જલારામ બાપા અને રંગઅવધૂત મહારાજના મંદિરમાં દાનની પેટી મૂકાતી નથી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

રામમંદિરમાં દાન-ચોરીનો વિવાદ રાજકીય બની ગયો છે
પ્રસંગપટ
દાનની રકમ શહીદ જવાનોના પરિવારો અને લશ્કર પાછળ ફાળવવા અંગે વિચારણા ચાલી રહી છે
રામમંદિરમાં દાનની ચોરીનો વિવાદ રાજકીય બની ગયો છે. સામાન્ય પ્રજા દાન આપ્યા પછી પાછું વળીને જોતી નથી, પરંતુ રાજકીય ઉથલપાથલ કરવા મથતા રાજકારણીઓ માટે રામમંદિરના ડોનેશનનો મુદ્દો વિવાદની નવી ચ્યુઇંગમ સમાન છે. દાનમાં મળેલી રકમના એક-એક રૂપિયાનો હિસાબ રાખવા મંદિરનું ટ્રસ્ટ બંધાયેલું છે. સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે સૌથી પહેલાં ભાંડો ફોડતાં કહ્યું હતું કે રામમંદિરમાં આવેલી દાનની રકમની ચોરી થઈ રહી છે. રામમંદિરમાં ચાલતી આથક ગેરરીતિમાં નવો મુદ્દો બનાવટી પહોંચનો ઊપસ્યો છે. દાન લેનારાઓએ લોકોનો ભરોસો જીતવા મંદિરના સહી-સિક્કાવાળી પહોંચ છપાવી હતી. દાતાઓને પહોંચ જોઈને સંતોષ થતો હતો, પરંતુ હકીકત એ હતી કે પહોંચ બનાવટી હતી. ડોનેશન સીધું જ કૌભાંડ કરનારાના ખિસ્સામાં જતું હતું.
અખિલેશે કરેલા આ ધડાકા બાદ વાત વણસી હતી. પછી તો વિરોધીઓએ રામમંદિર વિરોધી નિવેદનોની તડી બોલાવી હતી. ખરેખર તો ટ્રસ્ટીઓએ અખિલેશ યાદવને ઘેર જઈને તેમનો આભાર માનવો જોઈએ, તેના બદલે 'અખિલેશને કેવી રીતે ખબર પડી?' એમ પૂછીને મશ્કરી કરવામાં આવે છે. જેમના પર કરોડોના ગોટાળાનો આક્ષેપ હોય તેઓ પણ દાનચોરી બાબતે નીતિનું ભાષણ આપવા બેસી જાય છે. અયોધ્યા મંદિરમાં થયેલી દાનચોરી કોઈ રીતે માફીને લાયક નથી, પરંતુ અત્યારે તો સોશિયલ મીડિયાના તખ્તા પર આ મામલાની છાનબીન ચાલી રહી છે, ચુકાદા તોળાઈ રહ્યા છે અને રામમાં ન માનનારા, રામમંદિરના દર્શન કરવા નહીં ગયેલા લોકો પણ કાદવ ઉડાડવાની તક ઝડપી રહ્યા છે.
વિપક્ષના રાજકારણીઓ પાસે આમેય બીજો કોઈ નક્કર મુદ્દો નથી. તેઓ રામમંદિરને એનડીએ સરકારની માલિકીનું માની રહ્યા છે. કેટલાક હિન્દુ રીતરિવાજો તરફ આંગળી ચીંધી રહ્યા છે, તો કેટલાક તમામ મંદિરોની દાન-પ્રક્રિયાને શંકાથી જોઈ રહ્યા છે. ખરેખર તો એકવાર તપાસ એજન્સીને કેસ સોંપાય પછી તેના અહેવાલની રાહ જોવી જોઈએ. તમામ મંદિરોના વહીવટદારોને શંકાના નજરે જોવું પણ અપમાન સમાન છે.
રામમંદિર લોકો માટે ખુલ્લું મૂકાયું હતું તે અવસર વિશ્વભરના હિન્દુઓ માટે ચર્ચાનો વિષય બની ગયો હતો. દાયકાઓના નહીં, સદીઓના પછીના સંઘર્ષ બાદ રામમંદિર ઊભું કરી શકાયું છે તે સૌ હિંદુઓ જાણે છે. શ્રદ્ધાળુઓમાં દર્શનની તાલાવેલી જાગી હતી. સત્તાવાળાઓએ અયોધ્યા પહોંચવા માટે વધારાની ફ્લાઇટ્સ અને ટ્રેનોની વ્યવસ્થા કરી હતી. રામમંદિરનું નિર્માણ દેશના હિન્દુઓની સૌથી મોટી જીત હતી, પરંતુ રામમંદિર સાથે જોડાયેલા નેતાઓ એ ભૂલી ગયા હતા કે રામમંદિરના વહીવાટ માટે પ્રામાણિક લોકોને નિમણૂક જ થવી જોઈએ. પાંચ-પંદર લોકોના હાથમાં કરોડો રૂપિયાનો વહીવટ સોંપવામાં આવ્યો અને પછી બેદરકારી શરૂ થઈ ગઈ.
કરોડો રૂપિયા આવતા હતા અને બારણાં ખુલ્લાંભટ્ટ હતા એટલે આ વહીવટદારો લાલચ જાગી. તેઓ વાહ-વાહી લૂંટતા રહ્યા, અને પોતાના ફાળે આવેલી જવાબદારી પ્રત્યે બેધ્યાન રહ્યા છે. આ તમામ લોકો સજાને લાયક છે.
હવે બદ્રીનાથ મંદિરનો મામલો ઉછળ્યો છે. મંદિરોમાં સામાન્યપણે દાનનો વરસાદ વરસતો હોય છે. અનેક મંદિરોની સંપત્તિ કરોડોમાં આંકવામાં આવી છે. મંદિરમાં દાન આપવાની પ્રથા તોડી શકાય એમ નથી. સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં આવકનો દસ ટકા હિસ્સો દાનપેટીમાં નાખવાની સલાહ અપાય છે. અલબત્ત, અહીં વીરપુરના જલારામ મંદિરનો ઉલ્લેખ કર્યા વગર ચાલે એમ નથી. મંદિરમાં વિનામૂલ્યે લાખો શ્રદ્ધાળુઓને પ્રસાદી આપવામાં આવે છે, અને ત્યાં બોર્ડ માર્યું છે કે અહીં કોઈ દાન લેવાતું નથી. ગુરુદેવ દત્ત સ્વરૂપ રંગ અવધૂત મહારાજના મંદિરમાં પણ દાનપેટી મુકાતી નથી.
મંદિરોમાં દાનની પ્રથા બદલવા માટે સત્તાવાળાઓએ નવી નીતિ લાવવાની જરૂર છે. ધનના ઢગલા પર કે ધનની નજીક બેઠેલા માણસની દાનત ક્યારે બગડે તે કહી શકાતું નથી. દાન આપતા લોકોને અટકાવી શકાય તેમ નથી અને દાનની મર્યાદા પણ બાંધી શકાય એમ નથી. શ્રદ્ધાળુઓએ દાનમાં આપેલો પૈસો ક્યાં વપરાય છે તેનો પૂરો હિસાબ જાહેર કરીને લોકોનો વિશ્વાસ જીતવો જોઈએ. લશ્કરના શહીદ જવાનોના પરિવારો માટે તેમજ હથિયારો પાછળ આ રકમ ફાળવવાના આઇડિયા પર વિચારણા ચાલે છે.









