For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જેની સાથે લગ્ન કર્યા તે મહિલા 5000 જેટલી કારની ચોરી કરનાર રીઢા તસ્કરની પત્ની નિકળી

Updated: Feb 4th, 2023

Article Content Image

પોરબંદરના યુવાન સાથે લગ્નના નામે છેતરપીંડી શાદી ડોટ કોમમાંથી પરિચય થયા બાદ પોતે ડીવોર્સી હોવાની વાત કરી યુવાનને શીશામાં ઉતાર્યોઃ અનેક ગુન્હામાં તેણીની સંડોવણી હોઇ ધરપકડથી બચવા લગ્નનું નાટક કર્યું 

પોરબંદર, : પોરબંદરમાં શાકભાજી વેચતા એક યુવાને શાદી ડોટ કોમ નામની વેબસાઇટમાંથી આસામની ડાઈવોર્સી મહિલા સાથે સંપર્ક થયા બાદ પોરબંદરના આર્ય સમાજમાં લગ્ન કર્યા હતા. અને 6  મહિના જેટલો સ મય પતિ સાથે રહ્યા પછી વતન ગઇ ત્યારે કોઇ ગુન્હાના કામે તેની ધરપકડ કરવામાં આવી હોવાનું બહાર આવતા આ યુવાન ચોંકી ઉઠયો હતો અને તપાસ કરતા તે મહિલા ભારતના સૌથી મોટા કાર ચોર કે જેને 5000 જેટલી કાર ચોરી છે, તેની પત્ની હોવાનું બહાર આવતા આ યુવાનના પગ નીચેથી ધરતી ખસી ગઇ હતી. અને તેણે પોરબંદર પોલીસ સહિત માનવ અધિકાર આયોગ, એટીએસ અને સીબીઆઈને પણ લેખિત જાણ કરીને તે મહિલા સામે ગુન્હો નોંધવા માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે આ યુવાને ફેમીલી કોર્ટમાં પણ સાત મહિના અગાઉ તેના વિરૂધ્ધ પિટીશન ફાઈલ કરી છે.

પોરબંદરમાં માણેકચોક શાક માર્કેટમાં શાકભાજી વહેચવાનો ધંધો કરતા વિમલ તુલસીદાસ કારીયાએ કરેલી ફરિયાદ અરજીમાં જણાવ્યું છે કે સોશિયલ મીડિયામાં શાદી ડોટ કોમ નામની વેબસાઇટમાં આસામના ગોવાહાટીની રીટા દાસ નામની મહિલા સાથે તેનો સંપર્ક થયો હતો. જેને તેની પ્રોફાઇલમાં ડાઇવોર્સી હોવાનું જણાવેલ હતું. તેથી વિમલે તેની સાથે વાતચીત કરતા અને લગ્ન અંગેની મહેચ્છા દર્શાવતા તે મહિલા પણ લગ્ન માટે તૈયાર થઇ હતી. તેથી તેના છુટાછેડાના ડોક્યુમેન્ટ જોવા માટે વિમલે માગ્યા ત્યારે રીટાએ એવું જણાવ્યું હતું કે તેના બાળવિવાહ થયા હતા અને તેના કોઇ દસ્તાવેજ નથી તે ખુબ જ ગરીબ ઘરની છે અને માતા-પિતાના ઘરે ખુબ જ દુઃખ ત્રાસ અપાઈ રહ્યો છે તેવું જણાવતી હતી. આથી વિમલે એકાદ મહિના સુધી ફોન ઉપર તેનો સતત સંપર્ક કરીને પરિચય કેળવ્યો હતો. અને ત્યારપછી તેને અમદાવાદ લગ્નની વાતચીત માટે બોલાવી હતી. આ રીતે ઇ.સ. 2021માં તેનો રીટા સાથે સંપર્ક થયો હતો.

રીટાદાસ સાથે નિકળતા કેળવ્યા બાદ લગ્નનું નક્કી થતા તા. 15-10-2021 ના પોરબંદરના આર્યસમાજ ખાતે હિંદુ લગ્નવિધિથી લગ્ન કર્યા હતા અને ત્યારબાદ તે બન્નેએ લગ્નજીવનની શરૂઆત કરી હતી.

રીટાદાસ નામની આ મહિલા સાથેનો સંસાર ચાલતો હતો તે દરમિયાન માર્ચ-2022માં આસામથી રીટાની માતાનો એવા પ્રકારનો ફોન આવ્યો હતો કે કોઇ જમીનનો કેસ ચાલે છે તેથી તેને આસામ ખાતે મોકલો 15 થી 20 દિવસમાં તે પરત આવી જશે.

તા. 21-3-2022નાં પત્ની રીટા વતન ગઇ હતી અને તા. 30ના આસામ ખાતે તેની કોઇ ગુન્હા સબબ ધરપકડ થઇ હતી અને તેને જેલમાં મોકલી આપવામાં આવી હતી. આ પ્રકારની માહિતી મળતા વિમલે તેની સાથે ફોન ઉપર વાતચીત કરવાની કોશિશ કરતા તેનો ફોન રીસીવ થયો ન હતો અને બપોરે તેના વકીલનો વિમલભાઇને એવો ફોન આવ્યો કે રીટા કોઇ કેસમાં સંડોવાયેલ નથી, તેનું ચાર્જશીટ કે એફઆઈઆરમાં નામ નથી તેનો જુનો કેસ ચાલે છે અને તેમાંથી તેને છોડાવવા માટે ઓનલાઇન પૈસા મગાવ્યા હતા અને કટકે કટકે વિમલે એક લાખ રૂપિયા તેને મોકલ્યા હતા.

બાદમાં વકીલને ફોન કરીને એક લાખ રૂપિયા ખર્ચ કેવાનો થયો ? તેવો સવાલ પૂછીને પૈસાનો હિસાબ માંગતા તેના વકીલે કોર્ટના કાગળો મોકલ્યા હતા અને તે ડોક્યુમેન્ટ જોતા જ તેને આંખે અંધારા આવી ગયા હતા કારણ કે પત્નીનું સાચુ નામ રીટાદાસ નહીં પરંતુ રીટા ચૌહાણ હોવાનું બહાર આવ્યું હતું. તે ગુન્હાહિત કાવતરૂં, ચોરી, લૂંટફાટથી માંડીને હથિયાર ધારા અને ગેંડાના શિકાર અને સ્મગલિંગ જેવા ગંભીર ગુન્હામાં સંડોવાઈ હોવાનું વિમલના ધ્યાને આવતા તે ચોંકી ઉઠયો હતો. 

યુવાને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, તેની પત્ની રીટાના છુટાછેડા નહીં થયા હોવા છતાં તેની સાથે વિશ્વાસઘાત કરીને તેની સાથે બીજા લગ્ન કર્યા છે તે તેના પતિ સાથે આસામમાં રહેતી હતી પરંતુ ધરપકડથી બચવા માટે પોરબંદર આવીને વિમલ સાથે લગ્નનું નાટક કર્યું હતું.

પત્નીની છેતરપીંડી વિષેની સાચી હકીકત બહાર આવતા પોરબંદરની ફેમીલી કોર્ટમાં તા. 15-6-2022ના તેમણે નલ એન્ડ વોઇડની પીટીશન દાખલ કરી હતી તથા પોતાની પત્ની સામે ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડીકેટ હેઠળ ગુન્હો દાખલ કરવા માંગ કરી છે તથા રેડ કોર્નર  નોટીશ ઇસ્યુ કરવા પણ માંગણી કરી છે તથા ગોવાહાટી હાઇકોર્ટથી માંડીને રાષ્ટ્રપતિ સુધી ફરિયાદ કરી તાકિદે ન્યાયની માંગ કરી છે.

કાર ચોરની ત્રણ પત્નીઓમાંની એક પત્ની એટલે રીટા ચૌહાણ

વિમલભાઈ કારીયાએ જણાવ્યું હતું કે પોતાની પત્ની રીટા દાસ કે જે રીટા ચૌહાણ નીકળી તેના પતિ અનિલ ચૌહાણ પર 5000 કાર ચોરવાનો આરોપ છે. જેની દિલ્હી પોલીસે સપ્ટેમ્બર-2022માં ધરપકડ કરી હતી. પોલીસનું કહેવું છે કે બાવન વર્ષના અનિલે કાર ચોરી કરીને દિલ્હી, મુંબઈ અને નોર્થ ઇસ્ટમાં ઘણી પ્રોપર્ટી ખરીદી છે.અને તે કરોડપતિ જેવું જીવન જીવતો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, અનિલને ત્રણ પત્ની અને સાત બાળક છે. તે દેશનો  મોટો ચોર છે. તેણે 27 વર્ષમાં 5000 કરતા વધારે કાર ચોરી છે. અનિલની પોલીસે ઘણીવાર ધરપકડ કરી છે. તેની સામે 180 કેસ દાખલ છે. ત્યારે તેની પત્નીની પણ તેની સાથે ગુન્હાઓમાં સીધી સંડોવણી હોવાની આશંકા દર્શાવી છે.

લગ્ન બાદ ખૂબ ખર્ચ કરતી અને નોનવેજ પણ ખાતી

લગ્ન થઇ ગયા બાદ અચાનક જ  ગરીબ પત્નીનું સ્વરૂપ બદલાઇ ગયું હતું રીટા એક-એક હજાર રૂપિયાની ક્રીમ વાપરતી અને ચારથી સાત હજાર રૂપિયાના ડ્રેસ પહેરતી હતી. તેના મોબાઈલમાં અન્ય યુવાન સાથેના તેના ફોટા તેમજ અભદ્ર ભાષામાં રેકોર્ડીંગ ક્લીપ પણ મળી આવી હતી. તથા તે નોનવેજ ખાવાની ટેવવાળી હતી. આથી ફરજીયાત નોનવેજ ખાવા માટે તેને લઇ જવી પડતી હતી. તથા ઐસા કબાડી ખાને જૈસા ફર્નીચર નહીં ચલેગા કહી લાખેક રૂપિયાનું ફર્નીચર ખરીદાવ્યું હતું. આ ઉપરાંત શરૂઆતમાં જ્યારે પરિચય થયો ત્યારે વીડિયો કોલ કરીને શક્તિપીઠના કામાખ્યાના દર્શન કરાવ્યા હતા. જે ૫૨ શક્તિપીઠમાંની એક છે અને પોતે અવારનવાર મંદિરે દર્શન કરવા જાય છે તથા ગરીબોને ભોજન કરાવે છે અને પોતે ૧૩ વર્ષથી નવરાત્રી રહે છે તથા નવરાત્રીમાં માત્ર નાળીયેર પાણી પીવે છે તેવી વાતો કરીને ધર્મના નામે છેતર્યો હતો.

Gujarat