મોંઘવારીના નાના-નાના આંકડા મહિને મધ્યમવર્ગની કમર તોડી કાઢે છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- બે-પાંચ કે સાત રૂપિયાનો વધારો દેખીતી રીતે મોટો લાગતો નથી પણ રોજિંદી વસ્તુઓનું ટોટલ મહિને આકરું પડે છે
- હાલમાં જે વસ્તુઓના ભાવ વધ્યા છે તેની રોજિંદી અસર ૬૦થી ૭૦ રૂપિયા વધારા જેટલી છે. દૂધથી શરૂ કરીને પેટ્રોલ-ડીઝલ અને અન્ય બાબતોનો કુલ વધારો આટલો થાય છે. આ રકમ રોજિંદા સ્તરે અનુભવાતી નથી પણ જ્યારે આ મહિનાના અંતે આશરે રૂ.૨,૦૦૦-૨૫૦૦ થાય છે ત્યારે મધ્યમવર્ગને આકરી લાગે છે : બીજી તરફ તેમનો પગાર નિશ્ચિત છે, આવક સ્ત્રોત એક જ છે, જેમાં વાર્ષિક ઇન્ક્રીમેન્ટ માંડ ૫% થી ૭% મળે તો મળે છે. ઘણી કંપનીઓ તો આવું કશું આપવામાં માનતી નથી. કર્મચારી બિચારો જીભ અને ચપ્પલ ઘસી નાખે ત્યારે ત્યારે માલિકો મિલકતનો ભાગ આપવા જેટલો ઉપકાર કરતા હોય તેમ બે-ચાર હજાર રૂપિયાનો વધારો કરી આપે છે : જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં વસ્તુઓ સસ્તી થાય છે ત્યારે તેનો લાભ સામાન્ય નાગરિક સુધી કેમ પહોંચાડવામાં આવતો નથી? જ્યારે ક્રૂડ ઓઈલ સસ્તું થાય છે, ત્યારે ભાવ ઘટાડવાને બદલે સરકાર ડયુટી વધારી દે છે. જ્યારે ક્રૂડ મોંઘું થાય છે, ત્યારે તરત જ વૈશ્વિક સંકટનું લેબલ લગાવીને બોજ પ્રજાના માથે નાખી દેવાય છે. આ અન્યાયી નીતિ છે
માત્ર પાંચ રૂપિયા જ વધ્યા છે ને! બે રૂપિયામાં શું મોટું આભ તૂટી પડવાનું હતું? ચાના એક કપ જેટલો જ તો દૈનિક વધારો છે!, સરકારી પક્ષના પ્રવક્તાઓ, ટીવી સ્ટુડિયોના આર્થિક વિશ્લેષકો અને કોર્પોરેટ જગતના નીતિ-નિર્માતાઓ જ્યારે આવા તર્કો આપે છે ત્યારે તેઓ સામાન્ય ભારતીય પરિવારની વાસ્તવિકતાથી જોજનો દૂર હોય છે.
અલગથી જોઈએ તો ૬, ૭, ૮ કે ૯ રૂપિયાનો આંકડો નગણ્ય લાગે છે. ખિસ્સામાં પડેલા પરચૂરણ જેવો, રસ્તા પર પડી જાય તો કદાચ કોઈ ઊંચકવાની પણ તસ્દી ન લે તેવો. પરંતુ આ ભ્રામક આંકડાશાસ્ત્રની પાછળ એક ક્રૂર આર્થિક વાસ્તવિકતા છુપાયેલી છે, ક્યુમ્યુલેટિવ ઈમ્પેક્ટ અને માઈક્રો ઈન્ફેશનની મનોવૈજ્ઞાાનિક અસર.
જ્યારે દૂધની થેલી પર ૩ રૂપિયા, સીએનજી કિલોએ ૫ રૂપિયા, કઠોળ પર કિલોએ ૮ રૂપિયા, તેલના પાઉચ પર ૧૦ રૂપિયા અને મોબાઈલ રિચાર્જમાં રોજના ૪ રૂપિયા ઉમેરાય છે, ત્યારે મહિનાના અંતે આ ચિલ્લર એક એવો રાક્ષસ બની જાય છે જે મધ્યમવર્ગના બજેટના હાડકાં ચૂસી લે છે. આવક સ્થિર છે અને ખર્ચ રોકેટ ગતિએ દોડે છે. આ નાનો દેખાતો વધારો ભારતના સૌથી મોટા વર્ગને કઈ રીતે કંગાળિયત અને માનસિક તાણ તરફ ધકેલી રહ્યો છે.
આખરે પાંચ, સાત કે નવ રૂપિયાના વધારાથી કોઈ પરિવાર પર કેટલો પ્રભાવ પડશે? અલગથી જોઈએ તો આ રકમ નાની લાગે છે, પરંતુ જ્યારે દૂધ, કરિયાણું, સીએનજી, ભાડું, મોબાઇલ રિચાર્જ અને અન્ય જરૂરિયાતોના વધેલા ભાવો ઉમેરાય છે ત્યારે મહિનાના અંત સુધીમાં આ જ નાનો વધારો એક મોટી રકમ બની જાય છે. મોંઘવારીનો સૌથી મોટો ફટકો એ મધ્યમવર્ગીય અને પગારદાર પરિવારો પર પડે છે, જેમની આવક નિશ્ચિત છે પણ ખર્ચ સતત વધી રહ્યો છે.
સવારની ચાથી લઈને રાતના ભોજન સુધી, ઘરથી ઑફિસ જવા સુધી અને બાળકોના ભણતર સુધી આજે દરેક સામાન્ય માણસના જીવનનો લગભગ દરેક ભાગ મોંઘવારીના હિસાબ-કિતાબમાં જ પસાર થઈ રહ્યો છે. કોઈ વસ્તુના ભાવમાં ચિલ્લરનો વધારો પહેલી નજરે બહુ નાનો આંકડો લાગે છે અને સામાન્ય વધારો કહીને તેને સરળતાથી અવગણી દેવામાં આવે છે. મહિનાના અંત સુધીમાં આ બધું મળીને એક મોટી રકમ બની જાય છે.
ચિંતાજનક બાબત એવી છે કે, હાલમાં જે રીતે મોંઘવારી વધી રહી છે તે ખરેખર માઈક્રો ઈન્ફ્લેશન છે. નાની-મોટી વસ્તુઓમાં બે-ચાર રૂપિયાનો વધારો થાય છે. રોજિંદા ધોરણે આપણી તેના ઉપર નજર જતી હતી. હાલમાં જે વસ્તુઓના ભાવ વધ્યા છે તેની રોજિંદી અસર ૬૦થી ૭૦ રૂપિયા વધારા જેટલી છે. દૂધથી શરૂ કરીને પેટ્રોલ-ડીઝલ અને અન્ય બાબતોનો કુલ વધારો આટલો થાય છે. આ રકમ રોજિંદા સ્તરે અનુભવાતી નથી પણ જ્યારે આ મહિનાના અંતે આશરે રૂ. ૨,૦૦૦-૨૫૦૦ થાય છે ત્યારે મધ્યમવર્ગને આકરી લાગે છે. જે પરિવારની માસિક આવક રૂ. ૨૫,૦૦૦ થી રૂ. ૪૦,૦૦૦ છે, તેના માટે રૂ. ૨,૦૦૦ એ સામાન્ય રકમ નથી.
આ રૂ. ૨,૦૦૦ એટલે બાળકની સ્કૂલની એક મહિનાની ફી, પરિવારનો હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અથવા કટોકટીના સમય માટે થતી એક નાની આર.ડી. (રિકરિંગ ડિપોઝિટ). મોટી વાત એ છે કે, આ નાનો-નાનો વધારો વર્ષે રૂ. ૨૫,૦૦૦ થી ૩૦,૦૦૦ જેટલો થાય છે. માત્ર નાના-નાના ભાવવધારાના નામે ગજવામાંથી આટલી મોટી રકમ સરકી જાય છે. આ લૂંટ કોઈ બંદૂકની અણીએ નથી થતી, આ લૂંટ ડેસિબલ વગર, આંકડાના છદ્મવેશે થાય છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય અર્થતંત્રમાં સૌથી લાચાર, સૌથી અવાચક અને સૌથી વધુ શોષિત વર્ગ કોઈ હોય તો તે છે : મધ્યમવર્ગીય પગારદાર વર્ગ. આ વર્ગની વસતી એક વિચિત્ર ત્રિભેટા પર ઊભી છે. તેઓ ગરીબ નથી એટલે તેમને સરકાર તરફથી કોઈ મફત અનાજ, મફત આવાસ, મફત વીજળી કે સબસિડી મળતી નથી. તેઓ અતિ-ધનાઢય નથી એટલે તેઓ પોતાની આવકને કન્સલ્ટિંગ ફી, કંપની ખર્ચ કે ટેક્સ હેવનમાં છુપાવી શકતા નથી. બીજી તરફ તેમનો પગાર નિશ્ચિત છે, આવક સ્ત્રોત એક જ છે, જેમાં વાર્ષિક ઇન્ક્રીમેન્ટ માંડ ૫% થી ૭% મળે છે. મોટાભાગની કંપનીઓ તો આવું કશું આપવામાં માનતી નથી. કર્મચારી બિચારો જીભ અને ચપ્પલ ઘસી નાખે ત્યારે ત્યારે માલિકો મિલકતનો ભાગ આપવા જેટલો ઉપકાર કરતા હોય તેમ બે-ચાર હજાર રૂપિયાનો વધારો કરી આપે છે. આવા નજીવા વધારામાં આ મધ્યમવર્ગ પરિવારો સતત વધતા ખર્ચને પહોંચી વળવા માટે પેટે પાટા બાંધીને જીવવા મજબૂર થાય છે.
બીજી તરફ વાસ્તવિક મોંઘવારીનો દર સત્તાવાર આંકડા કરતાં ક્યાંય વધુ, લગભગ ૧૦% થી ૧૨% ની આસપાસ હોય છે. પરિણામે, પગારદાર વર્ગની વાસ્તવિક આવક દર વર્ષે વધવાને બદલે ઘટી રહી છે. ગઈકાલે જે જીવનધોરણ રૂ. ૩૦,૦૦૦માં જળવાતું હતું, આજે તે જ જીવનધોરણ જાળવવા રૂ. ૩૮,૦૦૦ જોઈએ છે. જ્યારે આવક વધતી નથી ત્યારે પરિવાર શું કરે છે? તેઓ બલિદાન આપે છે. પહેલાં બહાર જમવાનું બંધ થાય છે, પછી સિનેમાની ટિકિટ કપાય છે, પછી બ્રાન્ડેડ કપડાંની જગ્યાએ લોકલ કપડાં આવે છે, અને છેવટે બાળકના ટયુશન કે વૃદ્ધ માતા-પિતાની દવાઓમાં સમાધાન કરવું પડે છે.
જાણકારોના મતે, જ્યારે પણ મોંઘવારી સામે અવાજ ઉઠે છે ત્યારે સત્તાવાળાઓ વૈશ્વિક પરિબળોનું કવચ ઓઢી લે છે. રશિયા-યુક્રેન યુદ્ધ, ઈરાન-અમેરિકા યુદ્ધ, રાતા સમુદ્રની કટોકટી, ડોલર સામે રૂપિયાનું અવમૂલ્યન કે ક્રૂડ તેલના વૈશ્વિક ભાવમાં વધારા જેવું કારણ આગળ ધરી દે છે.
નિ:શંકપણે, વૈશ્વિક અર્થતંત્ર એકબીજા સાથે જોડાયેલું છે. પરંતુ પ્રશ્ન એ છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં વસ્તુઓ સસ્તી થાય છે ત્યારે તેનો લાભ સામાન્ય નાગરિક સુધી કેમ પહોંચાડવામાં આવતો નથી? જ્યારે ક્રૂડ ઓઈલ સસ્તું થાય છે, ત્યારે ભાવ ઘટાડવાને બદલે સરકાર ડયુટી વધારી દે છે. જ્યારે ક્રૂડ મોંઘું થાય છે, ત્યારે તરત જ વૈશ્વિક સંકટનું લેબલ લગાવીને બોજ પ્રજાના માથે નાખી દેવાય છે. આ અન્યાયી નીતિ છે.
સામાન્ય નાગરિકને નફામાં ભાગીદાર બનાવવામાં આવતો નથી, પરંતુ ખોટમાં ફરજિયાત ભાગીદાર બનાવી દેવામાં આવે છે. ડોલર સામે રૂપિયો ગગડે ત્યારે આયાતી ખાદ્યતેલ અને ગેસ મોંઘા થાય છે, જે છેવટે ભારતીય રસોડામાં પહોંચીને ૫૦ કે ૧૦૦ રૂપિયાનો નવો વધારો બની જાય છે. સરકારની નબળી નીતિઓ અને અવિચારી પગલાને કારણે દેશનો મધ્યમવર્ગ પિસાઈ રહ્યો છે.
નીતિઓની નિષ્ફળતા છતાં સામાન્ય માણસના ભોગે તિજોરી ભરવાનો ખેલ
પ્રશ્ન એ થાય છે કે આ બે-પાંચ કે સાત રૂપિયાનો વધારો કેમ વારંવાર થાય છે? શું આ કુદરતી છે? ના, આ મોટાભાગે સરકારની અયોગ્ય નીતિઓ અને ફિસ્કલ મિસમેનેજમેન્ટનું પરિણામ છે. સરકાર માટે આવક ઊભી કરવાનો સૌથી સહેલો રસ્તો પરોક્ષ વેરો છે. જીએસટી લાગુ કરતી વખતે 'એક દેશ, એક ટેક્સ'નો દાવો કરવામાં આવ્યો હતો. આજે સ્થિતિ એ છે કે પેકિંગવાળા દૂધ, દહીં, છાશ, લોટ અને પેન્સિલ-રબર જેવી ચીજો પર પણ ટેક્સ છે. અમીર વ્યક્તિ જે ટેક્સ ચૂકવે છે, તેટલો જ ટેક્સ એક ગરીબ મજૂર કે મધ્યમવર્ગીય ક્લાર્ક દૂધની થેલી પર ચૂકવે છે. આને અર્થશાસ્ત્રમાં 'રીગ્રેસિવ ટેક્સેશન' કહેવાય છે. જે ગરીબને વધુ ગરીબ બનાવે છે. તે ઉપરાંત જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ તળિયે બેઠા હોય, ત્યારે પણ ભારતમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થતું નથી. સરકાર એક્સાઇઝ ડયુટી વધારીને પોતાની તિજોરી ભરે છે. ઈંધણ માત્ર ગાડી ચલાવવા માટે નથીત દેશનું સમગ્ર્ર લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશન ડીઝલ પર નિર્ભર છે. ડીઝલ મોંઘું થાય એટલે ખેતરમાં ચાલતું ટ્રેક્ટર મોંઘું થાય, શાકભાજી લાવતી ટ્રકનું ભાડું વધે અને અંતે શહેરના બજારમાં લીંબુ, મરચાં અને બટાટા પર ૬ થી ૮ રૂપિયાનો વધારો ઝીંકાય છે. આ ઉપરાંત શ્રિંકફ્લેશન પણ એક સમજવા જેવી બાબત છે. કંપનીઓ ભાવ વધાર્યા વગર ગ્રાહકને લૂંટે છે. બજારમાં પાંચ રૂપિયાનું બિસ્કિટનું પેકેટ પાંચ રૂપિયામાં જ મળે છે, પરંતુ તેનું વજન ૭૦ ગ્રામમાંથી ઘટીને ૫૦ કે ૫૫ ગ્રામ થઈ ગયું છે. સાબુનું કદ નાનું થઈ ગયું છે. સરકારી નિયમનકારી તંત્રો આ છૂપી લૂંટ સામે આંખ આડા કાન કરે છે. ગ્રાહક એટલા જ પૈસામાં ઓછી વસ્તુ ખરીદવા મજબૂર બને છે. આ રીતે પણ દેશના સામાન્ય લોકોના ખિસ્સાં કપાય છે. સૌથી મોટી બાબત તો એ છે કે, મોટા ઉદ્યોગપતિઓને પ્રોત્સાહન આપવાના નામે કોર્પોરેટ ટેક્સ ઘટાડવામાં આવે છે, લોન રાઇટ-ઓફ કરવામાં આવે છે, અને એ ખાધ પૂરવા માટે સામાન્ય પ્રજા પર સેસ, સરચાર્જ અને ટોલ ટેક્સના રૂપમાં વધારા ઝીંકવામાં આવે છે. હાઈવે પર મુસાફરી કરવી હોય તો દર ૬૦ કિલોમીટરે ટોલ વધે છે. આ બધું જ ભેગું થઈને પાછું ચીજવસ્તુઓના ભાવમાં ઉમેરાય છે. સામાન્ય માણસ વારંવાર લૂંટાતો જ જાય છે.
આર્થિક નિષ્ણાતો જેને 'ફૂગાવો' કહે છે, તે મધ્યમવર્ગ માટે 'આર્થિક કટોકટી' છે
ખર્ચની વિગત | દૈનિક વધારો(આશરે) | માસિક વધારાનો બોજ(રૂ માં) | વાર્ષિક નુકસાન(રૂ માં ) |
દૂધ અને ડેરી પેદાશા | રૂ. ૬ | રૂ.૧૮૦ | રૂ.૨,૧૬૦ |
ટ્રાન્સપોર્ટ / ઈંધણ (ભશય્/પેટ્રોલ) | રૂ. ૮ | રૂ.૨૪૦ | રૂ. ૨,૮૮૦ |
કરિયાણું, કઠોળ અને શાકભાજી | રૂ. ૨૦ | રૂ. ૬૦૦ | રૂ. ૭,૨૦૦ |
વીજળી બિલ (ફ્યુઅલ સરચાર્જ) | રૂ.૧૦ | રૂ. ૩૦૦ | રૂ.૩,૬૦૦ |
ટેલિકોમ / ઇન્ટરનેટ રિચાર્જ | રૂ.૫ | રૂ.૧૫૦ | રૂ.૧,૮૦૦ |
શિક્ષણ / સ્ટેશનરી / વાન ભાડ | રૂ.૧૦ | રૂ.૩૦૦ | રૂ.૩,૬૦૦ |
રોજિંદી ખસ્ભય્ ચીજો | રૂ. ૫ | રૂ.૧૫૦ | રૂ.૧,૮૦૦ |
કુલ અંદાજિત અસર (રૂપિયામાં) | રૂ. ૬૪ | રૂ. ૧,૯૨૦ | રૂ.૨૩,૦૪૦ |




