Rajkot

રાજકોટમાં 17 વર્ષના તરૂણે ઓનલાઇન ટ્રેડિંગમાં રૂા. 31 લાખથી વધુ ગુમાવ્યા

By GS Team
8 Aug 20262 mins read
TukuTouch Logo
રાજકોટમાં, ૧૭ વર્ષના તરૂણે ઇન્સ્ટાગ્રામ દ્વારા શેરબજારમાં ટ્રેડિંગ કરવા જતાં રૂા. ૩૧.૨૦ લાખ ગુમાવ્યા છે. ગંગોત્રી પાર્કના હિરેનભાઇ વૈદ્યના પુત્રને 'સ્ટોક લર્ન ઇન્ડિયા' એપ દ્વારા છેતરવામાં આવ્યો હતો. શરૂઆતમાં નફો દેખાયા બાદ, પૈસા ઉપાડવા જતાં ટેક્સ અને કમિશનના નામે વધુ રકમ માંગવામાં આવી. આખરે, પિતાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટમાં 17 વર્ષના તરૂણે ઓનલાઇન ટ્રેડિંગમાં રૂા. 31 લાખથી વધુ ગુમાવ્યા

રાજકોટ : ઇન્સ્ટાગ્રામ મારફત શેર બજારમાં ટ્રેડિંગ કરવા ગયેલા ૧૭ વર્ષના તરૂણે રૂા.૩૧.૨૦ લાખ ગુમાવતા તેના પિતા હિરેનભાઇ ચિમનભાઇ વૈદ્ય (ઉ.વ.૪૭)એ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે. આ જ રીતથી અગાઉ સેંકડો લોકો સાથે ફ્રોડ થઇ ચુક્યું છે.
ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર શિલ્પન નોવા બિલ્ડિંગમાં રહેતા હિરેનભાઇ સોની બજારની બોઘાણી શેરીમાં આવેલા આકાશ કોમ્પલેક્ષમાં અરીહંત ટુલ્સ નામથી સોની કામના ટુલ્સનું કામ કરે છે. તેણે પોલીસને જણાવ્યું કે, ગત ફેબુ્રઆરી માસમાં પુત્રએ આઇપીઓ અને શેર માર્કેટમાં રોકાણ કરવાની ઇચ્છા દર્શાવતા પત્ની સોનલબેનના બેંક ખાતામાંથી વ્યવહારો કરવા કહ્યું હતું.
પુત્રએ રૂા.૩૧.૨૦ લાખ ગઠિયાઓને આપ્યા હતા. હજુ પણ ગઠિયાઓ ટેક્સ અને કમિશનના નામે વધુ પૈસા માગતા હોવાથી પુત્રએ તેને કહ્યું કે, ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોતો હતો ત્યારે બીઝનેસ આઇડીયા સંબંધિત રીલ્સ જોવા મળી હતી. સીએ સ્નેહા કેજરીવાલ નામની ઇન્સ્ટા આઇડી પર આ રીલ્સ લાઇક કર્યા બાદ તેણે વાતચીત શરૂ કરતા એક વ્હોટ્સએપ ગુ્રપમાં તેને એડ કરવામાં આવ્યો હતો.
જેમાં સ્ટોક માર્કેટ ટ્રેડિંગ, આઇપીઓ અને રોકાણ અંગે નિયમિત રીતે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવતું હતું. તેણે બે-ત્રણ મહિના સુધી બધી માહિતી નીહાળ્યા બાદ રોકાણ કરવાનું નક્કી કરી ગુ્રપ એડમીનનો સંપર્ક કરતા તેને એક વેબ લિંક મોકલી હતી. જેના મારફત સ્ટોક લર્ન ઇન્ડિયા નામની એપ ઇન્સ્ટોલ કરાવી હતી. તેમાં આધારકાર્ડ અને પાનકાર્ડ સાથે રજીસ્ટ્રેશન કરી પોતાનું યુઝર આઇડી બનાવ્યું હતું.
ત્યારબાદ આઇપીઓમાં રોકાણ કરવા જણાવાયું હતું. એપના કસ્ટમર સર્વિસમાં અલગ-અલગ બેંક ખાતાની વિગતો આપવામાં આવતી હતી. જેમાં રકમ જમા કરાવ્યા બાદ યુટીઆર નંબર સાથેનો સ્ક્રીન શોટ કસ્ટમર સર્વિસમાં મોકલવો પડતો હતો. તે સાથે જ વોલેટમાં તે રકમ દર્શાવવામાં આવતી હતી.
એપમાં સારો એવો નફો જોવા મળતાં આખરે તેણે રકમ ઉપાડવા રીક્વેસ્ટ નાખતા ગઠિયાઓએ રકમના ૧૦ ટકા કમિશન અને ટેક્સના નામે વધુ રકમ ભરવાનું જણાવતા આખરે ફ્રોડ થયાની જાણ થતાં તેને જાણ કરી હતી. જેથી સાયબર ક્રાઇમના હેલ્પ લાઇન નંબર ઉપર ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.