News Focus

પૂરમાં તણાતા ભારતે જાપાનનું ફ્લડ મેનેજમેન્ટ શીખવા જેવું છે!

By GS Team
31 Jul 20267 mins read
TukuTouch Logo
ભારતના સ્માર્ટ શહેરો 4 ઇંચ વરસાદમાં જળબંબાકાર થાય છે, ત્યારે જાપાનના ટોકિયોમાં 2 દાયકાથી પૂર નથી આવતું. જાપાને 1992માં 2 અબજ ડોલરના ખર્ચે "મેટ્રોપોલિટન એરિયા આઉટર અંડરગ્રાઉન્ડ ડિસ્ચાર્જ ચેનલ" બનાવી, જે વિશ્વની સૌથી મોટી ભૂગર્ભ પૂર નિયંત્રણ પ્રણાલી છે. ભારતે જાપાન પાસેથી આ ટેકનોલોજી શીખવી જોઈએ.

Summarized by AI; it may make mistakes. Check important info

પૂરમાં તણાતા ભારતે જાપાનનું ફ્લડ મેનેજમેન્ટ શીખવા જેવું છે!
  • ભારતના સ્માર્ટ શહેરોમાં ચાર ઈંચ વરસાદમાં ચારેકોર પાણી ભરાઈ જાય છે અને જાપાનમાં બે દાયકાથી ટોકિયોમાં પૂર આવ્યા નથી
  • જાપાનની મેટ્રોપોલિટન એરિયા આઉટર અંડરગ્રાઉન્ડ ડિસ્ચાર્જ ચેનલ વિશ્વની સૌથી મોટી ભૂગર્ભ પૂર નિયંત્રણ પ્રણાલી છે, જે કાસુકાબે, સાઇતામામાં જમીનથી ૫૦ મીટર નીચે આવેલી છે : જાપાન સરકારે ૧૯૯૨માં આ મહાકાય પ્રોજેક્ટનું કામ શરૂ કર્યું, જે ૨૦૦૬માં પૂર્ણ થયું. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે ૨ અબજ ડોલરનો ખર્ચ થયો હતો : આ સિસ્ટમમાં કોંંક્રીટથી બનેલા ૫ વિશાળ વર્તુળાકાર ટાંકીઓ (સાયલો) છે. દરેક ટાંકીની ઊંડાઈ ૬૫ મીટર અને વ્યાસ ૩૨ મીટર છે. આ પાંચેય સાયલો જમીનની અંદર ૬.૩ કિલોમીટર લાંબી અને ૧૦.૬ મીટર વ્યાસ ધરાવતી ટનલ દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે : તેનું સૌથી મહત્વનું પાસું પ્રેસર એડજસ્ટિંગ ટેન્ક છે જે ૧૭૭ મીટર લાંબી, ૭૮ મીટર પહોળી અને ૨૫.૪ મીટર ઊંચી છે : તેમાં ૧૪,૦૦૦ હોર્સપાવરના જેટ-એન્જિન સંચાલિત ૪ ટર્બાઇન પંપ છે જેની પ્રતિ સેકન્ડ ૨૦,૦૦,૦૦૦ લીટર પાણી નિકાલ કરવાની ક્ષમતા છે

ભારતમાં હાલમાં આસામ અને મેઘાલયમાં ભયાનક પૂર આવેલું છે. દર ચોમાસામાં આ રાજ્યોમાં ભયાનક વરસાદ પડે છે અને જીવલેણ પૂર આવે છે પણ ભારતમાં ક્યારેય આ કુદરતી સમસ્યાનો નિકાલ લાવવાની તસદી કોઈએ લીધી નથી. આ રાજ્યો તો એવા છે જેમાં દુનિયાનો સૌથી વધુ વરસાદ પડે છે અને ત્યાં પૂર આવે છે પણ ગુજરાત મોડેલમાં તો બે-ચાર ઈંચ વરસાદમાં શહેરોમાં નદીઓ વહેતી થઈ જાય છે.
તાજેતરમાં જ અમદાવાદમાં તોફાની વરસાદ આવ્યો હતો અને બે દિવસ સુધી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ રહ્યા હતા. હજી આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે ત્યાં લોકોના મનમાં ફફડાટ પેઠો છે કે, મ્યુનિસપાલિટિના અંધાધૂંધ વિકાસનું પરિણામ ફરીએક વખત તેમને ભોગવવાનું આવશે.
ઉલ્લેખનીય છે કે, ભારત જેને પોતાનો મિત્ર દેશ ગણાવે છે તે જાપાન પાસેથી ફ્લડ મેનેજમેન્ટ શીખવા જેવું છે. જાપાનના ટોકિયોમાં વારંવાર આવતા વાવાઝોડા અને તોફાની વરસાદમાં જે પૂર આવે છે તેનાથી શહેરને બચાવવાનો રસ્તો જાપાને છેલ્લાં બે દાયકાથી કરી દીધો છે.
જાપાને પૂર અને વાવાઝોડા જેવી કુદરતી આપત્તીમાં પણ સ્વબચાવ કરવાની અને શહેરોને ભયમુક્ત રાખવાની ટેક્નોલોજી વિકાસવી છે. જાપાનના મિત્ર ભારતમાં અનેક શહેરોમાં પૂરની આફતની રાહ જોવાતી હોય છે જેથી ભ્રષ્ટ અધિકારીઓ અને મળતિયાઓ માટે અવસર ઊભો થાય. પ્રિમોન્સુન કામગીરીના નામે દેશના કરોડો રૂપિયાના ગોટાળા કરનારાઓને એક વખત જાપાનના જી-કેન્સ પ્રોજેક્ટની સમજ આપવા જેવી છે. ભારતે ખરેખર આ ટેક્નોલોજી અપનાવવા જેવી છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને આધુનિક તકનીકના અદ્ભુત સમન્વયનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, જી-કેન્સ પ્રોજેક્ટ. તેને મેટ્રોપોલિટન એરિયા આઉટર અંડરગ્રાઉન્ડ ડિસ્ચાર્જ ચેનલ કહેવાય છે. આ વિશ્વની સૌથી મોટી ભૂગર્ભ પૂર નિયંત્રણ પ્રણાલી છે, જે કાસુકાબે, સાઇતામા (ટોક્યોના બહારના વિસ્તાર)માં જમીનથી ૫૦ મીટર નીચે આવેલી છે. ટોક્યો શહેર ચક્રવાત અને ભારે ચોમાસાના વરસાદથી સતત પૂરના જોખમ હેઠળ રહેતું હતું. નજીકની નદીઓનું પાણી શહેરમાં ઘૂસી જતાં અબજો ડોલરનું નુકસાન થતું. આ કુદરતી આપત્તિથી વિશ્વના સૌથી મોટા મહાનગરને બચાવવા માટે જાપાન સરકારે ૧૯૯૨માં આ મહાકાય પ્રોજેક્ટનું કામ શરૂ કર્યું, જે ૨૦૦૬માં પૂર્ણ થયું. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે ૨ અબજ ડોલરનો ખર્ચ થયો હતો.
આ સિસ્ટમમાં કોંક્રીટથી બનેલા ૫ વિશાળ વર્તુળાકાર ટાંકીઓ (સાયલો) છે. દરેક ટાંકીની ઊંડાઈ ૬૫ મીટર અને વ્યાસ ૩૨ મીટર છે. આ પાંચેય સાયલો જમીનની અંદર ૬.૩ કિલોમીટર લાંબી અને ૧૦.૬ મીટર વ્યાસ ધરાવતી ટનલ દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. પ્રોજેક્ટનું સૌથી આકર્ષક અને મહત્વનું પાસું પ્રેસર એડજસ્ટિંગ ટેન્ક છે. આ ટેન્ક ૧૭૭ મીટર લાંબી, ૭૮ મીટર પહોળી અને ૨૫.૪ મીટર ઊંચી છે. તેની છતને ટેકો આપવા માટે ૫૯ મહાકાય કંક્રીટના થાંભલા બનાવવામાં આવ્યા છે. દરેક થાંભલાનું વજન ૫૦૦ ટન જેટલું છે. પૂરના પાણીને બહાર ફેંકવા માટે તેમાં ૧૪,૦૦૦ હોર્સપાવરના જેટ-એન્જિન સંચાલિત ૪ ટર્બાઇન પંપ લગાવાયેલા છે. પ્રતિ સેકન્ડ ૨૦,૦૦,૦૦૦ લીટર પાણી નદીમાં નિકાલ કરવાની આ પંપની ક્ષમતા છે.
જ્યારે ટોક્યોની આસપાસની નાની નદીઓ ઓવરફ્લો થાય છે, ત્યારે વધારાનું પાણી આપોઆપ આ ૫ સાયલોમાં પ્રવેશ કરે છે. સાયલોમાંથી પાણી ટનલ દ્વારા એકઠું થાય છે. ત્યાં પાણીનું દબાણ શાંત થયા પછી શક્તિશાળી ટર્બાઇન્સ ચાલુ કરીને સેકન્ડોમાં લાખો લીટર પાણીને સુરક્ષિત રીતે મોટી એદોગાવા નદીમાં છોડી દેવામાં આવે છે. જી-કેન્સ બદલાતા આબોહવા અને ગ્લોબલ વાર્મિંગના યુગમાં, જાપાને બનાવેલી ભૂગર્ભ અજાયબી છે.
ભારતમાં ફ્લડ કન્ટ્રોલની વાત આવે તો ત્યાં લોકોની લાચારી અને તંત્રની મનમાની સિવાય કશું જ હોતું નથી. ગમે ત્યારે સેનાને ઉતારીને રાહત બચાવ કરવા પડે છે. બીજી તરફ નેતાઓ તસવીરો ખેંચાવા પૂરના પાણીમાં લટાર મારીને છવાઈ જવા ઉતરે છે. બાકી લોકોના ઘરમાં ઘુસતા પાણી, તેમને થતા નુકસાન કે પછી તેમની મજબૂરીનો કાયમી ઉકેલ આવે તેમાં કોઈને રસ નથી. અહીંયા તો પ્રિમોન્સુન કામગીરીના નામે ભ્રષ્ટાચારનો ધિકતો ધંધો કરવામાં આવે છે. ગટરલાઈનો વારંવાર ચોકઅપ થઈ જાય છે તેની સફાઈ થતી નથી.
નાળાઓ અને કેનાલો ગંદકીથી ખદબદતા હોય છે તેની સામે જોવાનો કોઈની પાસે સમય નથી. એન્જિનિયરો, તેમના મળતીયા અધિકારીઓ અને ભ્રષ્ટ નેતાઓનું નેક્સસ છે જે તમામ કોન્ટ્રાક્ટ મેળવી છે અને ભગબટાઈમાં લોકોની મજબૂરીનો ધંધો કરે છે. શહેરોનો વિકાસ કરવાના નામે અબજો રૂપિયાનો વેડફાટ કરાય છે અને વ્યવસ્થાના નામે કશું જ આપવામાં આવતું નથી. દેશના વડા પ્રધાન જે દેશને સતત યાદ કરે છે, તેના વડાઓની યજમાની કરે છે તે જાપાન પાસેથી આવી કુદરતી આફતના નિવારણ માટે પણ પ્રેરણા લેવી જોઈએ.
જાપાનમાં તાજેતરમાં ભૂકંપ આવ્યો, થોડી સમસ્યા થઈ, જાનહાની થઈ પણ દિવસના અંતે જનજીવન થાળે પડી ગયું. ત્યાં સતર્કતા, સમયસુકતા, સુઆયોજન અને સંવેદના છે અને તેથી જ વિસર્જનની સાથે સાથે સર્જનની પ્રક્રિયા સતત ચાલતી રહે છે. અહીંયા લોકો વધારે જાગ્રત અને તંત્ર વધારે સાબદું છે જેથી સમસ્યા આવે ત્યારે તેમાંથી ઉગરવાના રસ્તા શોધવામાં આવે છે નહીં કે ભાગદોડ કરવામાં આવે. જાપાનમાં તાજેતરમાં ભૂકંપ આવ્યો હતો. તેમાં કેટલીક ઈમારતોને નુકસાન થયું પણ બાકી ખાસ જાનમાલનું નુકસાન થયું નહોતું. તેમાં ૧૩ લોકોનાં મોત થયા હતા તેમ છતાં જાપાનની ખુમારી એ છે કે, આવા દરરોજ ઘણા કુદરતી પડકારોનો સામનો કરવા છતાં તે વિકાસની બાબતમાં દુનિયામાં અડિખમ ઊભું છે. તેની કંપનીઓ, તેની સેવાઓ આજે દુનિયાભરના દેશોમાં ફેલાયેલી છે. ઉલ્લેખનીય છે કે, જાપાન એક એવો દેશ જે વર્ષમાં લગભગ ૧૫૦૦ થી ૧૬૦૦ ભૂકંપ સહન કરે છે, જેને પ્રતિદિનની સરેરાશમાં જોઈએ તો દિવસમાં ચાર વખત ધરતી ધૂ્રજે છે. અહીં સુનામી અને જ્વાળામુખી ફાટવો એ સામાન્ય વાત છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે દર વખતે બધું જ ઘમરોળાયા પછી પણ જાપાન બમણા ઉત્સાહ સાથે ઊભું થઈ જાય છે અને દુનિયાને પાછળ છોડીને પ્રગતિની નવી ગાથા લખે છે. આ નાનકડા દેશની આવી જ વિચારસરણી ૧૯૪૫માં બીજા વિશ્વયુદ્ધમાં પરમાણુ બોમ્બ હુમલાથી લઈને રોજિંદી સુનામી અને ભૂકંપ જેવી ઘટનાઓ સામે લડવામાં કામ આવે છે.
મહત્ત્વની વાત એ છે કે, જાપાનીઓએ સ્વીકારી લીધું છે કે કુદરત સામે લડી શકાતું નથી. તેથી તેમણે કુદરત સાથે જીવવાનું અને તેનાથી જ શીખવાનું શરૂ કરી દીધું. તે લોકો એક ખાસ વિચારસરણી પર કામ કરે છે, જે કહે છે - બિલ્ડ બેક બેટર. એટલે કે જ્યારે પણ કંઈક તૂટે, તો તેને પહેલા કરતાં વધુ મજબૂત બનાવો. જાપાને આપત્તિ વ્યવસ્થાપનમાં ખૂબ સંશોધન કર્યું છે. તેના પગલે આજે તેમની પાસે દુનિયાની સૌથી શ્રેષ્ઠ અર્લી વોર્નિંગ સિસ્ટમ છે.

કુદરતી આફત સામે લડીને નહીં પણ સમસ્યાનો ઉકેલ શોધીને કામ કરવું
જાપાનમાં બાળકોને શાળાઓમાંથી જ શીખવવામાં આવે છે કે ભૂકંપ આવે ત્યારે શું કરવું. ત્યાં મોક ડ્રિલ એ સામાન્ય વાત છે.
આ જ કારણ છે કે મોટી આપત્તિ વખતે પણ જાપાની લોકો નાસભાગ મચાવતા નથી, પરંતુ અનુશાસિત રહીને એકબીજાની મદદ કરે છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૧માં જ્યારે ફુકુશિમામાં પરમાણુ આપત્તિ આવી હતી, ત્યારે આખો દેશ એક થઈ ગયો હતો. ત્યાંના લોકોએ પોતાની જરૂરિયાતો ઓછી કરી, વીજળી બચાવી અને સરકાર સાથે મળીને દેશને સંભાળ્યો. કોઈ પણ સંગ્રહખોરી કે કાળાબજારી જેવી ઘટના બની નહીં. આ ઉપરાંત ઇનોવેશન અને રિસર્ચમાં ખૂબ જ કામ થયું. જાપાને પોતાની નબળાઈ એટલે કે ઓછા સંસાધનો અને કુદરતી આપત્તિઓને જ પોતાની તાકાત બનાવી લીધી. તેમણે રોબોટિક્સ, ઓટોમોબાઇલ અને ઇલેક્ટ્રોનિક્સમાં એવી ટેકનોલોજી બનાવી, જેની આખી દુનિયામાં ડિમાન્ડ છે.
ટોયોટા, સોની અને હોન્ડા જેવી કંપનીઓ આજે પણ વિશ્વભરમાં દબદબો ધરાવે છે. જાણકારોના મતે જાપાને નબળાઈને ઢાંકવા નહીં પણ દૂર કરવા માટે સખત મહેનત કરી છે. જાપાન પાસે કુદરતી સંસાધનો ખૂબ ઓછા છે. પરંતુ તેમણે પોતાની માનવ શક્તિ એટલે કે હ્યુમન રિસોર્સને જ પોતાનું સૌથી મોટું સંસાધન માન્યું. તેમણે એવી હળવી અને ઓછી જગ્યા રોકતી વસ્તુઓ બનાવી, જેણે આખી દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી.
આ ઉપરાંત 'મેડ ઇન જાપાન'નો અર્થ જ વિશ્વાસ થાય છે. ત્યાં સામાનની ક્વોલિટી સાથે ક્યારેય બાંધછોડ કરવામાં આવતી નથી. આ જ કારણ છે કે આજે પણ દુનિયાની અડધાથી વધુ હાઇ-ટેક મશીનરી અને રોબોટિક પાર્ટ્સ જાપાનથી જ આવે છે. જાપાને પોતાનું સૈન્ય વધારવા કે હથિયારો બનાવવા કે ખરીદવામાં મોટું રોકાણ કરવાના બદલે પોતાની તાકાત શિક્ષણ, સાયન્સ અને ટેકનોલોજી પર લગાવી દીધી. તેમણે દુનિયાભરમાંથી નવી ટેકનોલોજી શીખી અને તેને પોતાના હિસાબે વધુ ઉમદા બનાવી. પરિણામ એ આવ્યું કે જે દેશ ઉપર અમેરિકા અને પશ્ચિમી દેશોએ અણુબોમ્બ વરસાવ્યા હતા તે જાપાન થોડા જ દાયકાઓમાં તેમને ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઇલ અને રોબોટિક્સ અને અન્ય ટેક્નોલોજીમાં જબરદસ્ત ટક્કર આપતું થઈ ગયું.