US Introduces Bill to End H-1B to Green Card Pathway: અમેરિકામાં ભારતીય આઇટી વ્યવસાયિકો અને ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા લાખો લોકો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ટેક્સાસના રિપબ્લિકન સાંસદ ચિપ રોય દ્વારા અમેરિકન સંસદના નીચલા ગૃહ(હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ)માં 'અમેરિકન વ્હાઇટ-કોલર વર્કર જોબ્સ ઍક્ટ ઑફ 2026' નામનું બિલ રજૂ કરાયું છે. આ બિલનો મુખ્ય હેતુ H-1B વિઝા પ્રોગ્રામમાં મોટા ફેરફારો કરીને અમેરિકાના સ્થાનિક કર્મચારીઓના હિતોનું રક્ષણ કરવાનો છે, પરંતુ જો આ બિલ કાયદો બનશે તો H-1B વિઝા પરથી ગ્રીન કાર્ડ મેળવવાનો જે પરંપરાગત રસ્તો છે તે લગભગ અશક્ય બની જશે.
આ બિલની સૌથી વિવાદાસ્પદ જોગવાઈ
આ બિલની સૌથી વિવાદાસ્પદ જોગવાઈ એ છે કે, તે હેઠળ H-1B વિઝા માટે અરજી કરનારા વિદેશી નાગરિકોએ પોતાના વતનમાં કાયમી રહેઠાણ જાળવી રાખવું પડશે અને તેને છોડવાનો તેમનો કોઈ ઇરાદો નથી તેવું સાબિત કરવું પડશે. ઇમિગ્રેશન નિષ્ણાતોના મતે, આ નવી શરત વર્ષોથી ચાલી આવતી 'ડ્યુઅલ ઇન્ટેન્ટ'(બેવડા હેતુ)ની વ્યવસ્થાનો અંત લાવશે, જે અત્યાર સુધી H-1B વિઝા ધારકોને અમેરિકામાં કામ કરવાની સાથે-સાથે ત્યાં કાયમી નાગરિકત્વ એટલે કે ગ્રીન કાર્ડ માટે અરજી કરવાની મંજૂરી આપતી હતી. આ જોગવાઈ નાબૂદ થવાથી અમેરિકામાં સ્થાયી થવાનું સપનું જોતા ભારતીયોને મોટો ફટકો પડી શકે છે.
કેનેડાના PR નિયમોમાં મોટા ફેરફારથી ભારતીયોને થશે અસર, હવે EOI પ્રોફાઇલ માત્ર 12 મહિના માન્ય
બિલમાં સૂચવાયેલા મહત્ત્વના ફેરફારો
• ઊંચું વેતન: H-1B કર્મચારીઓને અમેરિકન કર્મચારીઓના વાસ્તવિક વેતન જેટલું અથવા મજૂર વિભાગ દ્વારા નક્કી કરાયેલા 75મા પર્સેન્ટાઇલ મુજબનું વેતન ચૂકવવું પડશે, જેમાંથી જે વધુ હોય તે જ આપવાનું રહેશે. ટૂંકમાં અમેરિકનોના ભોગે ઓછો પગાર આપીને વિદેશી નાગરિકોને નોકરી નહીં આપી શકાય.
• અમેરિકનોને પ્રાથમિકતા: કંપનીઓએ સરકારી પ્લેટફોર્મ પર નોકરીની જાહેરાત આપી સાબિત કરવું પડશે કે લાયક અમેરિકન કર્મચારીઓ ઉપલબ્ધ નથી.
• કર્મચારીઓની મર્યાદા: કંપનીના કુલ અમેરિકન કર્મચારીબળમાં બિન-ઇમિગ્રન્ટ કર્મચારીઓનો હિસ્સો માત્ર 5% સુધી જ મર્યાદિત રાખવો પડશે.
• છટણી પર પ્રતિબંધ: H-1B અરજી દાખલ કરતાં 1 વર્ષ પહેલાં અથવા પછીના 1 વર્ષ સુધી સમાન પદ પરથી કોઈ અમેરિકન કર્મચારીને છૂટા કરી શકાશે નહીં.
• વિઝાના સમયમાં ઘટાડો: H-1B વિઝાનો મહત્તમ સમયગાળો, જે હાલમાં 6 વર્ષ છે, તે ઘટાડીને માત્ર 2 વર્ષ કરવાનો પણ પ્રસ્તાવ મૂકાયો છે.
• લોટરી સિસ્ટમ બંધ: હાલની નસીબ આધારિત લોટરી પ્રણાલીને બદલે વિઝાની ફાળવણી સીધી વેતનના સ્તરના આધારે કરાશે.
ભારતીયો પર આની શું અસર થશે?
અમેરિકાના H-1B વિઝા કાર્યક્રમનો સૌથી વધુ લાભ હંમેશાં ભારતીય આઇટી પ્રોફેશનલ્સને મળતો આવ્યો છે. અમેરિકન નાગરિકતા અને ઇમિગ્રેશન સેવાના તાજેતરના આંકડા દર્શાવે છે કે, નાણાકીય વર્ષ 2024માં મંજૂર થયેલા અંદાજે 4 લાખ નવા H-1B વિઝામાંથી 2.83 લાખ એટલે કે આશરે 71% વિઝા માત્ર ભારતીય નાગરિકોને મળ્યા હતા.
આ ઉપરાંત, હાલમાં 12.6 લાખથી વધુ ભારતીયો પરિવારના આશ્રિત સભ્યો સહિત રોજગાર આધારિત ગ્રીન કાર્ડ મેળવવાની લાંબી કતારમાં રાહ જોઈ રહ્યા છે. તેથી જો આ બિલ કાયદો બનશે તો લાખો ભારતીયોના ‘અમેરિકન ડ્રીમ’ને મોટો ઝટકો લાગી શકે છે.
જો કે ઇમિગ્રેશન નીતિ અંગે અમેરિકાના રિપબ્લિકન અને ડેમોક્રેટ પક્ષો વચ્ચે વૈચારિક મતભેદો હોવાથી, આ બિલને કાયદાનું સ્વરૂપ લેવા માટે સંસદની જટિલ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે, જેથી તે પસાર થશે કે નહીં તે હજુ સંપૂર્ણપણે અનિશ્ચિત છે.


