રક મૂકી દેવાની સૂચના હતી. આ સ્થળેથી પછી ગાંજો ક્યા લઇ જવાનો હતો તે વિશે હવે સુત્રધાર રમીઝ ઉર્ફે માયો ઝડપાયા પછી જ ખુલાસો થશે.

વીસેક દિવસ પહેલા પોલીસને બાતમી મળી ગઇ હતી
રાજકોટ: આજથી વીસેક દિવસ પહેલા રાજકોટના અમુક શખ્સો ઓરિસ્સાના જંગલોમાંથી મોટા પ્રમાણમાં ગાંજો લેવા ગયાની પોલીસને માહિતી મળતાં ટીમો કામે લાગી ગઇ હતી. આખરે ગઇકાલે સાંજે બામણબોર સુધી ગાંજો પહોંચ્યા બાદ પોલીસે દરોડો પાડયો હતો. જોકે ગાંજો મંગાવનાર મુખ્ય સુત્રધાર રમીઝ ઉર્ફે માયો ગમે તે રીતે ગંધ આવી જતાં ટ્રકમાંથી આગળ જ ઉતરી ગયો હતો.

ગત એપ્રિલ માસમાં પણ 100 કિલો ગાંજો મંગાવ્યાનો ખુલાસો
રાજકોટ : ૨૦૫ કિલો ગાંજા સાથે સંકળાયેલી સિન્ડીકેટે ગત એપ્રિલ માસમાં પણ ૧૦૦ કિલો ગાંજો મંગાવ્યાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. શહેર પોલીસ સે નો ટુ ડ્રગ્સ નામનું સુત્ર બહાર પાડી ડ્રગ્સ ડીલરો અને પેડલરો સામે કડક કાર્યવાહી કરાતી હોવાના દાવા કરે છે. પરંતુ વાસ્તવમાં આ દાવાઓની હવે પોલ ખુલી ગઇ છે.
પોલીસને જ એવી માહિતી મળી છે કે, ૨૦૫ કિલો ગાંજો મંગાવનાર સિન્ડીકેટે ગત એપ્રિલ માસમાં પણ સંભવતઃ ઓરિસ્સાથી ૧૦૦ કિલો ગાંજો મંગાવ્યો હતો. આ ગાંજાનો જથ્થો કોટડાનાયાણી ગામે ઉતર્યો હતો. આ પછી સમગ્ર સૌરાષ્ટ્રમાં સપ્લાય થયાની શક્યતા છે.
આ ૧૦૦ કિલો ગાંજો નહીં પકડાતા પછી હિંમત ખુલી જતાં હવે ૨૦૫ કિલો ગાંજો મંગાવ્યાનું તારણ નિકળ્યું છે.
શહેર પોલીસ છાશવારે અમુક ગ્રામ સિન્થેટીક ડ્રગ્સ અને અમુક કિલો ગાંજાનો જથ્થો ઝડપી કામગીરી કર્યાનો સંતોષ માની લે છે. પરંતુ તેની સામે કેટલો સિન્થેટીક ડ્રગ્સ અને કેટલા કિલો ગાંજો શહેરમાં ઘુસી વેંચાઇ અને પીવાઇ જાય છે તેનો કોઇ અંદાજ પણ નથી.
એટલું જ નહીં પોલીસ ડ્રગ્સ માફિયાઓ અને પેડલરો ઉપર તેની બરાબર વોચ હોવાના જે દાવા કરે છે તેની પણ હવે પોલ ખુલી ગઇ છે. કારણ કે ડ્રગ્સનો જથ્થો મંગાવનાર રમીઝ ઉર્ફે માયો એસઓજીના સુત્રોના જણાવ્યા પ્રમાણે અગાઉ ભક્તિનગર પોલીસના હાથે ડ્રગ્સના કેસમાં પકડાયો હતો.
આ જ રીતે ટ્રક ચાલક મહંમદ ઉર્ફે કાળો પણ ધોરાજીમાં એનડીપીએસના કેસમાં પકડાયેલો છે. ઓરિસ્સાથી ગાંજો મોકલનાર અમિત ઉર્ફે ગુરખો બી.ડિવિઝનના એનડીપીએસના કેસમાં વોન્ટેડ છે. ત્રણેય આરોપીઓ ડ્રગ્સના કેસમાં સંડોવાયેલા હોવા છતાં ફરીથી ડ્રગ્સનો વેપલો ચાલું રાખ્યો હતો. જે બાબત પોલીસની નિષ્ફળતા તરફ અંગૂલીનિર્દેશ કરે છે.