પંચમહાલ: શહેરામાં 6 કલાકમાં 5 ઇંચ વરસાદ, ડુંગર તૂટતાં બોરિયા-જોધપુર રોડ બંધ, પાનમ ડેમમાં પાણીની આવકમાં વધારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Panchmahal Shahera Rain: પંચમહાલ, મહીસાગર સહિત મધ્ય ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ છે. મંગળવારે(11 ઓગસ્ટ) પંચમહાલના શહેરામાં સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં માત્ર 6 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તેમજ પંચમહાલના ગોધરા, મોરવા હડફ સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. જેમાં શહેરામાં ધોધમાર વરસાદને પગલે પાનમ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. આ દરમિયાન, પાનમ ડેમ તરફ જતાં રોડ પર જોધપુર પાસે ડુંગર તૂટતાં બોરિયા-જોધપુર રોડ બંધ હાલતમાં છે. બીજી તરફ, ગમન બારિયાના મુવાડામાં માર્ગ પર વરસાદી પાણી ભરાતા એક કાર પાણીમાં ફસાઈ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
શહેરામાં 6 કલાકમાં 5 ઇંચ વરસાદ
મંગળવારની વહેલી સવારથી જ પંચમહાલના શહેરા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં સવારના 6થી બપોરના 2 વાગ્યા સુધીમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદને પગલે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા, જેના કારણે કામકાજ અર્થે ઘરની બહાર નીકળેલા વાહનચાલકો અને રાહદારીઓને ફરજિયાતપણે છત્રી અને રેઇનકોટનો સહારો લેવો પડ્યો હતો.

શહેરામાં મેઘમહેર થતાં રસ્તા પર નદીની જેમ પાણી વહેતું થયું હતું. જ્યારે અણીયાદ ચોકડી પાસે પસાર થતાં હાઇવે ઉપર બંને તરફ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને અવરજવર કરવામાં તકલીફ પડી રહી હતી. ધોધમાર વરસાદના કારણે દૈનિક રોજગાર અને અંગત કામકાજ અર્થે નીકળેલા મુસાફરો તથા નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ, છેલ્લાં કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારાથી ત્રસ્ત સ્થાનિકોને ધોધમાર વરસાદથી મોટી રાહત મળી હતી અને સમગ્ર વાતાવરણમાં આહલાદક ઠંડક વ્યાપી ગઈ હતી.
સારો વરસાદ થતાં ખેડૂતોમાં હરખ છવાયો
સારો એવો વરસાદ થતાં ખેડૂતોમાં હરખ છવાયો છે. જેમાં વાવણીલાયક અને પાક માટે સંજીવની સમાન સાબિત થયેલા આ વરસાદને કારણે ખેતરોમાં નવું જીવન સિંચાયું છે. વરસાદથી પાકને મોટું જીવનદાન મળશે તેવી આશા બંધાઈ હતી. વરસાદના કારણે નદી, કોતર, તળાવ અને જળાશયોમાં પણ નવા પાણીની સારી એવી આવક થઈ હતી.
શહેરાના જોધપુર પાસે ડુંગરનો ભાગ તૂટી પડતાં રોડ બંધ
પંચમહાલના શહેરામાં ભારે વરસાદથી પાનમ ડેમ તરફ જતાં રોડ પર આવેલા જોધપુર પાસે ડુંગરનો ભાગ તૂટી પડતાં રોડ ઉપર પથ્થર પડ્યા હતા. ડુંગર તૂટતાં બોરિયા-જોધપુર રોડ બંધ થયો હતો. રસ્તા પર પથ્થર પડતાં વાહન ચાલકોને અવર જવર કરવું મુશ્કેલ બન્યું હતું.

ગમન બારિયાના રસ્તા પર કાર પાણીમાં ફસાઈ
શહેરામાં ધમાકેદાર વરસાદને કારણે પાનમ ડેમ તરફ જતો રસ્તો બંધ કરાયો છે. જેમાં પાનમ પાટિયાથી પાનમ ડેમ તરફ ગમન બારિયાના મુવાડામાં આવેલા પાડી વાછરડી કેન્દ્ર નજીકના રસ્તા પર વરસાદી પાણી ભરાતા રસ્તો બંધ કરાયો છે. માર્ગ પર વરસાદી પાણી ભરાતાં એક કાર પાણીમાં ફસાઈ હતી. રસ્તા પર પાણી ફરી વળતાં વાહનોની અવર જવર માટે રસ્તો બંધ કરાયો છે, ત્યારે સ્થાનિકો અને વાહનચાલકોને અટવાયા છે.

પાનમ ડેમમાં પાણીની આવકમાં વધારો
પંચમહાલ સવારથી જ ધમાકેદાર વરસાદ થતાં પાનમ ડેમમાં પાણીની આવક નોંધાઈ છે. હાલ પાનમ ડેમમાં 9750 ક્યુસેક પાણીની આવક થઈ છે. સાર્વત્રિક વરસાદથી પાનમ ડેમમાં પાણીના આવકમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે પાનમ ડેમની જળસપાટી 123.35 મીટરે પહોંચી છે. જ્યારે રુલ લેવલ 126.37 મીટર પર છે. આમ, જો સતત વરસાદ ચાલુ રહે તો હજુ વરસાદી પાણીની આવકમાં વધારો થવાની શક્યતા છે.











