Gujarat

રાધનપુર પાલિકાના પ્રમુખને દૂર કરવા કોંગી સદસ્યોની માંગ

By GS Team
26 Feb 20222 mins read
This article was originally published on 26 Feb 2022
રાધનપુર પાલિકાના પ્રમુખને દૂર કરવા કોંગી સદસ્યોની માંગ

રાધનપુર, તા.26

કોંગ્રેસ શાસિત રાધનપુર નગરપાલિકા છેલ્લા કેટલાક સમયથી ભ્રષ્ટાચારને લઈને વિવાદોમાં ઘેરાયેલી છે. પાલિકામાં શાસક પક્ષના સદસ્યોનો વિરોધ વધતા રજા ઉપર ગયેલા પાલિકા પ્રમુખ ધારાસભ્યની સૂચનાની અવગણના કરી હાજર થઈ કોન્ટ્રાકટરને ઘન કચરાનું બિલ ચૂકવી દેતા પ્રમુખ સામે સત્તાધારી સદસ્યોમાં વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે.

રાધનપુર નગરપાલિકાના પ્રમુખ મહેશ અદા દ્વારા સાથી સદસ્યોને વિશ્વાસમાં લીધા વગર મનસ્વી રીતે નિર્ણય લેવામાં આવતા હોવાની સાથી સદસ્યોની બુમરાડો વચ્ચે ધારાસભ્ય રઘુભાઈની સૂચનાથી નગરપાલિકાના પ્રમુખને એક માસ માટે રજા ઉપર ઉતારવામાં આવ્યા હતા.જ્યારે એક માસ બાદ ધારાસભ્ય કે સાથી સદસ્યોને જાણ કર્યા વગર પ્રમુખ પાલિકામાં હાજર થયા હતા. અને પાલિકામાં પ્રમુખ હાજર થયા બાદ ખૂબ જ વિવાદિત ઘન કચરાના કોન્ટ્રાક્ટરને બિલ ચુકવવામાં આવ્યુ હતું. પાલીકાના પ્રમુખે કોન્ટ્રાક્ટરને ઘન કચરાની કામગીરીમાં ૧૦ ઘણી કિંમતનું ટેન્ડર બહાર પાડી ૯૮ લાખનું બિલ ચુકવણું કરી ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સત્તાધારી પક્ષના સદસ્ય દ્વારા થયા હતા. અને સામાન્ય સભામાં પણ ભાજપ અને કોંગ્રેસના સદસ્યોએ ઘનકચરાના બિલ બાબતે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારથી પાલિકામાં સતાધારી સદસ્યો દ્વારા પ્રમુખ હટાવો ઝુંબેશ શરૃ કરવામાં આવી છે. પાલિકાના કોંગ્રેસ સદસ્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પ્રમુખ દ્વારા કોઇ પણ સદસ્યને વિશ્વાસમાં લેવામાં આવતા નથી. જેને લઇને પ્રમુખ સામે તમામ સભ્યો વિરોધમાં છે અને જો પાલિકા પ્રમુખને હટાવવામાં નહીં આવે તો પાલિકામાં નવાજૂની થશે તેવું પણ સભ્યએ જણાવ્યું હતુ.