| AI Image |
Canada New PR Rule: કેનેડાના નોવા સ્કોટિયા પ્રાંતે પોતાના ઇમિગ્રેશન સિસ્ટમમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કરતાં PR પ્રક્રિયા સાથે જોડાયેલા ઉમેદવારો માટે નવા નિયમો લાગુ કર્યા છે. એનાથી ભારતીયો પર મોટી અસર જોવા મળશે. નોવા સ્કોટિયા નોમિની પ્રોગ્રામ (NSNP) હેઠળ હવે એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ (EOI) પ્રોફાઇલ અનિશ્ચિત સમય સુધી માન્ય નહીં રહે, પરંતુ તેની માટે નિશ્ચિત સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. એટલે કે હવે PR મળવાના ચાન્સ પહેલાં કરતાં ઓછા થઈ ગયા છે.
EOI પ્રોફાઇલ માટે 12 મહિનાની સમય મર્યાદા
નોવા સ્કોટિયા પ્રાંત દ્વારા 27 એપ્રિલ 2026ના રોજ જાહેર કરવામાં આવેલા અપડેટ મુજબ, 1 મે 2026થી દાખલ કરવામાં આવતી તમામ નવી EOI પ્રોફાઇલ માત્ર 12 મહિના સુધી જ માન્ય રહેશે. તેનો અર્થ એ છે કે જો કોઈ ઉમેદવારને એક વર્ષની અંદર પસંદ કરવામાં નહીં આવે, તો તેની પ્રોફાઇલ આપમેળે સમાપ્ત થઈ જશે અને તેને ફરીથી નવી EOI દાખલ કરવી પડશે. અગાઉ ઉમેદવારોની પ્રોફાઇલ સમય મર્યાદા વગર પૂલમાં રહી શકતી હતી, જેના કારણે ઘણા જૂની ફાઇલને પણ ચાન્સ મળતો હતો.
PR મેળવવાની પ્રક્રિયા કેવી રીતે થાય છે?
જાણવા જેવી વાત એ છે કે PR માટે પહેલા ઉમેદવારની EOI પ્રોફાઇલ બનાવવામાં આવે છે. ત્યારબાદ સ્કોર, શિક્ષણ સહિતના તમામ માપદંડ પૂર્ણ થયા પછી સરકાર તરફથી PR માટે આમંત્રણ મળે છે. ત્યાર પછી ઉમેદવાર આમંત્રણ સ્વીકારીને તમામ જરૂરી દસ્તાવેજો મોકલે છે.
જૂની પ્રોફાઇલ માટે નવા નિયમ
નવા નિયમો સાથે સરકારે પહેલાથી હાજર પ્રોફાઇલ માટે પણ નવી વ્યવસ્થા નક્કી કરી છે. જેમણે 1 મે 2024 પહેલાં પોતાની EOI દાખલ કરી હતી, તેમની તમામ પ્રોફાઇલ 1 મે 2026ના રોજ બંધ કરી દેવામાં આવશે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું છે કે પ્રોફાઇલ બંધ થવું એ અરજી નકારી કાઢવામાં આવી હોવાના સમાન નથી. જો આવા ઉમેદવારો પસંદગી પ્રક્રિયામાં રહેવા માંગતા હોય, તો તેમને નવી લાયકાત મુજબ ફરીથી EOI દાખલ કરવી પડશે.
મધ્ય સમયગાળાની પ્રોફાઇલને રાહત
જેઓએ 1 મે 2024થી 30 એપ્રિલ 2026 વચ્ચે EOI દાખલ કરી છે, તેમને થોડી રાહત આપવામાં આવી છે. આવી પ્રોફાઇલ 30 એપ્રિલ 2027 સુધી માન્ય રહેશે. આ સમયગાળા દરમિયાન જો તેઓ પસંદ થાય છે તો તેઓ આગળની પ્રક્રિયામાં જોડાઈ શકે છે, પરંતુ જો સમયસર પસંદગી નહીં થાય તો તેમને નવી પ્રોફાઇલ બનાવવી પડશે.
ફેરફાર પાછળનું કારણ
સરકારનું કહેવું છે કે આ ફેરફાર માત્ર ટેક્નિકલ નથી, પરંતુ ઇમિગ્રેશન સિસ્ટમને વધુ અસરકારક અને આધુનિક બનાવવા તરફ એક મોટું પગલું છે. નોવા સ્કોટિયા હવે એવા ઉમેદવારોને પ્રાથમિકતા આપશે જેમની માહિતી અપડેટેડ હોય અને જે વર્તમાન માર્કેટની જરૂરિયાતોને અનુરૂપ હોય. લાંબા સમયથી નિષ્ક્રિય રહેલી પ્રોફાઇલ્સ પસંદગી પ્રક્રિયાને ધીમી બનાવતી હતી અને યોગ્ય ઉમેદવારો સુધી પહોંચવામાં પણ અડચણરૂપ બનતી હતી.
અન્ય પ્રાંતો જેવી જ નીતિ
એક્સપર્ટ્સનું માનવું છે કે આ નિર્ણય કેનેડાના અન્ય પ્રાંતોની નીતિઓ સાથે સુસંગત છે, જ્યાં પહેલાથી જ EOIની માન્યતા 6થી 12 મહિના વચ્ચે નક્કી કરવામાં આવી છે. નોવા સ્કોટિયાનું આ પગલું એક વ્યાપક પ્રવૃત્તિનો ભાગ માનવામાં આવે છે, જેમાં ઇમિગ્રેશન સિસ્ટમને વધુ પારદર્શક, ઝડપી અને જરૂરિયાતોને અનુરૂપ બનાવવામાં ભાર મૂકવામાં આવ્યો છે.
ઇમિગ્રેશનમાં બદલાવ
આ અપડેટ ત્યારે આવી છે જ્યારે નોવા સ્કોટિયાએ તાજેતરમાં પોતાના ઇમિગ્રેશન સિસ્ટમમાં પણ ફેરફાર કર્યા છે. તેમણે પોતાની 10 અલગ અલગ કેટેગરીને ઘટાડીને માત્ર ચાર મુખ્ય કેટેગરીમાં સમાવી દીધી છે, જેથી પ્રક્રિયા સરળ અને ઝડપી બની શકે. આવા સંજોગોમાં EOI માટે સમય મર્યાદા નક્કી કરવું એ આગળનું મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.
ઉમેદવારો માટે શું મહત્ત્વનું છે?
કેનેડામાં PR મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે જરૂરી છે કે તેઓ પોતાની પ્રોફાઇલને સમયાંતરે અપડેટ કરતાં રહે અને સક્રિય રહે, કારણ કે લાંબા સમય સુધી રાહ જોવાની જૂની પદ્ધતિ હવે ધીમે ધીમે સમાપ્ત થઈ રહી છે. આથી તેમણે સતત માહિતગાર રહેવું પડશે.
આ પણ વાંચો: Instagram પર રીપોસ્ટિંગ કરો છો? નવા નિયમોને કારણે મળશે ઓછા વ્યૂઝ, જાણો કેમ…
ઓન્ટારિયોમાં અગાઉ લેવાયો હતો મોટો નિર્ણય
આ પહેલાં કેનેડાના ઓન્ટારિયો સરકારે અચાનક પોતાનો Skilled Trades Stream બંધ કરી દીધો હતો. સાથે જ આ પ્રોગ્રામ હેઠળ દાખલ કરાયેલ તમામ અરજીઓ પાછી મોકલી દેવામાં આવી હતી. આ અરજીઓ છેલ્લા દોઢથી બે વર્ષથી પેન્ડિંગ હતી. જોકે સરકારનું કહેવું હતું કે ઠગાઈના કેસો સામે આવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું હતું, જેના કારણે મોટા પાયે વિરોધ પ્રદર્શન પણ થયા હતા.


