સોના પ્રત્યેનો પ્રેમ નવી પેઢીના કારણે એક નવા યુગમાં પ્રવેશ કરી રહ્યો છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- નવી પેઢી પણ સોનાને સંકટ સમયની સાંકળ કહે છે…
- પ્રસંગપટ
- આવનારા દાયકાઓમાં ભારતના સોનાની ખરીદીના બજારમાં Gen Zની મોટી ભૂમિકા જોવા મળશે
સોનાનાનો આજનો ભાવ ૧,૫૩,૦૦૦ રૂપિયા છે. સોનાના ભાવોમાં કોઇ ખાસ ઉછળ કૂદ નથી. હવે જ્યારે આગામી ૨૦મીથી શ્રાવણ મહિનો બેસી રહ્યો છે ત્યારે સોનાની ખરીદી વધશે એમ મનાય છે. રક્ષાબંધન જેવા તહેવારોમાં સોનાની ખરીદી વધતી જોવા મળી છે. ભારતનો સોના પ્રત્યેનો પ્રેમ હંમેશાંની જેમ આજે પણ અકબંધ છે, પરંતુ તેને ખરીદવાના કારણો હવે બદલાઈ રહ્યા છે.
ખરીદ શકિત ધરાવતી અને શોખની ચીજો પહેરવાનો આગ્રહ રાખતી Gen Z (નવી પેઢી) બજારમાં પ્રવેશ કરી રહી છે, ત્યારે બજારના જાણકારો કહે છે કે પરંપરા અનુસાર સોનાની ખરીદી કૌટુંબીક સ્તરે થતી હતી પરંતુ નવી પેઢી પોતાની રીતે પોતાને ગમે તેવી સોનાની ચીજો ખરીદવાનો આગ્રહ રાખી રહી છે. એક સમય હતો કે સોનાની ખરીદી કરવા જતી મહિલાઓ સોનાની બંગડી, મંગળ સૂત્ર કે સોનાનો દોરો ખરીદતી હતી. પરંતુ હવે નવી પેઢી સોનાની દુકાનોમાં જાય છે ત્યારે સોનાની બંગડી નહિં પણ કંઇક નવું માંગે છે.
ભારતીય ઘરોમાં સોનું લાંબા સમયથી પરંપરા અને સુરક્ષાનું પ્રતીક રહ્યું છે. પરંતુ Gen Z માટે, તે કૌટુંબિક વારસા કે લગ્નની ખરીદી કરતાં ઘણું વધારે બની રહ્યું છે. યુવા ભારતીયો સોનાને એક આધુનિક નાણાકીય સંપત્તિ તરીકે જોઈ રહ્યા છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના નવા રિપોર્ટ 'સ્વર્ણિમ ઉડાન ૨૦૪૭' અનુસાર, આવનારા દાયકાઓમાં ભારતના સોનાના બજારને નવો આકાર આપવામાં Gen Z મોટી ભૂમિકા ભજવશે તેમ મનાય છે. અહેવાલો અનુસાર બદલાતી જીવનશૈલી, વધતી આવક અને આર્થિક ક્ષેત્રે વધતી જાગૃતિના કારણે નવી પેઢી સોનું ખરીદવાની, રાખવાની અને તેમાં રોકાણ કરવાની રીતમાં પરિવર્તન લાવી શકે છે.
ભારત પાસે વિશ્વનો સૌથી મોટો ખાનગી સોનાનો સ્ટોક છે. આમાંથી મોટાભાગનું સોનું ઘરો અને લોકરમાં પડયું રહે છે, જે વ્યાપક અર્થતંત્રમાં કોઈ યોગદાન આપતું નથી. કહે છે કે ભારતના ઘરોમાં ૩૧,૦૦૦ ટન સોનું પડયું છે. તેની કિંમત ૩૧૫ લાખ કરોડ થવા જાય છે. સોનાને સંકટ સમયની સાંકળ કહીને ભેગું કરવામાં આવે છે. લગ્ન સમયે તેની ખરીદી થાય છે તો કપરાં આર્થિક સંજોગોમાં તેનું વેચાણ પણ કરી દેવાય છે.
અનેક કુટુંબોે પોતાના સંતાનોને વિદેશ ભણવા મોકલવા ઘરની છૂપી સંપત્તિ સમાન સોનું વેચી દીધું છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલના રિપોર્ટ અનુસાર Gen Z સોનું રાખવાની અને તેમાં રોકાણ કરવાની આધુનિક સિસ્ટમોને આવકારે છે. તેમની વિચારસરણીમાં આ ફેરફાર ડિજિટલ ગોલ્ડ, ગોલ્ડ-બેક્ડ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ અને ગોલ્ડ મોનેટાઇઝેશન જેવા ઉત્પાદનોમાં વધુ ભાગીદારીને પ્રોત્સાહિત કરી શકે છે, જેથી ઘરોમાં બિનઉપયોગી પડેલું સોનું વધુ ઉત્પાદક બની શકે.
અગાઉની પેઢીઓથી વિપરીત, ઘણા યુવા ગ્રાહકો ટેકનોલોજી સાથે પરંપરાને જોડવામાં સહજ છે. તેઓ હજુ પણ લગ્નો અને પારિવારિક પ્રસંગો માટે સોનાનું મૂલ્ય સમજે છે, પરંતુ તેઓ પોતાના લાંબા ગાળાના નાણાકીય આયોજનના ભાગરૂપે પણ સોનામાં રોકાણ કરી રહ્યા છે.
'સ્વર્ણિમ ઉડાન ૨૦૪૭' રિપોર્ટના મુખ્ય તારણોમાંનું એક ભારતીય ઘરો પાસે રહેલા સોનાનું અતુલ્ય મૂલ્ય છે. રિપોર્ટનો અંદાજ છે કે ઘરગથ્થુ સોનાનો એક મોટો હિસ્સો બિનઉપયોગી રહે છે અને જો તેને ઔપચારિક નાણાકીય વ્યવસ્થામાં લાવવામાં આવે, તો તે લગભગ ૩૧૫ લાખ કરોડનું આર્થિક મૂલ્ય જાણી શકાય છે.
WGCના જણાવ્યા અનુસાર, સંગઠિત સોનાના ઉત્પાદનો અને નાણાકીય ઉકેલોમાં વધુ ભાગીદારીને પ્રોત્સાહન આપવાથી આ સંપત્તિને વધુ ઉત્પાદક બનાવવામાં મદદ મળી શકે છે, જ્યારે પરિવારોને સોનાના હોલ્ડિંગ્સમાંથી લાભ મેળવવાનું ચાલુ રાખવાની મંજૂરી પણ મળે છે.
સોનાની માંગ મજબૂત રહેવાની અપેક્ષા છે.રિપોર્ટ નોંધે છે કે આવનારા વર્ષોમાં પણ ભારતમાં સોનાની માંગ માળખાકીય રીતે ઊંચી રહેવાની ધારણા છે. જોકે, દેશ આ માંગને પૂરી કરવા માટે મોટા પાયે આયાત પર નિર્ભર રહે છે.
આ બાબતને પહોંચી વળવા માટે, WGCએ રીસાઇકલીંગ અને ગોલ્ડ મોનેટાઇઝેશનની સાથે સ્થાનિક સોનાના ખનન ને પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.









