પંચમહાલમાં જબરુ કૌભાંડ! 2.79 કરોડની ગ્રાન્ટ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને મળતિયાઓ ચાંઉ કરી ગયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Panchmahal Grant Scam: પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં થયેલી સરકારી ગ્રાન્ટની કરોડો રૂપિયાની ઉચાપત મામલે તપાસ અધિકારી દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. તપાસ હાથ ધરનાર પોલીસ અધિકારીના એફિડેવિટ મુજબ, તત્કાલીન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) અને જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર ગાયત્રીબહેન પટેલ સહિતના આરોપીઓની ગંભીર સંડોવણી સામે આવી છે. અત્યાર સુધીની તપાસમાં કુલ 2,79,59,816 રૂપિયાની માતબર રકમની ગેરરીતિ અને ઉચાપત થઈ હોવાનું ખુલ્યું છે, જેમાં આંકડો હજુ વધવાની શક્યતા દર્શાવાઈ છે.
કાગળ પર માત્ર ખરીદી દર્શાવી ગ્રાન્ટ જે. એસ. કોમ્પ્યુટરના ખાતામાં બારોબાર જમા થઈ હતી
પોલીસ સોગંદનામા અનુસાર, કાગળ પર માત્ર સામાન ખરીદી દર્શાવીને સરકારી ગ્રાન્ટ બારોબાર 'જે. એસ. કોમ્પ્યુટર' નામના એકાઉન્ટમાં જમા કરાવવામાં આવતી હતી. વાસ્તવમાં કોઈ સામાન કચેરી કે શાળાઓ સુધી પહોંચાડવામાં આવ્યો જ નહોતો. કેસમાં પકડાયેલા જે. એસ. કોમ્પ્યુટરના સંચાલક અને આરોપી જીતેન્દ્ર બારીઆની પૂછપરછ અને તપાસમાં સામે આવ્યું છે કે, સરકારી ખાતામાંથી ઉચાપતની રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર થયા બાદ DPEO ગાયત્રીબહેન પટેલની કચેરી સ્થિત ચેમ્બરમાં સહ-આરોપી પૂજન જોશી અને નીતિન પટેલને તેના ભાગની 80 ટકા રકમ આપી દેવામાં આવતી હતી, જ્યારે બાકીની 20 ટકા રકમ એજન્સી પાસે રાખવામાં આવતી હતી.
આ ઉપરાંત તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, આરોપી પૂજન જોશી અને નીતિન પટેલને કચેરીમાંથી છૂટા કરી દેવાયા હોવા છતાં, તેઓએ નોકરીમાંથી પાણીચું મળ્યા બાદ 20 જાન્યુઆરી 2024ના રોજ મોડી રાત્રે (12.30 કલાકે) સરકારી બેંક એકાઉન્ટના આઈડી-પાસવર્ડ અને ઓટીપી મેળવીને ગેરકાયદેસર રીતે રૂ. 29,82,700ની રકમ મહેશ ભટ્ટની 'શ્રી રામ એન્ટરપ્રાઈઝ'ના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી દીધી હતી. હાલ પોલીસ આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.




