ગુજરાતમાં કૃષ્ણ જન્મોત્સવની ધૂમ: માધવના મંદિરોમાં ઉમટ્યું ભક્તોનું મહેરામણ, ક્યાંક નીકળી રથયાત્રા તો ક્યાંક શ્રાવણનો ઉત્સવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gujarat Celebrates Janmashtami: Grand Festivities in Godhra, Amreli & Naswadi | સમગ્ર ગુજરાતમાં આજે જન્માષ્ટમીનો પાવન પર્વ હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. ગામડાંઓથી લઈને શહેરો સુધી ચારેય તરફ ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી’ના નાદ ગુંજી રહ્યા છે. રાજ્યના ખૂણે-ખૂણેથી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીના આહલાદક અહેવાલો સામે આવી રહ્યા છે.

ગોધરાના ઐતિહાસિક રણછોડજી મંદિરે ભક્તોનો ભારે ધસારો
પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. ગોધરાના ઐતિહાસિક રણછોડજી મંદિર ખાતે વહેલી સવારથી જ ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી. આ પાવન પ્રસંગે મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. મધરાતે 12 વાગ્યે રણછોડજી મંદિર યુવક મંડળ દ્વારા ભવ્ય મટકી ફોડ કાર્યક્રમનું વિશેષ આયોજન કરાયું છે.

અમરેલીનું લોર ગામ બન્યું ગોકુળનગરી: આંબાના તોરણ અને રંગોળીથી સ્વાગત
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોર ગામે ક્રિષ્ના યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય રથયાત્રા અને મટકી ફોડ ઉત્સવનું આયોજન કરાયું હતું. સમગ્ર લોર ગામને નાળિયેરી અને આંબાના પાનના તોરણોથી શણગારવામાં આવ્યું હતું, જ્યારે ગ્રામજનોએ પોતાના ઘરઆંગણે આકર્ષક રંગોળીઓ પૂરીને ભગવાન કૃષ્ણની શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આખી શોભાયાત્રામાં સમગ્ર ગામ જોડાયું હતું અને લોર ગામ જાણે સાક્ષાત ગોકુળનગરીમાં ફેરવાઈ ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો.
નસવાડીમાં શ્રાવણ અને જન્માષ્ટમીનો સંગમ: શિવ અને કૃષ્ણ ભક્તિમાં લીન બન્યા ભક્તો
છોટાઉદેપુરના નસવાડીમાં શ્રાવણ માસના પવિત્ર દિવસો અને જન્માષ્ટમી પર્વને કારણે બેવડો ઉત્સવ જોવા મળ્યો હતો. સવારથી જ નસવાડીના પ્રસિદ્ધ પશુપતિનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ જામી હતી. ભક્તોએ શિવલિંગ પર દૂધ, જળ અને બિલીપત્ર ચઢાવવાની સાથે લાલાને પારણે ઝુલાવ્યો હતો.
શહેરમાં સાંજના સમયે જન્માષ્ટમી નિમિત્તે ઠેર-ઠેર ભજન-કીર્તન અને મટકી ફોડ સહિતના કાર્યક્રમોનું આયોજન થતાં સમગ્ર નસવાડી ભક્તિમય રંગમાં રંગાઈ ગયું છે.




