Panchmahal

સાબરમતી એક્સપ્રેસમાં આગ લાગી નહોતી લગાવાઈ હતી, સોનિયા ગાંધીના પુસ્તકમાં દાવા સામે SIT ચીફે ઊઠાવ્યા સવાલ

By GS Team
14 Nov 20263 mins read
TukuTouch Logo
સોનિયા ગાંધીના પુસ્તકમાં 2002ના ગોધરા સાબરમતી એક્સપ્રેસ અગ્નિકાંડ અંગેની ટિપ્પણીથી વિવાદ સર્જાયો છે. SIT વડા રાકેશ અસ્થાનાએ જણાવ્યું કે, ટ્રેનમાં આગ અકસ્માત નહીં, પરંતુ દેશને અસ્થિર કરવાના ષડયંત્રનો ભાગ હતી. તપાસમાં પાકિસ્તાન સુધીના તાર જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું. આયોધ્યામાં બોમ્બ વિસ્ફોટનું પણ ષડયંત્ર હતું. તત્કાલીન CM નરેન્દ્ર મોદી તરફથી તપાસમાં કોઈ દબાણ નહોતું.

Summarized by AI; it may make mistakes. Check important info

સાબરમતી એક્સપ્રેસમાં આગ લાગી નહોતી લગાવાઈ હતી, સોનિયા ગાંધીના પુસ્તકમાં દાવા સામે SIT ચીફે ઊઠાવ્યા સવાલ

Sonia Gandhi Book Sabarmati Express : કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીનાં પુસ્તક 'Belonging: A Journey of Love'માં કરવામાં આવેલી એક ટિપ્પણીને કારણે નવો વિવાદ ઊભો થયો છે. પુસ્તકમાં 2002ના સાબરમતી એક્સપ્રેસ અગ્નિકાંડનો ઉલ્લેખ કરતાં તેમણે લખ્યું છે કે ટ્રેનમાં આગ લાગવાનું કારણ શું હતું તે અંગે વિવાદ છે. હવે આ ટિપ્પણી સામે સાબરમતી એક્સપ્રેસ અગ્નિકાંડની તપાસ કરનાર ગુજરાત પોલીસની SITનું નેતૃત્વ કરી ચૂકેલા રાકેશ અસ્થાનાએ સવાલો ઉઠાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે ટ્રેનમાં આગ કોઈ અકસ્માત નહોતો, પરંતુ દેશને અસ્થિર કરવાના ષડયંત્રના ભાગરૂપે લગાવવામાં આવી હતી. રાકેશ અસ્થાનાએ જણાવ્યું હતું કે આ એક મોટું ષડયંત્ર હતું. તેનો હેતુ દેશમાં અસ્થિરતા ઊભી કરવાનો હતો. તેમણે દાવો કર્યો કે તપાસ દરમિયાન પાકિસ્તાન સુધી આ ષડયંત્રના તાર જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું.

અયોધ્યામાં બોમ્બ વિસ્ફોટ કરવાનું પણ ષડયંત્ર હતું: અસ્થાના

રાકેશ અસ્થાનાના જણાવ્યા અનુસાર, તે સમયે ગુપ્તચર વિભાગ (IB) તરફથી ઇનપુટ મળ્યા હતા કે અયોધ્યામાં બોમ્બ વિસ્ફોટ થઈ શકે છે. આ માટે સાધુના વેશમાં આવી કમંડળમાં બોમ્બ વિસ્ફોટ કરવાની યોજના હોવાની માહિતી હતી. આ ઉપરાંત અન્ય સંવેદનશીલ સ્થળોએ પણ વિસ્ફોટ કરવાનું ષડયંત્ર ઘડવામાં આવ્યું હતું.તેમણે દાવો કર્યો કે આવી પ્રવૃત્તિઓમાં પાકિસ્તાનની ISIની ભૂમિકા રહેતી હતી અને આ જ ષડયંત્રના ભાગરૂપે કારસેવકોથી ભરેલી સાબરમતી એક્સપ્રેસની બોગીને નિશાન બનાવવામાં આવી હતી. તપાસ દરમિયાન આ ષડયંત્રમાં પાકિસ્તાન સુધીના તાર જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું.

પાકિસ્તાનથી અનેક ફોન આવ્યા હતા, હિઝબુલના આતંકીઓની અવરજવરનો દાવો

અસ્થાનાએ જણાવ્યું કે તપાસ દરમિયાન અમન ગેસ્ટ હાઉસના માલિક અબ્દુલ રઝાક કુરકુરની ભૂમિકા પણ સામે આવી હતી. તેની તપાસ કરતાં પાકિસ્તાનથી અનેક ફોન કોલ્સ આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત હિઝબુલના આતંકીઓની અવરજવર અંગે પણ માહિતી મળી હતી. તેમણે વધુમાં કહ્યું કે કારસેવકોને નિશાન બનાવવાની અને તેમના પ્રવાસના માર્ગો પર હુમલા કરવાની તૈયારી કરવામાં આવી હતી. સાબરમતી એક્સપ્રેસને પણ આ જ ષડયંત્રના ભાગરૂપે ટાર્ગેટ બનાવવામાં આવી હતી.

નરેન્દ્ર મોદી તરફથી તપાસમાં કોઈ દબાણ નહોતું

તપાસ દરમિયાન તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તરફથી કોઈ દબાણ હતું કે નહીં તેવા સવાલના જવાબમાં રાકેશ અસ્થાનાએ સ્પષ્ટ કહ્યું કે તેમના પર કોઈ દબાણ નહોતું. તેમણે જણાવ્યું કે ઘટના જે વિસ્તારમાં બની હતી તે મુસ્લિમ બહુમતી ધરાવતો વિસ્તાર હતો. તપાસમાં અનેક મુસ્લિમ અધિકારીઓએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. કેટલાક અધિકારીઓએ વેશ બદલીને પણ તપાસ અભિયાન હાથ ધર્યું હતું. અસ્થાનાના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સહિત કોઈપણ તરફથી તપાસમાં દખલગીરી કરવામાં આવી નહોતી અને પોલીસને નિષ્પક્ષ રીતે કામ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હતી.

કારસેવકો સ્ટવ લઈને જતા હતા તે દાવો પણ ફગાવ્યો

રાકેશ અસ્થાનાએ જસ્ટિસ યુ.સી. બેનર્જી કમિશનના રિપોર્ટ અંગે પણ પ્રતિક્રિયા આપી હતી. આ કમિશને પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે કારસેવકો ટ્રેનમાં સ્ટવ લઈને મુસાફરી કરી રહ્યા હતા અને તેમાં આગ લાગવાથી સાબરમતી એક્સપ્રેસમાં અગ્નિકાંડ સર્જાયો હતો. આ દાવાને ફગાવતાં અસ્થાનાએ કહ્યું કે એક પીડિતે યુ.સી. બેનર્જી કમિશનના રિપોર્ટને હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને હાઈકોર્ટે તે રિપોર્ટને રદ કર્યો હતો. તેમણે દાવો કર્યો કે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સમિતિએ પણ આગ ઇરાદાપૂર્વક લગાવવામાં આવી હોવાની બાબતને સ્વીકારી હતી અને તેના પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સોનિયા ગાંધીના પુસ્તકમાં કરવામાં આવેલી ટિપ્પણી બાદ સાબરમતી એક્સપ્રેસ અગ્નિકાંડને લઈને ફરી રાજકીય અને ઐતિહાસિક ચર્ચા શરૂ થઈ છે.