News Focus

ઈરાન યુદ્ધ : ક્રૂડ-ગેસ નહીં સમગ્ર ગલ્ફ ઈકોનોમીને ઘમરોળી કાઢી

By GS Team
25 Aug 20267 mins read
TukuTouch Logo
ઈરાન યુદ્ધને લીધે ખાડી દેશોના મનોરંજન, રમતગમત અને પ્રવાસન ઉદ્યોગો ખોરવાયા છે. અબુ ધાબીમાં યોજાનારો શકીરાનો 'ઓફલિમિટ્સ' મ્યુઝિક ફેસ્ટિવલ 2026 રદ કરાયો છે. કતારમાં શકીરાનો કોન્સર્ટ મુલતવી રખાયો છે. યુદ્ધને કારણે ક્રૂડ-ગેસ સિવાયના અર્થતંત્રના એન્જિન ગણાતા આ ક્ષેત્રોને મોટો ફટકો પડ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાન યુદ્ધ : ક્રૂડ-ગેસ નહીં સમગ્ર ગલ્ફ ઈકોનોમીને ઘમરોળી કાઢી
  • ઈરાન યુદ્ધને પગલે ખાડી દેશોના મનોરંજન, રમતગમત અને પ્રવાસન ઉદ્યોગો પણ ખોરવાઈ રહ્યા છે
  • યુએઈ, સાઉદી અરેબિયા અને કતાર જેવા દેશોએ હાઇડ્રોકાર્બન પરની પોતાની નિર્ભરતા ઘટાડી અર્થતંત્રમાં વિવિધતા લાવવાના પ્રયાસોના ભાગરૂપે પ્રવાસન, ઉડ્ડયન, મનોરંજન અને આંતરરાષ્ટ્રીય રમતગમતમાં વર્ષો સુધી ભારે રોકાણ કર્યું છે. હવે આ યુદ્ધ તેમની તે વ્યૂહરચનાની કસોટી કરી રહ્યું છે : મોટા મ્યુઝિક ફેસ્ટિવલ અને સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવા અને હોટલ, રેસ્ટોરન્ટ્સ, પરિવહન, રિટેલ અને અન્ય સેવાઓ પરના ખર્ચને પ્રોત્સાહિત કરવા માટે તૈયાર કરાયેલી વ્યાપક ટૂરિઝમ પોલિસીનો એક ભાગ છે. બીજી તરફ, કતાર ટુરિઝમના જણાવ્યા અનુસાર, શકીરાનો દોહા ખાતેનો કોન્સર્ટ રદ કરવાને બદલે મુલતવી રાખવામાં આવ્યો છે : ક્રૂડના વધતા ભાવ ઊર્જા નિકાસકારોને આવકનું એક રક્ષણ આપી શકે છે પરંતુ તે નક્કર આવાક માટે હવે પૂરતા નથી. ખાડી દેશોની ક્રૂડ-ગેસની સંપત્તિ નોંધપાત્ર નાણાકીય ટેકો પૂરો પાડે છ પરંતુ ઈરાન યુદ્ધનો આ સંઘર્ષ એવા ક્ષેત્રોને એકસાથે ખોરવી રહ્યો છે જેને સરકારોએ તેમની ક્રૂડ-ગેસ સિવાયની અર્થવ્યવસ્થાના એન્જિન તરીકે ઓળખાવ્યા છે

ઈરાન યુદ્ધની આર્થિક અસરો હવે માત્ર ક્રૂડ ઓઇલ બજારો અને શિપિંગ માર્ગો પૂરતી સીમિત ન રહેતાં વધુ વ્યાપક બની રહી છે, જેના કારણે ખાડી દેશોના ઝડપથી વિકસી રહેલા મનોરંજન, રમતગમત અને પ્રવાસન ઉદ્યોગો પણ ખોરવાઈ રહ્યા છે. આનો તાજેતરનો સંકેત અબુ ધાબીથી મળ્યો છે. અહેવાલો અનુસાર આયોજકોએ 'ઓફલિમિટ્સ' મ્યુઝિક ફેસ્ટિવલની ૨૦૨૬નું આયોજન રદ કરી દીધું છે. આ મહોત્સવમાં કોલંબિયન ગાયિકા શકીરા મુખ્ય આકર્ષણ બનવાની હતી. તેના કારણે તેને શકિરા ફેસ્ટિવલ પણ કહેવાતો હતો. પ્રાદેશિક તણાવને કારણે આ ઉત્સવ અગાઉ એપ્રિલથી નવેમ્બર સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો પણ આયોજકોએ જણાવ્યું હતું કે આ ઇવેન્ટ ૨૦૨૭માં ફરી યોજાશે અને ટિકિટ ધારકોને તેમના નાણાં પરત આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ નિર્ણય ત્યારે સામે આવ્યો છે જ્યારે યુનાઇટેડ આરબ અમીરાતે ઈરાન સાથેના આર્થિક અને નાણાકીય વ્યવહારો સ્થગિત કરી દીધા છે. આ ઉપરાંત યુએઈના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે ઈરાન તરફથી બે બેલેસ્ટિક મિસાઇલો છોડવામાં આવી હતી, જે દરિયાઈ ટ્રાફિકને નિશાન બનાવી રહી હોવાનું પણ જણાયું હતું. જોકે, ઈરાને આ આરોપને પાયાવિહોણો ગણાવીને ફગાવી દીધો છે. જાણકારોના મતે વર્તમાન સ્થિતિ ખાડી દેશોની અર્થવ્યવસ્થાઓ માટે એક મોટો પડકાર દર્શાવે છે. યુએઈ, સાઉદી અરેબિયા અને કતાર જેવા દેશોએ હાઇડ્રોકાર્બન પરની પોતાની નિર્ભરતા ઘટાડી અર્થતંત્રમાં વિવિધતા લાવવાના પ્રયાસોના ભાગરૂપે પ્રવાસન, ઉડ્ડયન, મનોરંજન અને આંતરરાષ્ટ્રીય રમતગમતમાં વર્ષો સુધી ભારે રોકાણ કર્યું છે. હવે આ યુદ્ધ તેમની તે વ્યૂહરચનાની કસોટી કરી રહ્યું છે.
ખાસ વાત એ છે કે, ઓફલિમિટ્સ મ્યુઝિક ફેસ્ટિવલ ૨૧ નવેમ્બરે અબુ ધાબીના યાસ આઇલેન્ડ પર આવેલા એતિહાદ પાર્ક ખાતે યોજાવાનો હતો. આ લાઇન-અપમાં શકીરા મુખ્ય કલાકાર હતી, જેમાં જોનાસ બ્રધર્સ, ને-યો, બિફી ક્લાઇરો અને અન્ય આંતરરાષ્ટ્રીય તથા પ્રાદેશિક કલાકારો પણ સામેલ થવાના હતા. આ ફેસ્ટિવલ મૂળરૂપે તો આ વર્ષે ૪ એપ્રિલે યોજાવાનો હતો, પરંતુ યુદ્ધના પડઘમ વચ્ચે તેને નવેમ્બરમાં ખસેડવામાં આવ્યો હતો. ૧૮ ઑગસ્ટે, આયોજકોએ જાહેરાત કરી હતી કે ૨૦૨૬ની આવૃત્તિ રદ કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે, ખાડી દેશોનો મનોરંજન ઉદ્યોગ હવે માત્ર છૂટાછવાયા સંગીત સમારોહ પૂરતો મર્યાદિત નથી રહ્યો.
મોટા મ્યુઝિક ફેસ્ટિવલ અને સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને આકર્ષવા અને હોટલ, રેસ્ટોરન્ટ્સ, પરિવહન, રિટેલ અને અન્ય સેવાઓ પરના ખર્ચને પ્રોત્સાહિત કરવા માટે તૈયાર કરાયેલી વ્યાપક ટૂરિઝમ પોલિસીનો એક ભાગ છે. બીજી તરફ, કતાર ટુરિઝમના જણાવ્યા અનુસાર, શકીરાનો દોહા ખાતેનો કોન્સર્ટ રદ કરવાને બદલે મુલતવી રાખવામાં આવ્યો છે. મૂળરૂપે ૧ એપ્રિલ માટે નિર્ધારિત આ શો હવે ૧૮ નવેમ્બર માટે ફરીથી શેડયૂલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ક્રિેસ્ટીના એગ્યુલેરાનો અબુ ધાબી ખાતેનો એક અલગ કોન્સર્ટ, જે મૂળ એપ્રિલમાં યોજાવાનો હતો અને બાદમાં ૨૫ સપ્ટેમ્બરે ખસેડાયો હતો.
વર્લ્ડ ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ કાઉન્સિલ (WTTC) ના તાજા આંકડા ખાડી દેશોના અર્થતંત્રને પડેલા મોટા ફટકાની તસવીર રજૂ કરે છે. એક અહેવાલમાં, WTTC એ આગાહી કરી હતી કે ૨૦૨૬માં ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ જીડીપીમાં ઘટાડો નોંધાવનાર મધ્ય પૂર્વ વિશ્વનો એકમાત્ર પ્રદેશ હશે. કાઉન્સિલ અપેક્ષા રાખે છે કે આ ક્ષેત્રમાં ૧૪.૫ ટકાનો ઘટાડો થશે, જે ૨૦૨૫માં ૩૮૬ અબજ ડોલરથી ઘટીને આ વર્ષે ૩૩૦ અબજ ડોલર થઈ જશે. આ મંદી પાછળનું કારણ યુદ્ધને પગલે એરસ્પેસ અને મુસાફરીના પ્રવાહ પર પડેલી અસરને ગણાવ્યું છે, કારણ કે આ પ્રદેશ વૈશ્વિક ઉડ્ડયનનું એક મોટું હબ છે. જાણકારોના મતે આ પ્રદેશ દર સાતમાંથી એક આંતરરાષ્ટ્રીય પ્રવાસીનું સંચાલન કરનારું હબ ગણાય છે.
એક મુખ્ય ઉડ્ડયન અને પ્રવાસન કેન્દ્ર હોવાને કારણે UAE પર આની ખાસ અસર પડી છે. ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ ક્ષેત્ર યુએઈ જીડીપીમાં ૧૧.૯ ટકા યોગદાન આપે છે અને કુલ રોજગારીના ૧૩.૬ ટકા હિસ્સાને ટેકો આપે છે. આ ઉપરાંત યુએઈમાં આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓનો ખર્ચ લગભગ ૫૭ અબજ ડોલર રહેવાની ધારણા છે. કતાર પણ આંતરરાષ્ટ્રીય મુસાફરી પર ખૂબ નિર્ભર છે. જાણકારોની ધારણા છે કે મુલાકાતીઓનો ખર્ચ દેશની સેવા નિકાસમાં ૯૪.૧ ટકા હિસ્સો ધરાવે છે. આનાથી ઉડ્ડયન અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં લાંબા સમય સુધી ચાલતો વિક્ષેપ ખાડી દેશોની અર્થવ્યવસ્થાઓ માટે અત્યંત ચિંતાજનક બની જાય છે.
ચિંતાજનક વાત એ છે કે, યુદ્ધની અસર ઉડ્ડયન ક્ષેત્રના ડેટામાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) એ જણાવ્યું હતું કે માર્ચના પ્રથમ સાત દિવસ દરમિયાન ખાડી દેશોના એરપોર્ટ પરથી ઉપડતી અથવા પહોંચતી આશરે ૮૫ ટકા ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. માર્ચના અંત સુધીમાં, તે એરપોર્ટો પરથી મૂળ નિર્ધારિત ફ્લાઇટ્સમાંથી અડધા કરતાં પણ ઓછી ફ્લાઇટ્સ કાર્યરત હતી. ફેબુ્રઆરીમાં કરવામાં આવેલી યોજનાઓની તુલનામાં મે મહિના માટે આ પ્રદેશની નિર્ધારિત ફ્લાઇટ્સમાંથી લગભગ ચોથા ભાગની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. તેવી જ રીતે જૂનથી ઑગસ્ટ માટેનું આશરે ૩ ટકા આયોજિત ક્ષમતા પણ એરલાઇન શિડયુલમાંથી હટાવી દેવામાં આવી હતી. ખાડીના મુખ્ય મથકો પર થતો વિલંબ કે વિક્ષેપ એશિયા, યુરોપ અને વિશ્વના અન્ય ભાગો વચ્ચેના મુસાફરોના પ્રવાહને અસર કરી શકે છે. ઇવેન્ટ ઉદ્યોગ માટે, આનાથી સીધી સમસ્યા ઊભી થાય છે. આંતરરાષ્ટ્રીય કલાકારો, રમતવીરો, ટીમો, સપોર્ટ સ્ટાફ અને પ્રેક્ષકો બધા જ ભરોસાપાત્ર એર કનેક્ટિવિટી પર નિર્ભર છે. આ યુદ્ધને પગલે રમતગમતના સેક્ટરમાં પણ વ્યાપક સમસ્યા સર્જાઈ છે અને કરોડોનું ફંડ અટવાયું છે કે ધોવાયું છે. ફોર્મ્યુલા ૧ એ આંતરરાષ્ટ્રીય રમતગમતને આ સંઘર્ષ કેવી રીતે અસર કરી છે તેનું સૌથી સ્પષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. માર્ચમાં, ફોર્મ્યુલા ૧ અને FIA એ પુષ્ટિ કરી હતી કે પ્રાદેશિક સુરક્ષા પરિસ્થિતિને કારણે બહેરીન અને સાઉદી અરેબિયન ગ્રાન્ડ પ્રિક્સ એપ્રિલમાં યોજાશે નહીં. ત્યારબાદ એપ્રિલ માટે કોઈ વૈકલ્પિક રેસ નક્કી કરવામાં આવી ન હતી. જુલાઈમાં, F1 અને FIA એ જાહેરાત કરી હતી કે મલેશિયાનું સેપાંગ ઇન્ટરનેશનલ સર્કિટ ૨ થી ૪ આક્ટોબર દરમિયાન બહેરીન ગ્રાન્ડ પ્રિક્સનું આયોજન કરશે, જેનાથી ચેમ્પિયનશિપમાં બહેરીનનું સ્થાન જાળવી રાખીને ઇવેન્ટને અન્યત્ર ખસેડવામાં આવી. આ પગલાનો અર્થ એ છે કે બહેરીન રેસ ૨૦૨૬ની ચેમ્પિયનશિપમાંથી અદ્રશ્ય થઈ નથી. પરંતુ તે દર્શાવે છે કે જ્યારે કોઈ મોટી આંતરરાષ્ટ્રીય રમતગમતની ઇવેન્ટ તેના આયોજિત સ્થળે યોજી શકાય તેમ નથી, ત્યારે કેવી લોજિસ્ટિકલ અને આર્થિક મુશ્કેલીઓ ઊભી થાય છે. બહેરીન અને સાઉદી રેસ રદ થવાથી અંદાજે ૧૯૦ મિલિયનથી ૨૦૦ મિલિયન ડોલરની સંભવિત આવકને અસર પહોંચી છે.
બીજી તરફ રોઇટર્સ અનુસાર, ૨૦ આગસ્ટે બ્રેન્ટ ક્ડ ૩.૧ ટકા વધીને આશરે ૯૪.૬૦ ડોલર પ્રતિ બેરલ પર બંધ થયું હતું. આ વધારાએ ખાડી શેરબજારોને થોડો ટેકો પૂરો પાડયો હતો, જોકે રોકાણકારોમાં સાવચેતી યથાવત રહી હતી. કતારનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ તે દિવસે ૦.૯ ટકા ઘટયો હતો, જે સતત ચાર સત્રોની મંદીને આગળ વધારીને બે વર્ષથી વધુ સમયના સૌથી નીચલા સ્તરે બંધ થયો હતો. તાજેતરની તંગદિલી વાણિજ્યિક સંબંધોને પણ સીધી અસર કરી રહી છે. યુએઈએ ૧૮ ઑગસ્ટે જાહેરાત કરી હતી કે તે મિસાઇલની ઘટના બાદ આગામી સૂચના સુધી ઈરાન સાથેના આર્થિક અને નાણાકીય વ્યવહારો સ્થગિત કરશે.

આગામી એક દાયકાના લાંબાગાળાના ફાયદાની આશા રાખી શકાય
મધ્ય પૂર્વની ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ ઇકોનોમી ૨૦૨૬ અને ૨૦૩૬ વચ્ચે ૬.૩ ટકાના વાર્ષિક દરે વૃદ્ધિ પામશે, જે ૨૦૩૬ સુધીમાં ૬૦૫ અબજ ડોલર સુધી પહોંચશે. સાઉદી અરેબિયા, યુએઈ, ઓમાન અને કતાર આ વિસ્તરણના મુખ્ય પ્રેરક બળોમાં સામેલ થવાની ધારણા છે. સામૂહિક રીતે, તેમની ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ અર્થવ્યવસ્થાઓએ ૨૦૨૫ માં ૨૭૨ અબજ ડોલરનું ઉત્પાદન કર્યું હતું અને ૨૦૩૬ સુધીમાં તે ૪૩૫ અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. આ દર્શાવે છે કે વર્તમાન સમસ્યા ખાડીની વિવિધતાની કહાનીનો અંત નથી. જોકે, ભૌગોલિક રાજકીય આંચકાઓ સામે આ વ્યૂહરચના કેટલી મજબૂત છે તેની આ એક મોટી કસોટી છે. ઉલ્લેખનીય છે કે, શકીરાની આગેવાની હેઠળનો ફેસ્ટિવલ રદ થવો કે ખ૧ રેસનું સ્થળાંતર થવું તે ખૂબ જ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. પરંતુ આ ઘટનાઓ આર્થિક અસરનો માત્ર એક ભાગ દર્શાવે છે. એક મોટી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ એરલાઇન્સ, હોટલો, રેસ્ટોરન્ટ્સ, ટેક્સીઓ, રિટેલર્સ, ઇવેન્ટ કંપનીઓ અને અસ્થાયી કામદારો વચ્ચે ખર્ચની એક શૃંખલા બનાવે છે. જ્યારે કોઈ ઇવેન્ટ રદ થાય છે અથવા ખસેડવામાં આવે છે, ત્યારે તેમાંથી કેટલોક ખર્ચ ગાયબ થઈ શકે છે અથવા અન્ય સ્થળે શિફ્ટ થઈ શકે છે તેનું આ મોટું ઉદાહરણ છે. આ જ બાબત ઉડ્ડયન અને શિપિંગના અવરોધને પણ લાગુ પડે છે. લાંબા ફ્લાઇટ રૂટથી એરલાઇનનો ખર્ચ વધી શકે છે. હોર્મુઝ દ્વારા શિપિંગમાં ઘટાડો લોજિસ્ટિકલ જોખમો વધારે છે. ક્રૂડના વધતા ભાવ ઊર્જા નિકાસકારોને આવકનું એક રક્ષણ આપી શકે છે પરંતુ તે સમગ્ર અર્થતંત્રમાં ઇંધણ અને પરિવહન ખર્ચમાં પણ વધારો કરી શકે છે. આથી ખાડી દેશો એક મુશ્કેલ સંતુલન સાધવાની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. તેમની ક્ડ-ગેસની સંપત્તિ નોંધપાત્ર નાણાકીય ટેકો પૂરો પાડે છે. પરંતુ આ સંઘર્ષ એવા ક્ષેત્રોને એકસાથે ખોરવી રહ્યો છે જેને સરકારોએ તેમની ક્રૂડ-ગેસ સિવાયની અર્થવ્યવસ્થાના એન્જિન તરીકે ઓળખાવ્યા છે.