પંચમહાલ: ગોધરાના બામરોલી ખુર્દ ગામે ઘૂંટણસમા પાણીમાંથી અંતિમયાત્રા કાઢવા ગ્રામજનો મજબૂર, નાળુ બનાવવાની ઉગ્ર માગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Panchmahal News: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના બામરોલી ખુર્દ ગામમાંથી તંત્રની પોલ ખોલતા અત્યંત કરુણ દ્રશ્યો સામે આવ્યા છે. ગામમાં સ્મશાન સુધી પહોંચવા માટે યોગ્ય રસ્તો ન હોવાના કારણે ચોમાસાના દિવસોમાં ગ્રામજનોને પોતાના સ્વજનની અંતિમયાત્રા પણ ઘૂંટણસમા નદીના પાણીમાંથી કાઢવાની નોબત આવી છે.
મેશરી નદીનું પાણી માર્ગ પર ફરી વળે છે, સ્મશાન જવામાં મુશ્કેલી
પ્રાપ્ત વિગતો મુજબ, ગોધરાના બામરોલી ખુર્દ ગામે ચોમાસા દરમિયાન નજીકમાંથી પસાર થતી મેશરી નદીના પાણી ગામના મુખ્ય માર્ગ અને સ્મશાન તરફ જતા રસ્તા પર ફરી વળે છે. રસ્તા પર પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશોને રોજબરોજની અવરજવર માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સૌથી ગંભીર બાબત તો એ છે કે, ગામમાં કોઈનું અવસાન થાય ત્યારે સ્મશાનગૃહ સુધી પહોંચવા માટે ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવું પડે છે.
વર્ષોથી રજૂઆતો છતાં જવાબદારો પેટનું પાણી પણ હલાવતા નથી
ગામલોકોનો ગંભીર આક્ષેપ છે કે, આ કોઈ એક વર્ષની સમસ્યા નથી, વર્ષોથી દર ચોમાસે આ જ ભયાનક પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આ અંગે સ્થાનિક તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. અધિકારીઓની આ ઘોર ઉદાસીનતાને કારણે સ્થાનિકોમાં આક્રોશ વ્યાપી ગયો છે.
તાત્કાલિક નાળુ/કોઝવે બનાવવાની ગ્રામજનોની ઉગ્ર માગ
સ્થાનિક ગ્રામજનોએ એકસૂરે માંગણી કરી છે કે, મેશરી નદીના વહેણ પર તાત્કાલિક ધોરણે પાકું નાળુ/કોઝવે બનાવવામાં આવે, જેથી સ્મશાન સુધીનો અને ગામનો સંપર્ક માર્ગ સુગમ બની શકે.









