Panchmahal

પંચમહાલમાં શનિવાર સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, NDRF-SDRFની ટીમ તહેનાત

By GS Team
30 Jul 20262 mins read
TukuTouch Logo
પંચમહાલ જિલ્લામાં હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 30 જુલાઈની રાતથી પહેલી ઑગસ્ટ સવાર સુધી ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે. તંત્ર સ્ટેન્ડ બાય મોડ પર છે અને NDRF-SDRFની ટીમો તહેનાત કરાઈ છે. પાવાગઢમાં જરૂર પડ્યે પગથિયાં બંધ કરાશે. કલેક્ટરે નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પંચમહાલમાં શનિવાર સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, NDRF-SDRFની ટીમ તહેનાત

Panchmahal Heavy Rainfall Alert: પંચમહાલ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે (30મી જુલાઈ) રાતથી શનિવાર (પહેલી ઑગસ્ટ) સવાર સુધી જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને પગલે તંત્ર દ્વારા ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્ર તકેદારીના ભાગરૂપે સંપૂર્ણપણે 'સ્ટેન્ડ બાય' મોડ પર આવી ગયું છે.

NDRF અને SDRFની ટીમો તહેનાત

જિલ્લામાં કોઈપણ આફતને પહોંચી વળવા માટે પૂર્વ તૈયારી કરી લેવામાં આવી છે. સંભવિત પૂર કે હોનારતની સ્થિતિનો સામનો કરવા માટે SDRFની 2 ટીમો અને NDRFની 1 ટીમ જિલ્લામાં તહેનાત કરી દેવામાં આવી છે. જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર(DEOC)ને 24 કલાક ધમધમતું રાખવામાં આવ્યું છે. તમામ સરકારી વિભાગો અને અધિકારીઓને હાઇ ઍલર્ટ પર રહેવા આદેશ અપાયા છે.

નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર જણાયે તાત્કાલિક ધોરણે સલામત સ્થળે સ્થળાંતર (ઇવેક્યુએશન) કરાવવામાં આવશે.

પાવાગઢમાં સ્થિતિ પર નજર, જરૂર પડે પગથિયાં બંધ કરાશે

પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પણ સુરક્ષાના કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. જો પાવાગઢ ડુંગર અને આસપાસના વિસ્તારમાં સતત ભારે વરસાદ ચાલુ રહેશે, તો શ્રદ્ધાળુઓ તથા પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખીને ડુંગર પર જતાં પગથિયાં તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે.

કલેક્ટર અજય દહિયાની નાગરિકોને ખાસ અપીલ

જિલ્લા કલેક્ટર અજય દહિયાએ નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અપીલ કરી છે કે, વહેતા પાણીમાં કે જળબંબાકાર રસ્તાઓ પર વાહન ચલાવવાનું જોખમ ન લેવું. બિનજરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવું અને સુરક્ષિત સ્થળે રહેવું. કોઈ પણ ઈમરજન્સી કે મદદ માટે સરકારી હેલ્પલાઇન પર તાત્કાલિક સંપર્ક કરવો.