પંચમહાલ: સંતરોડ ઓવરબ્રિજ પાસેથી બળતણના ખોળની આડમાં લઈ જવાતો 58 લાખનો દારૂ ઝડપાયો, એકની અટકાયત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Panchmahal Liquor Seizure: પંચમહાલ એલસીબી પોલીસે મોરવાહડફ તાલુકાના સંતરોડ ઓવરબ્રિજ નજીક આવેલી ચેકપોસ્ટ પાસે નાકાબંધી કરીને બળતણના ખોળની આડમાં ઘૂસાડવામાં આવી રહેલો વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 58 લાખ રૂપિયા રૂપિયાથી વધુની કિંમતની 15,960 દારૂની બોટલો અને ટ્રક મળી કુલ 70.55 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી રાજસ્થાનના એક શખસની ધરપકડ કરી છે.
બળતણના ખોળની થેલીઓની પાછળ છુપાવાયો હતો દારૂ
પોલીસની ટીમને બાતમી મળી હતી કે, દાહોદ તરફથી આવી રહેલી એક ટ્રકમાં બાયોમાસ પેલેટ્સ (બળતણના ખોળ)ની થેલીઓની પાછળ દારૂનો મોટો જથ્થો છુપાવીને ગોધરા થઈ વડોદરા તરફ લઈ જવાઈ રહ્યો છે. બાતમીના આધારે સંતરોડ ચેકપોસ્ટ પાસે નાકાબંધી કરી ટ્રકને અટકાવી તપાસ કરતા વિદેશી દારૂ તથા બિયરના ટીનની સેંકડો પેટીઓ મળી આવી હતી.
પોલીસે ઘટનાસ્થળેથી 58,03,358 રૂપિયાની કિંમતની 15,960 દારૂની બોટલો, 10 લાખ રૂપિયાની કિંમતની ટ્રક, બળતણનો ખોળ અને મોબાઈલ સહિત કુલ 70,55,458 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે ટ્રક ચાલક અશોક મીરાસી (રહે. ધોલાનાડા, તા. નોખરા, જિ. બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરવામાં આવી છે.
ઝાબુઆ, દાહોદ થઈને વડોદરા-રાજકોટ જવાનો હતો જથ્થો
પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે આ દારૂનો જથ્થો રાજસ્થાનના કોટા બાયપાસ થઈને મધ્ય પ્રદેશના ઝાબુઆ અને બાદમાં દાહોદ-લીમખેડા થઈ વડોદરા તથા રાજકોટ તરફ લઈ જવાનો હતો. આ પ્રકરણમાં પોલીસે દારૂ મોકલનાર હુસેનખાન ભવરૂખાન મીરાસી (રહે. ફતેહગઢ, રાજસ્થાન), ટ્રક માલિક તથા જથ્થો મંગાવનાર રાજકોટના ઈસમ સહિત કુલ 4 શખસો સામે મોરવાહડફ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




