News Focus

દેશના વિકાસના આંકડા વધ્યા પણ પ્રજાની સ્થિતિ સુધરતી નથી

By GS Team
8 Sep 20267 mins read
TukuTouch Logo
પૂર્વ નાણાં સચિવ સુભાષ ગર્ગે એપ્રિલ-જૂન 2026નો GDP 2.6% હોવાનો દાવો કરતા રાજકીય વિવાદ સર્જાયો છે. સરકારે 7.8% વૃદ્ધિનો દાવો કર્યો છે, પરંતુ સામાન્ય માણસ મોંઘવારી, બેરોજગારી અને બચતના અભાવથી પીડાઈ રહ્યો છે. આ આંકડાની માયાજાળ સામે નિષ્ણાતો પણ સવાલો ઉઠાવી રહ્યા છે. વિકાસનો લાભ સામાન્ય જનતા સુધી પહોંચવો જરૂરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દેશના વિકાસના આંકડા વધ્યા પણ પ્રજાની સ્થિતિ સુધરતી નથી
  • જીડીપીના આંકડા ઝાકમઝોળ બની રહ્યા છે પણ સામાન્ય લોકો મોંઘવારી, બેરોજગારી, બચતના અભાવ સામે ઝઝૂમી રહ્યા છે
  • આર્થિક જાણકારો અને સરકાર સાથે રહેલા કેટલાક પૂર્વ અધિકારીઓ દ્વારા પણ કેન્દ્ર સરકારની આ મનોવૃત્તિ અને આંકડાની માયાજાળને ખોટી ગણાવાઈ રહી છે છતાં સરકાર માનવા તૈયાર નથી. તાજેતરમાં પૂર્વ નાણાં સચિવ સુભાષ ગર્ગે એપ્રિલ-જૂન ૨૦૨૬નો જીડીપી માત્ર ૨.૬ ટકા હોવાનો આક્ષેપ કરતા આ મુદ્દે રાજકીય વિવાદ સર્જાયો છે ઃ રૂપિયામાં પણ ઘટાડાનો સિલસિલો ચાલુ છે અને તે પ્રતિ ડૉલર લગભગ ૯૫ની આસપાસ પહોંચી ગયો છે. જો અર્થતંત્ર ઝડપથી મજબૂત થઈ રહ્યું હોય, તો આપણું ચલણ હજી પણ તેલના ભાવ, વિદેશી મૂડી અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓના દબાણ હેઠળ કેમ રહે છે? ઃ કોઈપણ વિકાસનું સાચું મૂલ્યાંકન માત્ર વિકાસ દરના આધારે થઈ શકતું નથી. સવાલ એ છે કે આ વિકાસની ગુણવત્તા શું છે, તેનો લાભ કોને મળી રહ્યો છે અને સામાન્ય માણસના જીવનમાં તેની કેટલી અસર દેખાઈ રહી છે. જ્યાં સુધી સમાજમાં છેવાડાના માનવી સુધી શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને અન્ય પાયાની સુવિધાઓ ન પહોંચે, ત્યાં સુધી વિકાસને વાસ્તવિક માની શકાય નહીં

દુનિયાભરમાં મોટા મોટા દેશોના અર્થતંત્રમાં ભૂકંપ આવેલો છે, ઘણા દેશો યુદ્ધ, ગૃહયુદ્ધ અને મોંઘવારી તથા ફુગાવાના ભાર નીચે દબાયેલા છે. રશિયા-યુક્રેન, અમેરિકા-ઈરાનના યુદ્ધથી ચારેતરફ ક્રૂડ સેક્ટરમાં ભયાનક ભાવવધારો ચાલી રહ્યો છે, મોંઘવારીએ માઝા મુકેલી છે. બીજી તરફ ભારતના અર્થતંત્રે નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૭.૮ ટકાનો વાસ્તવિક વિકાસ દર નોંધાવ્યો છે. પ્રથમ દ્રષ્ટિએ આ આંકડો ચોક્કસપણે પ્રગતિશીલ જણાય છે. સરકાર માટે આ આર્થિક મજબૂતીનો પુરાવો છે અને એ દર્શાવવાની તક પણ છે કે મુશ્કેલ વૈશ્વિક સંજોગો છતાં ભારતીય અર્થતંત્ર પોતાની ગતિ જાળવી રહ્યું છે. સરકારે પોતાના ફુલગુલાબી આંકડાના દ્વારા ફુલાઈ રહી છે પણ વાસ્તવિકતા તેનાથી જોજનો દૂર છે.
તેમાંય જાણકારો માને છે કે, સરકાર દ્વારા મનફાવે તેવી રીતે ગણતરીઓ કરવામાં આવે છે. તેના પગલે વિકાસના સુંવાળા, ચમકતા અને મનગમતા આંકડા દર વર્ષે જારી કરવામાં આવે છે. સરકારે ગણતરીના માપદંડોમાં જ મોટાપાયે ફેરફાર કરી નાખ્યો છે જેના પગલે આંકડાનું નક્કર પરિણામ જ મળતું નથી. આ સિવાય એવો પણ મત પ્રવર્તી રહ્યો છે કે, કોઈપણ વિકાસનું સાચું મૂલ્યાંકન માત્ર વિકાસ દરના આધારે થઈ શકતું નથી. સવાલ એ છે કે આ વિકાસની ગુણવત્તા શું છે, તેનો લાભ કોને મળી રહ્યો છે અને સામાન્ય માણસના જીવનમાં તેની કેટલી અસર દેખાઈ રહી છે. જ્યાં સુધી સમાજમાં છેવાડાના માનવી સુધી શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને અન્ય પાયાની સુવિધાઓ ન પહોંચે, ત્યાં સુધી વિકાસને વાસ્તવિક માની શકાય નહીં. આર્થિક સમૃદ્ધિ ત્યાં સુધી અધૂરી છે જ્યાં સુધી તે લોકોની ક્ષમતાઓમાં પરિવર્તિત ન થાય. વિકાસને માત્ર સકલ ઘરેલું ઉત્પાદનના આંકડા સુધી સીમિત ન રાખી શકાય, કારણ કે આંકડા માત્ર આર્થિક ઉત્પાદન દર્શાવે છે, જ્યારે વાસ્તવિક વિકાસનો સંબંધ માનવ કલ્યાણ અને જીવનની ગુણવત્તા સાથે છે.
ચિંતાની વાત એ છે કે, આર્થિક જાણકારો અને સરકાર સાથે રહેલા કેટલાક પૂર્વ અધિકારીઓ દ્વારા પણ કેન્દ્ર સરકારની આ મનોવૃત્તિ અને આંકડાની માયાજાળને ખોટી ગણાવાઈ રહી છે છતાં સરકાર માનવા તૈયાર નથી. તાજેતરમાં પૂર્વ નાણાં સચિવ સુભાષ ગર્ગે એપ્રિલ-જૂન ૨૦૨૬નો જીડીપી માત્ર ૨.૬ ટકા હોવાનો આક્ષેપ કરતા આ મુદ્દે રાજકીય વિવાદ સર્જાયો છે. સરકારે આક્ષેપો પર પલટવાર કરતા કહ્યું કે, જૂના અને નવા આધાર વર્ષના આંકડાની સરખામણી એપલ અને ઓરેન્જની તુલના સમાન છે. દેશનું અર્થતંત્ર ફુલ ગુલાબી તેજીમાં છે. કેન્દ્ર સરકારે પહેલા ત્રિમાસિકમાં ભારતીય અર્થતંત્ર ૭.૮ ટકાના દરે વૃદ્ધિ પામ્યું હોવાની જાહેરાત કર્યા પછી પૂર્વ નાણાં સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે જૂના અને નવા બેઝ યરને ટાંકીને એપ્રિલ-જૂન ૨૦૨૬માં વાસ્તવિક જીડીપી વૃદ્ધિદર ૭.૮ ટકા નહીં પરંતુ માત્ર ૨.૬ ટકા જ હોવાનો દાવો કર્યો હતો. બીજી તરફ સરકારનો દાવો છે કે, જૂના અને નવા બેઝ વર્ષની સરખામણી ખોટી છે, કારણ કે તેમાં કરન્ટ પ્રાઈસના આંકડાના બદલે કોન્સ્ટન્ટ પ્રાઈસના અંદાજોની ગણતરી કરવામાં આવે છે. આ સિવાય ૮૬.૦૫ લાખ કરોડના અંદાજને જૂના ૨૦૧૧-૧૨ના બેઝ વર્ષ સાથે સરખાવવામાં આવે છે જ્યારે હાલ જાહેર કરાયેલા જીડીપીના આંકડાની નવા ૨૦૨૨-૨૩ના બેઝ વર્ષ હેઠળ ગણતરી કરાઈ છે. જ્યારે હકિકત એ છે કે, દેશનો સામાન્ય માણસ બેરોજગારી, મોંઘવારી, ભાવવધારો, ફુગાવો, અભાવ અને અવ્યવસ્થાના વિષચક્રમાં અટવાયેલો છે.
ઉલ્લેખનીય છે કે, જાણકારો અને પ્રજાનો સવાલ આ આંકડાની ગણતરી સામે જ છે. મહત્ત્વનો સવાલ એ છે કે પાછલા વર્ષના આર્થિક કદમાં ઘટાડો કેમ થયો અને તેની ૭.૮ ટકાના વર્તમાન વિકાસ દર પર કેટલી અસર પડી? વર્ષ ૨૦૧૧-૧૨ના જૂના આધાર વર્ષમાં નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ના પ્રથમ ત્રિમાસિક ગાળાનું સકલ ઘરેલું ઉત્પાદન ૮૬.૦૫ લાખ કરોડ હતું, જે વર્ષ ૨૦૨૨-૨૩ના નવા આધાર વર્ષમાં ઘટીને લગભગ ૮૦ લાખ કરોડ રહી ગયું. જૂની અને નવી શ્રેણીની સીધી સરખામણી યોગ્ય નથી, પરંતુ આટલા મોટા ફેરફારનું કારણ અને વર્તમાન વિકાસ દર પર તેના પ્રભાવને સરકાર તરફથી સ્પષ્ટ કરવાની જરૂર છે.
પ્રથમ ત્રિમાસિક ગાળો એપ્રિલથી જૂન એમ ત્રણ મહિનાનો હતો. પશ્ચિમ એશિયાનું સંકટ ફેબ્રુઆરીના અંતથી શરૂ થઈ ચૂક્યું હતું, પરંતુ સ્થાનિક સ્તરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો મે મહિનાના મધ્ય અને છેલ્લા સપ્તાહમાં ચાર તબક્કામાં થયો હતો. એટલે કે ત્રિમાસિક ગાળાનો લગભગ પહેલો દોઢ મહિનો સ્થાનિક ઈંધણ ભાવવધારાની પૂરી અસરથી પ્રમાણમાં સુરક્ષિત રહ્યો અને ભાવવધારાનું દબાણ પાછળના ભાગમાં આવ્યું. શું આ સરકારની એક રણનીતિ નહોતી કે જેથી ભાવવધારાની અસર ત્રિમાસિક ગાળાના શરૂઆતના ભાગમાં ઓછી દેખાય અને તેની વ્યાપક અસર પછીના સમયગાળામાં સામે આવે? દેશમાં ૩૧ ઑગસ્ટે જે દિવસે ૭.૮ ટકાનો વિકાસ દર જાહેર થયો, તે જ દિવસે સેન્સેક્સ ૩૦૭ પોઇન્ટ એટલે કે ૦.૪૦ ટકા અને નિફ્ટી ૦.૩૯ ટકા ઘટીને બંધ રહ્યા હતા. આને માત્ર જીડીપીના આંકડાની પ્રતિક્રિયા કહેવી યોગ્ય નથી, કારણ કે વૈશ્વિક બજાર, ક્રૂડ ઓઇલ અને યુએસ વ્યાજ દરોને લઈને પણ દબાણ હતું. તેમ છતાં મજબૂત વિકાસ દર હોવા છતાં બજારમાં ઉત્સાહ કેમ જોવા ન મળ્યો, તે પ્રશ્ન હજી પણ ઊભો છે.
આ સાથે રૂપિયામાં પણ ઘટાડાનો સિલસિલો ચાલુ છે અને તે પ્રતિ ડૉલર લગભગ ૯૫ની આસપાસ પહોંચી ગયો છે. જો અર્થતંત્ર ઝડપથી મજબૂત થઈ રહ્યું હોય, તો આપણું ચલણ હજી પણ તેલના ભાવ, વિદેશી મૂડી અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓના દબાણ હેઠળ કેમ રહે છે? સ્પષ્ટ છે કે આર્થિક મજબૂતી એ માત્ર ઉત્પાદન વધવાનું નામ નથી, પરંતુ પોતાના ચલણ અને અર્થતંત્રને બાહ્ય આંચકાઓથી બચાવવાની ક્ષમતા પણ છે. સામાન્ય માણસ માટે ૭.૮ ટકા વિકાસ દરની સૌથી સીધી કસોટી તેના રસોડા અને રોજીંદા ખર્ચમાં થાય છે. સરકારી કાગળોમાં દેશમાં સરેરાશ મોંઘવારી દર ૪.૪૫ ટકા હોઈ શકે છે, પરંતુ કોઈપણ પરિવારનું બજેટ સરેરાશ આંકડાથી ચાલતું નથી. જુલાઈમાં ખાદ્ય મોંઘવારી ૫.૫૨ ટકા રહી હતી. આદું, લસણ અને ડુંગળી જેવી રોજિંદી ચીજવસ્તુઓમાં તીવ્ર ભાવવધારો નોંધાયો હતો.
સપ્ટેમ્બરની શરૂઆતમાં મુંબઈ વિસ્તારમાં દૂધના ભાવ પ્રતિ લિટર ૯ વધ્યા અને સીએનજી (ભશય્) તેમજ પરિવહનના ભાડા પણ વધ્યા. જયપુરમાં દૂધની સાથે પનીર જેવા ડેરી ઉત્પાદનો પણ મોંઘા થયા. ખાંડના ભાવમાં તાજેતરમાં થોડી નરમાશ આવી છે, પરંતુ ઉપભોક્તાઓ સુધી રાહત પહોંચવામાં સમય લાગી રહ્યો છે. સીએનજી મોંઘો થવાની અસર ઓટો, ટેક્સી અને માલસામાનની હેરફેર પર પડે છે; દૂધ મોંઘું થવાની અસર દહીં, પનીર અને મીઠાઈ પર પડે છે; તેમજ ઈંધણ મોંઘું થવાની અસર લગભગ દરેક વસ્તુના પરિવહન પર પડે છે. એટલા માટે એક પરિવાર માટે મોંઘવારીનો અર્થ સૂચકાંકની ટકાવારી નથી, પરંતુ મહિનાના અંતે બચેલી રકમ છે. સરકારની અવિચારી નીતિઓને પગલે સામાન્ય માણસનું બજેટ સાવ ખોરવાઈ ગયું છે અને તેની પાસે બચત જેવું કશું રહેતું જ નથી.

સામાન્ય માણસની આવક, રોજગારી અને ખરીદશક્તિમાં ફેરફાર આવતો જ નથી
હકિકતે સામાન્ય માણસને વિચાર એવો આવે છે કે, આ આંકડાનો ફાયદો તેને અથવા તો તેના પરિવારને શું થયો છે. વિકાસ દરના આ આંકડાનો મોટો પ્રશ્ન રોજગારી સાથે પણ જોડાયેલો છે. વીતેલા જુલાઈમાં બેરોજગારીનો દર ૫.૧ ટકા રહ્યો હતો, જ્યારે શ્રમબળ ભાગીદારી દર ૫૫.૪ ટકા હતો. માત્ર રોજગારની સંખ્યા પૂરતી નથી. સવાલ એ છે કે શું આ વિકાસ યુવાનો માટે પૂરતી સ્થાયી અને સન્માનજનક રોજગારીનું સર્જન કરી રહ્યો છે? જો અર્થતંત્રમાં વૃદ્ધિ થઈ રહી હોય, પરંતુ સંગઠિત ખાનગી ક્ષેત્રમાં રોજગારની ગતિ નબળી હોય અને નાના વ્યવસાયો ખર્ચ તથા માંગના દબાણ હેઠળ હોય, તો વિકાસની ગુણવત્તા પર સવાલો ઊભા થવા સ્વાભાવિક છે. ભારતની મોટી વસ્તી આજે પણ નાના વેપાર, સ્વરોજગાર અને અનૌપચારિક ક્ષેત્ર સાથે જોડાયેલી છે. તેથી વિકાસનું સાચું મૂલ્યાંકન એ બાબત પરથી પણ થવું જોઈએ કે આ વર્ગોની આવક અને વેપારમાં શું પરિવર્તન આવ્યું છે. જોવા જઈએ તો આ આંકડાના કારણે સામાન્ય માણસની આવક વધી કે નહીં, રોજગાર મળ્યો કે નહીં, નાનો ધંધો ચાલ્યો કે નહીં, ઘરનો ખર્ચ કેટલો વધ્યો અને મહિનાના અંતે તેની બચત કેટલી રહી. જો તેના જીવનમાં સકારાત્મક બદલાવ ન આવે, તો તે આ આંકડાને પોતાના રોજીંદા જીવન સાથે જોડીને નહીં જુએ. આખરે અર્થતંત્રની સૌથી મોટી કસોટી એ જ છે કે તેના આંકડા સામાન્ય માણસના જીવનમાં કેટલા અસરકારક દેખાય છે. ઊંચો જીડીપી એ સ્પષ્ટ નથી કરતો કે દેશની સંપત્તિની વહેંચણી તમામ લોકો વચ્ચે સમાન રીતે થઈ છે કે તે માત્ર મુઠ્ઠીભર લોકો પાસે કેન્દ્રિત છે. તે કોઈપણ નાગરિકના સ્વાસ્થ્ય, આયુષ્ય, શિક્ષણનું સ્તર અને વ્યક્તિગત સ્વતંત્રતા જેવા બિન-આર્થિક પાસાઓને પણ પ્રતિબિંબિત કરતો નથી. ૭.૮ ટકાનો વિકાસ દર સરકાર માટે એક મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ હોઈ શકે છે, પરંતુ તે સાચા અર્થમાં ત્યારે જ અર્થપૂર્ણ બનશે જ્યારે તેની અસર દેશના સામાન્ય નાગરિકની આવક, રોજગાર, બચત અને ખરીદશક્તિમાં સ્પષ્ટપણે જોવા મળશે.