પંચમહાલ: નાગણોદ ગામમાં દીપડો દેખાતાં ગ્રામજનોમાં ફફડાટ, ઘરના ધાબા પર દીપડો બેઠો હોવાની તસવીર વાઈરલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Leopard in Naganod Village: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના નાગણોદ ગામમાં છેલ્લા બે-ત્રણ દિવસથી દીપડો દેખાતાં ગ્રામજનોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ગત મોડી રાત્રે નાગણોદ ગામમાં તળાવ પાસેના રસ્તેથી પસાર થઈ રહેલા એક કારચાલકને રસ્તા પર આંટાફેરા મારતો દીપડો નજરે પડ્યો હતો. શરૂઆતમાં ગભરાયેલા કારચાલકે બાદમાં પોતાના મોબાઇલ કેમેરામાં દીપડાની હલચલ કેદ કરી લીધી હતી, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે.
ઘરના ધાબા પર દીપડો દેખાયો
મળતી માહિતી અનુસાર, નાગણોદ ગામના પગી ફળિયામાં રહેતા લાલા પગીના ઘરના ધાબા પર દીપડો બેઠો હોય તેવી તસવીર પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે. ગ્રામજનોના જણાવ્યાનુસાર, ગામમાં દીપડો દેખાવાની સાથે છેલ્લા બે-ત્રણ દિવસમાં પશુઓનું મારણ થવાના બનાવો પણ સામે આવ્યા છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

સાંજ પડતાં જ બાળકો અને મહિલાઓ ઘરની બહાર નીકળતાં ડર અનુભવી રહ્યા છે. આ અંગે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરીને દીપડાને વહેલી તકે પકડી પાંજરે પૂરવા માંગ કરી છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે. અને ગ્રામજનોને સતર્ક રહેવા અને રાત્રિના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે.




