Prasangpat

નેપાળમાં સામુહિક અંતિમ વિધિ લાપતા લોકોના સ્વજનોનાં ડૂસકાં

By GS Team
10 Sep 20263 mins read
TukuTouch Logo
નેપાળમાં 26મી ઑગસ્ટે આવેલા વિનાશક જળપ્રલયને આજે 15 દિવસ વીતી ગયા છે. આ ભયાનક દુર્ઘટનામાં 1300થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 4,900થી વધુ લોકો હજુ ગુમ છે, જેમાં 600 બાળકોનો સમાવેશ થાય છે. હાઇડ્રોપાવર પ્રોજેક્ટના 900 કામદારો પણ લાપતા છે. મૃતદેહોની ઓળખ માટે DNA ટેસ્ટ કરાઈ રહ્યા છે. નેપાળને બેઠું થતાં એક વર્ષ લાગશે.

Summarized by AI; it may make mistakes. Check important info

નેપાળમાં સામુહિક અંતિમ વિધિ લાપતા લોકોના સ્વજનોનાં ડૂસકાં
  • હાઇડ્રોપાવર પ્રોજેક્ટના ૯૦૦ કામદારો ગુમ
  • પ્રસંગપટ
  • ચારે બાજુથી મદદ આવી રહી છે, પરંતુ નેપાળને બેઠું થતાં કમસે કમ એક વર્ષ લાગશે

નેપાળના જળપ્રલયમાં ગુમ થયેલા લોકોના સ્વજનોનાં ડૂસકાં હજુ સંભળાય છે. જેમના સંબંધીઓ ગુમ થયા છે તેમણે સ્વીકારી લીધું છે કે હવે કોઈ ચમત્કાર થવાનો નથી. જેમના મૃતદેહો મળ્યા છે તેમના ડીએનએ ટેસ્ટ કરાવાયા છે, પરંતુ અનેકને ઓળખી શકાયા નથી. કેટલાકની સામૂહિક દફનવિધિ કરાઈ છે, તો કેટલાકના સામૂહિક અગ્નિસંસ્કાર કરાયા છે. નાનકડા દેશ પર તૂટી પડેલી મહાવિનાશક આફતથી નેપાળના સત્તાવાળાઓ સ્તબ્ધ છે.
ચારેબાજુથી મદદ આવી રહી છે, પરંતુ નેપાળને બેઠું થતાં કમસે કમ એક વર્ષ લાગશે. નેપાળના સત્તાવાળાઓ પાસે વિનાશક પૂરનો સામનો કરવાની ક્ષમતા નહોતી. વિનાશક પૂર બાદ પહેલા બે દિવસ તો હજુ બીજી વાર પૂર આવી રહ્યું છે તેના ફફડાટમાં જ વીત્યા હતા.
હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં કામ કરતા લોકોના કુટુંબીઓ સમજી ગયા છે કે તેમના લોકો મોતને ભેટયા છે. નેપાળના વડાપ્રધાનને મળીને તેમણે પોતાના ગુમ થયેલા સ્વજનોના ફોટા આપ્યા છે. ૨૬મી ઓગસ્ટે નેપાળમાં આવેલા જળપ્રલયને આજે ૧૫ દિવસ થયા હોવા છતાં ગુમ થયેલા લોકોના સંબંધીઓ હાથમાં ફોટા લઈને અહીં-તહીં ભટકી રહ્યા છે. સૌને આશા છે કે પોતાના સંબંધીઓ-સ્વજનો જીવતા હશે. જોકે નેપાળના સત્તાવાળાઓને તો હવે ગુમ થયેલા કોઈ મળે એવી નથી. કેદારનાથમાં જ્યારે વિનાશક પૂર આવ્યું ત્યારે પણ લોકો તેમના ગુમ થયેલા સંબંધીઓને શોધવા હાથમાં ફોટા લઈને ફરતા જોવા મળ્યા હતા.
આ નિરાશા વચ્ચે જ્યારે ગયા અઠવાડિયે ૬૦ વર્ષનાં એક ચીની વૃદ્ધા જીવતાં મળ્યાં, ત્યારે ગુમ થયેલા લોકોના સંબંધીઓ પણ વધુ આશા સાથે શોધખોળ કરી રહ્યા છે. આ મહિલા હાઇડ્રોપાવર ટનેલમાં ફસાયેલાં હતાં અને ત્યાંથી ખેંચાઈને એક મકાનના કાટમાળ હેઠળ દબાયેલાં મળ્યાં હતાં. તેઓ મળી આવ્યાં ત્યારે નેપાળની દુર્ઘટનાને ૧૦ દિવસ થયા હતા. ૬૦ વર્ષનાં ગુમ થયેલાં જે ચીની મહિલા મળી આવ્યાં તે મકાનના કાટમાળ નીચે દટાયેલાં હતાં. ભૂખ અને તરસથી તેઓ મૃત્યુની નજીક પહોંચી ગયાં હતાં. દસ દિવસ સુધી તેઓ ફસાયેલાં પડયાં રહ્યાં હતાં. તેઓ શ્વાસ પણ લઈ શકતાં નહોતાં અને લગભગ બેભાન હાલતમાં હતાં. આ અગાઉ ચીનનો અન્ય એક નાગરિક પણ કાદવ વચ્ચેથી જીવતો મળી આવ્યો હતો.
હવે આજે જ્યારે આ દુર્ઘટનાને ૧૫ દિવસ થયા છે ત્યારે ગુમ થયેલા કોઈ જીવિત હશે એવી શક્યતા નહિવત્ હોવાની. અત્યાર સુધીમાં મૃત્યુનો આંક ૧૩૦૦ પર પહોંચ્યો છે, જ્યારે ગુમ થયેલાઓની સંખ્યા ૪,૯૦૦ કરતાં વધુ છે, જેમાં ૬૦૦ બાળકોનો સમાવેશ થાય છે.
નેપાળમાં બચાવ ટુકડીની સાથે નેપાળનું લશ્કર પણ જોડાયું છે. કાટમાળ નીચે કે કાદવ નીચે દબાઈ રહેલા લોકોને શોધવા ખાસ ઉપકરણો મંગાવાયાં છે અને તેનો જ ઉપયોગ થઈ રહ્યો છે.
નેપાળના હાઇડ્રોપાવર પ્રોજેક્ટના ૯૦૦ કામદારો હજુ ગુમ છે. એમાંના મોટાભાગના ટનેલમાં ફસાયેલા છે. કૈલાસ માનસરોવરના યાત્રિકો હજુ ગુમ છે. મુંબઈ અને ઉત્તર પ્રદેશથી માંડીને મધ્ય પ્રદેશ સુધીના શ્રદ્ધાળુઓ માનસરોવરની યાત્રાએ ગયા હતા. કેટલાક બચી ગયા છે તો કેટલાકના મૃતદેહો મળી આવ્યા છે, પરંતુ અનેક લાપતા છે. કેટલાક પ્રવાસીઓની બેગ સાથેના ટ્રેકર મારફતે તેઓ છેલ્લે ક્યાં હતા તેનું લોકેશન જાણી શકાયું હતું, પરંતુ પછી પાણીના ફોર્સમાં બધું ખેંચાઈ ગયું હતું અને આખરી લોકેશન જાણી શકાયું નથી.
ગુમ થયેલા દરેક પ્રવાસીના સંબંધીઓએ કહ્યું હતું કે દુર્ઘટનાના આગલા દિવસે ફોન પર વાત થઈ ત્યારે તેઓ સૌ માનસરોવરની યાત્રા માટે ખુશ હતા, પરંતુ કુદરતે કંઈક બીજું જ વિચાર્યું હતું.
પાણી અને કાદવ નીચે દટાઈ ગયેલા મૃતદેહો લગભગ કોહવાઈ ગયા હશે. પાણીથી ફૂલાઈ ગયા હોવાથી તેમની ઓળખ મુશ્કેલ બની શકે છે. જ્યારે પણ પૂર અને ભૂકંપ જેવી કોઈ કુદરતી હોનારત સર્જાય છે ત્યારે ગુમ થયેલા લોકોની યાદી અંતે મૃત્યુ પામેલા લોકોની યાદીમાં જોડાઈ જાય છે. હવે મૃતકોના ડીએનએ મેચ કરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. જો તેમાં સફળતા મળશે તો તે મૃતદેહ તેમના સંબંધીઓને સોંપી શકાશે.