Porbandar

શરણાઇના સૂર સાંભળવા વિસાવાડામાં શરણાઇ વાદકનું અપહરણ કરી ખૂનની કોશિષ

By GS Team
29 Aug 20262 mins read
TukuTouch Logo
પોરબંદરમાં વિસાવાડા ખાતે શરણાઈ વગાડવા ગયેલા 55 વર્ષીય ફીરોજભાઈ રાઠોડનું ખોડા કેશવાલા અને નાગાજણ ઓડેદરા નામના બે માથાભારે શખ્સોએ અપહરણ કર્યું હતું. તેમણે શરણાઈ વાદકને ગળાફાંસો આપી માર મારી બળજબરીથી શરણાઈ વગાડાવી હતી. બાદમાં હત્યાના ઇરાદે પથ્થર વડે હુમલો કરતા ફરિયાદી ભાગી છૂટ્યા હતા. આ અંગે બે આરોપીઓ વિરુદ્ધ અપહરણ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શરણાઇના સૂર સાંભળવા વિસાવાડામાં શરણાઇ વાદકનું અપહરણ કરી ખૂનની કોશિષ

પોરબંદર : વિસાવાડામાં શરણાઇ વગાડવા ગયેલા પોરબંદરના શરણાઇ વાદક પ્રૌઢનું અપહરણ કરી બે શખ્સોએ બેફામ માર માર્યો હતો. તેમજ તેના ગળામાં દોરડું નાખીને ગળાફાંસો આપીને ખૂનની કોશિશ કરી બળજબરીથી શરણાઇ વગાડાવી હતી. આ અંગે બે માથાભારે શખ્સો સામે ગુનો નોંધાયો છે.
પોરબંદરના બોખીરાની આવાસ યોજનામાં રહેતા શરણાઇ વાદક ફીરોજભાઇ ઇબ્રાહીમભાઇ રાઠોડ (ઉ.વ. ૫૫) વિસાવાડા ગામ ખાતે રામદેવ પીરના મંદિરે રામ ધૂન અને ધ્વજા ચડાવવાનો પ્રસંગ હોવાથી આયોજકોએ બોલાવ્યા હોવાથી ગયા હતા. પ્રસંગમાં ઢોલ શરણાઇ વગાડયા બાદ સામૈયાનો પ્રસંગ સાડા ચાર વાગ્યાનો હોવાથી તેઓ ગામના ચોકમાં આવેલ પાનની દુકાને ગયા હતા.
ત્યાં વિસાવાડા ગામનો માથાભારે શખ્સ ખોડા સાજણ કેશવાલા અને નાગાજણ કારા ઓડેદરા ઊભા હતા. ફરિયાદી વર્ષોથી વિસાવાડા આવતા હોવાથી તેમને ઓળખાતા હતા. આથી આ બન્ને શખ્સે શરણાઇ સંભળાવવાની જીદ કરી. તેથી તેઓએ શરણાઇ વગાડતાં બન્ને નાચવા લાગ્યા હતા. પરંતુ ફરિયાદીને મોડું થતું હોવાથી તેમને જવા દેવાનું કહેતા નાગાજણે તેમના ગળામાં દોરડું નાખી દીધું હતું. અને શરણાઇ નહીં વગાડે તો પતાવી દઇશું તેમ કહેતા તેમણે ડરમાં શરણાઇ વગાડવાનું શરૂ કર્યું હતું. બાદમાં તેમને જવા દેવાનું કહેતા બન્નેએ ફરિયાદી શરણાઇ વાદકનું બાઇકમાં અપહરણ કરી ગામના સ્મશાનની બાજુમાં કેનાલના કાંઠે આવેલ બાવળના જંગલ પાસે લઇ ગયા હતા.
ફરિયાદી શરણાઇ વાદકને નીચે ઉતારી દેવાયા હતા. અને જો તે શરણાઇ વગાડવાનું બંધ કરેે તો દોરડું બાંધી ગળાફાંસો અપાતો હતો. પરિણામે ફરિયાદીને ઉધરસ આવતા તેમણે શરણાઇ વગાડવાનું બંધ કરતા બન્નેએ તેમને બેફામ માર માર્યો હતો. અને નાગાજણે તેમને મોં પર મુક્કો મારતા ફરિયાદીની દાઢ બહાર નીકળી ગઇ હતી. તેથી તેઓ નીચે પડી ગયા હતા. નાગાજણે હત્યાના ઇરાદે મોટો પથ્થર લઇ માથામાં મારવા જતા આધેડ જેમ તેમ કરી બાવળની કાંટમાં ઘુસી જઇ ખાડામાં છૂપાઇ જતાં જીવ બચી ગયો હતો. બન્નેએ ફરિયાદીની શોધખોળ કરતા તેઓ ન મળતા બાદમાં બન્ને શખ્સોએ મોટે મોટે બોલી ધમકી આપી હતી કે, જો તું પોલીસમાં ફરિયાદ કરવા ગયો તો તારા ઘરે આવી આખા ખાનદાનને પતાવી દઇશું. બાદમાં બન્ને ચાલ્યા ગયા હતા. ફરિયાદીએ બાદમાં ત્યાથી નીકળી રામદેવપીર મંદિરે પહોંચી બનાવની જાણ કરતા તેમને સારવાર માટે ભાવસિંહજી હોસ્પિટલે ખસેડાયા હતા. અને પરિવારે હિંમત આપ્યા બાદ આધેડે બન્ને વિરૂદ્ધ અપહરણ અને હત્યાની કોશિષની ફરિયાદ દાખલ કરાવી છે.