પાટણના વૌવા ગામમાં વન્યપ્રાણીનો આતંક: મોડી રાત્રે 15થી વધુ ગ્રામજનો પર હુમલો, સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Patan Vauva Village Wild Animal Attack: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૌવા ગામમાં મોડી રાત્રે અજાણ્યા વન્યપ્રાણીએ મચાવેલા આતંકથી હાહાકાર મચી ગયો છે. ઘરઆંગણે અને રસ્તા પર નિંદ્રાધીન લોકો પર અચાનક થયેલા હુમલામાં વૃદ્ધ મહિલાઓ અને પુરુષો સહિત 15થી વધુ ગ્રામજનો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાને પગલે સમગ્ર ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. ગ્રામજનો હુમલો કરનાર પ્રાણી શિયાળ હોવાનું અનુમાન લગાવી રહ્યા છે.
રાત્રિથી શરૂ થયેલો આતંક વહેલી સવાર સુધી ચાલુ રહ્યો
મળતી માહિતી અનુસાર, વૌવા ગામમાં ગત મોડી રાત્રે આશરે 11થી 12 વાગ્યાના સુમારે સૌપ્રથમ એક વ્યક્તિ પર હુમલો થયો હતો. ત્યારબાદ વહેલી સવારે સાડા ચાર વાગ્યાના અરસામાં વન્યપ્રાણીએ ફરી ગામમાં ઘૂસીને એક પછી એક અનેક લોકો પર હુમલા કર્યા હતા. પ્રાણીએ મોં, ચહેરા અને જડબાના ભાગે ગંભીર બચકાં ભરતાં લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ઠાકોરવાસ અને રવેચીના મેદાન વિસ્તારમાં સૂતેલા લોકોને પણ પ્રાણીએ નિશાન બનાવ્યા હતા.
ઈજાગ્રસ્ત લક્ષ્મણ આહીરે જણાવ્યું હતું કે, 'મારા પુત્રને બચાવવા માટે તેઓ આગળ વધ્યા હતા. પ્રાણીને મુક્કો મારીને પુત્રને છોડાવ્યો હતો. ત્યારબાદ પ્રાણીએ મારી મોટાભાઈના મોં અને જડબાના ભાગે ગંભીર બચકાં ભર્યા હતા.'
હુમલા બાદ પ્રાણી ઠાકોરવાસ તરફ ધસી ગયું હતું. ત્યાં તેણે એક પછી એક 6થી 7 લોકો પર હુમલો કર્યો હતો. ત્યારબાદ રવેચીના મેદાનમાં સૂતેલા લોકો અને બાપજી પર પણ હુમલો કર્યો હોવાની માહિતી મળી છે. સવાર સુધી ચાલેલા હુમલાને પગલે ગામમાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. લોકો પોતાના ઘરની બહાર નીકળતાં પણ ભય અનુભવી રહ્યા હતા.
ઈજાગ્રસ્તોને ધારપુર હોસ્પિટલ ખસેડાયા
ઘટના બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ધારપુર સ્થિત મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોની ટીમ દ્વારા દર્દીઓની સારવાર હાથ ધરવામાં આવી છે. કેટલાક ગ્રામજનોને માથા અને ચહેરાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે.
વન વિભાગની ટીમ સ્થળ પર, શિયાળ હોવાની આશંકા
ઘટનાની જાણ થતાં જ વન વિભાગનો કાફલો વૌવા ગામે દોડી ગયો હતો. RFO રાજેન્દ્રસિંહ વાઘેલાની આગેવાની હેઠળ ટીમે સ્થળ પર પહોંચી પ્રાણીના પગમાર્ક (પગલાંના નિશાન) મેળવી તપાસ શરૂ કરી છે. ગ્રામજનો હુમલો કરનાર પ્રાણી શિયાળ હોવાનું અનુમાન લગાવી રહ્યા છે, પરંતુ વન વિભાગ દ્વારા તપાસ બાદ જ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવશે. હાલ વન વિભાગે પ્રાણીને પાંજરે પૂરવા અને તેની ચોક્કસ ઓળખ મેળવવા કાર્યવાહી ઝડપી બનાવી છે.




