મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ 100 દિવસની કામગીરી

હાલ તો દેશના લોકોમાં રાષ્ટ્રવાદનો જોશ છવાયેલો છે પરંતુ આર્થિક મોરચે દેશ મંદી તરફ ધકેલાઇ રહ્યો હોવાના અણસાર છે અને એ દિશામાં સત્વરે પગલાં ન લેવામાં આવ્યાં તો દેશ ભયંકર મંદી અને બેરોજગારીના સાણસામાં સપડાઇ જશે
આ વર્ષે યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં જવલંત વિજય હાંસલ કરીને ફરી વખત સત્તામાં આવેલી મોદી સરકારે જોતજોતામાં ૧૦૦ દિવસ પૂરા કરી લીધાં છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના નેતાઓ આ સો દિવસની સિદ્ધિઓ ગણાવવામાં લાગી ગયા છે. ગત લોકસભાની ચૂંટણી કરતા પણ વધારે બેઠકો મેળવ્યા બાદ મોદી સરકારે એક પછી એક અનેક મહત્ત્વના નિર્ણયો લઇને સપાટો બોલાવ્યો છે. એ સાથે કેટલાંક મોરચે સરકારને નિષ્ફળતા પણ સાંપડી રહી છે જેને લઇને વિપક્ષો સરકારને ઘેરવાના પ્રયાસો પણ કરી રહ્યાં છે.
મોદી સરકારના બીજા કાર્યકાળમાં સૌથી મહત્ત્વની સિદ્ધિ ગણવી હોય કો જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ અને ૩૫-એને નાબૂદ કરવાની છે. આમ તો ભાજપ દરેક લોકસભાની ચૂંટણી અગાઉ આર્ટિકલ ૩૭૦ દૂર કરવાના વાયદા કરતો હતો પરંતુ એને અમલમાં લાવવાની હિંમત આ વખતે બતાવી. જમ્મુ-કાશ્મીરને કલમ ૩૭૦માથી મુક્ત કરવાનો જે સંકલ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડીએ દર્શાવ્યો એ સાહસ અત્યાર સુધીની કોઇ સરકાર કરી શકી નહોતી.
મોદી સરકારના નિર્ણય બાદ એક રાષ્ટ્રમાં બે બંધારણ, બે શાસનવ્યવસ્થા અને બે નિશાન જેવી સમસ્યા ઉકેલાઇ ગઇ. હકીકતમાં જમ્મુ-કાશ્મીરને લઇને વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે જે પગલું લીધું એના દ્વારા તેમનું નામ ઇતિહાસમાં અંકિત થઇ ગયું છે.
જમ્મુ-કાશ્મીરને લઇને દેશના લોકોની જે ઇચ્છા હતી એના પર મોદી સરકારે સાહસપૂર્વક સમજદારીપૂર્વક અને ધીરજપૂર્વક પ્રસ્તાવ ઘડયાં અને ગૃહમાં રજૂ કર્યાં. આ પ્રસ્તાવોમાં રાજ્યના વંચિત લોકો માટે અનામત વ્યવસ્થા, કલમ ૩૭૦ દૂર કરવી અને રાજ્યનું પુર્નગઠન જેવી જોગવાઇઓ સામેલ હતી.
લોકસભામાં તો સરકાર પાસે બહુમતિ હોવાથી આ પ્રસ્તાવો પાસ કરાવવામાં કોઇ અડચણ ન આવી પરંતુ રાજ્યસભામાં બહુમતિ ન હોવા છતાં પણ મોદી સરકારે કુનેહપૂર્વક આ પ્રસ્તાવો પસાર કરાવ્યાં અને જમ્મુ-કાશ્મીરને મળેલો વિશેષ રાજ્યનો દરજ્જો પાછો લઇને જમ્મુ,કાશ્મીર અને લદ્દાખને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેરવી નાખ્યાં.
કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કર્યા બાદ ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાના નિર્ણય અંગે સમર્થન મેળવવામાં જે કુનેહ દાખવી એ પણ દાદને પાત્ર છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કર્યા બાદ પાકિસ્તાને વૈશ્વિક મંચ પર ભારતને વગોવવાના અનેક પ્રયાસ કર્યાં પરંતુ મોદી સરકારે એકેય મંચ પર પાકિસ્તાનના નાપાક ઇરાદાઓને બર ન આવવા દીધાં. ચીને ભારતને અંધારામાં રાખીને કાશ્મીર મુદ્દો યૂ.એન.ની સલામતિ સમિતિમાં લઇ જવાની ચાલ રમી પરંતુ અમેરિકા અને રશિયા સહિતની મહાસત્તાઓએ ભારતની પડખે ઊભા રહીને ચીન અને પાકિસ્તાનની એ ચાલ પર પાણી ફેરવી દીધું.
મોદી સરકારે પોતાના બીજા કાર્યકાળમાં ટ્રિપલ તલાક દૂર કરવાનું મહત્ત્વનું પગલું પણ લીધું છે. સુપ્રીમ કોર્ટે તો બે વર્ષ પહેલાં જ મુસ્લિમ પુરુષ પોતાની પત્નીને માત્ર ત્રણ વખત તલાક બોલીને છૂટાછેડા આપી શકે એ કાયદાને ગેરબંધારણીય જાહેર કર્યો હતો. મોદી સરકારે પોતાના પહેલા કાર્યકાળમાં ટ્રિપલ તલાક બિલને લોકસભામાં પસાર કરાવવામાં તો સફળતા મેળવી હતી પરંતુ રાજ્યસભામાં બહુમતિ ન હોવાના કારણે ત્યાં બિલ અટકી જતું હતું. આ વખતે પણ ભાજપના ફ્લોર મેનેજરોએ કુનેહ દાખવીને ટ્રિપલ તલાક વિરોધી બિલ ૯૯ વિરુદ્ધ ૮૪ મતે પસાર કરાવવામાં સફળતા મેળવી.
આતંકવાદ પર લગામ કસવાના મક્કમ ઇરાદા સાથે મોદી સરકારે યૂએપીએ બિલને પસાર કરાવ્યું. આ બિલની જોગવાઇઓ હેઠળ આતંકવાદી ગતિવિધિમાં સામેલ વ્યક્તિને પણ આતંકવાદી ઠરાવીને તેના પર પ્રતિબંધ મૂકવાની પ્રક્રિયા સામેલ છે. આ બિલના આધારે જ પહેલી વખત જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહર, લશ્કર-એ-તોઇબાના સ્થાપક હાફિઝ સઇદ, મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ ઝકી ઉર રહેમાન લખવી અને નેવુંના દાયકામાં મુંબઇને બોમ્બ વિસ્ફોટોથી હચમચાવનાર મોસ્ટ વોન્ટેડ દાઉદ ઇબ્રાહિમને આતંકવાદી જાહેર કર્યાં. અમેરિકાએ પણ ભારતના આ પગલાંને ટેકો જાહેર કર્યો છે.
મોદી સરકારે તાજેતરમાં જ મોટર વ્હીકલ એક્ટ ૨૦૧૯ લાગુ કર્યો છે જેની જોગવાઇઓ અત્યંત આકરી છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા લોકો પર ભારે ભરખમ દંડની જોગવાઇવાળો નવો કાયદો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે દેશમાં જે હદે માર્ગ અકસ્માતો થતા રહ્યાં છે એ જોતાં ટ્રાફિકના કડક નિયમો ઘડવાની તાતી જરૂરિયાત વર્તાતી હતી. હાલ તો લોકોને ટ્રાફિકના નવા નિયમો કઠી રહ્યાં છે પરંતુ કડક નિયમોના કારણે પણ ટ્રાફિક વ્યવસ્થા સુધરે અને માર્ગ અકસ્માતો થતા અટકે તો લાંબા ગાળે પ્રજાના હિતમાં જ છે એ લોકોએ સમજવું પડશે.
પોતાના બીજા કાર્યકાળમાં મોદી સરકારે માહિતીના અધિકાર એટલે કે આરટીઆઇ એક્ટમાં સંશોધન કરતું બિલ પસાર કરાવ્યું છે. સંશોધન અનુસાર મુખ્ય માહિતી કમિશનર અને રાજ્યોના માહિતી કમિશનરોના કાર્યકાળ અને વેતન નક્કી કરવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે આવી ગઇ છે. વળી એ પણ જરૂરી નથી કે કમિશનરોનો સેવાકાળ પાંચ વર્ષનો જ રહે.
કમિશનરોનો સર્વિસ પિરિયડ પણ સરકાર જ નક્કી કરશે. મોદી સરકારના આ પગલાંને વિપક્ષો અને આરટીઆઇ એક્ટિવિસ્ટો માહિતીના અધિકારની વિરુદ્ધ ગણાવી રહ્યાં છે. આઝાદી બાદ આરટીઆઇ કાયદાની ગણના સામાન્ય માનવી માટે એક મહત્ત્વપૂર્ણ કાયદાના રૂપમાં કરવામાં આવી. આ કાયદા દ્વારા દેશની જનતાના સશક્તિકરણ અને સરકારની જવાબદારી નક્કી કરવાની દિશામાં મહત્ત્વની પ્રગતિ થઇ. પરંતુ મોદી સરકારે માહિતીના અધિકારને જ ખોખલો બનાવી દીધો છે.
મોદી સરકાર એક તરફ ભ્રષ્ટાચારને ખતમ કરીને નવીન ભારત બનાવવાની વાતો કરે છે પરંતુ બીજી બાજુ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવા માટે ઘડવામાં આવેલા હથિયારોને જ બુઠ્ઠાં બનાવી રહી છે. ખરેખર તો સરકારે વહીવટમાં પારદર્શકતાને ઉત્તેજન આપવું જોઇએ ઉલટું એ મામલે જ સરકારમાં ઇચ્છાશક્તિનો અભાવ વર્તાઇ રહ્યો છે.
બેશક મોદી સરકારના બીજા કાર્યકાળમાં ભ્રષ્ટાચારનો આરોપ હોય એવા સરકારી અધિકારીઓને ફરજિયાત રિટાયરમેન્ટ આપવાની કામગીરી ચાલુ છે, પરંતુ એ પણ હકીકત છે કે મોદી સરકાર પર તાનાશાહીનો આરોપ મૂકીને કેટલાંક આઇએએસ અધિકારીઓએ સામે ચાલીને રાજીનામા પણ આપ્યાં છે. તો વિપક્ષી પાર્ટીઓના અનેક નેતાઓ પર ભ્રષ્ટાચારના કેસો ચાલી રહ્યાં છે જેને પણ વિપક્ષો ભાજપની બદલાની નીતિ ગણાવે છે.
મોદી સરકારના બીજા કાર્યકાળમાં અનેક ઉપલબ્ધિઓ છતાં આર્થિક મોરચે હાલત કફોડી છે. દેશમાં આર્થિક મંદીનો માહોલ છે. વિપક્ષી પાર્ટીઓ પણ અર્થવ્યવસ્થાની ખરાબ હાલતને લઇને સરકાર પર હુમલા કરી રહી છે. દેશનો જીડીપી વિકાસ દર ગગડીને પાંચ ટકાએ પહોંચી ગયો છે. એક પછી એક ઉદ્યોગો મંદીની ચપેટમાં આવી રહ્યાં છે.
સૌથી મોટું નુકસાન ઓટોમોબાઇલ સેકટરને થયું છે. ઓટોમોબાઇલમાં વિશ્વના ચોથા નંબરના ગણાતા ભારતીય બજારમાં આવેલી મંદીએ હજારો લોકોની નોકરીનો ભોગ લીધો છે. ઓટોમોબાઇલ સેકટરની મંદી દેશની અર્થવ્યવસ્થા માટે મોટા ખતરાસમાન છે કારણ કે આ ક્ષેત્ર દેશના મેન્યુફેક્ચરિંગ સેકટરમાં લગભગ અડધોઅડધ ભાગીદારી ધરાવે છે. જાણકારોના મતે ઓટોમોબાઇલ સેકટરના મેન્યુફેક્ચરિંગની દેશની જીડીપીમાં લગભગ ૪૯ ટકા અને જીએસટી કલેકશનમાં લગભગ ૧૩ ટકાની ભાગીદારી છે.
ટેક્સટાઇલ ઉદ્યોગના તો એવા હાલ થયા છે કે તેમણે જાહેરખબર આપીને પોતાની અવદશા લોકો સામે રજૂ કરી છે. ટેક્સટાઇલ ઉદ્યોગની નિકાસ ગયા વર્ષની સરખામણીમાં ૩૫ ટકા જેટલી ઘટી ગઇ છે. દેશની ત્રીજા ભાગની કાપડ મિલો બંધ પડી ગઇ છે. મિલો પાસે એટલી ક્ષમતા જ નથી રહી કે તેઓ કપાસ ખરીદી શકે.
મંદીની સાથે જ ટેક્સટાઇલ સેકટરમાં પણ નોકરીઓ જવી શરૂ થઇ ગઇ છે. ટેક્સટાઇલ ઉદ્યોગ લગભગ દસ કરોડ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી આપે છે. ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે ખેતીઉદ્યોગ પણ સંકળાયેલો છે. કાપડ ઉદ્યોગ ખેડૂતો પાસેથી કપાસ અને શણ જેવા ઉત્પાદનો ભારે માત્રામાં ખરીદે છે. મતલબ કે ટેક્સટાઇલ ઉદ્યોગમાં મંદી આવવાની સીધી અસર ખેડૂતો ઉપર પડશે.
રોજગારીના ક્ષેત્રે પણ પરિસ્થિતિ કફોડી છે. હાલ દેશમાં બેરોજગારી સૌથી ઉચ્ચ સ્તરે પહોંચી ગઇ છે. ખરેખર તો અર્થવ્યવસ્થાની મંદીનો સૌથી મોટો ફટકો રોજગારીના ક્ષેત્રે પડયો છે. સ્ટેટેસ્ટિક્સ ડિપાર્ટમેન્ટ અનુસાર દેશમાં વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન બેરોજગારીનો દર ૬.૧ ટકા હતો.
દેશમાં બેરોજગારીનો આંકડો છેલ્લા ૪૫ વર્ષની ટોચે છે. સૌથી મોટો ફટકો ઓટોમોબાઇલ ક્ષેત્રના કર્મચારીઓને પડયો છે. અત્યાર સુધીમાં ઓટોમોબાઇલ ક્ષેત્રના બે લાખ કરતા વધારે કર્મચારીઓની છટણી થઇ છે. જો મંદી આ જ રીતે ચાલુ રહી તો આગામી સમયમાં બીજા દસ લાખ લોકોની નોકરી જવાનો ભય છે.
અત્યારે તો રાષ્ટ્રવાદના જોશ હેઠળ આર્થિક અવદશા ઢંકાઇ ગયેલી જણાય છે પરંતુ જો સરકારે સત્વરે પગલાં ન લીધાં તો દેશ ભયંકર મંદી અને બેરોજગારીની વિકરાળ સમસ્યામાં સપડાઇ જશે.




