અમેરિકી ડોલરનું એકચક્રી શાસન હવે ડગમગી રહ્યું છે !
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા દ્વારા વિદેશોમાં કરાતા યુદ્ધ અને તેની અસરોથી કંટાળેલા દેશોએ ડોલર છોડીને સ્થાનિક કરન્સીમાં પારસ્પરિક વેપાર શરૂ કરવાની યોજના બનાવી
અમેરિકા દ્વારા ડોલરનું જે વેપનાઈઝેશન કરવામાં આવ્યું હતું તેનાથી વૈશ્વિક દેશો નારાજ હતા. વર્ષ ૨૦૨૨માં રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ અમેરિકા અને પશ્ચિમી દેશોએ રશિયાના અંદાજે ૩૦૦ અબજ ડોલરના વિદેશી ભંડોળને જપ્ત કરી લીધું. મુક્યા તેનાથી વિકાસશીલ દેશો અને બિનપશ્ચિમી દેશો ગભરાઈ ગયા કે આવી કામગીરી ગમે તેની સાથે થઈ શકે છે અને ડોલરથી અંતર જાળવવાનું શરૂ કરી દીધું : અમેરિકા ઉપર હાલમાં ખૂબ જ મોટા પ્રમાણમાં દેવું છે. તેના ઉપર ૩૪ ટ્રિલિયન ડોલર કરતા વધારે દેવું છે. અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા પોતાની મરજી પ્રમાણે ડોલર છાપવામાં આવે છે અને વ્યાજ દરોમાં વારંવાર ફેરફાર કરવામાં આવે છે તેના કારણે દુનિયાના અન્ય દેશોમાં ઈન્ફ્લેશન અને કેપિટલ ફ્લાઈટની સ્થિતિ સર્જાવા લાગે છે : દાયકાઓથી વૈશ્વિક ધોરણે ક્ડ ખરીદવા માટે કે ગેસ ખરીદવા માટે ડોલરનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યા છે. ધીમે ધીમે હવે સાઉદી અરબ અને અન્ય ઓપેક દેશોએ ડોલરના સ્થાને ચીની યુઆન, ભારતીય રૂપિયા અને યુરોમાં ક્રૂડના સોદા કરવામાં આવ્યા છે. તેના કારણે પેટ્રો ડોલર નબળો પડવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે
વૈશ્વિક ભૂગોળમાં જે એકાએક પરિવર્તનનો પવન ફુંકાયેલો છે જેમ વૈશ્વિક અર્થતંત્રમાં પણ હાલમાં ખૂબ મોટો અને ઐતિહાસિક ફેરફાર આવે તેવું દેખાઈ રહ્યું છે. કેટલાય દાયકાઓથી વૈશ્વિક વેપાર, બેન્કિંગ, વિદેશી ભંડોળ અને અન્ય બાબતો ઉપર પોતાનું એકચક્રી શાસન ચલાવનાર ડોલર હવે ડામાડોળ થઈ રહ્યો છે. વર્તમાન સમયના અહેવાલો અને આંકડા જણાવે છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ દેશો દ્વારા આગામી એક દાયકાનો ઈકોનોમિક પ્લાન રજૂ કરાયો છે. તેમાં તેઓ સ્પષ્ટ રીતે જણાવે છે કે, તેઓ આગામી એક દાયકમાંમાં ડોલર હોલ્ડિંગ ઓછું કરવા માગે છે. સીધી ભાષામાં કહીએ ડી-ડોલરાઈઝેશન શરૂ થવાનું છે તેવું કહી શકાય. તાજેતરમાં પણ ઘણા દેશોએ વેપાર માટે ડોલરના સ્થાને સ્થાનિક ચલણના ઉપયોગની વાત કરી છે. તેઓ સતત ડોલરના પ્રભાવથી અને અમેરિકાના આત્યાંતિક વલણથી છુટવા માગતા હોય તેવું લાગી રહ્યું છે.
જાણકારો માને છે કે, ડોલરના ખરાબ દિવસો શરૂ થઈ ગયા છે. આ કોઈ પહેલી ઘટના નથી, ભૂતકાળમાં આવું થયું છે પણ ડોલર સ્થિર થઈ જતો હતો. આ વખતે સ્થિતિ વધારે ગંભીર છે. ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં અમેરિકાના વલણની જે સ્થિતિ છે અને તેના કારણે વૈશ્વિક મુશ્કેલીઓ ઊભી થઈ છે તેના પગલે ઘણા દેશો નારાજ થઈને તો ઘણા સતર્ક થઈને જૂથ બનાવીને ડોલરના પ્રભાવમાંથી મુક્ત થવા માગે છે.
ડોલર તરફ અણગમો આવવાના કે પછી ડીડોલરાઈઝેશન તરફ દુનિયા આગળ વધવાના ઘણા કારણો છે. તેમાંય અમેરિકા દ્વારા ડોલરનું જે વેપનાઈઝેશન કરવામાં આવ્યું હતું તેનાથી વૈશ્વિક દેશો નારાજ હતા. વર્ષ ૨૦૨૨માં રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ અમેરિકા અને પશ્ચિમી દેશોએ રશિયાના અંદાજે ૩૦૦ અબજ ડોલરના વિદેશી ભંડોળને જપ્ત કરી લીધું. તે ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે રચાયેલી પેમેન્ટ સિસ્ટમ સ્વિફ્ટમાંથી પણ રશિયાને હાંકી કાઢયું.
આ ઘટનાએ દુનિયાનું ધ્યાન ખેંચ્યું હતું. જે રીતે અમેરિકાએ પોતાનું વર્ચસ્વ બતાવવા માટે રશિયાને હાંકી કાઢયું અને તેના ઉપર દબાણો લાવ્યું અને પ્રતિબંધો મુક્યા તેનાથી વિકાસશીલ દેશો અને બિનપશ્ચિમી દેશો ગભરાઈ ગયા. તેમને સમજાયું કે, અમેરિકા જો રશિયા સાથે આવું કરી શકે છે તો બાકીના દેશો સાથે તો ગમે તે હદ સુધી જઈ શકે તેમ છે. તેના કારણે તેમણે પોતાના આર્થિક રક્ષણ માટે થઈને ડોલરથી અંતર જાળવવાનું શરૂ કરી દીધું.
બીજી તરફ અમેરિકા ઉપર હાલમાં ખૂબ જ મોટા પ્રમાણમાં દેવું છે. તેના ઉપર ૩૪ ટ્રિલિયન ડોલર કરતા વધારે દેવું છે. અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા પોતાની મરજી પ્રમાણે ડોલર છાપવામાં આવે છે અને વ્યાજ દરોમાં વારંવાર ફેરફાર કરવામાં આવે છે તેના કારણે દુનિયાના અન્ય દેશોમાં ઈન્ફ્લેશન અને કેપિટલ ફ્લાઈટની સ્થિતિ સર્જાવા લાગે છે. વૈશ્વિક કેન્દ્રીય બેન્કો હવે પોતાને અમેરિકાના આવી આર્થિક નીતિઓના જોખમો અને ભયાનક પરિણામોથી સુરક્ષિત રાખવા માગે છે. તેથી જ ડોલરના વિકલ્પો શોધે છે. બીજી તરફ એવી પણ સ્થિતિ છે કે, જ્યારે વૈશ્વિક સ્તરે કોઈ દેશની કરન્સી વૈશ્વિક રિઝર્વ કરન્સી હોય છે ત્યારે દુનિયામાં લિક્વિટિડી યથાવત રાખવામાં જે-તે દેશની ચાલુ ખાતા ખાધ જાળવવી પડે છે. તેના કારણે જે-તે કરન્સીની સાખ અને કન્વર્ટેબિલિટી ઉપર જોખમ આવે છે અને હાલમાં ડોલર સાથે પણ આવું જ થયું છે.
આ ઉપરાંત ડોલરની સામે હવે વૈશ્વિક ધોરણે ઘણી પેમેન્ટ સિસ્ટમ પણ આવી ગઈ છે જે ઉપયોગમાં સરળ અને પારસ્પરિક સાનુકુળતા ધરાવે છે.
ચીનની સીઆઈપીએ, ભારતની યુપીઆઈ-રુપે સિસ્ટમ તથા બ્રિક્સના દેશો દ્વારા પોતાનું જ શરૂ કરાયેલું આર્થિક માળખું ખૂબ જ સરળ અને સાનુકુળ હોવાથી ડોલર ઉપરનો આધાર ઓછો થવા લાગ્યો છે. જાણકારો માને છ કે, આગામી એક દાયકામાં વૈશ્વિક વેપારમાં નવો જ ટ્રેન્ડ આવશે અને કોઈપણ એક કરન્સીનું એકહથ્થુ શાસન રહેશે નહીં. આ માળખમાં વ્યાપક ફેરફાર જોવા મળશે.
આર્થિક બાબતોની વાત કરીએ તો વૈશ્વિક વેપાર ઉપર તેનો પ્રભાવ ઘટવા લાગ્યો છે અને વૈશ્વિક સ્તરે તેના વિકલ્પો શોધાવા લાગ્યા છે. ખાસ કરીને દ્વિપક્ષિય વેપારમાં પરિવર્તન જોવા મળ્યું છે. આગામી એક દાયકામાં જ્યારે ડોલર હોલ્ડિંગ્સ ઓછું થઈ જશે ત્યારે વૈશ્વિક વેપારનું દ્રશ્ય અને માળખું બદલાઈ જશે. ઘણા દેશો હવે ત્રીજા દેશની કરન્સીના બદેલ દ્વિપક્ષીય વેપારમાં પારસ્પરિક કરન્સીનો જ ઉપયોગ કરે છે. ભારત અને યુએઈ દ્વારા રૂપિયા અને દિરહામમાં પેમેન્ટ થાય છે. તેવી જ રીતે ચીન અને બ્રાઝિલ દ્વારા પણ એકબીજાની કરન્સીમાં જ પેમેન્ટ કરવામાં આવે છે. બીજા ઘણા દેશો હવે એકબીજા સાથે તેમની જ કરન્સીમાં વેપાર કરતા થઈ ગયા છે.
આ ઉપરાંત સૌથી મોટો જે ભય અથવા તો ડોલરનો આંતક હતો તે પેટ્રોડોલરનો હતો. દાયકાઓથી વૈશ્વિક ધોરણે ક્રૂડ ખરીદવા માટે કે ગેસ ખરીદવા માટે ડોલરનો જ ઉપયોગ કરવામાં આવી રહ્યા છે. ધીમે ધીમે હવે સાઉદી અરબ અને અન્ય ઓપેક દેશોએ ડોલરના સ્થાને ચીની યુઆન, ભારતીય રૂપિયા અને યુરોમાં ક્રૂડના સોદા કરવામાં આવ્યા છે. હવે તો ઘણા દેશો પોતાની કરન્સીમાં જ પૈસા લઈ રહ્યા છે અથવા તો ખરીદરનાને તેની સગવડ માટે જે-તે દેશની જ કરન્સીમાં પેમેન્ટની સુવિધા આપે છે. તેના કારણે પેટ્રો ડોલર નબળો પડવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ડોલરના એકચક્રી શાસન ઉપર આ છેલ્લો પ્રહાર ગણવામાં આવી રહ્યો છે. પરિસ્થિતિ એવી છે કે, આંતરરાષ્ટ્રીય કેન્દ્રીય બેન્કોમાં ડોલરના કુલ રિઝર્વમાં પણ વ્યાપક ઘટાડો જોવા મળી રહ્યો છે. એક સમયે જ્યાં રિઝર્વમાં ૭૦ ટકાથી વધારે ભાગ ડોલરનો હતો તે ઘટીને ૫૬ ટકા થઈ ગયો છે. બીજી તરફ દેશો દ્વારા અન્ય વિકલ્પો પસંદ કરવામાં આવી રહ્યા છે. એક તેઓ સોનામાં પેમેન્ટ કરી રહ્યા છે. હાલમાં કેન્દ્રીય બેન્કો મોટા પાયે સોના ખરીદી રહી છે. આગામી દાયકામાં તે સ્ટોર ઓફ વેલ્યૂ બને તેમ દેખાય છે. તેવી જ રીતે ચીની યુઆનની હાલમાં ડિમાન્ડ વધી છે. તે એશિયા અને આફ્રિકાના દેશોમાં ડોલરને મજબૂત ટક્કર આપશે. તેવી જ રીતે યૂરોની પણ વૈશ્વિક રિઝર્વમાં ભાગીદારી વધીને ૨૦ ટકાથી ઉપર જતી રહી છે. આગામી સમયમાં પશ્ચિમી બ્લોકમાં વેપાર માટે યૂરોનો ઉપયોગ વધી જાય તેવું દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત બ્રિક્સ દ્વારા પોતાના જ બ્રિક્સ કરન્સી શરૂ કરવાના વરતારા છે. હાલમાં ચલણ લાવવાની વિચારણા ચાલે છે બીજી તરફ ડિજિટલ કરન્સી થકી વહેવાર શરૂ કરાયા છે.
ડોલર તુટતા આગામી સમય મલ્ટિપોલર ફાઈનાન્સિયલ સિસ્ટમનો આવશે
જાણકારો માને છે કે, વૈશ્વિક બજારમાંથી ડોલરને નાબુદ કરવો અશક્ય છે. તેનું અસ્તિત્વ ભુંસાય તેવી શક્યતાઓ નહીવત છે. ડોલરનું ચલણ ઘટી જશે તે વાતને હાલ સમર્થન મળી રહ્યું છે પણ તેનો સંપૂર્ણ અંત શક્ય નથી. ઉલ્લેખનીય છે કે, ગ્લોબલ ડેટ માર્કેટમાં ૧૪ ટ્રિલિયન કરતા વધુ આજે પણ ડોલરમાં રોકાયેલા છે. તેના કારણે મોટી પડતી તેમાં આવી શકે નહીં.
એક બાબત સ્પષ્ટ છે કે, કિંગ ડોલરનો એકાધિકાર સમાપ્ત થશે પણ તેનો અસ્ત થઈ શકે તેમ નથી. હાલમાં જે રીતે બજારની સ્થિતિ છે તે પ્રમાણે આગામી સમયમાં સિંગલ કરન્સી સિસ્ટમ જેવું કશું જ રહેશે નહીં. તેના બદલે મલ્ટિપોલર ફાઈનાન્સિયલ સિસ્ટમ તરફ દુનિયા આગળ વધશે. આ નવી સ્થિતિમાં ચીન સર્વોપરી બને તેવું પણ શક્ય છે. આ સિવાય ભારત પણ આર્થિક મહાસત્તા બનવા તરફ આગેકૂચ કરે તો નવાઈ પામવાજેવું નથી. આગામી સમયમાં ડોલર તૂટવો તે વૈશ્વિક બજારો અને કરન્સીઓ માટે અચ્છે દિન સાબિત થાય તેમ છે.
ભારતને ભવિષ્યમાં લાભ થવાની શક્યતાઓ જોવાઈ રહી છે
જાણકારોના મતે ડીડોલરાઈઝેશન દ્વારા ભારતને લાભ થાય તેવું દેખાય છે. ડોલરનું જોર નબળું પડશે તો રૂપિયો આપોઆપ મજબૂત બનશે. બીજી તરફ ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની જ કરન્સી રૂપિયામાં વેપાર કરી શકશે. હાલમાં પણ ભારતે રશિયા, યુએઈ, શ્રીલંકા, ઓમાન, મલેશિયા સહિત ૨૨ દેશો સાથે જોડાણ કરીને સ્પેશિયલ રૂપી વોસ્ટ્રો એકાઉન્ટ ખોલ્યા છે. તેના દ્વારા ભારતીય કરન્સી અને જે-તે દેશની કરન્સીમાં તેની સાથે વેપાર કરવામાં આવી રહ્યો છે. આગામી સમયમાં ભારતીય રૂપિયો સાઉથ એશિયા અને મીડલ ઈસ્ટના દેશોમાં વેપાર માટે વ્યાપક રીતે ઉપયોગમાં લેવાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. ખાસ કરીને ક્રૂડના વેપારમાં રૂપિયાનો ઉપયોગ થાય તો ડોલરની વધઘટની જેમ રૂપિયાને મોટી અસર થાય છે તેવી થાય નહીં. રિઝર્વ બેન્ક પણ હાલમાં રિઝર્વ ફંડમાં ડોલરનો ઘટાડો કરીને અન્ય કરન્સી વધારી રહી છે અને સોનુ પણ વ્યાપક રીતે ખરીદી રહી છે. ભવિષ્યમાં અમેરિકી ફેડ નીતિઓની વધારે અસર ન પડે તેવું આયોજન છે. બીજી તરફ જાણકારો એવું માને છે કે, આ પગલાંથી શેર બજાર, બોન્ડ માર્કેટ અને ભારતીય અર્થતંત્ર ઉપર લાંબાગાળાની અસર જોવા મળશે. જાણકારો માને છે કે, ડોલરમાં ઘટાડો આવશે તો વૈશ્વિક રોકાણકારો અમેરિકી બોન્ડમાંથી ફંડ ખેંચીને ભારત જેવા વિકસિત બજારોમાં રોકાણ કરી શકે છે. તેનાથી ભારતીય શેરબજારોને પણ લાભ થાય. ભારતીય બોન્ડનો પણ વૈશ્વિક બજારમાં ઉદય થઈ ગયો છે. આગામી સમયમાં તેમાં પણ વૈશ્વિક રોકાણ આવે તેવી શક્યતાઓ દેખાય છે.









