અમેરિકામાં ડબલ કમાણીનું સપનું રોળાશે? નોકરી પર લટકતી તલવાર, 10 વર્ષ જૂનો કાયદો પલટાવવાની તૈયારી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

US H4 EAD Work Permit Revocation : અમેરિકામાં H-1B વિઝા ધારકોના જીવનસાથી (Spouses) માટે કામ કરવાનો અધિકાર છીનવાઈ શકે છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રે H-4 વિઝા ધારકોની વર્ક પરમિટ (EAD) નાબૂદ કરવા માટે નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે. જો આ પ્રસ્તાવ અમલમાં આવશે તો છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી ચાલી આવતી નીતિ રદ થઈ જશે અને હજારો લોકોને કાયદેસર રીતે કામ કરતા અટકાવવામાં આવશે. આ નિર્ણયની સૌથી વધુ ગંભીર અસર ભારતીય પ્રોફેશનલ્સ અને તેમના પરિવારો પર પડશે.
93% મંજૂરી મેળવનારા ભારતીય અને 94% મહિલાઓ
અમેરિકન સરકારના 2014 થી 2017 સુધીના આંકડા અનુસાર, H-4 નોકરીની મંજૂરી (EAD) મેળવનારાઓમાં 93% ભારતીય નાગરિકો હતા. આમાંથી 94% ટકા ભારતીય મહિલાઓ હતી. યુએસસીઆઈએસ (USCIS) ના વર્ષ 2024 ના ડેટા મુજબ, મંજૂર થયેલી H-1B પિટિશનમાં ભારતીયોનો હિસ્સો આશરે 71% જેટલો હતો. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) એ નોટિસમાં સ્પષ્ટ કર્યું છે કે H-4 આશ્રિતોને નોકરી માટે પાત્ર ગણવાના 2015 ના નિયમને રદ કરીને જૂની નીતિ પુનઃસ્થાપિત કરવાનો પ્રસ્તાવ છે.
હાલમાં પ્રસ્તાવ ચરણમાં, અંતિમ નિર્ણય બાકી
આ માત્ર એક પ્રસ્તાવ છે અને તેનો તાત્કાલિક અમલ શરૂ થયો નથી. નિયમ લાગુ કરતા પહેલા DHS એ ફેડરલ રજિસ્ટરમાં ઔપચારિક નોટિસ જારી કરવી પડશે, જાહેર જનતાના સૂચનો લેવા પડશે અને તે પછી જ આખરી નિયમ જાહેર કરાશે. ત્યાં સુધી H-4 વિઝા ધારકો હાલના નિયમો હેઠળ કામ કરી શકશે. નોંધનીય છે કે 2017 માં ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન પણ આવો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, પરંતુ 2021 માં તેને પાછો ખેંચી લેવાયો હતો.
H-1B વિઝા ધારકો માટે અન્ય કડક નિર્ણયો
H-4 EAD રદ કરવા ઉપરાંત ટ્રમ્પ તંત્ર દ્વારા H-1B વિઝા નિયમોને પણ વધુ કડક બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. DHS દ્વારા નવા H-1B કર્મચારીઓ પર 1,03,265 ડોલરની ફી લાદવાનો પ્રસ્તાવ મૂકાયો છે. આ ઉપરાંત નોકરી છૂટ્યા બાદ નવા એમ્પ્લોયર શોધવા માટે હાલમાં મળતા 60 દિવસના ગ્રેસ પિરિયડને પણ નાબૂદ કરવાની તૈયારી ચાલી રહી છે. EAD વગર H-4 વિઝા ધારકો અમેરિકામાં રહી શકે છે અને ડ્રાઇવિંગ લાઇસન્સ કે બેંક એકાઉન્ટ ખોલાવી શકે છે, પરંતુ કાયદેસર નોકરી કરી શકશે નહીં, જે ભારતીય પરિવારો માટે મોટો આર્થિક ફટકો સાબિત થશે.




