સંવેદનાથી ભરેલું અનોખું આંદોલન નહીં સૂત્રોચ્ચાર કે નહીં ટોળાશાહી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- રાજસ્થાનમાં મૂક-બધિર વિદ્યાર્થીઓનું શાંત આંદોલન
- રાજસ્થાનની સરકારે ઝૂકવું પડયું : આંદોલન કરનારાઓના વિરોધના ઇશારાઓને લોકો સમજી શક્યા હતા
- પ્રસંગપટ
છેલ્લા કેટલાક દિવસોમાં વિદ્યાર્થીઓના વિરોધના બે ચહેરા દેશના લોકોએ જોયા છે. દિલ્હીના જંતર-મંતર ખાતે નીટ પરીક્ષાના પેપર લીકના મુદ્દે શિક્ષણ મંત્રીનું રાજીનામું માગતા આંદોલનમાં સરકાર વિરોધી, ખાસ કરીને વડાપ્રધાન મોદી વિરુદ્ધ અપશબ્દોની ભરમાર જોવા મળી હતી. જેનઝી તરીકે ઓળખાતી યુવા પેઢીના પ્રદર્શનકારીઓ અને કોક્રોચ જનતા પાર્ટીના સભ્યો પર પોલીસનો લાઠીચાર્જ થયો હતો. શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલો બીજો વિરોધ ઝારખંડમાં જોવા મળ્યો. શાંત અને સ્વયંભૂ વિરોધમાં સરકાર કે વડાપ્રધાન વિરોધી કોઈ સૂત્રોચ્ચાર જોવા મળ્યા નહોતા.
દિલ્હીનું આંદોલન અને ઝારખંડનું આંદોલનની બન્ને પરીક્ષા પદ્ધતિ અને પેપર લીકની સમસ્યા સાથે જોડાયેલાં હોવા છતાં કોક્રોચ પાર્ટી ઝારખંડ પહોંચી નહોતી. ઝારખંડના વિદ્યાર્થીઓ સાથે રાજ્ય સરકારે વાટાઘાટો શરૂ કરી છે.
અહીં એક એવા આંદોલનની વાત છે કે જેમાં નહોતા કોઈ સૂત્રોચ્ચાર કે નહોતાં કોઈ મોદી વિરોધી બેનરો, નહોતા કોઈ રાજકીય પક્ષો કે નહોતાં મેઇનસ્ટ્રીમ સમાચાર માધ્યમો. રાજસ્થાનના જયપુરના બહેરા-મૂંગા વિદ્યાર્થીઓએ એવું શાંત આંદોલન કરી બતાવ્યું કે રાજસ્થાનની સરકારે ઝૂકવું પડયું. તેમણે કરેલા વિરોધના ઈશારાને આખો દેશ સમજી શક્યો હતો.
આ વિદ્યાર્થીઓએ એવું કરી બતાવ્યું કે જેણે પણ તેમનો વિરોધ જોયો તે તેમની મદદ કરવા પહોંચી ગયો હતો. સૂત્રોચ્ચારો કરવા, ઘાંટા પાડવા, સરકારની વિરુદ્ધ બોલવું વગેરે કરતાં પણ મોટી તાકાત મૌન વિરોધમાં છે, તે રાજસ્થાનના બહેરા-મૂંગા વિદ્યાર્થીઓએ સાબિત કરી આપ્યું હતું.
રાજસ્થાનના ભાજપના શાસકોને હચમચાવી નાખતો આ વિરોધ જાગ્રત નાગરિકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. સરકારની સ્કૂલોમાં ક્રોસ ચેકિંગ ક્યારેય થતું નથી. કેટલીક સરકારી શાળાઓમાં છાપરું ન હોય, મધ્યાહ્ન ભોજનમાં પાણીવાળું શાક અપાતું હોય, ગંદા ંશૌચાલયો હોય, શિક્ષકો અનિયમિત હોય જેવી ફરિયાદો સામાન્ય બની ગઈ છે.
અહીં જે બહેરા-મૂંગા વિદ્યાર્થીઓની સંવેદના રજૂ કરાઈ છે તે સ્કૂલ રાજસ્થાન સરકાર હેઠળની છે. જયપુર ખાતેની બહેરા-મૂંગાની સ્કૂલ તરીકે ઓળખાતી શેઠ આનંદીલાલ પોદ્દાર હાયર સેકન્ડરી સ્કૂલ ફોર ધ ડેફ એન્ડ મ્યૂટના વિદ્યાર્થીઓનું આંદોલન તેમની સ્કૂલની કથળેલી હાલત બાબતનું હતું. તેમનું આંદોલન સ્કૂલના તૂટેલા ટોયલેટ, ચારેબાજુ ગંદકી, પીવાના પાણીના ધાંધિયા, ભંગાર હાલતમાં પડી રહેલી સ્કૂલ બસ, જર્જરિત મકાન અને અનિયમિત આવતા શિક્ષકો બાબતે હતું.
બહેરા-મૂંગા વિદ્યાર્થીઓ હાથના ઈશારા અને સંજ્ઞા બતાવીને કમ્યુનિકેશન કરે છે તેની સામાન્ય જનતાને ખબર પડતી નથી, પરંતુ તેમણે રોડ પર બેસીને એવું આંદોલન કર્યું કે તેમના ઈશારા સત્તાવાળાઓ ટૂંક સમયમાં જ સમજી ગયા હતા અને રાતોરાત પગલાં લેવાં શરૂ કર્યાં હતાં. તેમના આંદોલનમાં કોઈ સૂત્રોચ્ચાર નહોતા, કેમ કે તેઓ બોલી શકતા નહોતા. તેમને કોઈ ગેરમાર્ગે દોરી શકે એમ નહોતું કે તેમને કોઈ સરકાર વિરોધી નારા લગાવવા સમજાવી શકતું નહોતું, કેમ કે તેઓ સાંભળી શકતા નહોતા.
તેમના લીડર ભાષણબાજી કરતા હતા, પરંતુ તેમની સંજ્ઞા માત્ર સામે બેઠેલા વિદ્યાર્થીઓ જ સમજી શકતા હતા. વિદ્યાર્થીઓ ટોળાબંધ રોડ પર બેસી રહ્યા હતા. બહેરા-મૂંગા વિદ્યાર્થીઓનું આંદોલન જોઈને સત્તાવાળા દોડતા થઈ ગયા હતા. પોતાના હક માટે લડતા વિદ્યાર્થીઓના ટેકામાં શિક્ષણ સાથે સંકળાયેલા દરેકે સંવેદના વ્યક્ત કરી હતી. આંદોલન કરનારા કહેતા હતા કે અમે બોલી ન શકીએ, સાંભળી ન શકીએ એનો અર્થ એવો નથી કે અમને અમારા ભણતરની રોજિંદી જરૂરિયાતથી દૂર રખાય.જે રીતે વિદ્યાર્થીઓ શિસ્તબદ્ધ બેસીને હાથ ઊંચા કરીને સૂત્રોચ્ચારની સંજ્ઞા બતાવતા હતા, તે જોઈને નજીકથી પસાર થનારા પણ બે મિનિટ માટે આ શાંત વિરોધ જોવા રોકાઈ જતા હતા.
આવો સંવેદનાભર્યો વિરોધ જોઈને વિપક્ષ તેમજ સત્તાધારી પક્ષના લોકો તેમજ શિક્ષણ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. શિક્ષણ ખાતાએ ત્વરિત પગલાં ભરીને સ્કૂલનું ઇન્સ્પેક્શન કર્યું ત્યારે તેઓ ચોંકી ઉઠયા હતા. પ્રિન્સિપાલની બદલી કરી નાખવામાં આવી અને અન્ય બે શિક્ષકોને પણ દૂર કરાયા. ૧૨મા ધોરણ સુધીની આ સ્કૂલમાં ૧૭ ક્લાસરૂમ છે, ૫૯૨ વિદ્યાર્થીઓ ભણે છે. ૭૬ શિક્ષકો નિમાયા છે પણ માંડ ૨૫ શિક્ષકો આવે છે અને તેઓ નિયમિત નથી. સરકારે ત્વરિત એક કમિટી રચી છે અને સ્કૂલની સમસ્યાઓ નિવારવાની તૈયારી કરી છે.









