પાકિસ્તાનના વૈશ્વિક મંચો પર ધમપછાડા અને ભારતમાં આતંકવાદ સપ્લાય કરવાનું કાવતરું

એક તરફ આતંકવાદની સપ્લાય કરતું પાકિસ્તાન બીજી તરફ યૂ.એન.ની માનવાધિકાર પરિષદમાં ભારત વિરુદ્ધ માનવાધિકારોના હનનની ફરિયાદ કરે એ વાત જ હાસ્યાસ્પદ છે
જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ દૂર કર્યા બાદ કાગારોળ મચાવી રહેલા પાકિસ્તાનને ચોમેરથી નિષ્ફળતા સાંપડતા હવે તે ભારતમાં આતંકવાદી હુમલાઓ કરાવવાના કાવતરા કરી રહ્યું છે. થોડા દિવસો અગાઉ પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું હતું કે કાશ્મીર મુદ્દે પાકિસ્તાન પોતાની સમગ્ર તાકાત લગાવી દેશે. પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવાએ પણ ધમકી આપી હતી કે ભારત સામે બદલો લેવા પાકિસ્તાન ગમે તે હદે જઇ શકે છે.
કાશ્મીર મામલે ભારતે લીધેલા નિર્ણયને અમેરિકા અને રશિયા સહિતના દેશોએ ભારતનો આંતરિક મામલો ગણાવ્યો. ભોંઠા પડેલા પાકિસ્તાને અણુયુદ્ધની ધમકી પણ આપીને વૈશ્વિક સમુદાયને કાશ્મીર મામલે હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી. ભારતમાં કાયમ આતંકવાદ ફેલાવીને શાંતિ જોખમાવતા પાકિસ્તાને ભારત ઉપર ક્ષેત્રીય શાંતિ સાથે રમત રમવાનો આરોપ મૂક્યો અને વિવાદ ખતમ કરવા ગમે તે હદ સુધી જવાની ધમકી આપી. જોકે પાકિસ્તાનની આ તમામ ધમકીઓ પાછળની અસલિયત હવે બહાર આવી છે. લશ્કરી તાકાતમાં ભારત સામે જરાય ટકી શકે એમ ન હોવાના કારણે પાકિસ્તાન હવે ભારતમાં આતંકવાદ ફેલાવવાના કારસા રચી રહ્યું છે.
એવા પણ રિપોર્ટ છે કે પાકિસ્તાને જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને ગુપચુપ રીતે જેલમાંથી મુક્ત કરી દીધો છે. ઇન્ટેલિજન્સ સૂત્રોનું કહેવું છે કે રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તારોમાં આતંકવાદ ફેલાવવાના ઇરાદા સાથે પાકિસ્તાને આ પગલું લીધું છે. મસૂદ અઝહરને મુક્ત કર્યાની સાથે પાકિસ્તાને સરહદે સેનાની હિલચાલ પણ વધારી દીધી છે. થોડા દિવસ પહેલા ભારતીય સેનાએ પણ કહ્યું હતું કે ચારે તરફથી નિરાશા સાંપડયા બાદ પાકિસ્તાન સરહદપારથી આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવામાં લાગી ગયું છે.
જોકે પાકિસ્તાને અધિકૃત રીતે જાહેર નથી કર્યું કે મસુદ અઝહરને છોડી મૂકવામાં આવ્યો છે. થોડા મહિના પહેલાં જ યૂ.એન.એ મસુદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. ભારતે પણ ગયા અઠવાડિયે યૂએપીએ કાયદા અંતર્ગત મસુદ અઝહરને આતંકવાદી જાહેર કર્યો છે. પુલવામા ખાતે સીઆરપીએફ કાફલા પર થયેલા હુમલાની જવાબદારી પણ જૈશ-એ-મોહમ્મદે જ લીધી હતી. એવામાં પુલવામા હુમલા બાદ ભારત સતત મસૂદ અઝહર પર પગલાં લેવા માટે પાકિસ્તાતન પર દબાણ સર્જી રહ્યું હતું. ભારતના દબાણને વશ થઇને પાકિસ્તાને મસુદ અઝહરની ધરપકડ પણ કરી હતી.
મસુદ અઝહરની મુક્તિ પાકિસ્તાનનો અસલી ચહેરો અને નિયત દર્શાવે છે. ભારતે જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ દૂર કર્યો છે ત્યારથી પાકિસ્તાન પર કાશ્મીર મામલે કંઇક કરવાનું દબાણ છે. શરૂઆતમાં પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ રોદણાં રડીને સહાનુભૂતિ મેળવવા પ્રયાસ કર્યાં પરંતુ તેના પાસા અવળા પડયાં. આર્થિક રીતે ખસ્તાહાલ પાકિસ્તાન એ વાત સારી રીતે જાણે છે કે લશ્કરી મોરચે તે વધારે ટકી શકે એમ નથી. એ સંજોગોમાં તે એ જ હથિયાર અજમાવવા માગે છે જેના માટે તે દુનિયાભરમાં બદનામ છે.
મસુદ અઝહર ભારતમાં અને ખાસ કરીને કાશ્મીરમાં આતંકવાદી કાવતરા આચરવા માટે કુખ્યાત છે. પઠાણકોટ અને પુલવામા ખાતેના હુમલા તેના કરતૂતોના પુરાવા આપે છે. પાકિસ્તાન હવે એ જ મસુદ અઝહરનો ઉપયોગ કરીને ભારતમાં બીજા આતંકવાદી હુમલા કરાવવા ઇચ્છે છે.
જોકે પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેનાએ કરેલી બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ આતંકવાદી હુમલામાં ખાસો ઘટાડો થયો છે. આમ પણ પુલવામા હુમલા બાદ આંતરરાષ્ટ્રીય દબાણના કારણે પાકિસ્તાન તેની ધરતી પર આશરો લઇ રહેલા અનેક આતંકવાદીઓની ધરપકડ કરવા માટે મજબૂર બની ગયું હતું. ટેરર ફંડિગ મામલે પણ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા પાકિસ્તાનના ગળા ફરતે ગાળિયો કસાયેલો છે.
પાકિસ્તાની સરકાર અને સેના ઉપરાંત સમાંતર સરકાર ચલાવતી ગુપ્તચર સંસ્થા આઇએસઆઇની સમસ્યા એ રહી છે કે તે નીતિગત રીતે આતંકવાદી સંગઠનો અને તેમના આકાઓનો ઉપયોગ કરવો યોગ્ય સમજતી આવી છે. આ આત્મઘાતી વિચારધારાના કારણે જ પાકિસ્તાનમાં મોટા પાયે આતંકવાદી સંગઠનોને પાળવા અને પોષવાનું કામ થતું આવ્યું છે.
કોઇ આતંકવાદી સંગઠન ઉપર પ્રતિબંધ મૂકાય ત્યારે દુનિયાને ગેરમાર્ગે દોરવા માટે જ એ સંગઠન અને આતંકવાદના આકાને નવા નામ સાથે નવેસરથી નવું સંગઠન ઊભું કરવાની સુવિધા આપવામાં આવે છે. એ સાથે આતંકવાદની ફેકટરી ચલાવતા મસૂદ અઝહર અને હાફિઝ સઇદ જેવા આતંકવાદીઓ બેરોકટોક સામાન્ય જીવન જીવી શકે છે. ખરેખર તો પાકિસ્તાન સુધરે એવા અણસાર ઓછા છે. ઉલટું દુનિયાની આંખોમાં ધૂળ નાખવા તે એવો ડોળ કરે છે કે તે ખુદ આતંકવાદથી પીડિત છે.
સરહદેથી વધારે આતંકવાદીઓ ભારતમાં ઘૂસાડવા માટે પાકિસ્તાને વધારે સૈનિકો તૈનાત કર્યા છે. જોકે ભારતીય સુરક્ષા દળો પણ ચાંપતી નજર રાખી રહ્યાં છે. જમ્મુ-કાશ્મીરના સોપોર ખાતેથી સેનાએ ૮ આતંકવાદીઓની ધરપકડ કરી છે. પરંતુ ભારત માટે ચિંતાનો વિષય એ છે કે ગુજરાતના કચ્છ ખાતે સરક્રીક ખાતે એક બોટ ત્યજી દેવાયેલી હાલાતમાં મળી છે જેના કારણે આતંકવાદીઓ ભારતની સરહદમાં આતંક ફેલાવવા ઘૂસ્યા હોવાનો અંદેશો છે. આમ પણ કાશ્મીર મુદ્દે પાકિસ્તાન પોતાનો એજન્ડા આગળ વધારવા માટે ભાંગફોડ કે હિંસા ફેલાવી શકે છે.
એક તરફ ભારતમાં આતંકવાદ ફેલાવવાના કાવતરા કરી રહેલા પાકિસ્તાને બીજી તરફ યૂ.એન.ની માનવાધિકાર પરિષદમાં રાવ કરી છે કે ભારત કાશ્મીરમાં માનવાધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને કાશ્મીરના લોકોનું દમન કરી રહ્યું છે. થોડા દિવસો અગાઉ તેણે ચીનનો સહારો લઇને કાશ્મીર મુદ્દો યૂ.એન.ની સલામતિ સમિતિમાં બંધ બારણે ચર્ચા કરવામાં સફળતા મેળવી પરંતુ તેની એ હરકતનું પણ કોઇ પરિણામ ન આવ્યું અને યૂ.એન.ની સલામતિ સમિતિના વલણ બાદ સ્પષ્ટ બન્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાય એ સ્વીકારવા તૈયાર જ નથી કે કાશ્મીરની પરિસ્થિતિ પાકિસ્તાન જણાવી રહ્યું છે એવી ભયાવહ છે. યૂ.એન.માં ખાસિયાણા પડયા બાદ પણ પાકિસ્તાન હજુ ધરાયું નથી અને હજુ પણ કાશ્મીર મુદ્દે ભારતને બદનામ કરવા અને વૈશ્વિક સમુદાયનો સાથ મેળવવા હવાતિયા મારી રહ્યું છે. ભારત વિરુદ્ધ તે આંતરરાષ્ટ્રીય અદાલતમાં જવાની પેરવી પણ કરી રહ્યું છે.
થોડા મહિના અગાઉ યૂ.એન.ની માનવાધિકાર પરિષદના એક રિપોર્ટે કાશ્મીરમાં માનવાધિકારોના ઉલ્લંઘનને લઇને ભારત સમક્ષ સવાલ ઉઠાવ્યો હતો. પરંતુ ભારતે યૂ.એન.ની માનવાધિકાર પરિષદના રિપોર્ટને જૂઠ્ઠાણાં અને પક્ષપાતભર્યા રાજકારણથી પ્રેરિત ગણાવીને આકરા શબ્દોમાં વિરોધ કર્યો હતો. ગયા વર્ષે પણ માનવાધિકાર પરિષદે ભારત પર આવા જ આક્ષેપ કરીને આતંકવાદ વિરુદ્ધ કરવામાં આવી રહેલી ભારતીય સેનાની કાર્યવાહીને અયોગ્ય ઠરાવવાનો પ્રયાસ કર્યો હતો.
ખરેખર તો માનવાધિકાર પરિષદે સરહદપારથી થતી પાકિસ્તાનની ગતિવિધિઓ પર પણ સવાલ ઉઠાવવા જોઇએ જે સતત આતંકવાદને પ્રોત્સાહન આપે છે. એ તો હવે જગજાહેર છે અને ભારત અનેક વખત આંતરરાષ્ટ્રીય મંચો ઉપર પાકિસ્તાનને ઉઘાડું પાડી ચૂક્યું છે કે પાકિસ્તાનની ધરતી પર શરણ પામતા આતંકવાદી સંગઠનો કાશ્મીરમાં કાયમ આતંકનો માહોલ બનાવી રાખે છે. એક સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે ભારતને તેની ધરતી પર ફેલાતા આતંકવાદને નાબૂદ કરવાનો અધિકાર છે.
ખરેખર તો કોઇ દેશની આંતરિક સ્થિતિ અંગે યૂ.એન.ની કોઇ સમિતિ તરફતી અધિકૃત રીતે કોઇ અભિપ્રાય આપવામાં આવે ત્યારે એ નિષ્પક્ષ અને તથ્યો પર આધારિત હોય એવી અપેક્ષા થવી સ્વાભાવિક છે. મોટે ભાગે તો એવું બનતું પણ હોય છે પરંતુ કેટલીય વખત એવું લાગે છે કે કોઇ ખાસ મુદ્દે એક તરફી નિષ્કર્ષ પર આવવાના ક્રમમાં કેટલાંક જરૂરી પાસાઓ પર વિચાર કરવો જરૂરી ન લાગ્યો હોય.
છેલ્લા ઘણાં વર્ષોથી જમ્મુ-કાશ્મીરમાં જે પરિસ્થિતિ સર્જાઇ છે એ કોઇ એક સ્થાને રહીને જોતાં તસવીરનું એક જ પાસું જોવા મળે અને શક્ય છે કે એ પરિસ્થિતિ સર્જાવા પાછળના કારણો પર ધ્યાન જ ન જાય. યૂ.એન.ની માનવાધિકાર પરિષદ પણ એ જ રીતે કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા ફેલાવાતા આતંકવાદ માટે આંખ આડા કાન કરતી આવી છે. હદ તો ત્યારે થઇ કે આ પરિષદે યૂ.એન. દ્વારા જ આતંકવાદી જાહેર થયેલા લોકોને નેતા અને હથિયારબંધ જૂથ ગણાવ્યાં. મતલબ કે કાશ્મીરમાં આતંક ફેલાવતા નરાધમો આ પરિષદના મતે આતંકવાદીઓ છે જ નહીં.
ભારત યૂ.એન.ની માનવાધિકાર પરિષદના આવા વલણનો આકરો વિરોધ કરી ચૂક્યું છે. હવે ફરી વખત ભારતે કાશ્મીરને પોતાનો આંતરિક મામલો ગણાવીને તેમાં ચીન કે પાકિસ્તાનને દખલ કરવાનો અધિકાર ન હોવાનો દૃઢોચ્ચાર કર્યો છે. ભારતનું બંધારણ કોઇ પણ ભેદભાવ ન રાખીને દરેક નાગરિકને સમાન અધિકાર આપતું હોવાનું વિદેશ ખાતાએ જણાવ્યું છે.
ભારતે કહ્યું કે દુનિયાભરમાં આતંકવાદ ફેલાવતું પાકિસ્તાન કાશ્મીર મામલે પણ જૂઠ્ઠાણાંની ફેકટરી ચલાવે છે. એ સાથે જ ભારતે જમ્મુ-કાશ્મીરમાં વિકાસ સાધવાનો, બાલઅધિકારોની રક્ષા કરવાનો અને લૈંગિક ભેદભાવ સમાપ્ત કરવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો છે.
વૈશ્વિક મંચો પર વારંવાર ખાસિયાણું પડેલું પાકિસ્તાન હજુ પણ કાશ્મીર મુદ્દે ભારતને બદનામ કરવા અને વૈશ્વિક સમુદાયનો સાથ મેળવવા હવાતિયા મારી રહ્યું છે. સાથે સાથે તે ભારતમાં આતંકવાદી હુમલાઓને અંજામ આપવાના કાવતરા કરી રહ્યું છે ત્યારે ભારતે સાવચેત રહીને તેની દરેક નાપાક ચાલનો જડબાતોડ જવાબ આપવા તૈયાર રહેવું પડશે.




