અવિચારી વિકાસ : માણસ માટે જીવન જરૂરી છે કે ડેટા સેન્ટર!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- કુદરતના ભોગે ડિજિટલ યુગના નામે કાલ્પનિક વિકાસની આઝાદી માણસોને મશીનોના ગુલામ બનાવી રહી છે
- ભારતની ડેટા-સેન્ટર ક્ષમતા ૨૦૨૦ માં લગભગ ૩૭૫ MW થી વધીને ૨૦૨૫માં ૧,૫૦૦ MW થઈ ગઈ છે. કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયર્નમેન્ટ એન્ડ વોટર (CEEW) નો અંદાજ છે કે ૨૦૩૦ સુધીમાં તે ૪.૫-૬.૫ GW સુધી પહોંચી શકે છે. તેના તાજેતરના અભ્યાસ મુજબ, જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં ભારતમાં લગભગ ૨૭૧ ડેટા સેન્ટરો હતા : ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) નો અંદાજ છે કે વિશ્વભરમાં ડેટા સેન્ટરોએ ૨૦૨૪ માં ૪૧૫ ટેરાવોટ-કલાક (TWh) વીજળીનો વપરાશ કર્યો હતો, યુએનના મતે, ૨૦૩૦ સુધીમાં વૈશ્વિક ડેટા-સેન્ટર વીજળીની માંગ બમણી થઈ જશે. ભારતના ઉર્જા મંત્રાલયે જુલાઈમાં અંદાજ લગાવ્યો હતો કે AI ડેટા સેન્ટરો ૨૦૩૧-૩૨ સુધીમાં ૨૬.૩ GW વીજળીનો ભાર ઉમેરી શકે છે : ભારતના ડેટા સેન્ટરો વર્ષે લગભગ ૧૫૦ અબજ લીટર પાણી વાપરે છે, જેમાં ૨૦૩૦ સુધીમાં વપરાશ બમણાથી વધુ થવાની ધારણા છે. ભારતમાં ૫૦% થી વધુ ડેટા સેન્ટરો એવા વિસ્તારોમાં આવેલા છે જ્યાં પહેલેથી જ પાણીની ભારે અછત છે. ચેન્નઈ, બેંગ્લુરુ, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ ખાતે પહેલેથી જ પાણીની તંગી છે ત્યાં આવા ડેટાસેન્ટરો કરોડો લીટર પાણી
બરબાદ કરીને ભયાનક કેર વર્તાવી શકે છે
ગુગલ ભારતમાં એઆઈ ડેટા સેન્ટરોનું હબ વિકસાવી રહ્યું છે. તેમાં પણ તેણે વિશાખાપટ્ટનમમાં આવો એક પ્રોજેક્ટ રાખ્યો છે જેમાં એક ગીગાવોટની આયોજિત ક્ષમતા ધરાવતું ડેટા-સેન્ટર કેમ્પસ શામેલ છે. ગુગલના આ આયોજને એક અણધાર્યા પર્યાવરણીય મુદ્દાને ચર્ચામાં લાવી દીધો છે. આ પ્રોજેક્ટને સ્થાનિક કાર્યકર્તાઓ અને પર્યાવરણીય જૂથો તરફથી સખત વિરોધનો સામનો કરવો પડયો છે. બીજી ચિંતાની વાત એ છે કે, આ પ્રોજેક્ટ દીપડા અને પેંગોલિનનું ઘર ગણાતા અભ્યારણ્યથી માત્ર ૮૬૦ મીટર દૂર છે. વન્યજીવો ઉપર તેનાથી કેટલું મોટું જોખમ સર્જાશે તે વિશે કોઈ વિચારતું જ નથી.
બીજી તરફ ગુગલનું કહેવું છે કે તે પર્યાવરણીય અસરોને ઘટાડવા માટે અદ્યતન એર-કૂલિંગ અને અવાજ-ઘટાડતી ટેકનોલોજીનો ઉપયોગ કરશે, જ્યારે આંધ્રપ્રદેશ સરકારે પીવાના પાણી પુરવઠાને ડાયવર્ટ કરવામાં આવશે તેવા આરોપોને ફગાવી દીધા છે. આ પ્રોજેક્ટ અંગેના પ્રશ્નો એક મોટા મુદ્દા તરફ ઈશારો કરે છે. ભારત ક્લાઉડ કમ્પ્યુટિંગ, ડિજિટલ સેવાઓ અને આટફિશિયલ ઈન્ટેલિજન્સને ટેકો આપવા માટે ઝડપથી ડેટા સેન્ટરો બનાવી રહ્યું છે. દેશના પાણી, વીજળી, જમીન અને ઈકોસિસ્ટમમને તેની શું અસર થશે તે દિશામાં વિચાર કરવામાં આવ્યો જ નથી. એમ કહીએ કે સરકારે માત્ર વિકાસ કરવા અથવા તો બતાવવા માટે અને ડિજિટલ એડવાન્સમેન્ટના નામે ગમે ત્યાં અને ગમે તે રીતે પ્રોજેક્ટ એપ્રુવ કરી દીધા છે. માણસો, પ્રાણીઓ, પ્રકૃતિ અને પર્યાવરણના ભોગે વિકાસ કરવાની જે ઘેલછા જાગી છે તે દેશનું કેટલું નુકસાન કરશે તેનો કોઈએ અંદાજ પણ લગાવ્યો નથી.
ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતની ડેટા-સેન્ટર ક્ષમતા ૨૦૨૦ માં લગભગ ૩૭૫ MW થી વધીને ૨૦૨૫માં ૧,૫૦૦ MW થઈ ગઈ છે. કાઉન્સિલ ઓન એનર્જી, એન્વાયર્નમેન્ટ એન્ડ વોટર (CEEW) નો અંદાજ છે કે ૨૦૩૦ સુધીમાં તે ૪.૫-૬.૫ GW સુધી પહોંચી શકે છે. તેના તાજેતરના અભ્યાસ મુજબ, જાન્યુઆરી ૨૦૨૬ સુધીમાં ભારતમાં લગભગ ૨૭૧ ડેટા સેન્ટરો હતા, જે આશરે ૨૩ મિલિયન ચોરસ મીટર વિસ્તાર ધરાવતા હતા. મુંબઈમાં તેમાંથી લગભગ ચોથા ભાગના છે, ત્યારબાદ ચેન્નઈ, હૈદરાબાદ અને બેંગલુરુનો નંબર આવે છે. એકંદરે, ભારત વિશ્વના ડેટાના લગભગ પાંચમા ભાગનો ડેટા જનરેટ કરે છે પરંતુ વૈશ્વિક ડેટા-સેન્ટર ક્ષમતામાં માત્ર ૧.૨ ટકા હિસ્સો ધરાવે છે.
આટફિશિયલ ઈન્ટેલિજન્સ કમ્પ્યુટિંગનું માપદંડ બદલી રહ્યું છે. ડેટા સેન્ટરોએ પરંપરાગત રીતે વેબસાઇટ્સ, ક્લાઉડ સ્ટોરેજ અને નાણાકીય સેવાઓ જેવા વર્કલોડને સંભાળ્યા છે. એઆઈ વર્કલોડ માટે શક્તિશાળી પ્રોસેસર્સની જરૂર પડે છે જે વધુ કમ્પેટિબલ રેક્સમાં પેક કરવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો, સમાન જગ્યામાં વધુ શક્તિશાળી કમ્પ્યુટર્સ પેક કરવામાં આવી રહ્યા છે. આ તફાવત નોંધપાત્ર હોઈ શકે છે. જાણકારોના મતે સ્ટાન્ડર્ડ સર્વર્સ માટે ૧૦-૧૫ ંઉ ની સરખામણીમાં સર્વર રેક્સ પ્રતિ રેક ૭૦-૧૫૦ ંઉ નો વપરાશ કરશે. વધુ પાવર-ડેન્સ કમ્પ્યુટિંગ વધુ ગરમી પણ ઉત્પન્ન કરે છે, જેનો અર્થ છે કે વધુ કૂલિંગની જરૂર પડે છે. ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) નો અંદાજ છે કે વિશ્વભરમાં ડેટા સેન્ટરોએ ૨૦૨૪ માં ૪૧૫ ટેરાવોટ-કલાક (TWh) વીજળીનો વપરાશ કર્યો હતો, જે વૈશ્વિક વીજળી વપરાશના લગભગ ૧.૫ ટકા છે. યુનાઇટેડ નેશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામ (ેંશઈઁ) ને અપેક્ષા છે કે ૨૦૩૦ સુધીમાં વૈશ્વિક ડેટા-સેન્ટર વીજળીની માંગ બમણી થઈ જશે.
સીઈઈડબ્લૂના મતે, ભારતમાં ડેટા સેન્ટરો ૨૦૨૪ માં રાષ્ટ્રીય વીજળી વપરાશના લગભગ ૦.૫ ટકા હિસ્સો ધરાવતા હતા. સર્વર્સ અને કૂલિંગ મળીને ડેટા સેન્ટરના વીજળી વપરાશના વિભિન્ન સુવિધાઓ વચ્ચે અલગ હોવા છતાં લગભગ ૭૦ ટકા હિસ્સો ધરાવે છે. તેથી મુદ્દો માત્ર એ નથી કે ક્ષેત્ર રાષ્ટ્રીય સ્તરે કેટલી વીજળી વાપરે છે. ડેટા સેન્ટરો સતત કાર્યરત રહે છે અને તેથી સ્થાનિક વીજળી ગ્રીડ પર મોટી, કેન્દ્રિત માંગ ઊભી કરી શકે છે. જુલાઈમાં, ઉર્જા મંત્રાલયે અંદાજ લગાવ્યો હતો કે AI ડેટા સેન્ટરો ૨૦૩૧-૩૨ સુધીમાં ૨૬.૩ GW વીજળીનો ભાર ઉમેરી શકે છે. કેન્દ્રીય સરકારનું કહેવું છે કે એઆઈ અને અન્ય મોટા પાયાના ડેટા સેન્ટરોમાંથી વીજળીની આ અપેક્ષિત માંગને પાવર પ્લાનિંગમાં ધ્યાનમાં લેવામાં આવી રહી છે.
સર્વર્સને ઠંડા રાખવા પડે છે. એક સામાન્ય પદ્ધતિ ઈવાપોરેટિવ કૂલિંગ છે, જેમાં પાણી બાષ્પીભવન થતાં ગરમી શોષી લે છે. અન્ય સુવિધાઓ એર કૂલિંગ, ક્લોઝ્ડ-લૂપ સિસ્ટમ્સ અથવા લિક્વિડ કૂલિંગનો ઉપયોગ કરે છે. તેમાં પાણી અને વીજળી વચ્ચે તાલમેલ સાધવો પડે છે. પાણી બચાવતી કૂલિંગ સિસ્ટમ વધુ વીજળી વાપરી શકે છે, જ્યારે વધુ પાણી વાપરતી સિસ્ટમને ઓછી વીજળીની જરૂર પડી શકે છે. તેથી પર્યાવરણીય અસર વપરાયેલી ટેકનોલોજી, આબોહવા અને ડેટા સેન્ટર ક્યાં સ્થિત છે તેના પર નિર્ભર કરે છે.
જાણકારો ડેટા સેન્ટરોને કૂલિંગ માટે વીજળી અને પાણીના અત્યંત તરસ્યા માને છે. ખાસ વાત એ છે કે, CEEWનો અંદાજ છે કે ભારતના ડેટા સેન્ટરો વર્ષે લગભગ ૧૫૦ અબજ લીટર પાણી વાપરે છે, જેમાં ૨૦૩૦ સુધીમાં વપરાશ બમણાથી વધુ થવાની ધારણા છે. તેને સરખામણીમાં યુએસમાં એક સામાન્ય ૧૦૦-MW હાઇપરસ્કેલ ડેટા સેન્ટર દિવસમાં લગભગ ૨૦ લાખ લીટર પાણી વાપરે છે, જે લગભગ ૬,૫૦૦ ઘરો દ્વારા કરવામાં આવતા દૈનિક પાણીના વપરાશ જેટલું છે. સરકારી સંસ્થાઓ અને એનર્જી સંસ્થાઓ જણાવે છે કે, ડેટા સેન્ટરો ભારતની કુલ પાણીની માંગના માત્ર ૦.૦૨-૦.૦૩ ટકા હિસ્સો ધરાવે છે. હકિકતે ચિંતા એ વાતની છે કે આ માગણી ક્યાં કેન્દ્રિત છે.
એક અહેવાલ જણાવે છે કે, ભારતમાં જ્યાં પણ મોટા મોટા ડેટા સેન્ટરો આવેલા છે તેમાંથી અડધાથી વધુ ડેટા સેન્ટરો પાણીની અછત ધરાવતા વિસ્તારોમાં આવેલા છે. ભારતમાં ૫૦% થી વધુ ડેટા સેન્ટરો એવા વિસ્તારોમાં આવેલા છે જ્યાં પહેલેથી જ પાણીની ભારે અછત છે. આ ડેટા સેન્ટરોની વાત કરીએ તો વિશાખાપટ્ટનમ ખાતે પીવાના પાણી અને અભયારણ્ય પર સંકટ આવે તેમ છે. અહીંયા ગૂગલના ૧ ગીગાવોટ ક્ષમતા ધરાવતા પ્રસ્તાવિત AI ડેટા સેન્ટર સામે સ્થાનિક લોકો અને પર્યાવરણવિદોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. આ ક્ષેત્ર પહેલેથી જ પીવાના પાણીની અછતનો સામનો કરી રહ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે ડેટા સેન્ટર લાખો લીટર પાણી ખેંચી જશે. તેવી જ રીતે ચેન્નઈ દેશનું બીજા નંબરનું સૌથી મોટું ડેટા સેન્ટર હબ બની ગયું છે. ચેન્નઈ ભૂતકાળમાં 'ડે ઝીરો'નો સામનો કરી ચૂક્યું છે. અહીં બહુરાષ્ટ્રીય કંપનીઓના ડેટા સેન્ટરો દિવસ-રાત ભૂગર્ભજળ ખેંચી રહ્યા છે. પરિણામે આસપાસના ગામડાઓમાં કૂવા સુકાઈ ગયા છે અને ખેતી તેમજ દૈનિક જરૂરિયાત માટે પાણી મળવું મુશ્કેલ બન્યું છે. અહીંયા ભૂગર્ભજળનું ભયાનક સ્તરે દોહન થઈ રહ્યું છે જે ભવિષ્યમાં મોટું સંકટ લાવી શકે છે.
આ ઉપરાંત મુંબઈ અને નવી મુંબઈમાં વીજ ગ્રીડ પર અસહ્ય બોજ વધ્યો છે. ભારતના ૨૫% થી વધુ ડેટા સેન્ટરો મુંબઈ-નવી મુંબઈ બેલ્ટમાં સ્થિત છે. આ સેન્ટરોના સતત ચાલુ રહેતા હાઈ-વોલ્ટેજ લોડના કારણે સ્થાનિક વીજ ગ્રીડ પર ભારે દબાણ આવે છે. ઉનાળા દરમિયાન સામાન્ય નાગરિકો અને ઉદ્યોગોએ પાવર કટનો સામનો કરવો પડે છે, જ્યારે ડેટા સેન્ટરોને ૨૪ કલાક અવિરત વીજળી આપવામાં આવે છે. તેવી જ રીતે ભારતના આઈટી હબ ગણાતા બેંગલુરુ અને હૈદરાબાદમાં અર્બન હીટ આઇલેન્ડ અને પાણીની તંગીની સમસ્યાઓ સર્જાયેલી છે. બેંગલુરુના જળસંકટથી આખું વિશ્વ પરિચિત છે.
ડેટા સેન્ટરો માટે થતા બોરવેલ અને કૂલિંગ ટાવર્સને કારણે આસપાસનું તાપમાન વધી રહ્યું છે જેનાથી અર્બન હીટડોમ અને પાણીની તંગી જેવી સમસ્યાઓથી સ્થાનિક પર્યાવરણને લાંબા ગાળાનું નુકસાન થઈ રહ્યું છે.
આપણે નક્કી કરવું પડશે કે ડેટા જરૂરી છે કે હવા, પાણી અને જીવન…
ભારતમાં એન્વયર્ન્મેન્ટલ ઈમ્પેક્ટ એસેસમેન્ટ નોટિફિકેશન ૨૦૦૬ હેઠળ AI ડેટા સેન્ટરોને અલગથી પર્યાવરણીય મંજૂરી લેવામાંથી મુક્તિ આપેલી છે. દેશના ૧૫ થી વધુ રાજ્યોએ રોકાણ આકર્ષવા ડેટા સેન્ટર નીતિઓ બનાવી છે, પરંતુ તેમાં પાણી વપરાશની મર્યાદા કે પાવર એફિશિયન્સી અંગે કોઈ કડક રાષ્ટ્રીય નીતિ કે બંધનકર્તા નિયમો નથી. જાણકારોનું માનવું છે કે, સરકાર માત્ર રોકાણના આંકડા અને ડિજિટલ ઈન્ડિયા ના પ્રચાર માટે પર્યાવરણીય સુરક્ષાના ધોરણોને કોરાણે મૂકીને મંજૂરીઓ આપી રહી છે. તેના કારણે આજે દેશ સમક્ષ સૌથી મોટો નૈતિકતા અને અસ્તિત્વનો પ્રશ્ન ઊભો થયો છે. આપણે ડેટા પી શકતા નથી, આપણે પીવા માટે પાણી અને શ્વાસ લેવા માટે શુદ્ધ હવાની જરૂર છે. આ વાક્ય જ માનવ અસ્તિત્વની જરૂરિયાત જણાવે છે. માનવ અસ્તિત્વ બિન-વિકલ્પ છે. એઆઈ, ચેટબોટ, રીલ્સ અને ક્લાઉડ સ્ટોરેજ વગર માનવજાત જીવી શકે છે, પરંતુ પાણી, શુદ્ધ હવા અને ખોરાક વગર જીવન શક્ય નથી. જો ભારત સરકાર સમયસર જાગશે નહીં અને મર્યાદા વગર ડેટા સેન્ટરોનો વિસ્તાર ચાલુ રાખશે, તો આગામી વર્ષોમાં જળસંકટ ધરાવતા વિસ્તારોમાં સ્થાનિક વસ્તી અને ડેટા સેન્ટરો વચ્ચે પાણી માટેના રમખાણો થશે કે સામાજિક અસંતોષ ઊભો થશે. આપણે જો આર્થિક કે તકનીકી વિકાસ આપણી નદીઓ, સુકાઈ રહેલા ભૂગર્ભજળ અને જંગલોના ભોગે આવતો હોય, તો તે વિકાસ નથી પરંતુ 'વિનાશ' છે. કુદરતની પણ એક મર્યાદા છે. જો આપણે મર્યાદામાં રહીને, કુદરતી સંપત્તિનું જતન કરીને સંતુલિત વિકાસ નહીં કરીએ, તો ટેકનોલોજીની આ આંધળી દોડ આપણી આવનારી પેઢીઓ પાસેથી તેમનું જીવવાનો મૂળભૂત હક છીનવી લેશે.









