News Focus

મરિન હીટવેવ : ગરમ થતા સમુદ્રો અને જળચર સૃષ્ટિ પર સંકટ

By GS Team
16 Aug 20267 mins read
TukuTouch Logo
માનવસર્જિત ગ્રીનહાઉસ વાયુઓથી વાતાવરણમાં વધતી ગરમીનો 90%થી વધુ ભાગ સમુદ્રો શોષી રહ્યા છે. યુકેના દરિયાઈ વિસ્તારોમાં તાજેતરમાં 5 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન વધ્યું, જે છેલ્લા 4 વર્ષમાં ત્રીજી વખત અસાધારણ સ્તરે પહોંચ્યું છે. આ 'મરીન હીટવેવ'ને કારણે દરિયાઈ જીવસૃષ્ટિ, પક્ષીઓ અને વ્હેલ પર વિનાશક અસર થઈ રહી છે, જે વૈશ્વિક ખાદ્ય સુરક્ષા અને અર્થતંત્રને પણ જોખમમાં મૂકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મરિન હીટવેવ : ગરમ થતા સમુદ્રો અને જળચર સૃષ્ટિ પર સંકટ
  • માનવસર્જિત પ્રવૃત્તિઓથી ઉત્સર્જિત થતા ગ્રીનહાઉસ વાયુઓને કારણે વાતાવરણમાં જે વધારાની ગરમી ઉત્પન્ન થાય છે, તેના નેવું ટકાથી વધુ ભાગનો સંગ્રહ સમુદ્રો કરે છે. આ સિવાય વાતાવરણીય પરિબળો જેવા કે વાદળોનું ઓછું પ્રમાણ, સૂર્યપ્રકાશનું વધુ પડતું પ્રમાણ અને પવનની ધીમી ગતિને કારણે પણ દરિયાની સપાટીનું પાણી ઠંડુ થઈ શકતું નથી ઃ જૂન ૨૦૨૩માં યુકેના દરિયાઈ પ્રદેશોમાં ઇતિહાસનો સૌથી તીવ્ર હીટવેવ નોંધાયો હતો, જ્યાં તાપમાન સામાન્ય કરતાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ વધુ ઊંચું ગયું હતું. આ પછી મે ૨૦૨૫ અને જુલાઈ ૨૦૨૬ દરમિયાન પણ યુકેના દરિયાઈ વિસ્તારોમાં ફરીથી તાપમાન અસાધારણ સ્તરે પહોંચી ગયું છે ઃ ઉત્તર અટલાન્ટિક અને પેસિફિક મહાસાગરમાં વર્ષ ૨૦૧૪થી ૨૦૧૬ દરમિયાન મરિન હિટવેવથી એક લાખથી વધુ દરિયાઈ પક્ષીઓ ભૂખમરાથી માર્યા ગયા હતા અને હજારો વ્હેલ માછલીઓના સ્થળાંતરના માર્ગો બદલાયા હતા. ઓસ્ટ્રેલિયાના ગ્રેટ બેરિયર રીફમાં ૨૦૧૬, ૨૦૧૭, ૨૦૨૦ અને ૨૦૨૪માં થયેલા માસ કોરલ બ્લીચિંગને કારણે દુનિયાની સૌથી મોટી પરવાળાની દીવાલનો પચાસ ટકાથી વધુ
    ભાગ કાયમી ધોરણે ક્ષતિગ્રસ્ત થયો છે

ઉનાળાની કાળઝાળ ગરમીમાં સમુદ્ર કિનારે જઈને પાણીમાં ડૂબકી લગાવવી એ મનુષ્યો માટે રાહતનો અનુભવ હોઈ શકે છે, ખાસ કરીને જ્યારે કિનારા નજીકના પાણીનું તાપમાન થોડું વધારે લાગે છતાં પાણી રાહત આપતા હોય છે. હાલમાં યુરોપમાં એક નવી જ સમસ્યા આકાર લઈ રહી છે. તેના કારણે યુરોપમાં આગામી સમયમાં ક્લાઈમેટ ચેન્જની એક ઘાતક અસર જોવા મળશે. જો કે, ભારત અને એશિયાના કેટલાક દેશોમાં પણ તેની અસર દેખાવાની શરૂઆત થઈ છે.
યુરોપમાં જે રીતે કાળઝાળ ગરમી પડી રહી છે તેના કારણે બ્રિટન અને અન્ય કેટલાક દેશોની આસપાસના દરિયા અને મહાસાગરોનું પાણી ગરમ થઈ રહ્યું છે. આ વધી રહેલી ગરમી સામાન્ય નથી પણ તેનું સ્તર ચિંતાજનક રીતે વધ્યું છે. ખાસ કરીને બ્રિટનની આસપાસના દરિયામાં તાપમાન પાંચ ડિગ્રી જેટલું વધી ગયું છે. તેના દરિયાઈ વિસ્તારોમાં છેલ્લાં ચાર વર્ષ દરમિયાન ત્રીજી વખત દરિયાના તાપમાનમાં આવો અસાધારણ વધારો નોંધાયો છે. મનુષ્યો માટે આ સ્થિતિના સ્પષ્ટ પરિણામો છે, જેમ કે દરિયામાં ગરમીથી બચવા જતા ડૂબી જવાના કિસ્સા વધવા. પરંતુ દરિયાઈ તાપમાનના આ વધારાની અસર માત્ર જમીન પર રહેતા મનુષ્યો સુધી સીમિત નથી. તેની સૌથી ઘાતક અને વિનાશક અસર સમુદ્રની અંદર રહેતી જીવસૃષ્ટિ પર પડી રહી છે. એકકોષીય સૂક્ષ્મ પ્લેન્કટોનથી લઈને મહાકાય વ્હેલ માછલી સુધીની તમામ પ્રજાતિઓ આ તાપમાન વૃદ્ધિનો ભોગ બની રહી છે.
સમુદ્રમાં લાગતી આ અદ્રશ્ય આગને વિજ્ઞાાનની ભાષામાં 'મરીન હીટવેવ' કહેવામાં આવે છે. જ્યારે સમુદ્રના કોઈ ચોક્કસ વિસ્તારનું તાપમાન સળંગ પાંચ કે તેથી વધુ દિવસો સુધી તે મોસમના સામાન્ય તાપમાન કરતાં નોંધપાત્ર રીતે વધારે રહે છે, ત્યારે તેને મરીન હીટવેવ જાહેર કરવામાં આવે છે. જમીન પર આવતા હીટવેવથી આપણે સૌ પરિચિત છીએ, પરંતુ સમુદ્રની અંદર સર્જાતા હીટવેવ વધુ જટિલ અને લાંબા ગાળાના હોય છે.
જાણકારોના મતે માનવસર્જિત પ્રવૃત્તિઓથી ઉત્સર્જિત થતા ગ્રીનહાઉસ વાયુઓને કારણે વાતાવરણમાં જે વધારાની ગરમી ઉત્પન્ન થાય છે, તેના નેવું ટકાથી વધુ ભાગનો સંગ્રહ સમુદ્રો કરે છે. આ સિવાય વાતાવરણીય પરિબળો જેવા કે વાદળોનું ઓછું પ્રમાણ, સૂર્યપ્રકાશનું વધુ પડતું પ્રમાણ અને પવનની ધીમી ગતિને કારણે પણ દરિયાની સપાટીનું પાણી ઠંડુ થઈ શકતું નથી. સાથોસાથ, ગરમ પાણીના દરિયાઈ પ્રવાહોનું વિષુવવૃત્ત તરફથી ધ્રુવીય પ્રદેશો તરફ વહન થવું અને 'અલ નિનો' જેવી ઘટનાઓ પ્રશાંત મહાસાગરમાં તાપમાનમાં મોટો ઉછાળો લાવે છે, જે વૈશ્વિક સ્તરે દરિયાઈ હીટવેવની અસર વધારી દે છે.
બ્રિટનના ઉત્તર અટલાન્ટિક પ્રદેશમાં તાજેતરના વર્ષોમાં તાપમાનના અભૂતપૂર્વ રેકોર્ડ તૂટયા છે. જૂન ૨૦૨૩માં યુકેના દરિયાઈ પ્રદેશોમાં ઇતિહાસનો સૌથી તીવ્ર હીટવેવ નોંધાયો હતો, જ્યાં તાપમાન સામાન્ય કરતાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ વધુ ઊંચું ગયું હતું. નેશનલ ઓસેનિક એન્ડ એટમોસ્ફિયરિક એડમિનિસ્ટ્રેશન દ્વારા આ સ્થિતિને 'કેટેગરી-૪' અને 'કેટેગરી-૫' હીટવેવ તરીકે વર્ગીકૃત કરવામાં આવી હતી. આ પછી મે ૨૦૨૫ અને જુલાઈ ૨૦૨૬ દરમિયાન પણ યુકેના દરિયાઈ વિસ્તારોમાં ફરીથી તાપમાન અસાધારણ સ્તરે પહોંચી ગયું છે. હવામાન વિજ્ઞાાનીઓના જણાવ્યા મુજબ, આવા બનાવોના પરિણામો તરત જ જોવા મળતા નથી, પરંતુ સમુદ્રમાં થઈ રહેલું નુકસાન ધીમે ધીમે સામે આવે છે અને તેની સંપૂર્ણ અસર સમજવામાં વર્ષો નીકળી જાય છે.
ચિંતાજનક બાબત એવી છે કે, દરિયાઈ હીટવેવથી મરિનલાઈફ સંપૂર્ણપણે રીતે વિખરાવા લાગે છે. કેલ્પ એટલે કે દરિયાની અંદર ઊગતી વિશાળ શેવાળના જંગલો, જે હજારો નાના જીવો માટે ઘર અને ખોરાક પૂરો પાડે છે, તે ગરમ પાણીને કારણે સુકાઈને નાશ પામે છે. આ ઉપરાંત, પરવાળા એટલે કે કોરલને દરિયાના વરસાદી જંગલો ગણવામાં આવે છે. જ્યારે પાણીનું તાપમાન વધે છે, ત્યારે પરવાળા તેમની અંદર વસતા રંજકદ્રવ્ય ધરાવતા શેવાળને બહાર ફેંકી દે છે, જેનાથી પરવાળા સંપૂર્ણ સફેદ થઈ જાય છે અને ભૂખમરાથી મૃત્યુ પામે છે. આ જ રીતે, દરિયાઈ ઘાસના મેદાનો પણ નાશ પામી રહ્યા છે, જે સામાન્ય રીતે વાતાવરણમાંથી કાર્બન સોંપવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
તાપમાન વધવાને કારણે જીવસૃષ્ટિનું સ્થળાંતર પણ મોટા પાયે થાય છે. ઠંડા પાણીમાં રહેવાની ટેવ ધરાવતી પ્રજાતિઓ, જેમ કે કૉડ માછલી, ગરમી સહન ન થતાં ઉત્તર ધ્રુવ તરફ સ્થળાંતર કરી રહી છે. આના કારણે સ્થાનિક દરિયાઈ પક્ષીઓ, જેમ કે પફિન, તેમને પોતાના બચ્ચાઓ માટે ખોરાક મળતો બંધ થયો છે. આ સાથે જ સીલ, ડોલ્ફિન અને વ્હેલ જેવા સમુદ્રી સસ્તન પ્રાણીઓના જીવનચક્ર અને પ્રજનન દર પર ગંભીર નકારાત્મક અસરો પડી રહી છે, જેનાથી સમગ્ર દરિયાઈ આહાર શ્રૂંખલા ખોરવાઈ ગઈ છે.
મરિન લાઈફના જાણકારો માને છે કે, દરિયાઈ ગરમીનું એક સૌથી ભયાનક પાસું 'એલ્ગલ બ્લૂમ' એટલે કે ઝેરી શેવાળનો વિસ્ફોટ છે. જ્યારે સમુદ્રનું પાણી ગરમ હોય, સૂર્યપ્રકાશ સખત હોય, દરિયો શાંત હોય અને પાણીમાં નાઇટ્રોજન તથા ફોસ્ફરસ જેવા પોષક તત્વોનું પ્રમાણ વધી જાય, ત્યારે ઝેરી સૂક્ષ્મ શેવાળ અત્યંત ઝડપથી વધવા લાગે છે. આ ઝેરી શેવાળ એવા બાયોટોક્સિન્સ છોડે છે, જેને શંખ, સીપ, આઇસ્ટર, મસલ્સ અને કરચલા જેવા શેલફિશ પોતાના શરીરમાં ફિલ્ટર કરીને જમા કરે છે. લોકો આ દૂષિત શેલફિશનું સેવન કરે, તો તેમને પેરાલિટિક શેલફિશ પોઇઝનિંગ અથવા ગંભીર ન્યુરોલોજીકલ બીમારીઓ થઈ શકે છે, જે જીવલેણ સાબિત થાય છે. આ જ કારણે બ્રિટનની ફૂડ સ્ટાન્ડર્ડ્સ એજન્સી સહિત વૈશ્વિક સંસ્થાઓ દરિયાઈ પાણીમાં દરિયાઈ જૈવ-વિષની સતત દેખરેખ રાખતી હોય છે.
આ ઉપરાંત દરિયાના વધતા તાપમાનને કારણે યુકેના દક્ષિણ કિનારે આવેલા ડેવોન અને કોર્નવોલના વિસ્તારોમાં તાજેતરમાં ઓક્ટોપસની સંખ્યામાં અસાધારણ ઉછાળો જોવા મળ્યો છે.
ગરમ પાણી ઓક્ટોપસના પ્રજનન અને વૃદ્ધિ માટે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. આ ઓક્ટોપસ સ્થાનિક કરચલા અને લોબ્સ્ટરનો મોટા પાયે શિકાર કરી રહ્યા છે, જેના કારણે સ્થાનિક માછીમારોના જાળમાં લોબ્સ્ટર આવવાના બંધ થઈ ગયા છે. આથી તેમણે મજબૂરીમાં ઓક્ટોપસ પકડવા તરફ વળવું પડયું છે, જે આર્થિક રીતે ઓછું નફાકારક છે. સાથોસાથ, ગરમ પાણીને કારણે યુકેના કિનારે જેલીફિશના વિશાળ ઝૂંડ જોવા મળી રહ્યા છે, જે પ્રવાસન અને મત્સ્ય ઉદ્યોગ બંને માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા છે.

  • પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં ૨૦૧૧માં આ સ્થિતિ ઊભી થતાં સમસ્યા સામે આવી
    દરિયાઈ હીટવેવ એ કોઈ એક દેશ પૂરતી મર્યાદિત સમસ્યા નથી. સમગ્ર વિશ્વમાં તેના વિનાશક પરિણામો નોંધાયા છે. પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં વર્ષ ૨૦૧૧માં સતત વધતા દરિયાઈ તાપમાન પછી પહેલીવાર 'મરીન હીટવેવ' શબ્દ પ્રચલિત થયો હતો. તે સમયે સો કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલા કેલ્પના જંગલો નાશ પામ્યા હતા અને એબાલોન, ઝીંગા તથા કરચલાના ઉદ્યોગો ભાંગી પડયા હતા, જેમાંથી કેટલાક વિસ્તારો આજે ૧૫ વર્ષ પછી પણ પુનઃસ્થાપિત થઈ શક્યા નથી. તેવી જ રીતે, ઉત્તર અટલાન્ટિક અને પેસિફિક મહાસાગરમાં વર્ષ ૨૦૧૪થી ૨૦૧૬ દરમિયાન 'ધી બ્લોબ' નામે ઓળખાતો ગરમીનો એક વિશાળ ક્ષેત્ર સર્જાયો હતો, જેના કારણે એક લાખથી વધુ દરિયાઈ પક્ષીઓ ભૂખમરાથી માર્યા ગયા હતા અને હજારો વ્હેલ માછલીઓના સ્થળાંતરના માર્ગો બદલાયા હતા. ઓસ્ટ્રેલિયાના ગ્રેટ બેરિયર રીફમાં ૨૦૧૬, ૨૦૧૭, ૨૦૨૦ અને ૨૦૨૪માં થયેલા માસ કોરલ બ્લીચિંગને કારણે દુનિયાની સૌથી મોટી પરવાળાની દીવાલનો પચાસ ટકાથી વધુ ભાગ કાયમી ધોરણે ક્ષતિગ્રસ્ત થયો છે. માર્ચ ૨૦૨૪માં વૈશ્વિક દરિયાઈ સપાટીનું સરેરાશ તાપમાન ૨૧.૦૭ ડિગ્રી સેલ્સિયસના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયું હતું. ખાસ વાત એ છે કે, દરિયાઈ હીટવેવ માત્ર પર્યાવરણનો પ્રશ્ન નથી, પરંતુ તે સામાજિક અને આર્થિક રીતે માનવજાત સાથે સીધો જોડાયેલો છે. વિશ્વની ત્રણ અબજથી વધુ વસતિ પ્રોટીન માટે દરિયાઈ ખોરાક પર નિર્ભર છે. માછલીઓની ઘટતી સંખ્યા અને સ્થળાંતરથી ગરીબ દેશોમાં ખાદ્ય સંકટ ઊભું થઈ રહ્યું છે. વૈશ્વિક સ્તરે મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા લાખો માછીમારો રોજગારી ગુમાવી રહ્યા છે, જ્યારે પરવાળાના વિનાશથી સ્કૂબા ડાઇવિંગ અને કોસ્ટલ ટુરિઝમને કરોડો ડોલરનું નુકસાન થઈ રહ્યું છે. સાથોસાથ, ગરમ પાણી ઓછો ઓક્સિજન અને ઓછો કાર્બન ડાયોક્સાઇડ શોષી શકતું હોવાથી સમુદ્રની કાર્બન સોંપવાની ક્ષમતા ઘટી રહી છે, જેનાથી ગ્લોબલ વોર્મિંગની પ્રક્રિયા વધુ ઝડપી
    બની છે.