News Focus

બ્રિક્સનું યજમાન ભારત ચીન-રશિયા સામે આર્થિક ગુલામીની ગર્તામાં કેમ!

By GS Team
13 Sep 20268 mins read
TukuTouch Logo
ભારત અને ચીન વચ્ચેના વેપારમાં 2026ના પ્રથમ 6 મહિનામાં જ ભારતની વેપાર ખાધ 67.1 અબજ ડોલર પર પહોંચી ગઈ છે. ભારતે ચીન પાસેથી 79.41 અબજ ડોલરનો સામાન આયાત કર્યો, જ્યારે નિકાસ માત્ર 12.31 અબજ ડોલર રહી. રશિયાએ ભારતીય રૂપિયા સ્વીકારવાનો ઇનકાર કરતા ભારતની નાણાકીય સ્વાયત્તતાના દાવા પોકળ સાબિત થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બ્રિક્સનું યજમાન ભારત ચીન-રશિયા સામે આર્થિક ગુલામીની ગર્તામાં કેમ!
  • આત્મનિર્ભરતાના પોકળ દાવા અને વાસ્તવિકતા વચ્ચે આભ-જમીનનું અંતર, ભારત કરતા ચીનનું અર્થતંત્ર પાંચ ગણું વિશાળ
  • વર્ષ ૨૦૨૬ના પ્રથમ છ મહિનામાં જ ભારત અને ચીન વચ્ચેનો વેપાર ૯૧.૭૨ અબજ ડોલર રહ્યો, જેમાં ભારતની વેપાર ખાધ અકલ્પનીય રીતે ૬૭.૧ અબજ ડોલર પર પહોંચી ગઈ છે! ભારતે ચીન પાસેથી ૭૯.૪૧ અબજ ડોલરનો સામાન આયાત કરવો પડયો, જ્યારે આપણી નિકાસ માત્ર ૧૨.૩૧ અબજ ડોલરમાં સમેટાઈ ગઈ : ભારત પોતાના રૂપિયામાં રશિયા સાથે વેપાર કરવાની ગુલબાંગો મારતું હતું, પણ રશિયાએ ભારતીય રૂપિયા સ્વીકારવાનો ઇનકાર કરીને યુઆન અથવા યુએઈ દિરહામમાં પેમેન્ટની માંગણી કરી ત્યારે ભારતની કહેવાતી નાણાકીય સ્વાયત્તતાના ધજાગરા ઊડી ગયા : ભારત જ્યાં સુધી ચીનનું મોટું ગ્રાહક બની રહેશે અને ઊર્જા માટે રશિયાની મહેરબાની પર નિર્ભર રહેશે, ત્યાં સુધી આપણી વૈશ્વિક પહોંચ માત્ર દેખાડો બનીને રહી જશે. આર્થિક સાર્વભૌમત્વ વગરની ભૌગોલિક-રાજકીય તાકાત માત્ર એક ભ્રમ છે. જો હજુ પણ આંખ નહીં ઊઘડે, તો ભારત ઉત્પાદન ક્ષેત્રે ચીનનું કાયમી બજાર અને રશિયાનું લાચાર નાણાકીય સ્રોત બનીને રહી જશે

ભારતમાં હાલમાં બ્રિક્સ બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. દેશ-વિદેશના નેતાઓ, ડેલિગેશન ભારતમાં આવ્યા છે અને જાતભાતના કરારોની વાતો ચાલી રહી છે. આ બધા વચ્ચે ભારત વિશ્વગુરુ હોવાના અભરખાના સાફા ધારણ કરીને મહાલી રહ્યો છે પણ વાસ્તવિકતા તરફ તેની નજર નથી અને ભારતીયોની નજર જાય તેમ સરકાર ઈચ્છતી પણ નથી. ભારત વૈશ્વિક મંચો પર પોતાની છાતી ફુલાવીને વૈશ્વિક મહાસત્તા બનવાના પોકળ દાવા કરી રહ્યું છે. બ્રિક્સ જેવી બહુપક્ષીય સંસ્થાઓનું નેતૃત્વ કે યજમાની મેળવી લેવાથી કોઈ દેશ આર્થિક મહાસત્તા બની જતો નથી. બંધ બારણે યોજાતી સમિટો, લાલ જાજમ અને મુત્સદ્દીગીરીના ફોટો-ઓપ પાછળ છુપાયેલું વરવું સત્ય એ છે કે વેપાર, ઉદ્યોગ અને વ્યૂહાત્મક સ્વાયત્તતાના મોરચે ભારત પોતાના જ ભાગીદાર દેશો ચીન અને રશિયા સામે ઘૂંટણિયે પડેલું છે. જાણકારોના મતે આરબીઆઈ અને આંતરરાષ્ટ્રીય આર્થિક અહેવાલો દેશના આંકડા રજૂ કરે છે, ત્યારે 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત' જેવા સૂત્રો માત્ર કાલ્પનિક સાબિત થાય છે. નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પહેલા ક્વાર્ટરમાં ભારતની ચાલુ ખાતાની ખાધ વધીને ૪.૨ અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે અને મર્ચેન્ડાઇઝ ટ્રેડ ડેફિસિટમાં ૨૫ ટકાનો ભયાનક ઉછાળો આવ્યો છે. આપણે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાની ગુલબાંગો પોકારીએ છીએ, પરંતુ વાસ્તવિકતા એ છે કે આપણું આર્થિક એન્જિન ચીનમાંથી આવતી ચીજવસ્તુઓ અને રશિયાના ક્રૂડ ઓઇલ વગર એક ડગલું પણ આગળ ચાલી શકે તેમ નથી. ઉલ્લેખનીય છે કે, ચીન સાથે સરહદ પર તણાવના નામે દેશભક્તિની વાતો કરવી સહેલી છે, પણ આર્થિક વાસ્તવિકતા તદ્દન વિપરીત અને શરમજનક છે. વર્ષ ૨૦૨૬ના પ્રથમ છ મહિનામાં જ ભારત અને ચીન વચ્ચેનો વેપાર ૯૧.૭૨ અબજ ડોલર રહ્યો, જેમાં ભારતની વેપાર ખાધ અકલ્પનીય રીતે ૬૭.૧ અબજ ડોલર પર પહોંચી ગઈ છે!
ભારતે ચીન પાસેથી ૭૯.૪૧ અબજ ડોલરનો સામાન આયાત કરવો પડયો, જ્યારે આપણી નિકાસ માત્ર ૧૨.૩૧ અબજ ડોલરમાં સમેટાઈ ગઈ. આ આંકડા માત્ર તૂલનાત્મક અસંતુલન નથી દર્શાવતા, પણ ભારતીય ઉત્પાદન ક્ષેત્રની પંગુતા અને અસમર્થતા છતી કરે છે. આપણે ચીન પાસેથી શું ખરીદી રહ્યા છીએ? રમકડાં કે સસ્તી ગણેશ પ્રતિમાઓ નહીં, પરંતુ આધુનિક અર્થતંત્રની કરોડરજ્જુ ગણાતા સેમિકન્ડક્ટર્સ, ઇલેક્ટ્રોનિક પાર્ટ્સ, કમ્પ્યુટર ઉપકરણો, ઇલેક્ટ્રિક વાહનોની બેટરીઓ અને ઔદ્યોગિક મશીનરી.
જે દેશ પોતાના મોબાઇલ, લેપટોપ અને દવાઓના મૂળભૂત ઘટકો માટે પણ બેઇજિંગ પર નિર્ભર હોય, તે દેશ સરહદ પર લાલ આંખ કરવાની વાતો કરે તે હાસ્યાસ્પદ છે. ચીને દાયકાઓ પહેલાં ગ્લોબલ સપ્લાય ચેઇન પર એકહથ્થુ શાસન સ્થાપી દીધું, જ્યારે આપણે માત્ર ફીલ-ગુડ ફેક્ટરમાં રચ્યાપચ્યા રહ્યા. ચીનનું હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગ અને રિસર્ચ ઇકોસિસ્ટમ આજે ભારત કરતાં પચાસ વર્ષ આગળ છે. આપણે માત્ર 'એસેમ્બલી યુનિટ' બનીને ખુશ થઈએ છીએ, સાચા ઉત્પાદક બની શક્યા નથી.
બીજી તરફ, ભારત રશિયા સાથેના ઐતિહાસિક સંબંધોના ગુણગાન ગાય છે. પશ્ચિમી પ્રતિબંધો છતાં ભારતે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવાની બહાદુરી બતાવી હોવાની વાતો કરી. પરંતુ ખરેખર વ્યાપારિક દ્રષ્ટિએ આ સોદો કોના પક્ષમાં છે તેની વાસ્તવિકતા સામે આવી નથી. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રશિયાથી ભારતની આયાત ૫૨.૫૯ ટકા વધીને ૨૩.૬૧ અબજ ડોલર થઈ ગઈ છે. ભારત ક્રૂડ ઓઇલ, ખાતર અને રત્નો માટે અબજો રૂપિયા રશિયાને ચૂકવી રહ્યું છે, પરંતુ બદલામાં આપણી નિકાસ ક્યાં છે? વેપાર સંતુલન સંપૂર્ણપણે મોસ્કો તરફ વળેલું છે. ભારત પોતાના રૂપિયામાં રશિયા સાથે વેપાર કરવાની ગુલબાંગો મારતું હતું, પણ રશિયાએ ભારતીય રૂપિયા સ્વીકારવાનો ઇનકાર કરીને યુઆન અથવા યુએઈ દિરહામમાં પેમેન્ટની માંગણી કરી ત્યારે ભારતની કહેવાતી નાણાકીય સ્વાયત્તતાના ધજાગરા ઊડી ગયા. રશિયા સાથેનો વેપાર માત્ર આપણી ઊર્જા ભૂખ સંતોષવા માટેનું મોંઘું સાધન બની રહ્યો છે, જેમાં ભારત કોઈ મોટું નિકાસ બજાર ઊભું કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયું છે. વર્તમાન પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો ભારત બ્રિક્સનું યજમાન બનીને ગ્લોબલ સાઉથનો અવાજ બનવાનો દાવો કરે છે, પરંતુ બ્રિક્સના ટેબલ પર ભારતની ક્ષમતા કેટલી છે તે ખબર નથી. આ બંને દેશો સાથેની સરખામણી કરે છે કે બ્રિક્સની અંદર ચીન આર્થિક અને ઔદ્યોગિક સત્તા છે, રશિયા કાચા માલ અને ઊર્જાનો સર્વોચ્ચ ખેલાડી છે, જ્યારે ભારત માત્ર એક વિશાળ 'ગ્રાહક બજાર' બનીને બેઠું છે. એક વપરાશકર્તા દેશ ક્યારેય નિર્માતા દેશોની સામે પોતાની શરતો લાદી શકતો નથી. યજમાની કરવી સહેલી છે, પણ એ જ મંચ પર આર્થિક સમાનતા સાબિત કરવી લોઢાના ચણા ચાવવા જેવી છે.
ભારતની આ સ્થિતિનું સૌથી મોટું કારણ ઉત્સવનો ઉન્માદ અને પોલિસી પેરાલિસીસ છે. ભારત સરકારે સ્થાનિક ઉત્પાદનને વેગ આપવા પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ યોજનાઓ પાછળ કરોડો રૂપિયાના કરદાતાઓના નાણાં વહાવી દીધા. પણ તેનું પરિણામ શું આવ્યું તેની લોકોને જાણ જ નથી. ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે આપણે માત્ર સ્ક્રૂ ટાઇટ કરવાનું એટલે કે એસેમ્બલી શીખ્યા છીએ. કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ, ચિપ ડિઝાઇનિંગ અને મધરબોર્ડ ઉત્પાદન આજે પણ ચીન, તાઇવાન અને દક્ષિણ કોરિયાના હાથમાં છે. તેવી જ રીતે આપણી નિકાસ એપ્રિલથી ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન માત્ર ૧૫ ટકા વધી, જ્યારે આયાતમાં ૧૯ ટકાથી વધુનો વિસ્ફોટક વધારો થયો. આ દર્શાવે છે કે આપણે જેટલી નિકાસ વધારવાનો પ્રયાસ કરીએ છીએ, તેનાથી વધુ કાચો માલ આપણે વિદેશથી આયાત કરવો પડે છે. જેને આપણે 'આર્થિક વિકાસ' કહીએ છીએ તે હકિકતે આયાત-આધારિત અલ્પજીવી ચમક છે. હાઈ વેલ્યૂ એડિશન ધરાવતા ઉદ્યોગો સ્થાપવામાં આપણું સરકારી માળખું અને નબળી ઔદ્યોગિક નીતિઓ સંપૂર્ણ નિષ્ફળ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, કોઈપણ દેશની ઔદ્યોગિક ક્ષમતા તેની ઊર્જા સુરક્ષા પર નિર્ભર કરે છે. મધ્ય-પૂર્વના તણાવ અને ક્રૂડની વધતી કિંમતો ભારતના અર્થતંત્રને ગમે ત્યારે પાટા પરથી ઉતારી શકે છે. ૨૦ ટકા ઇથેનોલ મિશ્રણના દાવાઓ સામે વાહનોના એન્જિનની ક્ષમતા અને ખાદ્ય સુરક્ષાના પ્રશ્નો ઊભા થયા છે, જેના કારણે સરકારે હવે હાથ પાછા ખેંચીને ઈ૧૦ પર વિચાર કરવો પડી રહ્યો છે. આ પ્રકારની નીતિગત અનિર્ણાયકતા દેશના ઓટોમોબાઇલ અને ઊર્જા ક્ષેત્રને મોટો ફટકો મારે છે. બીજી તરફ કૃષિ ઉત્પાદન વધે છે અને વેડફાઈ જાય છે પણ લોકોની થાળી સુધી પહોંચતું જ નથી. આ સમસ્યા પણ વિકાસના સોનેરી પડદા પાછળ ઢાંકી દેવાઈ છે જેથી દેશના લોકો અને દુનિયા જોઈ શકે નહીં. વાસ્તવિકતા એ છે કે, ચીને રિન્યુએબલ અનર્જી, ખાસ કરીને સોલર પેનલ્સ અને ઇલેક્ટ્રિક વાહનો પર વિશ્વભરમાં મોનોપોલી સ્થાપી દીધી છે. ભારત આજે પણ સોલર પેનલના સેલ અને મોડયુલ્સ માટે ચીન સામે હાથ લંબાવીને ઊભું છે. આપણે પવન અને સૌર ઊર્જાના લક્ષ્યાંકો માત્ર કાગળ પર સિદ્ધ કરીએ છીએ, પણ તેના માટેના સાધનો તો ચીનથી જ આયાત થાય છે! પરિણામે, 'ગ્રીન એનર્જી'ના નામે પણ આખરે દેશનું વિદેશી હૂંડિયામણ ચીનની તિજોરીમાં જ જઈ રહ્યું છે.

ભારતે આત્મપ્રશંસાનો મોહ છોડીને નક્કર પગલાં ભરવા પડશે
જાણકારોના મતે ભારત ખરેખર ચીન અને રશિયાની સમકક્ષ વૈશ્વિક શક્તિ બનવા માંગતું હોય, તો તેણે આત્મપ્રશંસાના મોહમાંથી બહાર નીકળીને યુદ્ધના ધોરણે કઠોર આર્થિક સુધારા કરવા પડશે. સૌથી પહેલાં તો આયાત વિકલ્પો વિચારવા પડશે. માત્ર સૂત્રોચ્ચાર નહીં, પરંતુ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ, રેર અર્થ મિનરલ્સ અને સેમિકન્ડક્ટર્સનું ભારતમાં જ મોટા પાયે ઉત્પાદન ફરજિયાત બનાવવું પડશે. જીડીપીના ઓછામાં ઓછા ૩ ટકા ઇ:ઘ માં ખર્ચવા માટે ખાનગી અને સરકારી ક્ષેત્રને કાયદાકીય રીતે બાંધવા પડશે. ભારતે ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ અને હાઇ-એન્ડ સર્વિસ એક્સપોર્ટની દિશામાં પણ વિચાર કરવો પડશે. નીચા પગારવાળા કોલ સેન્ટરો કે સામાન્ય આઇટી સર્વિસથી આગળ વધીને ભારતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને હાઇ-લેવલ કન્સલ્ટિંગનું વૈશ્વિક કેન્દ્ર બનાવવું પડશે, જેથી સેવા ક્ષેત્રની આવક આપણી વેપાર ખાધને સંપૂર્ણપણે સરભર કરી શકે.
માત્ર પશ્ચિમી દેશો કે અમુક પરંપરાગત બજારો પર નિર્ભર રહેવાને બદલે આફ્રિકા, લેટિન અમેરિકા અને આસિયાન જેવા ઉભરતા બજારોમાં ભારતીય ઉત્પાદનોને આક્રમક રીતે પહોંચાડવા પડશે. બીજી મહત્ત્વની વાત એ છે કે, ભારતમાં લોજિસ્ટિક્સ ખર્ચ જીડીપીના ૧૩-૧૪ ટકા જેટલો ઊંચો છે, જે ચીનમાં ૮ ટકાની આસપાસ છે. જ્યાં સુધી ભારતીય માલસામાનનું પરિવહન સસ્તું અને ઝડપી નહીં બને, ત્યાં સુધી વૈશ્વિક બજારમાં આપણી સ્પર્ધાત્મકતા શૂન્ય રહેશે.

ફોટો-ઓપથી નહીં વાસ્તવિક વિકાસ દ્વારા મહાસત્તા નહીં બનાય
બ્રિક્સ સંમેલનોનું આયોજન કરવું, વૈશ્વિક નેતાઓ સાથે હાથ મિલાવવા અને વિશ્વગુરુ હોવાનો પ્રચાર કરવો એક વાત છે, પરંતુ અર્થતંત્રના જમીની મોરચે ચીન અને રશિયા જેવા દેશો સામે લાચાર ન રહેવું એ તદ્દન બીજી વાત છે.
ભારતમાં મેન્યુફેક્ચરિંગ, એગ્રીકલ્ચર, એગ્રોપ્રોડક્ટ, સર્વિસ સેક્ટર અને અન્ય સેક્ટરમાં કહેવાતું કામ છે પણ આ ઉદ્યોગો વૈશ્વિક પડકારોનો સામનો કરવા કે સ્પર્ધા પૂરી પાડવા જેટલા મજબૂત નથી. થોડી ઘણી કંપનીઓને બાદ કરતા ભારતમાં ક્યાંય સ્પર્ધાત્મકતા, માળખું કે નીતિઓ જોવા મળતા નથી. જ્યાં સુધી ભારત ૬૭ અબજ ડોલરની વેપાર ખાધ સાથે ચીનનું મોટું ગ્રાહક બની રહેશે અને ઊર્જા માટે રશિયાની મહેરબાની પર નિર્ભર રહેશે, ત્યાં સુધી આપણી વૈશ્વિક પહોંચ માત્ર દેખાડો બનીને રહી જશે. દેશના શાસકોએ અને નીતિ ઘડવૈયાઓએ હવે આ આંકડાકીય સત્યનો સામનો કરવો જ પડશે. આર્થિક સાર્વભૌમત્વ વગરની ભૌગોલિક-રાજકીય તાકાત માત્ર એક ભ્રમ છે. જો હજુ પણ આંખ નહીં ઊઘડે, તો ભારત ઉત્પાદન ક્ષેત્રે ચીનનું કાયમી બજાર અને રશિયાનું લાચાર નાણાકીય સ્ત્રોત બનીને રહી જશે.