News Focus

H-1B વિઝાનો ગ્રેસ પિરિયડ દૂર થવો ગ્લોબલ ટેલેન્ટ માટે જોખમી

By GS Team
1 Sep 20268 mins read
TukuTouch Logo
અમેરિકા H-1B વિઝા નિયમોમાં ફેરફાર કરી 60 દિવસનો ગ્રેસ પિરિયડ દૂર કરવાની તૈયારીમાં છે. આ નિર્ણયથી નોકરી ગુમાવનાર ભારતીય સહિતના વિદેશી કામદારોને નવી નોકરી શોધવા માટે સમય નહીં મળે. આનાથી ટેક અને એન્જિનિયરિંગ સેક્ટરમાં કાર્યરત હજારો ભારતીયોને તત્કાળ દેશ છોડવો પડી શકે છે, જે તેમના ભવિષ્ય માટે મુશ્કેલી ઊભી કરશે.

Summarized by AI; it may make mistakes. Check important info

H-1B વિઝાનો ગ્રેસ પિરિયડ દૂર થવો ગ્લોબલ ટેલેન્ટ માટે જોખમી
  • અમેરિકી પ્રમુખના તઘલખી નિર્ણયોના પગલે ભારતીયો સહિત વિદેશથી આવતા ક્વોલિફાઈડ લોકોને નોકરીમાં મુશ્કેલીઓ ઊભી થશે
  • વર્તમાન નિયમ H-1B વિઝા ધારકો અને અન્ય બિન-ઇમિગ્રન્ટ કામદારોને નોકરી છૂટયા પછી નવી નોકરી શોધવા અથવા ઇમિગ્રેશન સ્ટેટસ બદલવા માટે યુએસમાં કાયદેસર રીતે રહેવાની મંજૂરી આપતો હતો. તેની સાથે જ, H-4 ડિપેન્ડન્ટ જીવનસાથીના વર્ક ઓથોરાઇઝેશનને પણ સરળ કરતો હતો જેના ઉપર તરાપ મારવાનો પ્રયાસ થઈ રહ્યો છે : મહત્ત્વની વાત એ છે કે, અમેરિકા દ્વારા જારી કરાતા વાર્ષિક H-1B વીઝામાંથી મોટાભાગના ભારતીયો અને ચીની નાગરિકો દ્વારા લઈ લેવામાં આવે છે. ખાસ કરીને એન્જિનિયરિંગ અને અન્ય ટેક સેક્ટરમાં આ વર્કફોર્સ ખૂબ જ મહત્ત્વની છે. જો આ નવો નિયમ લાગુ પડશે તો આ બે સેક્ટરને વ્યાપક નુકસાન જવાની શક્યતાઓ દેખાઈ રહી છે : વિદેશી કામદારો ૨૪થી ૪૮ કલાકની અંદર મકાનો વેચી શકતા નથી, બેંક ખાતાઓ બંધ કરી શકતા નથી અથવા એપાર્ટમેન્ટ લીઝ તોડી શકતા નથી. તે ઉપરાંત યુએસ શાળાઓમાં ભણતા બાળકોને શાળા ટ્રાન્સફર પ્રક્રિયાના સમય વિના જ ટર્મની વચ્ચે અચાનક વિક્ષેપોનો સામનો કરવો પડે છે. તેથી બધું એકાએક મૂકીને કોઈપણ વર્કર માટે સ્વદેશ પરત
    જવું મુશ્કેલ અને લગભગ અશક્ય જ છે

અમેરિકા દ્વારા તાજેતરમાં એચ-૧બી વીઝાના નિયમોમાં વધુ એક ફેરફારની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. વ્હાઇટ હાઉસ ઑફિસ આફ ઇન્ફોર્મેશન એન્ડ રેગ્યુલેટરી અફેર્સે યુએસ ડિપાર્ટમેન્ટ આફ હોમલેન્ડ સિક્યોરિટી દ્વારા 'એલિમિનેટિંગ ધ ડિસ્ક્રિશનરી ૬૦-ડે ગ્રેસ પિરિયડ' શીર્ષક હેઠળ પ્રસ્તાવિત નિયમની સમીક્ષા પૂર્ણ કરી લીધી છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે, એચ-૧બી વીઝા ધારકોને નોકરી છૂટયા બાદ બીજી નોકરી શોધવા માટે જે ૬૦ દિવસનો ગ્રેસિંગ પિરિયડ આપવામાં આવતો હતો તેને દૂર કરવામાં આવશે. આ ગ્રેસિંગ પિરિયડના કાયદા હેઠળ જ વિદેશોમાંથી આવતા ટેલેન્ટેડ લોકો અહીંયા નોકરી શોધી શકતા હતા અને રહી શકતા હતા. હવે લોકો પાસેથી આ સુવિધા પણ તઘલખી ટ્રમ્પ પાછી ખેંચી લેવા માગે છે. જાણકારોના મતે તે કોઈપણ રીતે ભારતીયો અને અન્ય કેટલાક દેશોના લોકોને પછાડવા માટે આ પગલાં ભરી રહ્યા છે. બીજી તરફ ચારેબાજુ અમેરિકાને યુદ્ધમાં ફસાવીને લોકચાહના ગુમાવવાની સ્થિતિમાં પહોંચેલા ટ્રમ્પ હવે સ્થાનિક રોજગારી અને વિદેશીઓને હાંકી કાઠવાના મુદ્દા લાવીને તેને રાજકીય રંગ આપવાનું કામ કરી રહ્યા છે.
જાણકારોના મતે જો આ નિયમ આખરી કરવામાં આવશે, તો તે નોકરીમાંથી છૂટા થયા પછી મળતા ૬૦-દિવસના ગ્રેસ પિરિયડને નાબૂદ કરી દેશે. વર્તમાન નિયમ H-1B વિઝા ધારકો અને અન્ય બિન-ઇમિગ્રન્ટ કામદારોને નોકરી છૂટયા પછી નવી નોકરી શોધવા અથવા ઇમિગ્રેશન સ્ટેટસ બદલવા માટે યુએસમાં કાયદેસર રીતે રહેવાની મંજૂરી આપતો હતો. તેની સાથે જ, H-4 ડિપેન્ડન્ટ જીવનસાથીના વર્ક ઓથોરાઇઝેશનને લક્ષ્ય બનાવતા અને H-1B એમ્પ્લોયર ફાઇલિંગ પર ભારે ફી માળખું લાદવાના વહીવટી પ્રસ્તાવો ફરીથી સપાટી પર આવ્યા છે, જે રોજગાર આધારિત ઇમિગ્રેશનમાં કડક સુધારાનો સંકેત આપે છે. મહત્ત્વની વાત એ છે કે, અમેરિકા દ્વારા જારી કરાતા વાર્ષિક H-1B વીઝામાંથી મોટાભાગના ભારતીયો અને ચીની નાગરિકો દ્વારા લઈ લેવામાં આવે છે. ખાસ કરીને એન્જિનિયરિંગ અને અન્ય ટેક સેક્ટરમાં આ વર્કફોર્સ ખૂબ જ મહત્ત્વની છે. જો આ નવો નિયમ લાગુ પડશે તો આ બે સેક્ટરને વ્યાપક નુકસાન જવાની શક્યતાઓ દેખાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭માં સ્થાપિત નિયમો હેઠળ, સ્પેશિયાલિટી વ્યવસાયોમાં એલિજિબલ ગણાતા બિન-ઇમિગ્રન્ટ કામદારો, જેમાં H-1B, H-1B૧, L-1, O-1, TN, E-1, E-2 અને E-3 વિઝા ધારકોનો સમાવેશ થાય છે તેઓ નોકરી સમાપ્ત થવા પર ૬૦ સળંગ કેલેન્ડર દિવસ સુધીનો (અથવા તેમના રોકાણની માન્ય અવધિ સમાપ્ત થાય ત્યાં સુધી, બેમાંથી જે ઓછું હોય તે) ગ્રેસ પિરિયડ મેળવે છે. આ ૬૦-દિવસની મુદત નોકરીમાંથી છૂટા થયેલા કર્મચારીઓને કેટલીક સવલતો આપતી હતી. ખાસ કરીને H-1B પોર્ટેબિલિટી નિયમો હેઠળ ક્વોલિફાઇંગ H-1B ટ્રાન્સફર પિટિશન ફાઇલ કરવા તૈયાર હોય તેવા નવા એમ્પ્લોયરની શોધ કરવી. તે ઉપરાંત અન્ય વિઝા કેટેગરીમાં સ્ટેટસ બદલવા માટે અરજી કરવી (જેમ કે શિક્ષણ માટે F-૧ અથવા ડિપેન્ડન્ટ તરીકે H-4 ). આ સિવાય અંગત બાબતો સમેટી લેવી, મકાનના કરારો (લીઝ) પૂર્ણ કરવા, શાળાએ જતા બાળકોનું સ્થળાંતર કરવું અને યુનાઇટેડ સ્ટેટ્સમાંથી કાયદેસર રીતે વિદાયની તૈયારી કરવી. તાજેતરનો DHS પ્રસ્તાવ નોકરી પછીના આ ગ્રેસ પિરિયડને સંપૂર્ણપણે દૂર કરવાનો પ્રયાસ કરે છે.
પ્રસ્તાવિત માળખા હેઠળ, જે H-1B ધારકની રોજગારી સમય પહેલાં સમાપ્ત થાય છે, તે તેની રોજગારીના છેલ્લા દિવસે જ તાત્કાલિક કાયદેસર દરજ્જામાંથી બહાર થઈ જશે (આઉટ ઓફ સ્ટેટસ), સિવાય કે યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ વિશેષ રાહત આપે અથવા નોકરી સમાપ્તિ પહેલાં જ કોઈ વૈકલ્પિક પિટિશન ફાઇલ કરવામાં આવી હોય. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ નવા ફેરફારને કારણે, અમેરિકામાં રહીને જ નવા ઈન્ટરવ્યૂ આપવા, નોકરી બદલવી કે તેના માટે જરૂરી દસ્તાવેજી કામગીરીઓ પૂરી કરવા માટે જે રાહત અને સમય મળતા હતા તે બધું જ બંધ કરી દેવાયું છે. ઈમિગ્રન્ટ્સને ભીંસમાં મુકવાની તૈયારીઓ કરાઈ રહી છે.
ભારતીય મૂળના નાગરિકો ઉપર આ બાબતની સૌથી વધારે અસર થવાની વાત ચર્ચાઈ રહી છે. ખાસ કરીને ૬૦-દિવસની નોકરી શોધવાની તક ગુમાવવી અને ડિપેન્ડન્ટ રોજગાર પરના સંભવિત નિયંત્રણો અન્ય કોઈપણ વસ્તી વિષયક જૂથ કરતાં ભારતીય વિદેશી નાગરિકોને સૌથી વધુ અસર કરે છે. ભારતીય નાગરિકો દેશ દીઠ મર્યાદાઓને કારણે રોજગાર-આધારિત ગ્રીન કાર્ડ્સ (મુખ્યત્વે EB-૨ અને EB-૩ શ્રેણીઓ) માટે ગંભીર બેકલોગનો સામનો કરી રહ્યા છે, જે કોઈપણ એક દેશને દર વર્ષે કુલ રોજગાર પ્રેફરન્સ વિઝાના માત્ર ૭ ટકા સુધી મર્યાદિત કરે છે. લાખો ભારતીય ટેક વર્કર્સ, સંશોધકો અને કોર્પોરેટ પ્રોફેશનલ્સ તેમની પ્રાયોરિટી ડેટ્સ કરન્ટ થવાની રાહ જોતી વખતે સતત H-1B એક્સટેન્શન હેઠળ યુએસમાં રહે છે જે પ્રતીક્ષા ઘણા દાયકાઓ સુધી લંબાવાનો અંદાજ છે. આ લોકોનો ૬૦-દિવસનો ગ્રેસ પિરિયડ નાબૂદ કરવાથી ગંભીર જોખમ ઊભું થાય છે. એક ભારતીય પ્રોફેશનલ જે ૧૦ થી ૧૫ વર્ષથી યુએસમાં રહેતો હોય અને કામ કરતો હોય, પોતાનું ઘર ધરાવતો હોય અને યુએસમાં જન્મેલા બાળકોનો ઉછેર કરતો હોય, તે કોર્પોરેટ છટણી થતાંની સાથે જ તાત્કાલિક અનલૉફુલ પ્રેઝન્સનો સામનો કરશે. નીતિ નિષ્ણાતો નિર્દેશ કરે છે કે કાયદેસરના દરજ્જાની તાત્કાલિક સમાપ્તિ લોજિસ્ટિકલ અરાજકતાનું કારણ બનશે અને ચારેતરફ ભય અને ચિંતાનો માહોલ સર્જાશે.
મહત્ત્વની વાત એ છે કે, વિદેશી કામદારો ૨૪થી ૪૮ કલાકની અંદર મકાનો વેચી શકતા નથી, બેંક ખાતાઓ બંધ કરી શકતા નથી અથવા એપાર્ટમેન્ટ લીઝ તોડી શકતા નથી. તે ઉપરાંત યુએસ શાળાઓમાં ભણતા બાળકોને શાળા ટ્રાન્સફર પ્રક્રિયાના સમય વિના જ ટર્મની વચ્ચે અચાનક વિક્ષેપોનો સામનો કરવો પડે છે. આ સિવાય H-1Bની અસ્થિરતા સાથે H-4 વર્ક પરમિટ રદ થવાથી સિલિકોન વેલી, સિએટલ, ઓસ્ટિન અને ન્યુ યોર્ક જેવા મોટા યુએસ ટેક હબ્સમાં મોર્ગેજ, કાર પેમેન્ટ્સ અને જીવનનિર્વાહના ઊંચા ખર્ચનું સંચાલન કરતા સિંગલ-અર્નર પરિવારો પર ભારે નાણાકીય દબાણ આવે છે. વિઝા ધારકો અને નોકરીદાતાઓ માટે એ સમજવું મહત્વપૂર્ણ છે કે આ વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધીમાં, ૬૦-દિવસનો ગ્રેસ પિરિયડ કાયદેસર રીતે અમલમાં છે. પ્રસ્તાવિત નિયમે વહીવટી સમીક્ષાઓ પાસ કરી લીધી છે, પરંતુ તે હજી સક્રિય કાયદો બન્યો નથી.
જાણકારોના મતે યુએસ ઇમિગ્રેશન નીતિની આસપાસ અનિશ્ચિતતા વધતાં, ઉચ્ચ કુશળ ભારતીય પ્રોફેશનલ્સ આંતરરાષ્ટ્રીય વિકલ્પો તરફ પણ જોઈ રહ્યા છે જે ઝડપી કાયમી વસવાટ અને કામના અધિકારો આપે છે. કેનેડાની એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમ અને પ્રોવિન્શિયલ નોમિનેશન પ્રોગ્રામ્સ ટેકનોલોજી, હેલ્થકેર અને એન્જિનિયરિંગ ક્ષેત્રોમાં કુશળ કામદારો માટે કાયમી વસવાટ માટે સરળ માર્ગોનું સર્જન કરે છે. અમેરિકાના અસરગ્રસ્તોને આવકારવા માટે કેનેડા લાલ જાજમ ફેલાવીને બેઠું છે. તે ઓપન વર્કપરમિટ આપવા માટે સજ્જ છે.
આ ઉપરાંત યુકેના ગ્લોબલ ટેલેન્ટ વિઝા અને હાઈ પોટેન્શિયલ ઇન્ડિવિજ્યુઅલ રૂટ્સ, તેમજ જર્મનીનું ઈેં બ્લુ કાર્ડ અને ઓપોર્ચ્યુનિટી કાર્ડ પણ લાંબા બેકલોગ વિના સ્થિર કાયદેસર નોકરી અને વસવાટ ઈચ્છતા સોફ્ટવેર એન્જિનિયરો અને સંશોધકો માટે સરળતાથી સુલભ વિકલ્પો પ્રદાન કરે છે. આ દરમિયાન, મોટી ફોર્ચ્યુન ૫૦૦ બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા સ્થાપિત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સના ઝડપી વિકાસને કારણે ભારતની પોતાની ટેકનોલોજી અને કોર્પોરેટ ઇકોસિસ્ટમનો નોંધપાત્ર વિસ્તાર થયો છે. ઘણા યુએસ-પ્રશિક્ષિત ભારતીય એન્જિનિયરો બેંગલુરુ, હૈદરાબાદ, પુણે અને નેશનલ કેપિટલ રિજન (NCR) જેવા શહેરોમાં પ્રોડક્ટ એક્સપર્ટ, નેતૃત્વ અને ઇ:ઘ ભૂમિકાઓમાં પાછા ફરવાનું પસંદ કરી રહ્યા છે.

અમેરિકનોને વહાલા થવા ટ્રમ્પ ભારતીયો ઉપર તવાઈ લાવવા મથે છે
જાણકારો માને છે કે, ગ્રેસ પિરિયડ નાબૂદ કરવાનો પ્રસ્તાવ એ હાલમાં વિચારણા હેઠળ છે. હજી ઈમિગ્રેશનના નવા નિયમો એટલા આકરા નથી થયા કે કે સ્થિતિ એવી વણસી નથી કે આ સ્તર સુધી જવું પડે. એક વાત નક્કી છે કે, ટ્રમ્પ વહીવટીતંત્ર વિદેશી પ્રતિભાને સ્પોન્સર કરવા સાથે સંકળાયેલા ખર્ચમાં નાટકીય રીતે વધારો કરવાના પ્રસ્તાવોનું મૂલ્યાંકન કરી રહ્યું છે. આ નવી ફી નીતિઓમાં H-1B પિટિશનો માટે સંભવિત ફી માળખું ઇં૧૦૩,૨૬૫ સુધી પહોંચી શકે છે. અમેરિકનોને નોકરીએ રાખવા માટે પ્રોત્સાહિત કરવાના આશયથી આ બધું કરવામાં આવ્યું હોવા છતાં, ઉદ્યોગ નિષ્ણાતો ચેતવણી આપે છે કે ઊંચી ફી યુએસ ટેકનોલોજી કંપનીઓને ભારતમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ સહિતના ઓફશોર સ્થળોએ સીધી એન્જિનિયરિંગ ભૂમિકાઓ શિફ્ટ કરવાની ફરજ પાડી શકે છે. યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સવસીસ અને ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટે પણ નિયમોના ભંગ ઉપર દેખરેખ વધારી દીધી છે. જો કોઈ વિદેશી કામદાર ગ્રેસ પિરિયડ વિના નોકરી ગુમાવવાને કારણે સ્ટેટસની બહાર થઈ જાય છે, તો USCISના નિયમો એજન્સીને ઇમિગ્રેશન કોર્ટમાં નોટિસ ટુ અપીયર જારી કરવાની મંજૂરી આપે છે, જે તે વ્યક્તિને ઔપચારિક દેશનિકાલની કાર્યવાહીમાં મૂકે છે. અમેરિકાના નીતિગત બાબતોના જાણકારો અને ઈમિગ્રેશન પોલિસી સાથે સંકળાયેલા લોકો માને છે કે, હાલમાં યુદ્ધ અને અન્ય કેટલીક બાબતોના પગલે ટ્રમ્પ ભિંસમાં આવી ગયા છે. તેઓ અન્ય કોઈ કામગીરી કરી શકે તેવી સ્થિતિમાં નથી તેથી મેક અમેરિકા ગ્રેટ અગેઈનના બનાવટી નારા સાથે ભારતીયો અને ભારતને ભિંસમાં લેવા ધમપછાડા કરી રહ્યા છે. તેઓ અમેરિકનો માટે તક વધારવાની પોકળ વાતો કરીને તેમની સહાનુભૂતી જીતવા માગે છે પણ હાલમાં તે શક્ય દેખાતું નથી. જો ટ્રમ્પ આમ સતત નિયમો સાથે છેડછાડ કરતા રહેશે તો અમેરિકનોની સાથે સાથે ઈમિગ્રન્ટ્સની પણ સહાનુભૂતી ગુમાવી દેશે.