મિડ ડે મીલ શાળા સંચાલકોને આર્ર્થિક પોષણ પુરૃં પાડે છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- મિડ ડે મીલમાં જ્યારે મીઠાના બદલે ડિટર્જન્ટ નખાયો: ભ્રષ્ટાચારની થાળી
- પ્રસંગપટ
- આવી યોજનાનો સંબંધ સરકારી શાળાઓના વિદ્યાર્થીઓના આરોગ્ય, આત્મસન્માન અને ભાવિ સાથે હોય છે
મિડ ડે મીલનો ભ્રષ્ટાચાર અને બેદરકારી વારંવાર એક બહુ ઉપયોગી યોજનાને બદનામ કરી રહી છે. બાળકોના શૈક્ષણિક ભાવિને ખ્યાલમાં રાખીને શરૂ કરાયેલી યોજનામાં વહીવટદારો બાળકો માટે ફાળવેલું અનાજ ક્યાં તો ચાંઉ કરી જાય છે કે બાળકોને ભૂખ્યા રાખે છે. જેમના હાથમાં વહીવટ આવે તે લૂંટે છે.
મિડ ડે મીલ અર્થાત્ મધ્યાહ્ન ભોજન યોજના બાળકો ભણવા જાય તેના પ્રલોભનના એક ભાગરૂપે શરૂ કરવામાં આવી હતી. સરકારી શાળાઓ અને સરકારી સહાયથી ચાલતી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને મિડ ડે મીલ આપીને તેમને પોષણયુક્ત ખોરાક આપવાનો પ્રયાસ મહત્ત્વાકાંક્ષી હતો, પરંતુ તેનો વહીવટ કરનારાઓ માટે મિડ ડે મીલ લૂંટ માટેના એક ખજાના સમાન હતું.
મિડ ડે મીલમાં જ્યારે મીઠાના બદલે ડિટર્જન્ટ પાવડર નાખવાની ઘટના સામે આવે ત્યારે સૌ ઇચ્છે કે આવી બેદરકારી દાખવનારને કડક સજા થવી જોઈએ. જે સ્કૂલમાં મીઠાના બદલે ડિટર્જન્ટ પાવડરનો ઉપયોગ કરાયો તે બિહારના નાલંદા જિલ્લાની શાળા હતી, જેમાં મિડ ડે મીલ બીજી સ્કૂલમાંથી મંગાવવામાં આવ્યું હતું. તેમાં મીઠું ઓછું હોવાથી વિદ્યાર્થીઓએ ઉપરથી ભભરાવવા શિક્ષક પાસે મીઠું માગ્યું હતું. શિક્ષકે ભૂલમાં મીઠાના ડિટર્જન્ટ પાવડરની ભૂકી આપી દીધી. પરિણામે લગભગ ૫૦ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં છે.
કેટલાક સમય પહેલાં ઉત્તર પ્રદેશના હમીરપુરની એક શાળામાં પાતળી પાણી જેવી દાળ મિડ ડે મીલમાં અપાઈ તેનો વીડિયો ફરતો થયો ને મિડ ડે મીલમાં ચાલતી ગેરરીતિ પ્રકાશમાં આવી હતી. અહીં દાળના નામે પાણીમાં હળદર ભભરાવીને પીરસી દેવાઈ હતી.
મિડ ડે મીલ યોજના બાળકોનું યેનકેન પ્રકારેણ પેટ ભરવા નહીં, પણ તેમને પોષણયુક્ત આહાર મળી રહે તે માટે છે. પાણીવાળી દાળના કેસમાં ચાર વ્યક્તિઓને ને સસ્પેન્ડ કરવામાં આવી હતી.
આવા કેસમાં શરમજનક વાત એ છે કે કોઈની જવાબદારી નક્કી નથી થતી. સરકારે જે-તે વિસ્તારના ધારાસભ્યને જવાબદાર ઠેરવીને તેની પાસેથી દંડની તગડી રકમ વસૂલ કરવી જોઈએ.
મધ્ય પ્રદેશમાં રિપબ્લિક ડેની ઉજવણી નિમિત્તે મિડ ડે મીલમાં છોકરાઓને પૂરી અને શીરો આપવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ હરખપદૂડા રાજકારણીઓ પ્લેટો સપ્લાય કરવાનું ભૂલી ગયા હતા. તેથી વિદ્યાર્થીઓને તેમની નોટબુકનાં પાનાં ફાડીને તેમાં પૂરી-શીરો પીરસવામાં આવ્યાં હતાં. દેશ આઝાદ થયાના આઠ દાયકા બાદ નવી પેઢીની આ હાલત છે.
એવું પણ નથી કે બધી સ્કૂલોમાં ગોટાળા જ ચાલે છે. જ્યાં સરકારનું કે ઉપલા અધિકારીઓ દ્વારા ચેકિંગ ન થતું હોય ત્યાં ગોટાળા સામાન્ય બની જાય છે.
મિડ ડે મીલ યોજના સાથે કંઈકેટલાય વિવાદો સતત જોડાયા કરે છે. જેમ કે કર્ણાટકમાં સ્વૈચ્છિક સંસ્થા અક્ષયપાત્ર ફાઉન્ડેશનને મિડ ડે મીલનો કોન્ટ્રાક્ટ સોંપાયો છે. કૃષ્ણ કોન્શિયસનેસ સાથે જોડાયેલી આ સંસ્થા ભોજનમાં કાંદા-લસણ નાખવા તૈયાર નહોતી. કર્ણાટકના વિદ્યાર્થીઓ કાંદા-લસણ વિનાનો ખોરાક ખાવા તૈયાર નહોતા. મોટાભાગના વિદ્યાર્થીઓ ભોજન છોડીને ઊભા થઈ જતા હતા.
પશ્ચિમ બંગાળમાં મિડ ડે મીલની યોજના સફળ હતી. વિદ્યાર્થીઓ આખા દિવસનું પેટ ભરીને જમી લેતા હતા. પરંતુ સરકારે આ ખોરાકને વધુ પોષણવાળો બનાવવા પાયલટ પ્રોજેક્ટના એક ભાગરૂપે ખોરાકમાં અપાતાં ઈંડાંને બદલે તેટલા જ પોષણવાળાં શાકભાજી આપવાનું નક્કી કર્યું હતું. ત્યાં પણ ઇસ્કોનની અન્નઅમૃત ફાઉન્ડેશનને કોન્ટ્રાક્ટ અપાયો હતો. તેણે કહ્યું કે અમે ઈંડાં સર્વ નહીં કરીએ. વિવાદ ચાલુ છે.
કોઈ પણ સ્વૈચ્છિક સંસ્થાને કોન્ટ્રાક્ટ આપતાં પહેલાં તેની મર્યાદા ચકાસવી જોઈએ. વિદ્યાર્થીઓને ગમતો ખોરાક અપાય તે પણ એક પ્રકારનું પોષણ જ છે.
મિડ ડે મીલ એ સરકારની ચેરિટી નથી કે સરકાર કોઈ ઉપકાર પણ નથી કરતી. આવી યોજના સરકારી શાળાઓના વિદ્યાર્થીઓના આરોગ્ય, આત્મસન્માન અને ભાવિ સાથે જોડાયેલી છે તે યાદ રાખવું જોઈએ.
મહારાષ્ટ્રના લોકપ્રિય ફૂડ કમિશનર તુકારામ મુંઢે પાસે મિડ ડે મીલ માટેની ઇકોસિસ્ટમ તૈયાર કરાવવી જોઈએ અથવા તો આ યોજનાને તુકારામની કક્ષાના ફૂડ કમિશનર હેઠળ મૂકવી જોઈએ.
દેશની ભાવિ પેઢીને શરૂઆતથી જ શિક્ષણવ્યવસ્થા પ્રત્યે નફરત થવા માંડે એવી મિડ ડે મીલ યોજનાની હાલત છે.




