જો ઇચ્છાઓને પાંખો હોત... પીએમ બનવાનું સપનું વિજય માટે જોખમી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- 'વિજય ફોર પીએમ-૨૦૨૯'નાં હોર્ડિંગ્સ લાગી ગયાં છે
- પ્રસંગપટ
- આને કહેવાય વાતનું વતેસર થવું. તામિલાનડુમાં વિજયની સરકારને ટેકો આપનાર કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી છે
ગુજરાતીમાં એક સુંદર ગઝલની પ્રથમ પંક્તિ છે-
જો આ નાની ઇચ્છાઓને પાંખો હોત,
તો ખુલ્લા આકાશે એના આંટા હોત…
દેશના વડાપ્રધાન બનવાની મહેચ્છા રાખનારાઓની યાદીમાં એકનો ઉમેરો થયો છે. વડાપ્રધાન પદ સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં કે તે હોદ્દા પર બેસવાનાં સપનાં જોવામાં કશું ખોટું નથી. સપનાં જોવાનો દરેકને અધિકાર હોય છે. દરેક રાજકારણીની મહેચ્છા સતત ટોપ પર પહોંચવાની હોય છે. એટલે જ તે પોતાની લોબી પાવરફુલ બનાવે છે, પોતાના સમર્થકો પોતાના ઇશારે નાચે તેમ ઇચ્છે છે. વડાપ્રધાનનો હોદ્દો કાંટાળો તાજ હોવા છતાં લોકો તેને પહેરવા ઇચ્છે છે. તે માટે ટાંટિયાખેંચ અને ભ્રષ્ટાચાર જેવી નેગેટિવ શક્તિઓનો ઉપયોગ કરીને આગળ વધવાની સીડી ઘણી વાર પોતાની જાતે જ તોડી નાખતા હોય છે. વડાપ્રધાન પદ પર બેસવાની ઇચ્છા રાખનારાઓમાં છેલ્લે એક નામનો ઉમેરો થયો છે અને તે છે, તમિળનાડુના મુખ્યમંત્રી વિજય જોસેફ. તેમણે કશું નથી કહ્યું પણ તેમના સમર્થકો કહી રહ્યા છે કે વિજયમાં વડાપ્રધાન બનવાની ક્ષમતા છે, માટે તેમને પીએમ બનાવવા જોઈએ.
સપનાં ક્ષમતા અનુસાર જ જોવાં જોઈએ. આપણી લોકશાહીમાં જેની પાસે બહુમતી હોય તે પક્ષના નેતા વડાપ્રધાન બની શકે છે. વિજય જોસેફના સમર્થકોએ વિજયને વડાપ્રધાન બનાવવાની વાત કરી ત્યારે તેની મશ્કરી કોંગ્રેસ અને ડીએમકેએ પણ કરી છે. 'વિજય ફોર પીએમ-૨૦૨૯' કેમ્પેઇન વિવાદ ઊભો કરી રહ્યું છે. તમિળનાડુની સરકારમાં કોંગ્રેસ સાથી પક્ષ હોવા છતાં તેણે વિજયના વડાપ્રધાન પદના આઇડિયાને ફગાવી દીધો છે. કોંગ્રેસે તો એટલે સુધી કહ્યું છે કે ૨૦૨૯માં વડાપ્રધાન પદ માટે રાહુલ ગાંધીના નામને ટેકો નહીં અપાય તો અમે વિજયને આપેલો ટેકો પાછો ખેંચી લઈશું.
૨૮ ઓગસ્ટે બહાર પડેલા એક સર્વેમાં પૂછાયું હતું કે, જો આજે લોકસભાની ચૂંટણી થાય તો વડાપ્રધાન પદે તમે કોને પસંદ કરો? તેમાં વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધીના નામની પસંદગી કરતાં વધુ વોટ લોકોએ વિજયના નામ પર ઢોળ્યા હતા. અલબત્ત, ઇન્ડિયા ટુડે-સીવોટરે કરેલા તાજા સર્વેનું પરિણામ સાવ જુદું હતું. નરેન્દ્ર મોદીને સૌથી વધુ ૪૮.૭ ટકા, રાહુલ ગાંધીને ૨૭.૧ ટકા અને વિજયને ફક્ત ૯.૨ ટકા પ્રતિભાગીઓએ પીએમ કેન્ડિડેટ તરીકે જોયા હતા.
અલબત્ત, ચૂંટણીના બે વર્ષ પહેલાં થતા આવા સર્વે બિનજરૂરી અને અર્થહીન છે. તમિળનાડુના ડીએમકે પક્ષના લોકોએ ઉપહાસપૂર્વક કહ્યું હતું કે વિજયને વડાપ્રધાન શું કામ, સંયુક્ત રાષ્ટ્રસંઘના વડા બનાવો ને? આમ વિજય મશ્કરીનો ભોગ બન્યા હતા.
તામિલનાડુમાં વિજયની સરકારને ટેકો આપનાર વધુ એક પક્ષ એમડીએમકેએ પણ કહ્યું હતું કે વિપક્ષ પાસે રાહુલ ગાંધી સિવાયનો કોઈ મજબૂત ઉમેદવાર નથી. વિજયનું મહત્ત્વ રાજકારણમાં એટલા માટે વધ્યું છે કે તેમણે તમિળનાડુના મજબૂત એવા ડીએમકે પક્ષને હરાવીને સરકાર રચી છે.
'વિજય ફોર પીએમ-૨૦૨૯'નાં પોસ્ટર તમિળનાડુના તૂતીકોરીન સહિતના વિસ્તારોમાં લાગી ગયાં છે. ભારતમાં વડાપ્રધાન બનવા માટેનાં સપનાં જોનારાઓને અનેક યુદ્ધના કોઠા પાર કરવા પડે છે. તેમ કરવામાં તેઓ પોતાની બાજી હારતા જોવા મળ્યા છે. જેમ કે ઉત્તર પ્રદેશમાં માયાવતી મુખ્યમંત્રી હતાં ત્યારે તેઓ પણ દલિત મહિલા વડાપ્રધાન બનવાનાં સપનાં જોતાં હતાં. અખિલેશ યાદવના સમર્થકોએ પણ અખિલેશને વિપક્ષના પીએમ પદના ઉમેદવાર ગણાવીને પોસ્ટરો માર્યાં હતાં. મમતા બેનરજી પશ્ચિમ બંગાળમાં જીત્યાં હોત તો વિપક્ષના પીએમ પદના ઉમેદવાર માટે દાવો કરવાનાં હતાં.
ભૂતપૂર્વ વડાપ્રધાન દેવેગૌડાની ઉંમર ૯૩ વર્ષની છે. તેમને એક જ્યોતિષીએ કહ્યું છે કે હજુ તેઓ એકવાર વડાપ્રધાન બનશે, માટે તેમના ઘેર દર રવિવારે વિજય યજ્ઞા કરવામાં આવે છે. એ વાત જુદી છે કે કોંગ્રેસ કોઈને પણ વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જોવા નથી માંગતી. વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર બનવું અને દેશના ખરેખરા વડાપ્રધાન બનવું - આ બન્નેમાં આસમાન-જમીનનો ફર્ક છે, એવું આ વડાપ્રધાન પદનાં સપનાં જોનારાઓને કોણ સમજાવશે?




