Editorial

અમેરિકા-તાલિબાન મંત્રણા સમજૂતિના અંતિમ પડાવ પર પહોંચ્યા પહેલાં જ પાટા પરથી ઉતરી ગઇ

By GS Team
10 Sep 20197 mins read
This article was originally published on 10 Sep 2019
અમેરિકા-તાલિબાન મંત્રણા સમજૂતિના અંતિમ પડાવ પર પહોંચ્યા પહેલાં જ પાટા પરથી ઉતરી ગઇ

ટ્રમ્પ અમેરિકામાં રાષ્ટ્રવાદનો જુસ્સો જગાવીને આવતા વર્ષે આવી રહેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાનું સ્થાન મજબૂત કરવા ધારે છે પરંતુ જો તાલિબાન ફરી અમેરિકાનું નાક દબાવવા ઓર હુમલા કરીને અમેરિકી સૈનિકોને નિશાન બનાવશે તો એનું ઠીકરું પણ ટ્મ્પના માથે જ ફૂટશે અને તેમના ચૂંટણી પ્રચાર અભિયાનને પણ નુકસાન થશે

અફઘાનિસ્તાનમાં છેલ્લા ૧૯ વર્ષથી લડી રહેલા અમેરિકાના લડાઇ સમાપ્ત કરીને પોતાના સૈનિકો પાછા બોલાવવાના અભિયાનને આંચકો લાગ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાલિબાન સાથે ચાલી રહેલી શાંતિવાર્તા સ્થગિત કરી દીધી છે અને આ અઠવાડિયે મેરીલેન્ડના કેમ્પ ડેવિડ ખાતે તાલિબાન સાથે યોજાનારી ગુપ્ત બેઠક પણ રદ્ કરી દીધી છે. ટ્રમ્પે મંત્રણામાંથી પાછા હટવા માટે ગયા અઠવાડિયે કાબુલમાં તાલિબાને કરેલા હુમલાને કારણભૂત ગણાવ્યો છે. આ હુમલામાં અમેરિકાના એક સૈનિક સહિત ૧૨ જણા માર્યા ગયા હતાં. 

અમેરિકા અફઘાનિસ્તાનમાં શાંતિ સમજૂતિ કરવા માટે ઉતાવળું બન્યું છે કે જેથી અમેરિકી સૈનિકોને વહેલી તકે વતન પાછા લાવી શકાય. વર્ષો સુધી અફઘાનિસ્તાનની સરકાર અને તાલિબાન વચ્ચે વાર્તાલાપ ઉપર જોર આપ્યા બાદ ગત સપ્ટેમ્બરમાં અમેરિકાએ ઝાલમાય ખલિલઝાદની અફઘાન દૂત તરીકે નિમણૂક કરી હતી. નિમણૂકના તુરંત બાદ તેમણે અફઘાન બળવાખોરો સાથે વાતચીત શરૂ કરી દીધી. આ બળવાખોરો અફઘાનિસ્તાનની સરકારને અમેરિકાના હાથની કઠપૂતળી ગણાવતા રહ્યાં છે અને એટલા માટે જ અત્યાર સુધી તેઓ સરકાર સાથે કોઇ મંત્રણા કરતા નહોતાં. 

જોકે અફઘાનિસ્તાનના યુદ્ધથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કંટાળી ચૂક્યાં છે અને આવતા ઉનાળા સુધીમાં ત્યાંના અડધોઅડધ અમેરિકી સૈનિકોને પાછા બોલાવવા ધારે છે. એ સંજોગોમાં ખલિલઝાદનું શાંતિ મિશન તાકીદનું થઇ પડયું છે. પરંતુ એક બાજુ અમેરિકા સાથે શાંતિવાર્તા કરી રહેલું તાલિબાન બીજી બાજુ અફઘાનિસ્તાનમાં બોમ્બ વિસ્ફોટો પણ કરી રહ્યું છે.

તાલિબાનના આવા બેવડા વલણના કારણે ટ્રમ્પનું મગજ ફટક્યું છે અને તેમણે મંત્રણા જ બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે. હકીકતમાં તાલિબાન અફઘાનિસ્તાનમાં કડક ઇસ્લામિક કાયદા લાગુ કરવા ધારે છે. એ સાથે જ અફઘાનિસ્તાનને બેઠું કરવાના પ્રયાસો કરી રહેલા અમેરિકા સામે પણ તાલિબાન આક્રમક પ્રચાર કરતું રહ્યું છે. 

ઇતિહાસ જોઇએ તો અફઘાનિસ્તાન દાયકાઓથી મહાસત્તાઓની સ્વાર્થી રાજરમતોનો અતિશય ખરાબ રીતે ભોગ બનેલું રાષ્ટ્ર છે. અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચેના શીત યુદ્ધ દરમિયાન સોવિયેત સેનાએ અફઘાનિસ્તાનમાં પગપેસારો કર્યો એ સાથે જ અફઘાનિસ્તાનની માઠી દશાની શરૂઆત થઇ હતી.

એ સમયે સોવિયેત સંઘને ખાળવા માટે અમેરિકાએ જ અફઘાનિસ્તાનની ધરતી ઉપર આતંકી સંગઠનો ઊભા કરવામાં મદદ કરી હતી. સોવિયેત સંઘના વિઘટન બાદ રશિયન સેના અફઘાનિસ્તાનમાંથી હટી કે તરત જ તાલિબાને કબજો જમાવવાની શરૂઆત કરી દીધી હતી. 

વર્ષોથી માઠી દશામાં રહેલા અફઘાનિસ્તાનના લોકોને આશા હતી કે રશિયન સેના દૂર થયા બાદ તેમના દેશમાં શાંતિ સ્થપાશે અને તાલિબાન તેમને સુદૃઢ શાસન સ્થાપશે. પરંતુ તાલિબાને તો કડક ઇસ્લામિક કાયદા લાગુ કરવાના નામે પ્રજા ઉપર કેર વર્તાવવાનો શરૂ કર્યો. તાલિબાને અફઘાનિસ્તાન ઉપર ૧૯૯૬થી ૨૦૦૧ સુધી શરિયા કાનૂનના આધારે શાસન કર્યું હતું.

આ સમય દરમિયાન જ અમેરિકા ઉપર ૯/૧૧ હુમલો થયો હતો અને હુમલાનો માસ્ટર માઇન્ડ ઓસામા બિન લાદેન પણ અફઘાનિસ્તાનમાં જ રહેતો હતો. ઓસામા બિન લાદેનનો ખાત્મો બોલાવવાના નિર્ધાર સાથે અમેરિકી સેના અફઘાનિસ્તાનમાં ઉતરી આવી. એ વાતને આજે વર્ષો થયા છતાં હજુ આજે પણ અમેરિકા અફઘાનિસ્તાનમાંથી પોતાના હાથ પાછા ખેંચી શક્યું નથી. 

અમેરિકાના રક્ષા ખાતાના આંકડા અનુસાર વર્ષ ૨૦૦૧થી લઇને માર્ચ ૨૦૧૯ સુધી અફઘાનિસ્તાનમાં અમેરિકાને ૭૬૦ અબજ ડોલર જેટલો લશ્કરી ખર્ચ થયો છે. છેલ્લા ૧૯ વર્ષમાં અમેરિકા અફઘાનિસ્તાનમાં પોતાના ૨૩૦૦ સૈનિકો ગુમાવી ચૂક્યું છે. આશરે ૨૦,૫૦૦ સૈનિકો વિકલાંગ બનીને અફઘાનિસ્તાનથી વતન પરત ફર્યા છે. અમેરિકાના રક્ષા મંત્રાલયના દાવા અનુસાર હાલ અફઘાનિસ્તાનમાં ૧૪ હજાર અમેરિકન સૈનિકો તૈનાત છે. જેમાંના પાંચ હજાર સૈનિકોને અમેરિકા સત્વરે પાછા બોલાવવા ધારે છે.

જોકે ટ્રમ્પના જણાવ્યા અનુસાર તાલિબાન સાથે સમજૂતિ થયા બાદ પણ ૮૬૦૦ સૈનિકો અફઘાનિસ્તાનમાં મોજૂદ રહેશે. સમજૂતિ અંતર્ગત તાલિબાને અલ કાયદા સાથે સંબંધો ખતમ કરવાના છે. એ સાથે યુદ્ધવિરામ જાહેર કરીને અફઘાનિસ્તાનની સરકાર સાથે પણ મંત્રણા કરવાની શરત છે.

જોકે અમેરિકાની મજબૂરી જાણી ગયેલું તાલિબાન એક તરફ તેની સાથે મંત્રણા કરી રહ્યું છે અને બીજી તરફ અફઘાનિસ્તાન પર કબજો જમાવવા નિર્ણાયક જોર પણ લગાવી રહ્યું છે. અમેરિકા અલ કાયદા અને તાલિબાનના ટોચના નેતાઓનો સફાયો કરવામાં તો સફળ નીવડયું છે પરંતુ તાલિબાનનું વ્યાપક નેટવર્ક ખતમ નથી કરી શક્યું. 

ટ્રમ્પે મંત્રણા સ્થગિત કરી દીધા બાદ પણ તાલિબાને ધમકીભર્યા સ્વરમાં કહ્યું છે કે મંત્રણા રોકવાના માઠા પરિણામો તો અમેરિકાએ જ ભોગવવા પડશે. જોકે તાલિબાન ભલે અમેરિકી સૈનિકો પર હુમલા કરવાની ધમકી આપે કે કાબુલ સહિત દેશના મોટા હિસ્સા પર તેનું નિયંત્રણ હોય, આ કટ્ટરવાદી સંગઠન એ વાત સુપેરે જાણે છે કે પશ્ચિમી સેનાઓના અત્યાધુનિક હથિયારો અને તાકાત સામે તેનો ગજ વાગે એમ નથી. જો એવું ન હોત તો તાલિબાન કદી પોતાના કટ્ટર શત્રુ એવા અમેરિકા સાથે મંત્રણાના ટેબલ પર આવવા જ રાજી ન થયું હોત. 

બીજી બાજુ ટ્રમ્પ અમેરિકામાં રાષ્ટ્રવાદનો જુસ્સો જગાવીને આવતા વર્ષે આવી રહેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પોતાનું સ્થાન મજબૂત કરવા ધારે છે. છેલ્લા થોડા દિવસોમાં અફઘાનિસ્તાનમાં તાલિબાને કરેલા હુમલાઓમાં અનેક અફઘાન લોકોએ જીવ ગુમાવ્યાં છે પરંતુ એ વખતે ટ્રમ્પે શાંતિ મંત્રણા અટકાવવા માટેનો વિચાર ન કર્યો. પરંતુ જેવી ખબર આવી કે તાલિબાનના હુમલામાં એક અમેરિકન સૈનિક શહીદ થયો છે કે તરત ટ્રમ્પે મંત્રણા અટકાવી દીધી. હવે તેઓ જે રીતે વર્તી રહ્યાં છે એ જોતાં સ્પષ્ટ બન્યું છે કે તેઓ પોતાના મતદારોને રાજી કરવા મથી રહ્યાં છે. 

ટ્રમ્પની નારાજગી બાદ છેલ્લા એક વર્ષથી અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવાના પ્રયાસોને બ્રેક લાગી ગઇ છે. આમ તો એવું કહેવાતું હતું કે અમેરિકા અને તાલિબાન વચ્ચે નિર્ણાયક સમજૂતિ થવાની તૈયારીમાં જ છે પરંતુ અંદરખાને એવા રિપોર્ટ પણ હતાં કે બંને પક્ષો વચ્ચે હજુ કેટલાક મુદ્દે અસહમતિ હતી.

કદાચ એવું પણ બને કે ટ્રમ્પના મુલાકાત રદ્ કરવા પાછળ ખરું કારણ એ પણ હોય. જોકે અફઘાનિસ્તાનમાંથી હાથ પાછા ખેંચવાનો વાયદો ટ્રમ્પ ગત ચૂંટણીમાં કરી ચૂક્યાં છે. એવામાં જો તાલિબાન ફરી અમેરિકાનું નાક દબાવવા ઓર હુમલા કરીને અમેરિકી સૈનિકોને નિશાન બનાવશે તો એનું ઠીકરું પણ ટ્મ્પના માથે જ ફૂટશે અને તેમના ચૂંટણી પ્રચાર અભિયાનને પણ નુકસાન થશે. 

એટલા માટે તાલિબાન ભલે ગમે તેટલા હુમલા કરે, અમેરિકાએ તેની સાથે શાંતિ સ્થાપ્યા વિના છૂટકો નથી. તો તાલિબાને પણ એ વિચારવું પડશે કે આક્રમક વલણ ધારણ કર્યા બાદ પણ છેવટે તો તેણે અમેરિકી સેના સામે ઘૂંટણ ટેકવવા જ પડશે. અફઘાનિસ્તાનના લોકો હજુ પણ તાલિબાનના ક્રૂર શાસનને ભૂલ્યાં નથી.

એમાંયે તાલિબાને દેશની મહિલાઓ માટે તો અત્યંત આકરા નિયમો ઘડી કાઢ્યાં હતાં જેમાં છોકરીઓના અભ્યાસ અને મહિલાઓને નોકરી કરવા માટે ઘરની બહાર ન નીકળવા દેવા જેવા ફરમાનો સામેલ હતાં. જોકે તાલિબાન હવે સમાધાનકારી વલણ અપનાવી રહ્યું છે અને તેણે લોકોને ભૂતકાળ ભૂલવાની અપીલ કરી છે. 

તાલિબાન લશ્કરી દૃષ્ટિએ બળવાન હોવાનું તો જણાઇ રહ્યું છે પરંતુ તેનામાં સરકાર પાડવાની ક્ષમતા છે કે નહીં એ હજુ સ્પષ્ટ નથી. બીજી બાજુ અફઘાનિસ્તાનની વર્તમાન સરકાર પ્રત્યે પશ્ચિમી દેશોની નારાજગી વધી રહી છે. લોકો જાહેર સેવાઓ ખસ્તાહાલ હોવાની, અસુરક્ષાની અને લાંચખોરીની ફરિયાદો કરી રહ્યાં છે. ૨૦૦૧માં તાલિબાન સરકાર દૂર થયા બાદ મહિલાઓને આઝાદી મળી છે ખરી પરંતુ હજુ પણ તેમના પર અનેક બંધનો છે. તાલિબાની શાસનના ખાત્માના વર્ષો બાદ પણ અફઘાનિસ્તાન મહિલાઓ માટેના અત્યંત બદતર દેશોમાં સ્થાન પામે છે.

અફઘાનિસ્તાનના લોકો તેમની સલામતિ વધે અને શાસન વ્યવસ્થા સુધરે એવી કોઇ પણ સમજૂતિને સ્વીકારશે પરંતુ વર્ષોના દમન અને યુદ્ધોના ઇતિહાસને જોતાં તેમને કોઇ પણ પક્ષ ઉપર ભરોસો નથી. લોકોના મનમાં ડર છે કે અમેરિકા સંધિ કરીને પાછું હટી જશે કે તરત જ શાંતિની સંધિને તોડી નાખવામાં આવશે અને ફરી વખત ગૃહયુદ્ધ ચાલુ થઇ જશે.

અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટનો પેસારો પણ વધ્યો છે અને અફઘાનિસ્તાન સરકાર અને તાલિબાન વચ્ચેના સંઘર્ષ વચ્ચે પણ પોતાનું અસ્તિત્ત્વ જાળવી રાખ્યું છે. ભવિષ્યમાં કદાચ એવું પણ બને કે અમેરિકા અને તાલિબાન વચ્ચે સમજૂતિ થાય તો ઇસ્લામિક સ્ટેટ તાલિબાનના અસંતુષ્ટોને પોતાના જૂથમાં સામેલ કરવા હિલચાલ કરે. 

અત્યાર સુધી અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવાના અભિયાનમાં ત્યાંની સરકારને જ નજરઅંદાજ કરવામાં આવી છે. વર્તમાન ઘટનાક્રમ બાદ આ પરિસ્થિતિ બદલાઇ શકે છે અને અફઘાન સરકાર નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે અને અફઘાનિસ્તાનના લોકોમાં વિશ્વાસ પેદા કરવા ત્યાં ચૂંટણીઓ યોજી શકે છે. હાલની પરિસ્થિતિ જોતાં તો લાગી રહ્યું છે કે આવનારા થોડા દિવસો અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો માટે મહત્ત્વના સાબિત થશે.