રાજકોટ જિલ્લામાં સાત મહિનામાં 2 લાખ બ્લડ ટેસ્ટ, મેલેરિયાના ફક્ત 9 કેસ મળ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ: રાજ્યમાં એક તરફ ચાંદીપુરા વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે ચોમાસાની ઋતુમાં મચ્છર જેવા જંતુઓને કારણે વાહકજન્ય રોગો ફેલાવવાનું જોખમ પણ સૌથી વધુ રહેતું હોવાની ગંભીરતાથી લઈને રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા અને મેલેરિયા વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયા સામે અત્યંત સઘન અટકાયતી પગલાં, સર્વેક્ષણ અને દવાના છંટકાવની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.
જિલ્લા મેલેરિયા અધિકારીનાં જણાવ્યા મુજબ, રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૨૫ની સરખામણીએ જુલાઈ ૨૦૨૬ સુધીના સમયગાળામાં મેલેરિયાના કેસમાં પૂરા ૬૦ ટકા અને ડેન્ગ્યુના કેસમાં ૩૦ ટકા જેટલો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરીથી જુલાઈ ૨૦૨૬ દરમિયાન ૨ લાખથી વધુ લોકોના લોહીની તપાસ કરવામાં આવી છે, જેમાંથી ૯ લોકોમાં મેલેરિયાના લક્ષણો જણાતા તેમને ત્વરિત અને યોગ્ય સારવાર આપીને સંપૂર્ણ સાજા કરવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લામાં રોગચાળાને ડામવા માટે વ્યાપક સ્તરે કામગીરી કરવામાં આવી છે. જેમાં ડેન્ગ્યુ અટકાયત ઝુંબેશમાં ૪,૫૧૫ ની વસ્તી ધરાવતા ૧,૦૭૭ ઘરોમાં સર્વે હાથ ધરી કુલ ૫,૨૪૨ પાત્રો તપાસવામાં આવ્યા હતા. જેમાંથી ૨,૦૩૧ પાત્રોમાં એબેટ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી અને ૧૦૬ જગ્યાએ મચ્છર ઉત્પન્ન થવાના સ્થાનોનો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે ચિકનગુનિયા અટકાયત માટે ૩૭૦ ઘરોમાં તપાસ કરી ૧,૫૬૨ પાત્રો ચકાસવામાં આવ્યા, જેમાં ૬૫૫ પાત્રોમાં એબેટ ટ્રીટમેન્ટ અપાઈ હતી. મેલેરિયા નિયંત્રણ માટે ૧૮૮ ઘરોના ૧,૦૧૩ પાત્રોમાંથી ૬૪૩ પાત્રોમાં પોરાનાશક કામગીરી કરાઈ છે.
- ૧લી ઓગસ્ટથી જંતુનાશક દવા છંટકાવનો બીજો રાઉન્ડ શરૂ
રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ વર્ષ ૨૦૨૬ માટે પ્રથમ રાઉન્ડની જંતુનાશક દવાની છંટકાવ કામગીરી ગત ૧૬ મે થી ૨૮ મે દરમિયાન પૂર્ણ કરવામાં આવી હતી. હવે વાહકજન્ય રોગોના સંપૂર્ણ નિયંત્રણ માટે દવા છંટકાવનો બીજો રાઉન્ડ આગામી ૧ ઓગસ્ટ ૨૦૨૬થી શરૂ કરવામાં આવશે. - ડેન્ગ્યુ, મેલેરિયા કે ચિકનગુનિયાનું નિદાન થયાના માત્ર ૨૪ કલાકમાં પગલાં લેવા ખાસ એક્શન પ્લાન
આરોગ્ય વિભાગ દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે, જેમાં કોઈપણ દર્દીને ડેન્ગ્યુ, મેલેરિયા કે ચિકનગુનિયાનું નિદાન થયાના માત્ર ૨૪ કલાકની અંદર જ આરોગ્ય વિભાગની વિશેષ ટીમ સ્થળ પર પહોંચી જાય છે અને સ્વાસ્થ્ય સંબંધિત માહિતી મેળવીને તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવે છે. આ સાથે જ દર્દીના ઘર તેમજ આજુબાજુના અન્ય મકાનોમાં સર્વે કરી મચ્છર ઉત્પત્તિના સંભવિત સ્થાનો શોધીને પોરાનાશક અને પુખ્ત મચ્છરનાશક દવાનો વ્યાપક છંટકાવ કરવામાં આવે છે.




