આંતર શુધ્ધિની સાધનાની જરૂર ચિત્તને એકાગ્ર, શુધ્ધ, સ્થિર કરવું

આપણે ત્યાં અનેક પ્રકારની આંતર શુધ્ધિની સાધના પધ્ધતિઓ છે. માણસને જો પોતાના સ્વભાવને અનુકુળ પડે તે સાધના પદ્ધતિનો ઉપયોગ કરીને મન, બુદ્ધિ અને વાસનાને શુદ્ધ, સ્થિર અને નિયંત્રિત કરવા જ જોઈએ. તો જ શાંતિથી અને સુખ પૂર્વક જીવન જીવવાની મઝા આવે અને કર્મ પણ સારી રીતે થાય.
પતંજલિની અષ્ટાંગ યોગની સાધના પદ્ધતિમાં સંપ્રજ્ઞાાત અને અસંપ્રજ્ઞાાત સમાધી સુધી પહોંચવાનું હોય છે તે જ રીતે બુદ્ધ ભગવાન પણ અષ્ટાંગ માર્ગમાં આખરે સમાધિ સુધી પહોંચવાનું હોય છે. હઠયોગની પણ પોતાની પદ્ધતિ છે. મંત્ર અને તંત્રની પણ પદ્ધતિઓ છે, અને મહાવીર ભગવાનની આંતરિક તપ દ્વારા જાતને જાણી સ્વસ્વરૂપમાં સ્થિર થવાની અને ત્રીરત્નની સાધના પદ્ધતિ પણ છે, આમ જુદી જુદી સાધના પદ્ધતિઓ અમલમાં છે.
જગતમાં જે જે સાધના પદ્ધતિઓ અમલમાં છે, તેમાં ચિત્તને એકાગ્ર, શુદ્ધ અને સ્થિર કરવા અને મન બુદ્ધિ અને વાસનાઓને શુદ્ધ સ્થિર કરી અમન, ઇન્દ્રિયોની પાર, નિર્વિચારની સ્થિતિ અને ઈચ્છા રહિતતામાં સ્થિર થતાં જ આંતર પ્રકાશની અનુભૂતિ થાય છે. જે જીવનની સિદ્ધિ છે, જેને જ્ઞાાનની અવસ્થા કહેવામાં આવે છે.
જીવનમાં કોઈપણ સાધના લ્યો સાધનામાં લાંબા સમય સુધી શ્રધ્ધા, ધીરજ અને પૂર્ણ વિશ્વાસ સાથે હૃદયસ્થ આત્મસ્થ થઈને સાધના કરવી જ પડે છે અને આંતર સાધના દ્વારા પોતાની મૂળભૂત સ્થિતિમાં એટલે કે પરમ ચેતનામાં અને સ્વ સ્વરૂપમાં સ્થિર થઈને આત્મસ્થ થઈને આત્મજ્ઞાાન અંતરમાંથી ઉજાગર કરવાનું હોય છે. એ જ સાધનાની સિદ્ધિ છે, આવી સિદ્ધિ આંતરિક શુધ્ધતા અને સ્થિરતા વિના શક્ય જ નથી.
આમ તમામ સાધના દ્વારા જ્ઞાાનની પ્રાપ્તિ એ જ સાધનાનો અંતિમ છેડો છે અને જીવનમાં જ્ઞાાન એ જ મુક્તિ છે. જ્ઞાાન એટલે પરમ શુદ્ધતા, સ્થિરતા, અભયતા, વિશાળતા, સ્વ સ્વરૂપમાં સ્થિરતા અને અહંકાર રહિતતા.
આમ કોઈપણ સાધના દ્વારા આંતરિક શુદ્ધિ એટલે કે રાગ દ્વેષ, અહંકાર, આસક્તિ, મોહ મમતા, કર્તૃત્વ અને પદાર્થની પકડમાંથી મુક્ત થઈને નિર્ગંથ, ત્રિગુણાતીત, વીતરાગતા અને સાક્ષીભાવમાં સ્થિર થવું તેનું નામ આંતરિક શુદ્ધતા છે. એની જો પ્રાપ્તિ થાય તો જ સિદ્ધિ હાથવગી થાય છે. આ પાયા ઉપર જ તમામ સાધના પદ્ધતિઓ ઉભી છે. માર્ગ અલગ છે પણ પહોંચવાનું તો ઈન્દ્રિયોની પાર અવસ્થામાં.
જેમાં બુદ્ધ ભગવાનની વિપશ્યનાની સાધના પદ્ધતિ સહેલી અને સરળ છે. તે કોઈપણ માણસ સહેલાઈથી કરી શકે છે. કોઈપણ સાધનામાં પુરેપુરો વિશ્વાસ, ધીરજ અને શ્રધ્ધા હોવી આવશ્યક અને જરૂરી છે અને લાંબો સમય સાધના કરવી જ પડે છે ને નિયમિત સમયે નિયમિત સમય સુધી કરવી તે સાધનાનું આવશ્યક અંગ છે.
ટુંકા ગાળામાં કોઈ સિદ્ધિ હાથમાં આવતી નથી. માટે જ માણસો આજે આંતર સાધનામાં ઉતરતા નથી, તે પણ હકીકત છે અને તેને કારણે જ બાહ્યાચારોમાં ટોળાને ટોળા જોવા મળે છે. જો કે બાહ્યાચારોમાં કશું પણ માણસને પ્રાપ્ત થતું નથી. સિવાય કે ખુવારી, દંભ અને અહંકાર પ્રાપ્ત થાય છે, જે દુઃખનું ઘર છે.
વિપશ્યનાની આખી સાધના શ્વાસ ઉપર આધારિત છે તેમાં માત્રને માત્રસ જતા આવતા અને અંદર અને બહાર રોકાતા શ્વાસને માત્રને માત્ર જોવાનો જ હોય છે અને માત્ર ને માત્ર શ્વાસ સાથે નિરંતર અસ્ખલીત રીતે જોડાઈ રહેવાનું જ હોય છે. આ જોડાણ બરાબર લોખંડના રેણથી કરી લેવાનું છે જેથી શ્વાસથી ચિત્ત છટકી શકે નહીં.
શ્વાસ અંદર જાય, અંદર રોકાય, બહાર નીકળે, બહાર રોકાય અને પાછો અંદર જાય તેની સાથે બરાબર ચિત્તથી જોડાય જ રહેવાનું છે. ચિત્ત બીજે ક્યાંય જવું જોઈએ નહીં. શ્વાસને એક સેકંડ પણ રેઢો મુકવાનો નથી. આટલું જ જો કરી શકો તો ચિત્તની એકાગ્રતા શુદ્ધતા પ્રાપ્ત થાય છે.
અને જીવનમાં પરમ શાંતિ, આનંદ, પ્રેમ અને સદ્ભાવનાનો અનુભવ થાય છે. અને આ સાધના દ્વારા કામ, ક્રોધ, લોભ, સ્વાર્થ, ઇર્ષા, અહંકાર, રાગદ્વેષ વગેરેથી મુક્તિ મળે છે. સમતા સમત્વ અને સ્થિત પ્રજ્ઞાામાં સ્થિર થઈ શકાય છે અને પરમ ચેતનામાં જાગૃતતા પૂર્વક સ્થિર થઈને વર્તમાન જીવનમાં જીવી શકાય છે. તે જીવનની મહા સિધ્ધી છે.
આ સાધનાની મૂળભૂત ખૂબી એમાં છે કે તે સાધકના અંતરમનને શુદ્ધ, સાત્વિક અને પવિત્ર કરવાનું કામ આ સાધનામાં થાય છે. તે જ તેની વિશેષતા છે. એટલે બીજી કોઈપણ ધ્યાન સાધના કરતા આ સાધના ઉત્તમ છે, અને સહેલી છે. ને ગમે ત્યાં કરી શકાય છે તે તેની આગવી વિશેષતા છે.
- પ્રસંગપટ




