તમિળનાડુના રાજકારણમાં મહિલાઓ માટે અભદ્ર કોમેન્ટ સામાન્ય બાબત છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- સનતાન ધર્મ, શશિકલા, સુકન્યા અને ત્રિષા
- પ્રસંગપટ
- બોલવામાં તોછડાઇ અને રાજ્યમાં સત્તાનું જોર - આ બંનેનું કોમ્બિનેશન થવાથી ઉદયનિધિ સ્ટાલિન છાટકા થઈ ગયા હતા
તમિળનાડુમાં જ્યારે ડીએમકેના સ્ટાલિન પરિવારનું શાસન હતું, ત્યારે સનાતન ધર્મ વિશે એલફેલ બોલનાર મુખ્યમંત્રીના પુત્ર અને રાજ્યના મંત્રી તેમજ હાલમાં વિપક્ષના નેતા ઉદયનિધિ સ્ટાલિનનો વાળ કોઈ વાંકો કરી શક્યું નહોતું. ગયા રવિવાર સુધી સ્ટાલિન પરિવાર ખુદને સત્તાધીશ માનતો હતો, પરંતુ રાજ્યના નવા શાસકોએ સ્ટાલિન પરિવારને ચમત્કાર બતાવીને કહ્યું છે કે તમે સત્તા પર નથી, સીધા રહેજો. હાઈકોર્ટે સ્ટે આપતાં ઉદયનિધિ સ્ટાલિન તેમજ ડીએમકેને મોટા હાશકારો થયો છે.
ઉદયનિધિ જીભે છૂટો રાજકારણી છે. એક તો બોલવામાં તોછડાઈ અને રાજ્યમાં સત્તાનું જોર - આ બન્નેનું કોમ્બિનેશન થયું એટલે ઉદયનિધિ સ્ટાલિન છાટકા બનીને ફરતા હતા. તેમના ઘર સુધી પોલીસ પહોંચી છેક ત્યારે કદાચ તેમના પરિવારને ભાન થયું હતું કે આપણે સત્તા પર નથી. કહે છે કે પોલીસને આવતી જોઈને બાથરૂમમાં ભરાઈ ગયેલા ઉદયનિધિ સ્ટાલિનને જેલમાં ધકેલી દેવાની તમામ તૈયારી રાજ્યના નવા મુખ્યમંત્રી અને અભિનેતા જોસેફ વિજયે કરી દીધી હતી.
સનાતન ધર્મ, શશિકલા અને ત્રિષા પર સ્ટાલિનપુત્રની જીભ વારંવાર લપસી પડે છે. મુખ્યમંત્રી વિજયની ફ્રેન્ડ ત્રિષા વિશે ગંદી દ્વિઅર્થી કમેન્ટ કર્યા પછી ઉદયનિધિ કહેતા હતા કે મેં કોઈનું નામ નથી લીધું. તેઓ જે કહેવા માગતા હતા તે કોઈ પણ મહિલા માટે અપમાનજનક હતું. પોતાના પરિવારની સત્તા હોય ત્યારે એલફેલ બોલવું અને જ્યારે અન્ય પક્ષની સરકાર હોય ત્યારે એલફેલ બોલવામાં જેલ અને ઘરમાં રહેવા જેટલું અંતર હોય છે. તમિળનાડુમાં હાર પછી સાથી પક્ષ કોંગ્રેસે નવી સરકારના નેતા વિજય જોસેફને ટેકો આપીને ડીએમકે સાથે છેડો ફાડયો, ત્યારે ડીએમકેના નેતાઓને જેટલો આંચકો નહોતો લાગ્યો એટલો આંચકો ઉદયનિધિને પકડવા પોલીસ ઘેર પહોંચી ત્યારે લાગ્યો હતો.
ઉદયનિધિના એલફેલ બોલવાની કિંમત તેમના પક્ષ ડીએમકેને ચૂકવવી પડશે. તમિળનાડુમાં મુખ્યમંત્રી વિજયની લોકપ્રિયતા સ્ટાલિન પરિવાર કરતાં વધુ છે તે તેમના જીતથી સાબિત થઈ ગયું છે. પોતાના પુત્રની ધરપકડના મેસેજ બાદ તરત જ ભૂતપૂર્વ મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિને મુખ્યમંત્રી વિજય પર આક્ષેપો શરૂ કરી દીધા હતા. તેમણે કહ્યું કે જોસેફ વિજય બિનકાર્યક્ષમ છે અને ડમી મુખ્યમંત્રી છે, તેઓ કાવેરી નદીના વિવાદ પરથી લોકોનું ધ્યાન અન્યત્ર ખેંચવા માગે છે. ગઈ વિધાનસભાની ચૂંટણી દરમિયાન ઉદયનિધિએ અનેક વાર રાજકીય નેતાઓ વિશે અભદ્ર ટીકાઓ કરી છે, પરંતુ જેનો પરિવાર સત્તા પર હોય તેને કોઈ વાંધો નથી આવતો.
શશિકલા વિશે તેમણે કહ્યું હતું કે અન્નાડીએમકેના નેતાઓ તેમના પગ પકડીને બેસી રહેતા હતા. ઉદયનિધિએ કાવેરીના મુદ્દે ભાષણ આપ્યું, ત્યારે સામે બેઠેલા કાર્યકરો 'ત્રિષા-ત્રિષા' એવી બૂમો પાડતા હતા, અને પછી ઉદયનિધિએ અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. લોકોએ પણ તેમને ચીચિયારીઓ પાડીને વધાવી લીધા હતા. આ ચીચિયારીઓ ઉદયનિધિને પોલીસ કસ્ટડી સુધી ખેંચી ગઈ હતી. સોશિયલ મિડીયા પર પણ ઉદયનિધિને મહિલાઓનું અપમાન નહીં કરવા ચેતવવામાં આવ્યા હતા. તમિળનાડુમાં જોકે મહિલા રાજકારણીઓનું અપમાન નવી વાત નથી. એક સમયે જયલલિતાની પણ વિધાનસભામાં સાડી ખેંચાઈ હતી.
એમ. કે. સ્ટાલિને પોતાના પુત્રને ઘરની અંદર પૂરી રાખવાની જરૂર છે. તેમના હાથમાં જ્યારે પણ માઈક આવે છે ત્યારે તેઓ જીભ પરનો કાબૂ ગુમાવે છે. ઉદયનિધિ સ્ટાલિનની ધરપકડ કરવા હવે મુખ્યમંત્રી વિજય વધુ ભૂરાંટા થશે. વિજયની સરકાર પાસે સ્પષ્ટ બહુમતી છે. તેમના સભ્યોને ખરીદવા ૧૦-૧૫ કરોડ ચૂકવાયાના અહેવાલો પણ ફરતા થયા હતા. જોકે મુખ્યમંત્રી વિજયે સ્થિરતા બતાવીને ઉથલપાથલના અહેવાલોને ફગાવી દીધા હતા.
તમિળનાડુના રાજકારણમાં મહિલા રાજકારણીઓની મશ્કરી અને તેમના માટે દ્વિઅર્થી કમેન્ટ્સ સામાન્ય બનતી જાય છે. મહિલાઓને કાયદાકીય રક્ષણ મળે છે, પરંતુ તેમાં લાંબી રાહ જોવી પડે છે. ૩૦ વર્ષ પહેલાં અભિનેત્રી સુકન્યાએ સન ટીવી પર કેસ કર્યો હતો. ચંદન કિંગ વીરપ્પને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સુકન્યા અને ભૂતપૂર્વ વડાપ્રધાન નરસિંહ રાવના પુત્ર વચ્ચે શંકાસ્પદ સંબંધો છે. આ વાતને એડિટ કર્યા વગર ટીવી પર આવી હતી. સુકન્યાએ સન ટીવી સામે કરેલો કેસ ૩૦ વર્ષ ચાલ્યો અને ગયા જૂન માસમાં સન ટીવીને દસ લાખ રૂપિયાનો દંડ ફટકારાયો હતો.
આજે ત્રિષાને ટાર્ગેટ કરવામાં આવી, ભૂતકાળમાં જયલલિતા, ખૂશ્બુ, સુકન્યા જેવી અભિનેત્રીઓને ટાર્ગેટ કરાઈ હતી. આવતીકાલે કોઈ બીજું હશે. ટૂંકમાં નામ બદલાય છે, મશ્કરીની પદ્ધતિમાં કોઈ ફેર પડતો નથી.









